સરદારની યોજના પ્રમાણે જ્યારે ભારતીય સેનાએ હૈદરાબાદ પર આક્રમણ કર્યું

જનરલ અલ-ઇદરોસા
ફોટો લાઈન જનરલ અલ-ઇદરોસા (જમણે) જનરલ ચૌધરી
  • સમયઃ 18 સપ્ટેમ્બર 1948, બપોરે 12 વાગ્યે
  • સ્થળ: હૈદરાબાદથી પાંચ કિમી દૂર
  • પ્રસંગ: હિંદુસ્તાનના સૌથી મોટા અને ધનિક રજવાડા એવા હૈદરાબાદે ભારતીય સેના સામે હથિયારો હેઠાં મૂકી શરણાગતિ સ્વિકારી
  • પાત્રોઃ હૈદરાબાદના કમાન્ડર-ઇન-ચીફ જનરલ સૈયદ અહમદ અલ-ઇદરોસ અને ભારતીય સેનાના મેજર જનરલ જયંતોનાથ ચૌધરી

બાદમાં ભારતીય સૈન્યના વડા પણ બનેલા જનરલ ચૌધરીએ ઉપરોક્ત ઐતિહાસિક પ્રસંગનું વર્ણન કંઈક આ પ્રમાણે કર્યું હતું :

"મને જણાવવામાં આવ્યું હતું કે આ પ્રસંગે મહામહિમ શાહિદ આઝમ પણ હાજર રહેશે, પરંતુ હું જીપ લઈને પહોંચ્યો ત્યારે ત્યાં માત્ર જનરલ ઇદરોસને જોયા."

"તેમણે ઢીલો લાગતો યુનિફોર્મ પહેર્યો હતો અને આંખો પર કાળાં ચશ્માં હતાં. તેમને ભારે અફસોસ થતો હોય તેવું લાગતું હતું."

"હું તેમની નજીક ગયો. અમે એકબીજાને સલામ કરી. પછી મેં કહ્યું : હું તમારી સેનાની શરણાગતિ માટે આવ્યો છું. તેના જવાબમાં જનરલ અલ-ઇદરોસે ધીમા અવાજે કહ્યુંઃ અમે તૈયાર છીએ."

એ વખતે મેજર જનરલ ચૌધરીએ પૂછેલું કે શું તમને ખબર છે કે કોઈ શરતો વિના શરણાગતિ સ્વીકારવાની છે? જનરલ ઇદરોસે કહ્યું કે 'હા, મને ખબર છે'.

આ સવાલ-જવાબ સાથે શરણાગતિનો પ્રસંગ પૂરો થયો.

જનરલ ચૌધરીએ લખ્યું છે, "મેં જનરલ ઇદરોસને સિગારેટ આપી. અમે બંનેએ અમારી સિગારેટ પેટાવી અને પછી ચૂપચાપ અલગ થઈ ગયા."

આ રીતે 70 વર્ષ પહેલાં ઉનાળાની બળબળતી બપોરે હૈદરાબાદ પર 650 વર્ષોથી ચાલતા મુસ્લિમ શાસનો અંત આવી ગયો.

આ યુદ્ધમાં હજારો લોકોના જીવ ગયા હતા. ઘણા બધા હિંદુઓ મુસ્લિમ બળવાખોરોના હાથે, જ્યારે મુસ્લિમો હિંદુઓ બળવાખોરોના હાથે માર્યા ગયા હતા.

કેટલાકને ભારતીય સેનાએ લાઇનમાં ઊભા રાખીને ગોળીથી ઊડાવી દીધા હતા તેમ પણ કહેવાય છે.

બીજી બાજુ નિઝામની સરકાર ખતમ થઈ તે સાથે જ બહુમતી હિંદુ વસતિ સક્રિય થઈ હતી. તેણે મોટા પાયે કત્લેઆમ, બળાત્કાર, આગચંપી અને લૂંટફાટ કરી હતી.

આની જાણ ભારતના વડા પ્રધાન જવાહરલાલ નહેરુને થઈ ત્યારે તેમણે સંસદસભ્ય પંડિત સુંદરલાલની અધ્યક્ષતામાં એક તપાસ પંચની રચના કરી હતી.

જોકે, તે પંચનો અહેવાલ ક્યારેય જાહેર થયો નથી. 2013માં તે અહેવાલના કેટલાક અંશો બહાર આવ્યા હતા, તેના પરથી ખ્યાલ આવે છે કે આ રમખાણોમાં 27થી 40 હજાર લોકોનાં મૃત્યુ થયાં હતાં.


પંડિત સુંદર લાલ પંચનો અહેવાલ

ફોટો લાઈન સુંદરલાલ કમિટીનો રિપોર્ટ જે આજ સુધી જાહેર નથી કરાયો

અહેવાલમાં લખાયું હતું કે "અમારી પાસે એવી ઘટનાઓના પાકા પુરાવા છે કે જેમાં ભારતીય સેના અને સ્થાનિક પોલીસે પણ લૂંટફાટ કરવામાં ભાગ લીધો હોય.''

''અમારી તપાસમાં અમને જણાયું કે ઘણી બધી જગ્યાએ ભારતીય સેનાએ માત્ર લોકોને ઉશ્કેર્યા એટલું જ નહીં, પણ ઘણી જગ્યાએ હિંદુઓનાં જૂથોને મુસ્લિમોની દુકાનો અને ઘરોને લૂંટવા માટે મજબૂર પણ કર્યા."

અહેવાલમાં જણાવ્યું હતું કે ભારતીય સેનાએ ગામડાંમાં ઘણા મુસ્લિમોનાં હથિયારો કબજે કરી લીધાં હતાં, જ્યારે હિંદુઓ પાસે હથિયારો રહેવા દેવાયાં હતાં.

તેના કારણે મુસ્લિમોને ભારે નુકસાન થયું હતું અને ઘણા બધા માર્યા ગયા હતા.

અહેવાલ અનુસાર જુદીજુદી જગ્યાએ ભારતીય સેનાએ પોતાના હાથમાં કામગીરી લઈ લીધી હતી.

ઘણા ગ્રામીણ વિસ્તારોમાં પુખ્ત વયના મુસ્લિમોને ઘરમાંથી બહાર કાઢીને, તેમને કોઈ ઘર્ષણનો ભાગ બનાવી ગોળી મારી દીધી હતી.

જોકે, અહેવાલમાં કેટલીક જગ્યાએ એવું પણ જણાવાયું કે સેનાએ ઘણી બધી જગ્યાએ મુસ્લિમોના જાનમાલની રક્ષાનું કામ પણ કર્યું હતું.

પણ, મુસ્લિમોએ દાવો કર્યો હતો કે હૈદરાબાદના પતન પછી બે લાખથી વધારે લોકો માર્યા ગયા હતા.

આ દાવા માટેના કોઈ પુરાવા ક્યારેય રજૂ કરવામાં આવ્યા નહોતા.

આ અહેવાલ કેમ પ્રગટ કરવામાં ના આવ્યો?

ભારતમાં હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે તેના કારણે વૈમનસ્ય વધશે તેવું કારણ પણ આપવામાં આવ્યું હતું.


બ્રિટનથી પણ મોટું રજવાડું

Image copyright Google map

હૈદરાબાદ બહુ મોટું રાજ્ય હતું. 1941માં થયેલી ગણતરી અનુસાર એક કરોડ 60 લાખથી વધુની વસતિ હતી.

તેનું ક્ષેત્રફળ બે લાખ 14 હજાર ચોરસ કિમી હતું.

વસતિ અને ક્ષેત્રફળ બન્ને રીતે તે બ્રિટન, ઇટાલી અને તુર્કી કરતાં પણ મોટું રાજ્ય હતું.

હૈદરાબાદ રાજ્યની આવક તે વખતે નવ કરોડ રૂપિયા હતી, જે સંયુક્ત રાષ્ટ્રસંઘના ઘણા દેશો કરતાંય વધારે હતી.

હૈદરાબાદનું પોતાનું અલગ ચલણ હતું. ટેલિગ્રાફ, ટપાલ સેવા, રેલવે લાઇન, શાળાઓ અને હૉસ્પિટલો પણ હતી.

રાજ્યની ઉસમાનિયા યુનિવર્સિટી સમગ્ર હિન્દુસ્તાનની એકમાત્ર એવી યુનિવર્સિટી હતી, જ્યાં સ્થાનિક ભાષામાં શિક્ષણ અપાતું હતું.

1947માં ભાગલા પડ્યા ત્યારે બ્રિટિશ સામ્રાજ્યનાં નાનાંમોટાં રજવાડાંને છૂટ આપવામાં આવી હતી કે તેઓ ભારત અથવા પાકિસ્તાન બેમાંથી એક સાથે જોડાણ કરી શકે છે.

હૈદરાબાદના નિઝામ ઉસમાન અલી ખાંએ બેમાંથી એક પણ રાષ્ટ્રમાં જોડાવાના બદલે બ્રિટિશ શાસનમાં જ એક સ્વતંત્ર રજવાડા તરીકે રહેવાનું નક્કી કર્યું હતું.

જોકે, તેમાં સમસ્યા એ હતી કે હૈદરાબાદમાં મુસ્લિમોની સંખ્યા માત્ર 11 ટકા હતી. હિંદુઓની વસતિ 85 ટકા હતી.

દેખીતી રીતે જ હિંદુઓની ઇચ્છા ભારત સાથે ભળી જવાની હતી.


પોલીસ ઍક્શન

Image copyright Getty Images
ફોટો લાઈન ઉસમાન અલી ખાના શાસનકાળ(1911)માં સ્થપાયેલી ઉસમાનિયા જનરલ હૉસ્પિટલ, જે એક આધુનિક સ્વાસ્થ્ય કેન્દ્રની સાથે સ્થાપત્ય કળાનો પણ નમૂનો છે.

હૈદરાબાદ ભારતમાં ભળી જશે તેવી વાતો ફેલાવા લાગી અને તે સાથે જ હૈદરાબાદના મુસ્લિમો અકળાવા લાગ્યા હતા.

ઘણાં ધાર્મિક સંગઠનોએ જાહેરમાં આવીને લોકોને ઉશ્કેરવાનું શરૂ કરી દીધું.

રઝાકાર નામનું એક સશસ્ત્ર જૂથ તૈયાર થયું, જેનું લક્ષ્ય કોઈ પણ ભોગે હૈદરાબાદનું ભારતમાં વિલીનીકરણ રોકવાનું હતું.

કેટલીક માહિતી અનુસાર રઝાકારોએ હિંદુઓ પર હુમલા કરવાનું પણ શરૂ કરી દીધું હતું.

આ સંદર્ભમાં 'ઇત્તેહાદુલ મુસલમીન' નામના સંગઠનના નેતા કાસિમ રિઝવીનાં ભાષણો બહુ ઉશ્કેરણીજનક હતાં.

કાસિમ રિઝવી પોતાના ભાષણોમાં જાહેરમાં કહેતા હતા કે લાલ કિલ્લા પર પરચમ લહેરાવી દેવાનો છે.

તેમણે નિઝામને કહ્યું કે એ દિવસો દૂર નથી કે જ્યારે બંગાળની ખાડીની લહેરો આલા હઝરતના ચરણોને પખાળતી હોય. આવી ઉશ્કેરણીને કારણે ભારતને પગલાં લેવાનું કારણ મળી ગયું હતું.

ભારતે હૈદરાબાદ સામે લશ્કરી કાર્યવાહી કરવાની યોજના તૈયાર કરી લીધી.

તે પ્રમાણે 12 અને 13 સપ્ટેમ્બરની રાત્રે ભારતીય સેનાએ પાંચ બાજુ મોરચા માંડીને એક સાથે આક્રમણ કરી દીધું હતું.

નિઝામ પાસે કોઈ કાયમી કે સંગઠિત સેના નહોતી.

'મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસલમીન'ના રઝાકારોએ પોતાની રીતે સામનો કરવાની કોશિશ કરી. જોકે, બંદૂકો સાથે સેનાની ટૅન્કોનો સામનો કેટલો સમય કરી શકાય?

18 સપ્ટેમ્બરે હૈદરાબાદે શરણાગતિ સ્વીકારી લીધી, કેમ કે તે સિવાય તેની પાસે કોઈ વિકલ્પ બચ્યો નહોતો.

આ કામગીરીને 'પોલીસ ઍક્શન' એવું નામ આપવામાં આવ્યું હતું.

જોકે, મુંબઈના પત્રકાર ડી. એફ. કરાકાએ 1955માં લખ્યું હતું કે "આ કેવી પોલીસ કાર્યવાહી છે કે જેમાં એક લેફ્ટનન્ટ જનરલ, ત્રણ મેજર જનરલ અને એક આખી આર્મ્ડ ડિવિઝને ભાગ લીધો હતો."


પ્રારંભ

Image copyright The Yorck Project
ફોટો લાઈન સાહેબે દિવાન શાયર કુલી કુતુબ શાહ.

હૈદરાબાદ પર મુસ્લિમોનો કબજો દિલ્હીમાં સુલ્તાન અલાઉદ્દીન ખિલજીના શાસન વખતે (સન 1308)માં થયો હતો.

કેટલાંક વર્ષો સ્થાનિક સુબેદાર દિલ્હીને આધિન રહીને શાસન ચલાવતા હતા, પણ 1347માં તેમણે બગાવત કરીને બહમની સલ્તનતનો પાયો નાખ્યો હતો.

હૈદરાબાદના છેલ્લા શાસક મીર ઉસમાન આસિફ જાહી વંશના હતા

તેનો પાયો દખ્ખણના સુબેદાર આસિફ જહાંએ 1724માં નાખ્યો હતો.

1707માં ઔરંગઝેબના મૃત્યુ બાદ મુઘલ બાદશાહોની પકડ ઢીલી પડવા લાગી એટલે તેમણે પોતાને સ્વતંત્ર જાહેર કરી લીધા.

આસિફ જહાંને પ્રથમ નિઝામ કહેવામાં આવે છે. 1739માં નાદિર શાહે હુમલો કર્યો ત્યારે તેમણે દિલ્હીના મુઘલ બાદશાહ મોહમ્મદ શાહને સાથ આપ્યો હતો.

તેમણે જ નાદિર શાહના પગમાં પોતાની પાઘડી મૂકીને દિલ્હીમાં ચાલી રહેલા નરસંહારને રોકવા વિનંતી કરી હતી.


દખ્ખણમાં સાહિત્ય અને કલાની કદરદાની

Image copyright NOAH SEELAM/AFP/GETTY IMAGES
ફોટો લાઈન હૈદરાબાદના જૂના શહેરમાં નિઝામનો ફલકનુમા પૅલેસ, જ્યાં એક સમયે નિઝામ મહબૂબ ખાન રહેતા હતા.

ઉર્દૂ સાહિત્યમાં વિવિધતાની શરૂઆત દખ્ખણમાંથી થઈ હતી.

ઉર્દૂના પ્રથમ સાહેબે દિવાન શાયર કુલી કુતુબ શાહ અને પ્રથમ ગદ્ય લેખક મુલ્લા વજહી અહીં દક્ષિણમાં જ જન્મ્યા હતા.

અહીં જ બાદશાહ આદિલ શાહે પ્રથમવાર દખ્ખણી (કદીમ ઉર્દૂ)ને સરકારી ભાષા જાહેર કરી હતી.

દખ્ખણના સૌથી જાણીતા ઉર્દૂ શાયર વલી દખ્ખણી છે. 1720માં તેમનું સાહિત્ય દિલ્હી પહોંચ્યું અને તે સાથે જ માત્ર ઉર્દૂમાં જ નહીં, સમગ્ર સાહિત્ય જગતમાં તેઓ છવાઈ ગયા હતા.

એવું કહેવાવા લાગ્યું કે શાયરી આને કહેવાય!

તે પછી શાયરોની બીજી પણ એક પેઢી તૈયાર થઈ.

મીર તાકી મીર, મિર્જા સૌદા, મીર દર્દ, મીર હસન, મસહફી, શાહ હાતિમ, મિર્જા મઝહર અને કાયેમ ચાંદપુરી જેવા ડઝનબધ શાયરો આવ્યા, જેમની બરોબરી આજ સુધી ઉર્દૂ જગત કરી શક્યું નથી.

દખ્ખણના બીજા એક જાણીતા શાયર સિરાઝ ઔરંગાબાદીની આ ગઝલ જુઓ:

ખબર-એ તહૈયુર-એ ઇશ્ક સુન, ન જુનોં રહા ન પરી રહી,

ન તો મેં રહા ન તો તૂ રહા, જો રહી સો બેખબરી રહી

આજ સુધી ઉર્દૂમાં આટલી સારી ગઝલ બીજા કોઈએ લખી નથી એવો દાવો પણ કરાય છે.

દિલ્હીના પતન પછી હૈદરાબાદ ભારતીય ઉપ-મહાદ્વીપનું મુસ્લિમ સંસ્કૃતિ અને સાહિત્યનું સૌથી મોટું કેન્દ્ર બની રહ્યું હતું.

ઘણા બધા બુદ્ધિજીવીઓ, કલાકારો, શાયર અને સાહિત્યકાર અહીં આવતા થયા.

દખ્ખણની ઉર્દૂ પરંપરામાં કેવી કદરદાની થતી હતી તેનો અંદાજ ઉસ્તાદ ઝોકના એક શેરમાં મળે છે.

તેમણે નિમંત્રણ નકારી કાઢ્યું હતું, પણ ઉર્દૂને આવો સરસ શેર આપી ગયાઃ

ઇન દિનોં ગરચે દક્કન મેં હૈ બડી કદ-એ-સુખન

કૌન જાયે ઝોક પર દિલ્હી કી ગલિયાં છોડકર

દાગ દહેલવી જોકે દિલ્હીની ગલીઓનો મોહ છોડીને દખ્ખણમાં જઈને વસ્યા. તેમને ત્યાં ફસીહુલ મુલ્ક અને મલિકુશ્શુઆરા (રાજકવી)ના ખિતાબ પણ મળ્યા.

તે વખતના એક શાયર અમીર મીનાઈ પણ દખ્ખણમાં ગયા હતા, પણ ત્યાંનું વાતાવરણ તેમને કદાચ ફાવ્યું નહોતું.

થોડા સમયમાં જ તેઓ દુનિયા છોડીને જતા રહ્યા હતા.


કલા અને કારીગરીની કદર

એ વખતે હૈદરાબાદમાં માત્ર શાયરોની જ કદરદાની થતી હતી તેવું નહોતું.

પંડિત રતનનાથ સરશાર અને અબ્દુલ હલીમ શરર જેવા ગદ્ય લેખકોની પણ કદર થઈ હતી અને શિબલી નુમાની જેવા જાણીતા વિદ્વાનને શિક્ષણ વિભાગના વડા પણ બનાવાયા હતા.

ઉર્દૂનો એક મહત્ત્વનો શબ્દકોશ 'ફરહંગ-એ-આસફિયા' પણ હૈદરાબાદના રાજ્યાશ્રયમાં જ તૈયાર થયો હતો.

રાજ્યાશ્રય મેળવનારા વિદ્વાનોમાં સૈયદ અબુલ અલા મૌદૂદી, કુરાનના જાણીતા અનુવાદક માર્માડ્યૂક પિક્થાલ અને મોહમ્મદ હમીદુલ્લાનો પણ સમાવેશ થતો હતો.

જોશ મલીહાબાદીએ 'યાદો કી બારાત'માં દખ્ખણના અનુભવોનું જે વર્ણન લખ્યું છે, તેના પરથી અંદાજ આવી જાય છે કે ત્યાં કેવી રીતે કલા અને કારીગરીની કદર કરવામાં આવતી હતી.

એટલું જ નહીં, કેટલાક પુરાવા મળે છે કે ખુદ અલ્લામા ઇકબાલ દખ્ખણમાં કોઈ હોદ્દો મળે તેમ ઇચ્છતા હતા.

જોકે, જ્યારે અતયા ફૈઝીને આ વાતની ખબર પડી ત્યારે તેમણે અલ્લામાને બહુ ઠપકો આપ્યો હતો.

તેમણે લખ્યું હતું, "માલૂમ થયું છે કે તમે હૈદરાબાદમાં નોકરી કરવા માગો છો. સાચી વાત છે કે કોઈ પણ રજવાડાના રાજા પાસે તમે નોકરી કરશો તો તેમાં તમારી કલાની બરબાદી જ થશે."

આ ઠપકો મળ્યો તે પછી અલ્લામા ઇકબાલે વાત પડતી મૂકી હતી.


વિશ્વના સૌથી ધનવાન માણસ

Image copyright WIKIPEDIA
ફોટો લાઈન હૈદરાબાદના છેલ્લા નિઝામ મીર ઉસમાન અલી ખાન

સાતમા નિઝામ મીર ઉસમાન અલી ખાં તેમના સમયના વિશ્વના સૌથી ધનવાન હતા.

1937માં 'ટાઇમ મૅગેઝીન'ના કવર પર તેઓ વિશ્વના સૌથી અમીર માણસ તરીકે ચમક્યા હતા.

તે વખતે તેમની સંપત્તિનો અંદાજ બે અબજ ડૉલરનો મુકાયો હતો. આજે તેનું મૂલ્ય 35 અબજ ડૉલર જેટલું થાય.

નિઝામને શિક્ષણ તરફ વિશેષ રુચિ હતી. તેઓ પોતાના બજેટનો સૌથી મોટો હિસ્સો શિક્ષણ પાછળ ખર્ચ કરતા હતા.

તેમણે અલીગઢ વિશ્વવિદ્યાલયની સ્થાપનામાં વિશેષ રસ લીધો હતો.

આ ઉપરાંત નવદતુલ ઉલમા અને પેશાવરની ઇસ્લામિયા કૉલેજ જેવી ઘણી શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપનામાં તેમણે ફાળો આપ્યો હતો.


ઉસમાની ખિલાફતનો અંત

ફોટો લાઈન દખ્ખણના નાના નિઝામ મહબૂબ અલી ખાં શિકાર પછી.

માત્ર ભારતીય ઉપ-મહાદ્વીપના જ નહીં, નિઝામ ઉસમાન અલી ખાં દુનિયાભરના મુસ્લિમોના સંરક્ષક હતા.

અરબસ્તાનમાં હેજાજ રેલવે લાઇન તેમની આર્થિક સહાયથી જ તૈયાર થઈ હતી.

એ જ રીતે તુર્કીમાં ઉસમાની ખિલાફતનો અંત આવ્યો, તે પછી તેના છેલ્લા ખલીફા અબ્દુલ હમીદને તેઓ છેક સુધી વજીફા (નાણાં) આપતા રહ્યા હતા.

શિક્ષણ અને સાહિત્ય પાછળ ખર્ચ કરનારા નિઝામે જોકે સેના ઊભી કરવા પાછળ કોઈ ધ્યાન આપ્યું નહોતું.

તેમના કમાન્ડર ઇન ચીફ અલ-ઇદરોસની વાત ઉપર થઈ છે. તેઓ લાયકાતના આધારે જનરલ નહોતા બન્યા, પરંતુ વારસાગત રીતે તેમને આ પદ મળ્યું હતું.

દખ્ખણમાં પરંપરા હતી કે સેનાના વડા તરીકે પસંદગીમાં હંમેશાં આરબને મહત્ત્વ આપવામાં આવે.


રેતીની દિવાલ

Image copyright Getty Images

અલ-ઇદરોસની લશ્કરી ક્ષમતા કેવી હતી તેનો ઉલ્લેખ હૈદરાબાદના વડા પ્રધાન મીર લાયેક અલીએ લખેલા પુસ્તક 'ટ્રૅજેડી ઑફ હૈદરાબાદ'માં મળે છે.

તેમણે લખ્યું છે કે ભારતીય સેનાએ આક્રમણ કર્યું તે પછી સમય વીતવા લાગ્યો અને તે સાથે જ સ્પષ્ટ થઈ ગયું હતું કે હૈદરાબાદના સેનાપતિ અલ-ઇદરોસ પાસે તેનો સામનો કરવાની કોઈ યોજના નહોતી.

રાજ્યમાં કોઈ વિભાગ એવો નહોતો, જેમાં અવ્યવસ્થા ના હોય. મીર લાયેક અલી લખે છે કે આ વાત જ્યારે નિઝામને જણાવવામાં આવી ત્યારે તેઓ પણ ચોંકી ગયા હતા.

મીર લાયેકના જણાવ્યા અનુસાર અલ-ઇદરોસની યુદ્ધની તૈયારીનો અંદાજ એક જ વાતથી મળી જતો હતો.

તેમની સેનાના અધિકારીઓ એકબીજાને વાયરલેસ સંદેશ મોકલાતા હતા, તે જૂના કોડ પર આધારિત હતા.

તેના કારણે ભારતીયો તેને સહેલાઈથી સાંભળી લેતા હતા અને સમજી લેતા હતા.

તેમને પળેપળની ખબર આ રીતે મળી જતી હતી.

અબુલ અલા મોદૂદીએ હૈદરાબાદના પતનના નવ મહિલા પહેલાં જ કાસિમ રિઝવીને પત્ર લખીને સ્પષ્ટ જણાવ્યું હતું કે "નિઝામની હકૂમત રેતીની દિવાલ જેવી છે. તે ગમે ત્યારે ઢળી પડવાની છે."

"અમીર લોકો પોતાના જીવ અને ધન બચાવીને નીકળી જશે, પણ સામાન્ય માણસો ફસાઈ જશે. તેથી કોઈ પણ ભોગે ભારત સાથે શાંતિથી સમજૂતિ કરી લેવી જોઈએ."

મોદૂદીની ભવિષ્યવાણી સાચી ઠરી હતી. ઇંગ્લૅન્ડથી પણ મોટું રાજ્ય માત્ર પાંચ જ દિવસમાં હારી ગયું હતું.


નિઝામની હાર

Image copyright life

જીત મેળવી લીધા પછી ભારત સરકારના પ્રતિનિધિ કનૈયાલાલ મુનશી નિઝામ પાસે ગયા હતા. તેમને જણાવ્યું કે તમે સાંજે ચાર વાગ્યે રેડિયો પર તમારું ભાષણ આપજો.''

જવાબમાં નિઝામે કહ્યું કે "કેવું ભાષણ? મેં તો ક્યારેય ભાષણ આપ્યું નથી."

મુનશીએ કહ્યું કે "તમારે કશું બોલવાનું નથી, કેટલુંક લખાણ અપાશે તે તમારે વાંચી સંભળાવવાનું છે."

નિઝામે માઇક સામે ઊભા રહીને મુનશીએ લખીને આપેલું ભાષણ વાંચી સંભળાવ્યું.

ભાષણમાં 'પોલીસ એક્શન'નું સ્વાગત કરવામાં આવ્યું હતું અને સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ભારત સરકાર સામે કરેલી ફરિયાદ પાછી ખેંચી લેવાની જાહેરાત કરાઈ હતી.

નિઝામ પોતાના જીવનમાં પહેલીવાર હૈદરાબાદ રેડિયો સ્ટેશને ગયા હતા. ત્યાં કોઈ પ્રોટોકૉલ નહોતો પાળવાનો કે નહોતી તેમના માટે લાલ જાજમ બિછાવાની.

કોઈ આદર સાથે હાથ જોડીને પણ ઊભું રહ્યું નહોતું કે નહોતું કોઈ રાષ્ટ્રગાન ગવાયું.

1967માં તેમનું અવસાન થયું હતું.

તેમની અઢળક ધનદૌલત માટે તેમના 149 પુત્રો વચ્ચે ઝઘડો થયો હતો. અડધી સદી પહેલાં શરૂ થયેલો તે વિખવાદ આજેય ચાલી રહ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ