એ પાંચ તરકીબ જેનાથી તમને યાદ રહી જશે તમામ વાતો

પ્રતીકાત્મક તસવીર Image copyright Getty Images

તમે તમારી જાતને ભલે ગમે તેટલી સ્માર્ટ માનતા હોવ પણ ઘણી વખત એવું બનતું હોય છે કે તમે તમારી યાદશક્તિનો પૂરેપૂરો લાભ ઉઠાવી શકતા નથી.

કેટલાક સર્વેક્ષણ પરથી એ તારણ કાઢવામાં આવ્યું છે કે મોટાભાગનાં વિદ્યાર્થીઓ યાદ રાખવાની તરકીબનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતા નથી.

એને બદલે તેઓ એવી રીતો અમલમાં મૂકતા હોય છે કે તે વધારે લાભકારક સાબિત થતી નથી.

એનું કારણ એ છે કે યાદ રાખવા અંગેના જાતજાતની સલાહ સૂચનો આપણને મળતા હોય છે.

મા-બાપ કંઈક અલગ કહે છે અને ટીચર અલગ, વળી મિત્રોની સલાહ તો આગવી જ હોય છે અને વૈજ્ઞાનિકોનું એમની રિસર્ચના આધારે અલગ જ વાજિંત્ર વાગતું હોય છે.

પરિણામે આપણે ગૂંચવણમાં મૂકાઈ જતા હોઈએ છીએ કે યાદ રાખવાની સાચી રીત કઈ?

આપણા સારા નસીબે મનોવિજ્ઞાનને લગતા એક જાણીતા મૅગેઝીનમાં છપાયેલો આ લેખ વાંચવાથી પાંચ સાચાં અને પાંચ ખોટાં કારણો અંગે જાણવા મળ્યું છે. એનો સાર અમે તમને જણાવીએ છીએ.


પ્રથમ વ્યૂહરચના : બીજી વખત વાંચવું

જો તમે નવા શબ્દો શીખવાનો પ્રયાસ કરી રહ્યાં છો તો સૌથી સામાન્ય વ્યૂહરચના એ છે કે આ શબ્દોને ત્યાં સુધી વાંચતા રહો કે જ્યાં સુધી તેની છાપ તમારાં માનસપટ પર અંકિત ના થઈ જાય.

પણ, મનોવૈજ્ઞાનિક જણાવે છે કે આ રીત યોગ્ય નથી. ગોખણપટ્ટી કરવા છતાં આપણું મગજ આ વાતોનો સંગ્રહ કરી શકતું નથી.

તમે આ વાંચ્યું કે નહીં?

પદ્ધતિ: ભણતી વખતે સમયગાળો રાખો

Image copyright ALAMY

જો તમે કોઈ બાબતને યાદ રાખવા માંગો છો તો એ લેખ, શબ્દ કે બોધપાઠનું થોડા થોડા સમયગાળા પર પુનરાવર્તન કરો.

આમ કરવાથી તમારી યાદશક્તિ એકદમ તરોતાજા રહેશે. કોઈ પુસ્તકનો એક ભાગ વાંચો પછી બીજું કશું વાંચો.

થોડા સમયગાળા બાદ જે અગાઉ વાંચ્યું હોય તેને ફરીથી વાંચવાનો પ્રયાસ કરો.

આ સમયગાળો એક કલાક, એક દિવસ કે પછી એક અઠવાડિયાનો હોઈ શકે છે.

તમે ભણવાનું પૂરું કર્યાં બાદ પોતાની જાતને સવાલ પણ કરી શકો છો કે તમે જે પણ કંઈ વાંચ્યું તેમાં તમને કેટલી સમજણ પડી? એનાથી આ વિષય પર તમારું મગજ ઘણી વખત ચિંતન કરશે.


બીજી વ્યૂહરચના : અગત્યના મુદ્દા નીચે લાઇન દોરવી

Image copyright ALAMY

બીજી વખત વાંચવા કે ગોખવાની વ્યૂહરચનાની જેમ આ પણ એક સામાન્ય બાબત છે. આ રીતમાં કોઈ દોષ નથી.

ભણતી વખતે જે પણ વાત, શબ્દ કે વાક્ય તમને અગત્યનું જણાતું હોય તેની નીચે તમે લાઇન કરો એમાં કશું જ ખોટું નથી.

પણ, મનોવિજ્ઞાન જણાવે છે કે આ રીત મોટેભાગે ઉપયોગી નીવડતી નથી. ઘણાં વિદ્યાર્થી તો આખા ફકરાની નીચે જ લીટી દોરી દે છે.

તેઓ મહત્ત્વનાં વાક્યો અને છોડી દેવાનાં વાક્યોમાં કોઈ તફાવત કરી શકતા નથી.


અટકો અને થોડું વિચારો

વૈજ્ઞાનિકો સલાહ આપે છે કે એક વખત કોઈ પુસ્તક વાંચ્યા બાદ એના જે ભાગો તમને અગત્યના લાગે છે એની નીચે લીટી દોરી લો. બાદમાં આ કામ કરશો તો તમને ફરીથી આ વિષય પર વિચારવાની તક મળશે. તમે છૂટાહાથે દરેક વાક્ય નીચે લીટી દોરવામાંથી બચી જશો અને માત્ર મહત્ત્વના ભાગો પર જ વિચાર કરશો.

ત્રીજી વ્યૂહરચના: નોંધ રાખવી

Image copyright Getty Images
ફોટો લાઈન નોંધ ટપકાવવાની પદ્ધતિ

તમે કોઈ પણ ક્લાસરૂમ, લાઇબ્રરીમાં જાવ, તમામ વિદ્યાર્થીઓ નોંધ ટપકાવતાં નજરે ચઢે છે. વધારે ઉત્સાહમાં આપણે નકામી વાતો પણ ટાંકી લેતા હોઈએ છીએ.

પાછળથી ખબર પડે છે કે તે કંઈ પણ કામની હોતી નથી. નોંધમાં નાનાં અને ગણતરીના મુદ્દાઓને જ ટપકાવો.

તમામ અનુભવો પરથી એ નિષ્કર્ષ કાઢી શકાય કે વિદ્યાર્થી જેટલી ઓછી નોંધ બનાવશે, એટલું જ એમને વાંચેલું યાદ રહેશે.

કારણ કે, જ્યારે તમે કોઈ વાંચેલા પાઠ પર મર્યાદિત શબ્દોમાં નોંધ લખો છો, ત્યારે આ અંગે તમારે ઊંડાણથી વિચારવું પડતું હોય છે.

શબ્દો અને વાક્યોને તમારા શબ્દોમાં ઊતારવા પડતા હોય છે.

આનાથી તમારું મગજ વાંચેલી વાતોને ફરીથી યાદ કરે છે અને મહત્ત્વની વાતોનો સંગ્રહ કરે છે.

મોટાભાગે કાગળ-પેનથી નોંધ બનાવવી વધારે ઉપયોગી સાબિત થાય છે.

લેપટોપ કે કમ્પ્યૂટર પર ટાઈપ કરવું યાદ રાખવાની સાચી રીત નથી.

ચોથી વ્યૂહરચના: રૂપરેખા તૈયાર કરવી

Image copyright ALAMY

ઘણાં શિક્ષકો પોતાનાં વિદ્યાર્થીઓને જણાવે છે કે તેઓ કોઈ પણ પાઠનું માળખું તૈયાર કરી લે. તેઓ એમને જણાવે છે કે કોઈ વિષય પર કઈ બાબતો વાંચવાથી કે યાદ રાખવાથી આગળ જતાં તેમને મદદરૂપ થઈ શકે છે. શિક્ષક ઘણી વખત આ માળખું જાતે જ તૈયાર કરાવડાવે છે તો ક્યારેક વિદ્યાર્થીઓને જાતે તૈયાર કરવા જણાવે છે.


રીત: વિષયને ઊંડાણથી સમજો

Image copyright Getty Images

રૂપરેખા કે માળખું તૈયાર કરવાથી વિદ્યાર્થીઓને વિષય અંગે સમજવામાં મદદ મળે છે.

પહેલાં પ્રાથમિક માળખું તૈયાર કરી પછી એ જ વિષયની ગહન વાતો એમાં ટાંકવાથી એ વાત અને વિષયને યાદ રાખવાં સરળ બની જાય છે.

તમે કોઈ પણ લેક્ચરના મુખ્ય મુદ્દાનાં બુલેટ પૉઇન્ટ બનાવી શકો છો.

યાદ રાખો જેટલાં શબ્દો ઓછાં એટલી યાદ રાખવામાં સરળતા વધારે.

પાંચમી વ્યૂહરચના

Image copyright Science Photo Library

જે પણ તૈયારી કરી છે તેને મોટાભાગના વિદ્યાર્થીઓ પોતાની જાતની પરીક્ષા લઈને તૈયારી કરી શકે છે. તમે તથ્યોને કેટલી હદે સમજી શક્યા છો એ જાણવા માટે, તમે તમારી જાતને સવાલ પૂછી શકો છો. આનાથી યાદશક્તિ વધે છે. પણ આને વધારે ઉમદા બનાવી શકાય છે.


અતિ આત્મવિશ્વાસથી બચો

ઘણાં લોકો એ પણ નથી જાણતા કે એમના મનમાં શીખવા-સમજવાની મર્યાદા શું છે. તેઓ પોતાની જાતને વધારે સ્માર્ટ સમજે છે, પણ વાસ્તવમાં તેઓ એટલા સજ્જ હોતા નથી.

બધાએ આ અતિ આત્મવિશ્વાસથી બચવું જોઈએ. તેના કારણે જે સાવધાની રાખવી જોઈએ કે મહેનત કરવી જોઈએ તે કરી શકાતી નથી.

અતિ આત્મવિશ્વાસમાં લોકો એમને યાદ રહી ગયાનો દાવો તો કરી દે છે, પણ જરૂર હોય ત્યારે તે એ બાબતને યાદ કરી શકતા નથી.

આપણે એ વાતને ખોટી રીતે મૂલવીએ છીએ કે આપણે જે વાંચીએ છીએ તેનો મોટાભાગનો હિસ્સો આપણે આગળ જતાં ભૂલી જઈએ છીએ.

માટે એ પદ્ધતિ વધુ સારી રહેશે કે તમે જે પણ કાંઈ વાંચો તેને થોડાક સમયગાળા બાદ જાતે જ તપાસો કે જે પણ કાંઈ વાંચ્યું હતું તે ખરેખર યાદ રહ્યું પણ હતું કે નહીં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા