જયારે 16 વર્ષની કિશોરીને દિલ દઈ બેઠા ઝીણા!

ઝીણા અને રતિની તસવીર Image copyright PAKISTAN NATIONAL ARCHIVE
ફોટો લાઈન ઝીણા અને રતિ

મુંબઈના ધનાઢ્યોમાંના એક સર દિનશૉ પેટિટે જયારે નાસ્તાના ટેબલ ઉપર પોતાના પ્રિય સમાચારપત્ર મુંબઈ ક્રૉનિકલના આઠમાં પાનાં ઉપર નજર કરી, તો સમાચારપત્ર તેમના હાથમાંથી નીચે સરી પડ્યું.

એ દિવસે તારીખ હતી 20 એપ્રિલ 1918. સમાચાર એ હતા કે આગામી સાંજે મોહમ્મદ અલી ઝીણાએ સર દિનશૉનાં પુત્રી લેડી રતિ સાથે લગ્ન કરી લીધું હતું.

આ કથાની શરૂઆત બે વર્ષ પહેલાં થઈ હતી જ્યારે સર દિનશૉએ પોતાના મિત્ર અને વકીલ મોહમ્મદ અલી ઝીણાને દાર્જિલિંગ આવવાનું નોતરું આપ્યું હતું.

ત્યાં દિનશૉનાં 16 વર્ષનાં દીકરી રતિ પણ હાજર હતાં જેમનો સમાવેશ તે જમાનાની મુંબઈની સૌથી સુંદર યુવતીઓમાં થતો હતો. એ દિવસોમાં ઝીણા ભારતીય રાજનીતિના શિખર ઉપર પહોંચવાને આરે હતા.

જોકે, તે સમયે તેમની ઉંમર 40 વર્ષની હતી, પરંતુ દાર્જિલિંગના બરફ આચ્છાદિત શિખરો અને રતિની ગજબનાક સુંદરતાએ એવો માહોલ પેદા કરી દીધો કે રતિ અને ઝીણા એકબીજાના મોહપાશમાં કેદ થઈ ગયાં.

એ જ મુસાફરી દરમિયાન તેમણે સર દિનશૉ પેટિટ પાસે તેમની પુત્રીનો હાથ માંગી લીધો.

'મિસ્ટર એન્ડ મિસિસ ઝીણા-ધ મૅરેજ ધૅટ શુક ઇન્ડિયા'નાં લેખિકા શીલા રેડ્ડી જણાવે છે, "દાર્જિલિંગમાં જ એક વાર સાંજના જમણ બાદ ઝીણા એ સર દિનશૉને સવાલ કર્યો કે આંતરધર્મીય લગ્ન વિષે તેઓ શું વિચારે છે?"


ઝીણાનો પ્રસ્તાવ

Image copyright Getty Images

રતિના પિતાએ ત્વરિત જવાબ આપ્યો કે એનાથી રાષ્ટ્રીય એકતા જાળવી રાખવામાં મદદ મળશે. પોતાના સવાલનો આનાથી સારો જવાબ તો ખુદ ઝીણા પણ આપી શકે એમ નહોતાં.

તેમણે એકપણ શબ્દ વેડફ્યા વગર દિનશૉને કહ્યું કે તેઓ તેમની પુત્રી સાથે લગ્ન કરવા ઇચ્છે છે.

ઝીણાના આ પ્રસ્તાવથી દિનશૉ ગુસ્સામાં પાગલ થઈ ગયા. તેમણે તેમને એ જ ક્ષણે પોતાનું ઘર છોડીને જતા રહેવા કહ્યું. ઝીણાએ આ મુદ્દે અંતઃકરણપૂર્વક દલીલો કરી, પરંતુ તેઓ દિનશૉને મનાવી શક્યા નહીં.

બે ધર્મો વચ્ચે દોસ્તીની તેમની ફૉર્મ્યુલા પહેલાં જ પરીક્ષણમાં નિષ્ફળ ગઈ.

એ પછી દિનશૉએ તેમની સાથે ક્યારેય વાત ના કરી અને રતિ ઉપર પણ અંકુશ લાદી દીધો કે જ્યાં સુધી તે તેમના ઘરમાં રહે, ત્યાં સુધી તે ઝીણાને ક્યારેય નહીં મળે.

આટલેથી ના અટકતા તેમણે અદાલતનો આદેશ પણ લઈ લીધો કે જ્યાં સુધી રતિ ઉંમર લાયક ના થઈ જાય, ઝીણા તેમને મળી શકશે નહીં.

પરંતુ આની ઉપરવટ ઝીણા અને રતિની ફક્ત છૂપી મુલાકાતો જ નહીં પરંતુ એક બીજાને પત્રો પણ લખવાનું પણ ચાલુ રહ્યું.

તમે આ વાંચ્યું કે નહીં?

18 વર્ષનાં રતિ

Image copyright PAKISTAN NATIONAL ARCHIVE

શીલા રેડ્ડી જણાવે છે, "એકવાર દિનશૉએ રતિને એક પત્ર વાંચતા જોઈ. તેઓએ જોરથી બરાડ્યા કે એ ચોક્કસ ઝીણાએ લખ્યો હશે. તેઓ રતિને પકડવા માટે એક ડાઈનિંગ-ટેબલની ચારેય બાજુ દોડવા લાગ્યા જેથી તેઓ રતિના હાથમાંથી ઝીણાએ લખેલો પત્ર છીનવી લે પરંતુ તેઓ રતિને પકડી શક્યા નહીં."

સર દિનશૉનો પનારો એક એવા બૅરિસ્ટર સાથે પડ્યો હતો જે ભાગ્યે જ કોઈ કેસ હારતા હતા. દિનશૉ જેટલાં જિદ્દી હતા, લાંબા ગાળાથી પ્રેમમાં વિરહ વેઠી રહેલું આ જોડું તેમનાથી પણ વધારે જિદ્દી સાબિત થયું.

બંને ધીરજ, મૌન અને અંતઃકરણપૂર્વક રતિની ઉંમર 18 વર્ષ થાય એની રાહ જોતાં રહ્યાં.

ઝીણાની આત્મકથા લખનારા એક અન્ય પ્રોફેસર શરીફ અલ મુજાહિદ કહે છે કે 20મી ફેબ્રુઆરી, 1918એ જયારે રતિ 18 વર્ષનાં થયાં, તો તેઓએ એક છત્રી અને એક જોડી કપડાંની સાથે પોતાના પિતાનું ઘર છોડી દીધું.

ઝીણા રતિને જામિયા મસ્જિદ લઈ ગયા જ્યાં તેમણે ઇસ્લામ ધર્મ અંગીકાર કરી લીધો અને 19 એપ્રિલ, 1918ના દિવસે ઝીણા અને રતિનું લગ્ન થઇ ગયું.


ભારતીય સમાજ

Image copyright HKRDB.KAR.NIC.IN

રતિ અને ઝીણા પર પુસ્તક લખનારા ખ્વાજા રઝી હૈદર કહે છે કે ઝીણા ઇમ્પીરિયલ લેજીસ્લેટિવ કાઉન્સિલમાં મુસ્લિમ સમુદાયનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. જો તેમણે સિવિલ મૅરેજ ઍક્ટ અંતર્ગત લગ્ન કર્યું હોત તો તેમને સંભવિતપણે તેમની બેઠક પરથી રાજીનામું આપવું પડ્યું હોત.

એટલે તેમણે ઇસ્લામી પદ્ધતિથી લગ્ન કરવાનો નિર્ણય લીધો અને રતિ એ માટે તૈયાર પણ થઈ ગયાં. નિકાહનામામાં 1001 રૂપિયાની મહેરની રકમ નક્કી થઈ. પરંતુ ઝીણાએ ભેટ સ્વરૂપે રતિને એક લાખ પચ્ચીસ હજાર રૂપિયા આપ્યા જે 1918માં બહુ મોટી રકમ ગણાતી હતી.

પોતાનાથી ઉંમરમાં 24 વર્ષ નાની યુવતી સાથે ઝીણાનું લગ્ન એ જમાનામાં વૈચારિક રીતે પછાત ભારતીય સમાજ માટે જબ્બર આંચકો હતો.

જવાહરલાલ નહેરુનાં બહેન વિજયલક્ષ્મી પંડિતે પોતાની આત્મકથા 'ધ સ્કોપ ઑફ હૅપિનેસમાં લખ્યું છે, "ઝીણાનાં અમીર પારસી સર દિનશૉનાં પુત્રી સાથે લગ્નથી આખા ભારતમાં એક પ્રકારનું આંદોલન પેદા થઈ ગયું. હું અને રતિ લગભગ એક જ ઉંમરના હતાં, પરંતુ અમારા બંનેનો ઉછેર અલગ-અલગ રીતે થયો હતો."

"ઝીણા એ સમયે ભારતના પ્રખ્યાત વકીલ અને નવા ઊભરી રહેલા નેતા હતા. આ બધી વાતો રતિને પસંદ હતી. એટલે તેમણે પારસી સમુદાય અને પોતાના પિતાના વિરોધ છતાં ઝીણા સાથે લગ્ન કર્યું."

રતિનો પ્રેમ

Image copyright KHWAJA RAZI HAIDAR
ફોટો લાઈન ખ્વાજા રઝી હૈદર

'નાઇટિંગલ ઑફ ઇન્ડિયા'ના નામથી પ્રસિદ્ધ સરોજિની નાયડુએ પણ ડૉ. સૈયદ મહમૂદને લખેલા પત્રમાં ઝીણાના લગ્નનો ઉલ્લેખ કરતા લખ્યું, "છેવટે ઝીણાએ પોતાની લાલસાના આસમાની ગુલાબને તોડી જ લીધું. હું માનું છું કે એ છોકરીએ જેટલી કુરબાની આપી છે તેનો તેમને અંદાજ નથી, પરંતુ ઝીણા એના હકદાર છે. તેઓ રતિને પ્રેમ કરે છે. તેમનાં સ્વકેન્દ્રિય અને અંતર્મુખી વ્યક્તિત્વનું આ જ માનવીય પાસું છે."

ખ્વાજા રઝી હૈદર લખે છે કે સરોજિની નાયડુ પણ ઝીણાના પ્રશંસકોમાંના એક હતાં અને 1916ના કોંગ્રેસ અધિવેશન દરમિયાન તેમણે ઝીણા ઉપર એક કવિતા પણ લખી હતી.

ઝીણાના આત્મકથાકાર હૅક્ટર બૉલીથોએ પોતાના પુસ્તકમાં એક વયસ્ક પારસી મહિલાનો ઉલ્લેખ કર્યો છે જેનું માનવું હતું કે સરોજિનીને પણ ઝીણા સાથે પ્રેમ હતો, પરંતુ ઝીણાએ તેમની લાગણીઓનો પ્રતિભાવ આપ્યો નહીં. તેઓ શાંત અને અલગ-અલગ રહ્યાં.


ઝીણા સાથે પ્રેમ

Image copyright DOUGLAS MILLER/GETTY IMAGES
ફોટો લાઈન ગાંધી અને સરોજિની નાયડુ

જોકે, સરોજિની 'મુંબઈની નાઈટિંગલ'નાં રૂપે ઓળખાતાં હતાં પરંતુ ઝીણા ઉપર તેમના સુરીલા ગાયનની કોઈ અસર થઈ નહોતી.

મેં શીલા રેડ્ડીને પૂછ્યુ કે શું સરોજિની નાયડુને પણ ઝીણા સાથે પ્રેમ હતો? તેમનો ઉત્તર હતો, ના. પરંતુ સરોજિનીને તેમને માટે ખૂબ આદરભાવ હતો.

ઝીણાના એક અન્ય આત્મકથાકાર અઝીઝ બેગે રતિ અને સરોજિની નાયડુનાં ઝીણા તરફના પ્રેમનો ઉલ્લેખ પોતાના પુસ્તકમાં અલગ મથાળા અંતર્ગત કર્યો છે અને તેનું નામ તેમણે આપ્યું છે, 'ટુ વિનસમ વીમેન.'

અઝીઝ બેગ લખે છે કે એક ફ્રેંચ કહેવત છે કે, 'પુરુષોને લીધે સ્ત્રીઓ એકબીજાને નાપસંદ કરવા લાગે છે.' પરંતુ સરોજિનીમાં રતિ તરફ કોઈ ઈર્ષ્યાભાવ ક્યારેય નહોતો. હકીકતમાં તેમણે ઝીણાને રતિ સાથે લગ્ન કરવામાં મદદ કરી હતી.

વર્ષ 1918ની એ વસંતમાં ઝીણા અને રતિના ચમકતા અને ખુશખુશાલ ચહેરા જોઈને લાગતું હતું કે તેઓ એકબીજા માટે જ બન્યાં છે.

ઝીણા અને રતિ

Image copyright SHEELA REDDY
ફોટો લાઈન 'મિસ્ટર એન્ડ મિસિસ જિન્ના- ધ મૅરેજ ધૅટ શુક ઇન્ડિયા'

રતિનું લચકદાર શરીર, રંગીન અને સોનેરી આછા આસમાની અથવા ગુલાબી રંગના પારદર્શક પોશાકથી સુસજ્જ રહેતું. તેઓ જયારે ચાંદી અને સંગેમરમરના લાંબા સિગારેટ કૅસમાં સજાવેલી અંગ્રેજી સિગારેટ્સનો ધુમાડો ઉડાડતાં, ત્યારે તેમનું વ્યક્તિત્વ વધુ નીખરી ઊઠતું.

એમ પણ તેઓની દરેક અદા અને તેમનાં ખણખણતાં હાસ્યથી તેમની હાજરી વધુ ખુશનુમા બની રહેતી.

ખ્વાજા રઝી હૈદર લખે છે કે મહમુદાબાદના રાજા અમીર અહમદ ખાંની ઉંમર સાડા ચાર વર્ષની હશે જયારે ઝીણા અને રતિ પોતાના હનીમૂન દરમિયાન તેમના પિતાની લખનૌની હવેલીમાં રોકાયાં હતાં.

રતિએ સફેદ રંગની સોનેરી અને કાળી કિનારવાળી સાડી પહેરેલી હતી અને તેઓ તેમને એક પરી જેવી લાગી રહ્યાં હતાં.

રાજા અમીર ખાં તેમને બીજીવાર 1923માં મળ્યા હતા જયારે ઝીણા અને રતિ દિલ્હીની 'મૅન્ડેસ હોટલ'માં રોકાયાં હતાં. તે વખતે તેમણે તેમને રમકડાં ખરીદવા માટે પાંચસો રૂપિયા આપ્યા હતા.

રતિ અને ઝીણાના મિત્ર કાનજી દ્વારકા દાસે પણ પોતાના પુસ્તકમાં લખ્યું છે, "હું તેમના ઉપરથી મારી નજર હટાવી નહોતો શકતો અને ત્યાં સુધી તેમની બગ્ગીને નિહાળતો રહેતો, જ્યાં સુધી તેઓ મારી નજર સામેથી ગાયબ ના થઈ જાય."

ગવર્નમેન્ટ હાઉસ

Image copyright PHOTODIVISION.GOV.IN
ફોટો લાઈન જસ્ટિસ એમ સી ચાગલા

ખ્વાજા રઝી હૈદર રતિ અને ઝીણા વિષે એક રસપ્રદ કિસ્સો સંભળાવે છે. એકવાર મુંબઈના ગવર્નર વિલિંગટને ઝીણા દંપતીને જમવા નોતર્યાં. રાત્રીના જમણમાં લો-કટ પોશાકમાં સજ્જ થઈને તેઓ ગયા હતા.

જયારે તેઓ જમવાના ટેબલ ઉપર બેઠા તો લેડી વિલિંગટને પોતાના એડીસીને કહ્યું કે તેઓ રતિ અને ઝીણા માટે એક શાલ લઈ આવે. કદાચ તેઓને ઠંડી લાગતી હશે.

આ સંભાળતા જ ઝીણા તરત જ ઊભા થઈ ગયા અને બોલ્યા, "જો શ્રીમતી ઝીણાને ઠંડી લાગશે તો તેઓ શાલ માંગી લેશે." તેઓ વિરોધરૂપે તેમનાં પત્નીને ડાયનિંગ હૉલની બહાર લઈ ગયા અને વિલિંગટન હતાં ત્યાં સુધી તેમણે ગવર્નમેન્ટ હાઉસ તરફ ક્યારેય ડગલું માંડ્યું નહીં.

રતિ આખાબોલા પણ હતાં. શીલા રેડ્ડી જણાવે છે, "1918માં જયારે લૉર્ડ ચેમ્સફોર્ડએ એ બંનેને શિમલાની વાઇસરોય લૉજમાં જમવા માટે નોતર્યાં ત્યારે તેમણે હાથ જોડીને ભારતીય ઢબે વાઇસરોયનું અભિવાદન કર્યું હતું."

"જમ્યા બાદ, ચેમ્સફોર્ડએ તેમને સલાહ આપી કે જો તેઓ પોતાના પતિની રાજકીય કારકિર્દીની પ્રગતિ થાય એમ ઇચ્છતા હોય તો તેમણે એ જ કરવું જોઈએ જેવું રોમનાં રહેવાસીઓ રોમમાં કરે છે.”

“રતિએ એક પળનાય વિલંબ વગર જવાબ આપ્યો, ‘ઍક્સલેન્સી મેં એવું જ કર્યું જેવું આપ કહી રહ્યા છો. ભારતમાં મેં ભારતીય ઢબે તમારું અભિવાદન કર્યું.’"

બંને વચ્ચે અંતર

Image copyright WWW.NPB.GOV.PK

ખ્વાજા રઝી હૈદર કહે છે કે એક અન્ય પ્રસંગે રતિ એક ભોજન સમારંભમાં રતિ લૉર્ડ રૅડિંગની બાજુમાં બેઠાં હતાં.

જર્મનીની વાત નીકળી તો લૉર્ડ રૅડિંગે કહ્યું, ''હું જર્મની જવા ઇચ્છું છું, પરંતુ યુદ્ધ પછી જર્મન બ્રિટનવાસીઓને પસંદ નથી કરતાં. એટલે હું ત્યાં નથી જઈ શકતો.'' રતિએ તરત જ કહ્યું, "તો તમે ભારતમાં શું કરવા આવ્યા છો?''(ભારતવાસીઓ પણ તમને ક્યાં પસંદ કરે છે?)

ધીમે-ધીમે ઝીણાની વ્યસ્તતા અને બંનેની વચ્ચેનો ઉંમરનો તફાવત ઝીણા અને રતિ વચ્ચે અંતર પેદા થવાનું કારણ બન્યો. તેમની પાસે પોતાની યુવાન અને ધાવણી દીકરીની રમતો માટે કોઈ સમય નહોતો.

ઝીણાના સચિવ રહેલાં અને પછી ભારતમાં વિદેશ મંત્રીનો હોદ્દો ભોગવનાર એમ. સી. ચાગલા લખે છે કે જયારે હું અને ઝીણા કોઈ કાયદાકીય મુદ્દા ઉપર વાત કરી રહ્યા હોઈએ ત્યારે રતિ થોડાં વધારે બની-ઠનીને આવતાં અને ઝીણાના મેજ ઉપર બેસીને પતાના પગ હલાવવાં લાગતાં કે ઝીણા ક્યારે તેમની વાતચીત સમાપ્ત કરે અને તેઓ તેમની સાથે બહાર નીકળે.


ઝીણાનો જવાબ

Image copyright KHWAJA RAZI HAIDER
ફોટો લાઈન ખ્વાજા રઝી હૈદરનું પુસ્તક

ઝીણા મુખેથી નારાજગીનો એક હરફ સુદ્ધાં ઉચ્ચારતા નહીં, પરંતુ તેઓ પોતાનું કામ એવી રીતે કરતા કે જાણે રતિ ત્યાં હાજર જ ના હોય!

ચાગલા પોતાની આત્મકથા 'રોઝીઝ ઈન ડિસેમ્બર'માં એક વધુ રસપ્રદ કિસ્સો જણાવે છે, "એકવાર રતિ મુંબઈના ટાઉન હૉલમાં ઝીણાની શાનદાર લાંબી ગાડીમાં આવ્યાં. જ્યારે તેઓ કારમાંથી બહાર નીકળ્યાં ત્યારે તેમના હાથમાં એક ટિફિન બાસ્કેટ હતી."

"સીડીઓ ચઢતાં તેઓએ કહ્યું, જે (તેઓ ઝીણાને આ જ નામથી બોલાવતાં) વિચારો, હું લંચમાં તમારા માટે શું લાવી છું? ઝીણાનો જવાબ હતો, મને શું ખબર તમે શું લાવ્યા છો? આ વાતે તેઓ બોલ્યાં કે હું તમને ભાવતી હૅમ સૅન્ડવીચ લાવી છું."

"આ સાંભળીને ઝીણા બોલ્યા, માય ગોડ, આ તમે શું કર્યું? શું તમે ઇચ્છો છો કે હું ચૂંટણી હારી જાઉં? શું તમે નથી જાણતા કે હું પૃથક મુસલમાનોવાળી બેઠક ઉપરથી ચૂંટણી લડી રહ્યો છું? જો મારા મતદારોને જાણ થઈ જશે કે હું લંચમાં હૅમ સૅન્ડવીચ જમું છું તો મારા જીતવાની શું આશા રહેશે?"

"આ સાંભળીને રતિનું મોં ઊતરી ગયું. તેઓએ તરત જ ટિફિન ઊઠાવ્યું અને ફટાફટ સીડીઓ ઊતરીને પાછાં જતાં રહ્યાં."

રઝી હૈદરનું આકલન છે કે બંને વચ્ચે અંતર પેદા થવાના રાજકીય કારણો પણ હતાં. વર્ષ 1926 આવતાં-આવતાં ઝીણાનું ભારતીય રાજનીતિમાં એ સ્થાન રહ્યું નહીં જે 1916માં હતું અને તેમણે સાંપ્રદાયિક રાજનીતિનો છેડો પકડી લીધો હતો. પછી તો રતિ પણ બીમાર રહેવાં લાગ્યાં હતાં.

રતિનાં અંતિમ દિવસો

Image copyright Toronto Star Archives

ફ્રાંસમાં બીમારી પછી ભારત પરત ફરતાં રતિએ જહાજ એસ. એસ. રાજપૂતાનામાંથી ઝીણાને પત્ર લખ્યો હતો, "પ્રિય મારા માટે જેટલું પણ તમે કર્યું, તે માટે અભાર. મેં તમને જેટલો પ્રેમ કર્યો છે, એટલો પ્રેમ કોઈએ કોઈ પુરુષને નહીં કર્યો હોય. તમે મને એ ફૂલની જેમ યાદ કરજો જેને તમે તોડ્યું હતું, નહીં કે એ ફૂલની જેમ જેને તમે મસળી નાખ્યું હતું."

20 ફેબ્રુઆરી, 1929ના દિવસે માત્ર 29 વર્ષની ઉંમરે રતિ ઝીણાનું અવસાન થઈ ગયું. તેમનાં અંતિમ દિવસોમાં તેમનાં મિત્ર કાનજી દ્વારકા દાસ તેમની સાથે હતા.

શીલા રેડ્ડી જણાવે છે, "કાનજી લખે છે કે પોતાના અંતિમ દિવસોમાં રતિ ખૂબ જ નિરાશ હતાં. એકવાર મેં તેમને કહ્યું કે હું થોડી વારમાં આવું છું તો તેમણે અત્યંત કરુણામય અંદાજમાં કહ્યું ત્યાં સુધી જો હું જીવિત બચી તો...પછી કાનજીએ એક પાકિસ્તાની પત્રકારને, જે તેમને મળવા મુંબઈ આવ્યા હતા તેમને જણાવ્યું કે રતિએ વધુ પ્રમાણમાં ઊંઘની ગોળીઓ લઈને આત્મહત્યા કરી હતી."

રતિની તબીયત ખરાબ હોવાની ખબર ઝીણાને ત્યારે મળી, જ્યારે તેઓ દિલ્હીમાં વેસ્ટર્ન કોર્ટમાં બેઠા હતા. તેમને મુંબઈથી એક ટ્રંક કૉલ આવ્યો. બીજા છેડે તેમના સસરા દિનશૉ પેટિટ હતા.

છેલ્લાં દસ વર્ષમાં આ પહેલો પ્રસંગ હતો જ્યારે બંને વચ્ચે કોઈ વાત થઈ રહી હતી. ઝીણા તરત જ મુંબઈ માટે ટ્રેનથી રવાના થઈ ગયા હતા.

રસ્તામાં જ તેમને વાઇસરોય અને અન્ય મોટા લોકોના શોક સંદેશાઓના ટેલિગ્રામ મળવાના શરૂ થઈ ગયા હતા જેને લીધે તેમને ખબર પડી ગઈ હતી કે રતિ હવે આ દુનિયામાં નથી રહ્યાં.

મુંબઈ સ્ટેશનથી તેઓ સીધા ખોજા કબ્રસ્તાન ગયા. ત્યાં તેમની રાહ જોવાઈ રહી હતી.

શીલા રેડ્ડી જણાવે છે, "જ્યારે રતિના પાર્થિવ શરીરને કબરમાં દફનાવ્યા બાદ ઝીણાને કહેવામાં આવ્યું કે સૌથી નજીકના સંબંધી હોવાને નાતે તેઓ કબર ઉપર માટી નાંખે, ત્યારે ઝીણા ડૂસકે-ડૂસકે રડી પડ્યા હતા.”

“એ પહેલી અને છેલ્લી વખત હતું જ્યારે કોઈએ ઝીણાને સાર્વજનિક રીતે પોતાની ભાવનાઓને વ્યક્ત કરતા જોયા હતા."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો