વધુ ચાર અઠવાડિયા માટે નજરકેદ રહેશે પાંચ ઍક્ટિવિસ્ટ્સ

સુપ્રીમ કોર્ટની તસવીર Image copyright Getty Images

ભીમા કોરેગાંવ હિંસાના મામલે નજરકેદ રહેલા પાંચ ઍક્ટિવિસ્ટ્સને સુપ્રીમ કોર્ટમાંથી રાહત નથી મળી. સર્વોચ્ચ અદાલતે તેમની જામીન અરજી ફગાવી દીધી હતી.

સુપ્રીમે સ્પેશિલય ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા ધરપકડની તપાસ કરાવવાનો ઇન્કાર કરી દીધો છે અને વધુ ચાર અઠવાડિયા માટે તેમને નજરકેદમાં રાખવાને મંજૂરી આપી છે.

ગત વર્ષે મહારાષ્ટ્રના પુણેની પાસે ભીમા કોરેગાંવ ખાતે જાતીય હિંસા ફાટી નીકળી હતી, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું.

શુક્રવારે ત્રણ જજોની ખંડપીઠે 2:1ની બહુમતીથી આ ચુકાદો આપ્યો હતો. ત્રણમાંથી બે જજોને લાગ્યું હતું કે, 'પ્રતિબંધિત માઓવાદી સંગઠન સાથે સંબંધના પ્રાથમિક પુરાવા મળ્યા છે.'

Image copyright Getty Images

જસ્ટિસ ચંદ્રચૂડે ચુકાદા સાથે અસહમતિ દર્શાવી હતી અને મહારાષ્ટ્ર પોલીસ દ્વારા જે રીતે તપાસ હાથ ધરવામાં આવી, તેની ઉપર સવાલ ઉઠાવ્યા હતા.

સુપ્રીમના ચુકાદા બાદ પુણે પોલીસ માટે તપાસનો માર્ગ મોકળો થયો છે.

સામાજિક કાર્યકર સુધા ભારદ્વાજના પુત્રી માયશાએ બીબીસી પંજાબી સેવાના દલજીત અમી સાથે વાતચીતમાં જણાવ્યું, "મારી માતા તથા અન્યો સામે કોઈ પુરાવા ન હોવા છતાંય તેમની નજરકેદને ચાર અઠવાડિયા માટે લંબાવવામાં આવી છે. જે સંતાપ આપનાર છે. "

"આ ચુકાદાથી અમે નિરાશ થયા છીએ અને યોગ્ય કોર્ટના દરવાજા ખખડાવીશું."

રોમિલા થાપર તથા બુકર પ્રાઇઝ વિજેતા અરુંધતિ રોયના કહેવા પ્રમાણે, જે લોકો ભારતીય જનતા પાર્ટીને પડકારે, તેમની સામ દ્વેષપૂર્વકની કાર્યવાહી થઈ રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો