નારી અધિકાર, સેક્સ અને બ્રહ્મચર્ય વિશે ગાંધીજીના વિચારો કેવા હતા?

ગાંધીજી Image copyright Getty Images
ફોટો લાઈન ગાંધીજી તેમની પૌત્રી આભા અને મનુ સાથે.

ડિસેમ્બર 1935માં અમેરિકામાં જન્મેલાં અને ગર્ભનિરોધકના પુરસ્કર્તા તરીકે તેમજ સેક્સ શિક્ષક તરીકે જાણીતાં માર્ગરેટ સૅંગર મહાત્મા ગાંધીજીને મહારાષ્ટ્રમાં તેમના આશ્રમમાં મળ્યાં હતાં અને તેમની સાથે ઘણી રસપ્રદ ચર્ચાઓ કરી હતી.

સૅંગર ભારતના 18 દિવસના પ્રવાસે આવ્યાં હતાં અને તેમણે ગર્ભનિરોધક અને નારી મુક્તિ સહિતના વિષયો પર ડૉક્ટરો અને સ્વંયસેવકો સાથે ચર્ચાઓ કરી હતી.

ગાંધીજી સાથે થયેલી તેમની વાતચીત પ્રસિદ્ધ ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ લખેલી ગાંધીજીની જીવનકથા 'ફાધર ઑફ ધ નેશન'માં પણ વણી લેવામાં આવી છે.

શાંતિદૂત તરીકે વિશ્વભરમાં પ્રસિદ્ધ થયેલા મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા, ત્યાંથી શરૂ કરીને 1948માં તેમની હત્યા થઈ ત્યાં સુધીના જીવનકાળની નાટકીય ઘટનાઓ વિશે દુનિયાભરના જુદાજુદા 60 ગ્રંથોમાંથી માહિતી એકઠી કરીને ગુહાએ 1129 પાનાઓમાં આવરી લીધી છે.

આ પુસ્તકમાં નારી અધિકાર, સેક્સ અને બ્રહ્મચર્ય વિશેના ગાંધીજીના વિચારોની ઝલક પણ મળી જાય છે.

આપને આ પણ વાંચવું ગમશે

ગાંધીજીના મંત્રી તરીકે મહાદેવ દેસાઈ આશ્રમોમાં નેતાઓ અને કાર્યકરો સાથે બેઠકો થાય તેની અગત્યની નોંધ રાખવાનું કામ કરતા હતા.

તેમણે લખ્યું છે, "સૅંગર અને ગાંધીજી બંને એ વાત પર સહમત હતા કે મહિલાઓને વધારે સ્વતંત્રતા મળવી જોઈએ અને પોતાના ભાવી અંગેનો નિર્ણય તેમણે સ્વંય કરવો જોઈએ."

જોકે, તે પછીના મુદ્દાઓ પર તેમના વચ્ચે અસહમતી ઊભી થઈ હતી.


કસ્તુરબા સાથે શારીરિક સંબંધોના ત્યાગ પછીની ગાંધીજીની મનોદશા

Image copyright Getty Images

સૅંગર 1916માં અમેરિકામાં પ્રથમ 'પરિવાર નિયોજન કેન્દ્ર' ખોલ્યું હતું અને તેઓ માનતાં હતાં કે ગર્ભનિરોધક મહિલાઓની સ્વતંત્રતાનું સૌથી સુરક્ષિત માધ્યમ છે.

તેનો વિરોધ કરતા ગાંધીજીએ કહ્યું કે મહિલાએ પોતાના પતિઓને રોકવા જોઈએ, જ્યારે પુરુષોએ પોતાની કામુકતા પર નિયંત્રણ રાખવું જોઈએ. તેમણે સૅંગરને કહ્યું કે સેક્સ માત્ર સંતાનોત્પત્તિ માટે જ હોઉં જોઈએ.

સૅંગરે તરત જ ગાંધીજીને કહ્યું કે "મહિલાઓમાં પણ પુરુષની જેમ જ કામુકતા હોય છે. મહિલાઓને પણ પોતાના પતિ સાથે સંબંધ માટેની તીવ્ર ઇચ્છા જાગે તેવું બની શકે છે."

તેમણે કહ્યું, "શું તમને લાગે છે કે બે પ્રેમીઓ ખુશ હોય અને બે વર્ષમાં ફક્ત એક જ વાર સેક્સ કરે કે જેથી બાળક પેદા થઈ શકે?"

તેમણે ભારપૂર્વક કહ્યું કે ગર્ભનિરોધક અપનાવવા જોઈએ, જેથી અનિચ્છનિય ગર્ભધારણ ટાળી શકાય અને પોતાના શરીર પર પોતાનું નિયંત્રણ પણ રહે.

જોકે, ગાંધીજી પોતાની વાતને જ વળગી રહ્યા હતા. તેમણે સૅંગરને કહ્યું કે પોતે બધા જ પ્રકારના સેક્સને 'વાસના' માને છે.

પોતાનાં લગ્નજીવનની વાત કરતા તેમણે કહ્યું કે પોતાનાં ધર્મપત્ની કસ્તુરબા સાથે શારીરિક સુખનો ત્યાગ કર્યા બાદ તેમના સંબંધો આધ્યાત્મિક બની ગયા છે.


ગાંધીજીની સહમતી અને વિરોધ

Image copyright Getty Images

ગાંધીજીના લગ્ન 13 વર્ષની ઉંમરમાં જ થઈ ગયા હતા અને તેમણે 38 વર્ષે બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી હતી. તેઓ પોતાના જૈન ગુરુ રાયચંદભાઈ અને રશિયન લેખક લીયો ટૉલ્સટૉયથી પ્રભાવિત થયા હતા અને બ્રહ્મચર્યને અપનાવ્યું હતું.

ગાંધીજીએ પોતાની આત્મકથામાં લખ્યું છે કે તેમના પિતા મરણપથારીએ હતા ત્યારે પણ તેઓ પત્ની સાથે રતિક્રિડામાં વ્યસ્ત હતા.

સૅંગર સાથેની વાતચીતના અંતે જોકે ગાંધીજીનું વલણ થોડું નરમ પડ્યું હતું.

તેમણે કહ્યું કે પુરુષો સ્વેચ્છાએ નસબંધી અપનાવે તો તેમને વાંધો નથી, પરંતુ ગર્ભનિરોધકના બદલે પતિ-પત્નીએ બે પિરિયડ્સ વચ્ચેના સુરુક્ષિત સમયમાં જ સંબંધ બાંધવો જોઈએ.

સૅંગર આશ્રમ છોડીને ગયાં ત્યાં સુધી ગાંધીજીની આ વાત સાથે સહમત નહોતાં. બાદમાં તેમણે 'સ્વચ્છંદતા અને વાસના' અંગેના ગાંધીજીની આશંકાઓ વિશે લખ્યું હતું. પોતાની ઝુંબેશમાં ગાંધીજીનું સમર્થન ના મળ્યું તેથી તેઓ બહુ નિરાશ થયાં હતાં.

Image copyright Penguin

ગાંધીજીએ ગર્ભનિરોધક વિશે ખુલ્લીને વાત કરી હોય તેવો આ પ્રથમ પ્રસંગ નહોતો.

1934માં એક મહિલા કાર્યકરે તેમને સવાલ પૂછ્યો હતો કે શું સ્વનિયંત્રણ એ જ સૌથી ઉત્તમ ગર્ભનિરોધક છે?

તેના જવાબમાં ગાંધીજીએ કહ્યું હતું કે, "શું તમને લાગે છે કે ગર્ભનિરોધકની મદદથી શરીરની સ્વતંત્રતા હાંસલ કરી શકાશે? મહિલાઓએ એ શીખવું જોઈએ કે પોતાના પતિને કઈ રીતે રોકવા. પશ્ચિમની જેમ ગર્ભનિરોધકનો ઉપયોગ કરીશું તો તેના ગંભીર પરિણામો આવશે."

"પુરુષો અને મહિલાઓ માત્ર સેક્સ માટે જ સંબંધ બાંધશે. માનસિક રીતે તેઓ લાગણીહિન અને વિચલિત થઈ જશે. તેઓ માનસિક અને નૈતિક રીતે બરબાદ થઈ જશે."


ગાંધીજીના બ્રહ્મચર્યની કસોટી

Image copyright Gandhi Film Foundation

વર્ષો પછી ભારતની આઝાદી પહેલાંના દિવસોમાં બંગાળમાં નોઆખલીમાં હિન્દુ અને મુસ્લિમો વચ્ચે રમખાણો ફાટી નીકળ્યા તે વખતે ગાંધીજીએ વિવાદાસ્પદ પ્રયોગ કર્યો હતો. તેમણે પોતાની સગી અને સહયોગી મનુ ગાંધી સાથે એક જ પથારીમાં સુવાનો પ્રયોગ કર્યો હતો.

ગુહાએ લખ્યું છે, "તેઓ પોતાના બ્રહ્મચર્યના વ્રતનું પાલન કરી શકે છે કે કેમ તેની કસોટી કરવા માગતા હતા."

ગુહાના જણાવ્યા અનુસાર કોઈક કારણસર ગાંધીજી એવું માનતા હતા કે ''પોતે પૂર્ણ રીતે બ્રહ્મચર્યનું પાલન ના કરી શક્યા તેના કારણે ધર્મના નામે હુલ્લડો થયા હતા".

ધાર્મિક સમરસતા માટે જિંદગીભર પ્રયાસો કરનારા ગાંધીજી આઝાદી પહેલાં જ હિન્દુ અને મુસ્લિમો વચ્ચે રખમાણોને કારણે બહુ વ્યાકુળ થઈ ગયા હતા.

તેમણે સાથીઓને આ 'પ્રયોગ' વિશે વાત કરી ત્યારે તેમનો બહુ વિરોધ થયો હતો. તેઓએ ગાંધીજીને ચેતવણી આપી હતી કે તમારી પ્રતિષ્ઠા ધૂળમાં મળી જશે, તેથી આવા પ્રયોગો બંધ કરો.

તેમના એક સહયોગીએ કહ્યું હતું કે આ 'આશ્ચર્ય પમાડે તેવું અને રોકી ના શકાય' તેવું બંને રીતનું હતું. અન્ય એક સહયોગીએ વિરોધમાં ગાંધીજી સાથે કામ કરવાનું છોડી દીધું હતું.

ગુહા લખે છે કે આ અજબ પ્રયોગને સમજવા માટે એ પણ "સ્પષ્ટપણે સમજવું જરૂરી છે કે પુરુષ કેમ આવું વર્તન કરે છે."


ગાંધીજીના પ્રાચીન હિન્દુ ચિંતન આધારિત વિચારો

Image copyright Gandhi Film Foundation

તે વખતે ગાંધીજીએ બ્રહ્મચર્યનું વ્રત લીધું હતું તેને 40 વર્ષો થવા આવ્યા હતા. "પોતાના જીવનના અંતિમ હિસ્સામાં અખંડ ભારતના પોતાના સપનાને તૂડી પડતું તેમણે જોયું."

"સમાજના સૌથી પ્રભાવશાળી નેતા તરીકે ગાંધીજી સમાજની આ નિષ્ફળતાને પોતાની નિષ્ફળતા તરીકે દર્શાવી રહ્યા હતા."

ગાંધીજીના નીકટના સાથી અને પ્રશંસકે બાદમાં પોતાના એક મિત્રને લખ્યું હતું કે, "ગાંધીજીના શબ્દોમાં મને જોવા મળ્યું કે તેમણે આત્મસંયમનું કઠોર પાલન કર્યું હતું. મધ્યયુગના ઇસાઇ પાદરી કે જૈન સંન્યાસી જે રીતે કઠોર પાલન કરે તે રીતે જ તેમણે કહ્યું હતું."

ઇતિહાસકાર પેટ્રિક ફ્રેન્ચે લખ્યું હતું કે ગાંધીજીના કેટલા અસંગત લાગતા વિચારોની પાછળ પ્રાચીન હિન્દુ ચિંતન રહેલું હતું. "નૈતિકતા અને સ્વાસ્થ્ય, ખાણીપીણી અને ધાર્મિક જીવન વિશેના તેમના જડ સિદ્ધાંતોના કારણે તેઓ વિક્ટોરિયન યુગના વ્યક્તિ હોય તેમ લાગતું હતું."

દેખીતી રીતે જ મહિલાઓ વિશેના ગાંધીજીના વિચારો સંકુલ અને વિરોધાભાસી હતા.

Image copyright GANDHI FILM FOUNDATION

મહિલાઓ પુરુષોને આકર્ષવા માટે પ્રયાસ કરે તે તેમને પસંદ નહોતું તેમ લાગે છે. ગુહાના જણાવ્યા અનુસાર તેઓ 'આધુનિક હેર સ્ટાઇલ અને વસ્ત્રો'ને નાપસંદ કરતા હતા.

ગાંધીજીએ મનુને લખ્યું હતું, "કેટલી દુઃખની વાત છે કે આધુનિક યુવતીઓ પોતાના સ્વાસ્થ્યની સંભાળ લેવાના બદલે ફેશનની વધારે પરવા કરે છે."

મુસ્લિમ મહિલાઓ બુરખા રાખતી હતી તેનો પણ વિરોધ કરતા હતા. તેના કારણે મહિલાઓના આરોગ્યને નુકસાન થાય છે એમ તેઓ માનતા હતા. નારીના શરીરને પૂરતો સૂર્યપ્રકાશ અને હવા ના મળવાથી તેઓ રોગગ્રસ્ત થઈ જાય છે.

જોકે, ગાંધીજી સાથોસાથ એવું પણ માનતા હતો કે મહિલાઓને પુરુષો સમાન અધિકારો મળવા જોઈએ.

Image copyright Getty Images

દક્ષિણ આફ્રિકામાં તેમના સામાજિક અને રાજકીય આંદોલનોમાં મહિલાઓને સામેલ કરવામાં આવી હતી. તેમણે મહિલા નેતા સરોજિની નાયડુને કોંગ્રેસ પક્ષના અધ્યક્ષા પણ બનાવ્યા હતા. તે વખતે પશ્ચિમમાં પણ બહુ ઓછા દેશોમાં મહિલા નેતાઓ હતા.

તેમણે મહિલાઓને કહ્યું હતું કે દારૂની દુકાન સામે જઈને વિરોધ પ્રદર્શન કરવા જોઈએ. બ્રિટિશ સામ્રાજ્ય સામે તેમણે મીઠાનો સત્યાગ્રહ કર્યો ત્યારે પણ ઘણી નારીઓ તેમાં જોડાઈ હતી.

ગુહા લખે છે, "ગાંધીજીએ ક્યારેય આધુનિક નારીવાદની ભાષાનો ઉપયોગ નહોતો કર્યો."

"મહિલા શિક્ષણ તથા કારખાના અને કચેરીઓમાં કામ કરે તેને સમર્થન આપવા સાથે તેમણે વિચારેલું કે મહિલાઓ સંતાનોનો ઉછેર અને ઘરકામને પણ સંભાળી લેશે."

"આજના ધોરણે ગાંધીજી રૂઢિવાદી જ લાગે, પરંતુ તેમના જમાના પ્રમાણે જોઈએ તો તેઓ ચોક્કસ પ્રગતિશીલ હતા."

ગુહા જણાવે છે તે પ્રમાણે 1947માં ભારતને આઝાદી મળી તે પછી તરત જ તેમના વિચારોના વારસાને કારણે ભારતને પ્રથમ મહિલા રાજ્યપાલ અને મહિલા કૅબિનેટ પ્રધાન પણ મળ્યાં હતાં.

લાખો નિરાશ્રિતોને થાળે પાડવાનું કામ શક્તિશાળી મહિલાઓના જૂથને સોંપવામાં આવ્યું હતું. અમેરિકન યુનિવર્સિટીમાં મહિલા અધ્યક્ષા બને તેના દાયકાઓ પહેલાં ભારતની ટોચની એક યુનિવર્સિટીમાં મહિલા ઉપકુલપતીની નિમણૂક થઈ હતી.

ગુહા કહે છે, ''1940 અને 1950ના દાયકામાં ભારતમાં મહિલાઓનું સ્થાન એટલું જ ઊંચું હતું, જેટલું તે સમયગાળાના અમેરિકામાં. તેથી ગાંધીજીના બ્રહ્મચર્યના વિચિત્ર લાગતા પ્રયોગ છતાં આ સ્થિતિ માટેનો શ્રેય તેમને જ આપવો રહ્યો."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ