આર્મીમૅન બનીને મહિલાઓને પ્રેમજાળમાં ફસાવતા અમદાવાદી 'રિકી બહેલ'ની કહાણી

જુલિયન સિંહા Image copyright bhargav parikh
ફોટો લાઈન આરોપી જુલિયન સિંહા

બોલીવૂડની ફિલ્મ 'લેડિઝ વર્સિસ રિકી બહેલ' જોનારા દર્શકોને યાદ હશે કે રિકી બહેલનું પાત્ર ભજવતા રણવીર સિંહ કેવી રીતે છોકરીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવીને તેમનું બૅન્ક બૅલેન્સ ખાલી કરી નાખે છે.

આવી જ ફિલ્મી ઘટના બની છે, અમદાવાદમાં. ફરક માત્ર એટલો છે કે અહીંનો રિકી બહેલ યુવાન નહીં પણ 42 વર્ષનો આધેડ છે.

જુલિયન સિંહા છોકરીઓને નહીં પણ વિધવા, છૂટાછેડા લીધેલી મહિલાઓ સાથે લાગણીભર્યા સંબંધો કેળવીને રૂપિયા પડાવી લેતા હતા.

જુલિયન સિંહા નિવૃત સૈન્ય અધિકારીના પુત્ર છે પણ મહિલાઓની લાગણીઓ સાથે રમી પૈસા પડાવવામાં માહેર છે.

પણ પોતાને લશ્કરના જવાન ગણાવી લાખો રૂપિયા પડાવતા આ નકલી આર્મીમેનને એક મહિલા ભારે પડી છે.

મહિલાની ફરિયાદના આધારે પોલીસે તેમની ધરપકડ કરી લીધી છે.

જુલિયન સિંહા મૅટ્રિમોનિયલ સાઇટ પર કબીર સિંહા નામથી ફેક એકાઉન્ટ બનાવતા હતા અને જે મહિલાઓએ છૂટાછેડા લીધેલા હોય કે વિધવા હોય એની પાસે પોતાની પ્રોફાઇલ મોકલતા હતા.

જો કોઈ મહિલા થોડો પણ રસ દાખવે તો સિંહા એમની સાથે ફોન પર વાત કરવાનું શરૂ કરી દેતા.

આ રીતે તેઓ મહિલાઓને ફસાવતા અને તેમની પાસેથી નાણાં પડાવતા હતા.


કેવી હતી મોડસ્ ઑપરૅન્ડી?

Image copyright Getty Images
ફોટો લાઈન સિંહાએ મેટ્રિમોનિયલ સાઇટના માધ્યમથી મહિલાઓને ફસાવવામાં મહારત હાંસલ કરી હતી

તેમની સામે ફરિયાદ કરનારાં મહિલા કવિતાને પણ જુલિયને ફસાવ્યાં હતાં.

કવિતાએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "સામાન્ય રીતે છૂટાછેડા લીધેલી મહિલાને સહાનુભૂતિની જરૂર હોય છે."

"એની વાતોમાં સહાનુભૂતિ હતી અને એકલતા અનુભવતી મહિલા ઝડપથી એના પ્રેમમાં પડી જતી."

તેમણે વધુમાં જણાવ્યું, "જુલિયન સિંહા ખાસ એ જોતો કે વિધવા કે છૂટાછેડા લીધેલી મહિલાનું ફૅમિલી બૅકગ્રાઉન્ડ કેવું છે?"

"જો એ પૈસાદાર ઘરની મહિલા હોય તો જ સંબંધ આગળ વધતો હતો."

"એકવાર એ મહિલા એની વાતમાં આવી જાય તો પોતાને મેજર તરીકે ઓળખાવતો જુલિયન એની પાસે લશ્કરમાં આતંકવાદી વિરોધી ફંડ કે સૈનિક કલ્યાણ ફંડના નામે પૈસા ઉઘરાવતો હતો."

કવિતાએ વધુમાં કહ્યું, "કમ્પ્યૂટરનો જાણકાર જુલિયન એકવાર કોઈ યુવતી નાની રકમ આપી દે પછી પોતે પણ ડિવોર્સી હોવાની વાત કરતો.''''લશ્કરની નોકરીને કારણે પત્ની છોડી ને જતી રહી હોવાના બહાના કાઢતો અને શરૂઆતમાં યુવતીઓને ભેટ પણ મોકલતો હતો."

"એના પિતા લશ્કરમાંથી નિવૃત થયા હોવાને કારણે એનામાં આર્મીનું શિસ્ત હતું."

"તેના એક પગમાં ખોડ છે. જુલિયન યુવતીઓની વધુ સહાનુભૂતિ મેળવવા માટે ફોન પર પગની ઈજાના વીડિયો દેખાડતો."

"એણે સરહદ પર આતંકવાદી સાથે લડતા ગોળી વાગી હોવાથી એની પહેલી પત્નીએ એને છોડી દીધો હોવાની વાર્તા પણ ઘડી કાઢી હતી."

"આવી લાગણીસભર દેશપ્રેમની વાતમાં મહિલાઓ ઝડપથી આવી જતી હતી."


કવિતાને કેવી રીતે ફસાવ્યાં?

Image copyright Getty Images
ફોટો લાઈન કવિતાની મુલાકાત પણ મેટ્રોમોનિયલ સાઇટ દ્વારા થઈ હતી

પોતાની સાથે જુલિયને કરેલી છેતરપિંડીની વિગતો આપતા કવિતાએ કહ્યું, "અમારી મિત્રતા મેટ્રિમોનિયલ સાઇટના માધ્યમથી થઈ."

"તેણે દેશપ્રેમના કારણે લગ્નજીવન તૂટી ગયું હોવાની વાત કરી અને હું એ વાતોમાં આવી ગઈ."

"વાતચીત દરમિયાન એમ કહ્યું હતું કે એ કચ્છના નલિયામાં આર્મીમાં મેજર છે."

"એક વખત તેણે કહ્યું કે એનું બૅન્કનું ખાતું કોઈ કારણસર ફ્રીઝ થઈ ગયું છે અને આર્મી દ્વારા એને મકાન મળે છે, માટે તેને તાત્કાલિક 49,500 રૂપિયાની જરૂર છે."

કવિતાએ જણાવ્યું, "મેં એને બૅન્કમાં રૂપિયા ટ્રાન્સફર કરી દીધા કારણ કે એણે કહ્યું હતું કે એ મને બીજા જ દિવસે રૂપિયા પાછા આપી દેશે."

"જોકે, ત્યારબાદ એના ફોન આવતા બંધ થઈ ગયા. જ્યારે હું તેને ફોન કરતી ત્યારે તરત જ પૈસા મોકલી આપવાની વાત કરતો હતો."

કવિતાને એની વાત પર શંકા ગઈ એટલે એમણે જુલિયનને લગ્ન પહેલાં એમના માતાપિતાને મળવાની વાત કરી.

કવિતા કહે છે, "તેણે એના પિતા નિવૃત આર્મીમેન હોવાની વાત કરી અને અમદાવાદના મોટેરામાં 'સ્વાધીનતા બંગલોઝ'માં રહેતા હોવાનું પણ જણાવ્યું."

"અમે તપાસ કરી તો ખબર પડી કે એના પિતા વિક્ટર નિવૃત આર્મીમેન હતા પરંતુ જુલિયન લશ્કરમાં નથી."

"એની તપાસમાં ખબર પડી કે એ ખોટા નામે મેટ્રિમોનિયલ સાઇટ પર બીજી છોકરીઓને ફસાવી ચૂક્યો છે."

કવિતાએ તેમની તપાસને આધારે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી અને જુલિયન સિંહા સાથે સંપર્કો ચાલુ રાખ્યા.


કેવી રીતે પોતાની જાળમાં ફસાયો?

Image copyright bhargav parikh

પોલીસની મદદથી તપાસ ચાલી રહી હતી ત્યારે પોલીસને ખબર પડી કે જુલિયન સિંહાએ અલગ અલગ આઈ.પી. ઍડ્રેસથી ઘણી બધી મેટ્રિમોનિયલ વેબસાઇટ પર પોતાની પ્રોફાઇલ મૂકી હતી.

ગુજરાત સાયબર સેલના ઇન્સ્પેક્ટર જી. એસ. ગેડમે બીબીસી સાથે ની વાતચીતમાં કહ્યું, "અમે કવિતાને જુલિયન સાથે સંપર્કમાં રહેવાનું કહ્યું હતું."

"દરમિયાન અમને તપાસમાં જાણવા મળ્યું કે જુલિયન છૂટાછેડા લીધેલી અને બીજી ઘણી વિધવા મહિલાઓ સાથે સંપર્કમાં હતા."

"કવિતા ઉપરાંત દિલ્હીની છૂટાછેડા લીધેલી એક મહિલા પાસેથી પણ તેમણે આતંકવાદી વિરોધી ફંડના નામે ૩ લાખ રૂપિયા માગ્યા હતા."

"અમે એ બહેનોને ચેતવી દીધાં અને બે દિવસમાં જુલિયનના મોબાઇલ લોકેશનના આધારે મોટેરા પાસેથી પકડી લીધા."

જોકે, પોલીસ તપાસમાં ખબર પડી કે, વર્ષ 2016માં પણ તેમની ધરપકડ થઈ ચૂકી છે.

એ સમયે જુલિયને લશ્કરમાં મેજર હોવાનું કહી એક ડિવોર્સી બિઝનેસ વુમન પાસેથી આ જ રીતે ૩૦ લાખ રૂપિયા પડાવી લીધા હતા.

એ કેસમાં સાબરમતી પોલીસે એમની ધરપકડ કરી હતી. જામીન પર છૂટીને એમણે ફરી આ પ્રકારે મેટ્રિમોનિયલ સાઈટ પર છૂટાછેડા લીધેલી અને વિધવા મહિલાઓને ફસાવવાનું શરૂ કર્યું હતું.

ઇન્સ્પેક્ટર ગેડમે કહ્યું, "એ પોતાને MBAના અભ્યાસ બાદ લશ્કરમાં મેજર હોવાનું જણાવતા હતા."

"પોતાના પગમાં આતંકવાદીઓ સામે લડતી વખતે ગોળી વાગી હોવાની વાત કરીને મહિલાઓને ફસાવનાર આ આરોપી ધોરણ 10 નાપાસ છે."

"એના પગમાં કોઈ ગોળી વાગી નથી પણ નસમાં તકલીફ હોવાને કારણે તે લંગડય છે."

જુલિયને અલગ-અલગ રાજ્યોની 25 યુવતીઓને લગ્નના બહાને ફસાવી પૈસા પડાવ્યા હોવાની પોલીસ શંકા સેવી રહી છે.


આ પ્રકારની છેતરપિંડીથી કેવી રીતે બચવું?

Image copyright Getty Images

આ પ્રકારના કિસ્સાથી બચવા માટે શું કરી શકાય તે વિશે અમદાવાદમાં મેરેજ બ્યુરો ચલાવતાં સ્મિતા શેઠે બીબીસી ગુજરાતી સાથે વાત કરી હતી.

તેમણે જણાવ્યું, "લગ્ન માટે કોઈ પણ વ્યક્તિ પર ભરોસો મૂકતાં પહેલાં એમના માતાપિતા, પરિવારને મળવું જોઈએ."

"કુટુંબની જાણકારી મેળવવી જોઈએ. અમારા મૅરેજ-બ્યુરોમાં લોકોને અમે પહેલાં એકબીજા સાથે મુલાકાત કરાવીએ છીએ."

"પસંદગી નક્કી થાય ત્યારબાદ અમે તેમને 15થી 25 દિવસ એકબીજાને સમજવાનો મોકો આપીયે છીએ."

"ત્યારબાદ લગ્ન માટે આગળ વધવાની સલાહ આપીએ છીએ. માત્ર ઇન્ટરનેટ અને મોબાઇલ કૉલના પરિચયને આધારે લગ્ન કરવાની સલાહ નથી આપતા."

અન્ય એક મેરેજ બ્યૂરો ચલાવતાં રાધિકાબહેને બીબીસી ગુજરાતીને કહ્યું, "આજકાલ લોકો એકબીજાનું બૅકગ્રાઉન્ડ તપાસ્યા વગર લગ્ન કરવા તૈયાર થાય છે."

"જેના કારણે આવી સમસ્યા ઊભી થતી જોવા મળે છે. કોઈ એ પાત્રોનાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ જોતાં નથી."

"એમનું ફ્રેન્ડ લિસ્ટ જોતું નથી. જો આ બધી તપાસ કરવામાં આવે તો બંને પાત્રો વિશે આસાનીથી માહિતી મળી જાય."

"અમે પહેલાં આ બધી તપાસ કરીએ છીએ, ત્યારબાદ પરિવારોને મળીને સંબંધ નક્કી કરીએ છીએ."

"જેથી કારણે આવી સમસ્યા ઊભી ના થાય. એકલતા અનુભવતી મહિલાઓને ખોટા નામે છેતરવાના કિસ્સા વધ્યા બાદ અમે આવી ચકાસણી શરૂ કરી છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો