જ્યારે કાળા વાંદરાની ‘દૈવી પ્રેરણા’થી ખૂલ્યું રામ જન્મભૂમિનું તાળું!

  • રાજેશ જોશી
  • તંત્રી, બીબીસી હિન્દી રેડિયો

દેશના વિભાજન પછી જે એક મુદ્દાએ ભારતમાં હિંદુઓ અને મુસલમાનો વચ્ચે શંકા તથા કડવાશને ચરમસીમાએ પહોંચાડ્યાં છે તે છે રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ.

એવું કહેવાય છે કે ફૈઝાબાદની જિલ્લા અદાલતે 1986ની પહેલી ફેબ્રુઆરીએ વિવાદાસ્પદ સ્થળનું તાળું ખોલવાનો આદેશ આપ્યો ન હોત તો એ વિવાદ આટલો વિધ્વંસક સાબિત થયો ન હોત, કારસેવકો પર ગોળીબાર કરવામાં ન આવ્યો હોત, દેશનું સાંપ્રદાયિક વાતાવરણ બગડ્યું ન હોત અને આખરે 1992ની છઠ્ઠી ડિસેમ્બરે બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી ન હોત.

દ્વેષ, ઘૃણા, અવિશ્વાસ અને હિંસાથી છલોછલ ભરેલા ડેમના દરવાજા ખોલવા માટે કોને જવાબદાર ગણવા જોઈએ - તાળું ખોલાવવા માટે અરજી કરનાર અનામ વકીલ ઉમેશચંદ્ર પાંડેયને?

તાળું ખોલવાનો આદેશ આપી ચૂકેલા ફૈઝાબાદના જિલ્લા જજ કૃષ્ણમોહન પાંડેને?

બાબરી મસ્જિદને હિંદુઓની ગુલામીનું પ્રતિક ગણાવીને લાખો કારસેવકોનાં મનમાં ઘૃણા ભરી ચૂકેલા વિશ્વ હિન્દુ પરિષદના અશોક સિંઘલને?

રથયાત્રા પર નીકળેલા ભારતીય જનતા પક્ષના લાલકૃષ્ણ અડવાણીને કે પછી પોતાના સલાહકારોને કહેવાથી તાળું ખોલાવવામાં મદદ કરી ચૂકેલા અને પછી રામ મંદિરનો શિલાન્યાસ કરાવી ચૂકેલા રાજકારણના નવાસવા ખેલાડી રાજીવ ગાંધીને?

કે પછી ફૈઝાબાદ જિલ્લા અદાલતની છત પરની ફ્લૅગ પોસ્ટ પકડીને ભૂખ્યો-તરસ્યો બેસી રહેલા અને જેની 'દૈવી પ્રેરણા'થી પ્રભાવિત થઈને જિલ્લા જજ કૃષ્ણમોહન પાંડેયે બાબરી મસ્જિદ-રામ જન્મભૂમિનું તાળું ખોલવાનો ચૂકાદો લખ્યો હતો તે કાળા વાંદરાને આ માટે જવાબદાર ગણવો જોઈએ?

રામ જન્મભૂમિ વિવાદમાં કાળા વાંદરાની ભૂમિકાનો ઉલ્લેખ 'યુદ્ધ મેં અયોધ્યા' નામના પુસ્તકમાં છે.

મસ્જિદમાં ચૂપચાપ મૂર્તિઓ ગોઠવવી, મસ્જિદ-જન્મભૂમિનું તાળું ખોલવું, રાજીવ ગાંધીના કાર્યકાળમાં રામ મંદિરનો શિલાન્યાસ, મુલાયમસિંહ યાદવ સરકારના કાર્યકાળમાં કારસેવકો પર ગોળીબાર અને એ પછી છઠ્ઠી ડિસેમ્બરે બાબરી મસ્જિદનો ધ્વંસ એમ અયોધ્યા વિવાદની પાંચ ઐતિહાસિક ઘટનાઓના સાક્ષી બનેલા પત્રકાર હેમંત શર્માએ આ પુસ્તક લખ્યું છે.

હેમંત શર્માએ લખ્યું છે કે અયોધ્યા વિવાદની પાંચમાંથી ચાર ઐતિહાસિક ઘટનાના તેઓ સાક્ષી છે અને આ પુસ્તક સગી આંખે નિહાળેલી ઘટનાઓનો દસ્તાવેજ છે.

મોહન ભાગવતે કર્યો ઉમેરો

ઇમેજ કૅપ્શન,

આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત

મહત્ત્વની આ પાંચ ઘટનાઓમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહે એક ઘટનાનો ઉમેરો કર્યો હતો. નવી દિલ્હીમાં યોજાયેલા આ પુસ્તકના ફાઈવ સ્ટાર પ્રકાશન સમારંભમાં અમિત શાહ અતિથિ વિશેષ હતા.

અમિત શાહે પુસ્તકને વખાણતાં જણાવ્યું હતું કે (બાબરના સેનાપતિ દ્વારા) 'રામ જન્મભૂમિ મંદિરને તોડી પાડવામાં આવ્યું' એ ઘટનાનો આ પાંચમાં ઉમેરો કરવો જોઈતો હતો.

જે પુસ્તકનું લોકાર્પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત કરતા હોય, કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથ સિંહ જે સમારંભના અધ્યક્ષ હોય અને અમિત શાહ જેમાં અતિથિ વિશેષ હોય ત્યાં એવું ધારવું મુશ્કેલ નથી કે આ પુસ્તક સંઘ પરિવાર અને તેના રાજકારણને એકદમ અનુકૂળ છે.

અયોધ્યાની હકીકત ભલે ગમે તે હોય, પણ તેને સંઘ પરિવાર સહમત હોય તે રીતે પુસ્તકમાં રજૂ કરવામાં આવી છે.

તમે આ વાંચ્યું કે નહીં?

જોકે, હિંદીના 'ડાબેરી આલોચક' નામવર સિંહે પણ આ પુસ્તક પર ગંગાજળ છાંટ્યું છે.

તેમણે પુસ્તકના પાછલા કવર પર લખ્યું છે, "રામ અને તેમની જન્મભૂમિ વિશે આટલું પ્રમાણિક પુસ્તક અગાઉ ક્યારેય પ્રકાશિત થયું નથી."

પુસ્તકના લેખકે ઇમાનદારીથી લખ્યું છે, "આ પુસ્તક અયોધ્યાના સત્યનો સો ટકા શુદ્ધ દસ્તાવેજ હશે એવો મારા દાવો બડાઈખોરી ગણાશે."

ઐતિહાસિક તપાસ હોય કે ન હોય, સો ટકા શુદ્ધ દસ્તાવેજ હોય કે ન હોય, પણ આ પુસ્તક લેખકની વ્યક્તિગત આસ્થાનો ઇમાનદાર દસ્તાવેજ જરૂર છે.

લેખકનું કહેવું છે, "આગ્રહ-દુરાગ્રહથી પર થઈને જે જોયું એ બધું લખી નાખ્યું છે."

આખા વિવાદના કેન્દ્રમાં એ બાબત છે કે 1526માં જે ઇમારતનું નિર્માણ કરવામાં આવ્યું હતું તેને મુસલમાનો મસ્જિદ માને છે અને હિંદુઓ કહે છે કે મંદિરને તોડીને એ મસ્જિદ બનાવવામાં આવી હતી.

જોકે, આ પુસ્તકમાં શરૂઆતથી છેલ્લે સુધી બાબરી મસ્જિદનો ઉલ્લેખ "વિવાદિત ઢાંચા" તરીકે જ છે.

ઘણા લોકો તેને રામ જન્મભૂમિ માને છે તો ઘણા લોકો એવા છે જેઓ માને છે કે 1992ની છઠ્ઠી ડિસેમ્બર સુધી એ સ્થળે મસ્જિદ હતી, જેની અંદર 1949માં ચૂપચાપ મૂર્તિઓ મૂકીને ભજન-કિર્તન શરૂ કરવામાં આવ્યાં હતાં.

સંઘ પરિવાર બાબરી મસ્જિદને વિવાદાસ્પદ ઢાંચો કહેતો રહ્યો છે.

મસ્જિદના ધ્વંસ પછી સંસદમાં થયેલી ચર્ચા દરમ્યાન જ્યારે-જ્યારે તેનો ઉલ્લેખ બાબરી મસ્જિદ તરીકે કરવામાં આવ્યો હતો ત્યારે-ત્યારે ભાજપના સંસદસભ્યોએ તેને બાબરી ઢાંચો અથવા વિવાદિત ઢાંચો કહેવાનો આગ્રહ રાખ્યો હતો.

તેમની દલીલ એવી હતી કે ત્યાં વર્ષોથી નમાઝ પઢવામાં આવતી ન હતી તો તેને મસ્જિદ શા માટે કહેવી જોઈએ?

વી. પી. સિંહ - 'દુષ્ટ રાજનેતા'

ઇમેજ કૅપ્શન,

'યુદ્ધ મેં અયોધ્યા' પુસ્તકના લેખક હેમંત શર્મા

જોકે, 'યુદ્ધ મેં અયોધ્યા' પુસ્તકનો ઝુકાવ માત્ર એક ઉદાહરણથી સિદ્ધ થતો નથી.

આ પુસ્તકમાં જે રાજકીય નેતાઓનું ચરિત્ર ચિત્રણ કરવામાં આવ્યું છે તેનાથી પણ સમજાય છે કે લેખકની નજરમાં કોણ કાયર, દગાબાજ અને બેવડું વ્યક્તિત્વ ધરાવતું હતું તથા રામલલ્લાની મુક્તિ માટે કઈ વ્યક્તિ ઐતિહાસિક ભૂમિકા ભજવી રહી હતી.

આ પુસ્તકમાં જણાવ્યા મુજબ, વી. પી. સિંહ 'દુષ્ટ રાજનેતા' તો રાજીવ ગાંધી 'ચમચાઓથી ઘેરાયેલા' અને 'આગવો અભિપ્રાય ન ધરાવતા' નેતા હતા, જ્યારે પી. વી. નરસિંહ રાવની સરકાર 'ચાલાક અને અહંકારી' હતી.

આઝમ ખાનની જબાન 'છરીની જેમ ચાલે છે' પણ જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિંદુ પરિષદ અને ભાજપના નેતાઓએ 'નફરત તથા બદલાની ભાવના ધરાવતા' લાખો કારસેવકોને એકઠા કરીને અયોધ્યા તરફ કૂચ કરવા ઉશ્કેર્યા હતા તેમના વિશે આ પુસ્તકમાં વખાણ જ કરવામાં આવ્યાં છે.

અથવા તેમની આકરી ટીકા થઈ શકે એમ હોય ત્યાં તેમના વિશે સ્પષ્ટ અભિપ્રાય જાહેર કરવામાં આવ્યો નથી.

વિવાદિત સ્થળનું તાળું ખોલવાથી માંડીને બાબરી મસ્જિદના ધ્વંસ સુધી કૉંગ્રેસ પક્ષે કેવા પેંતરા કર્યા હતા અને હિંદુત્વની લહેર પર સવાર થવાનો કેવા પ્રયાસ કર્યા હતા તેની વિગતવાર માહિતી આ પુસ્તકમાં છે.

એક રિપોર્ટરની ઝીણવટભરી નજરથી નિહાળેલી ઘટનાઓની ઝીણવટભરી માહિતી આપવામાં સંપૂર્ણ ઇમાનદારી આ પુસ્તકની તાકાત છે.

કોઈ હિંદીભાષી વાચક મંદિર-મસ્જિદ વિવાદ સંબંધી તમામ માહિતી મેળવવા ઈચ્છતો હોય તો એ બધું આ પુસ્તકમાં મળશે.

ખાસ કરીને બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી એ પહેલાંની, એ દિવસની અને એ પછીની દરેક મિનિટની જાણકારી હેમંત શર્માએ અત્યંત ઇમાનદારીપૂર્વક પ્રસ્તુત કરી છે.

કૉંગ્રેસે તેનાં અપકૃત્યોથી ભાજપ અને સાંપ્રદાયિક રાજનીતિને ઉત્તર ભારતમાં પ્રસરવાની તક કેવી રીતે આપી તે આ પુસ્તકમાંથી જાણવા મળે છે.

હેમંત શર્માએ નોંધ્યું છે કે સાંપ્રદાયિક રાજનીતિ માટે માત્ર સંઘ પરિવાર અને ભાજપને જ જવાબદાર ઠરાવી શકાય નહીં.

તેમના મતે 1981માં મીનાક્ષીપુરમમાં ઘર્મપરિવર્તનની ઘટના બાદ ડૉ. કર્ણસિંહ અને દાઉદયાલ ખન્ના જેવા કૉંગ્રેસી નેતાઓ વિશ્વ હિંદુ પરિષદ સાથે સમાજને એક કરવાની ઝુંબેશમાં જોડાઈ ગયા હતા.

સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષની છેક અંદર સુધીની લેખકની પહોંચને કારણે તેમનાં અનેક મુશ્કેલ કામ આસાન થઈ ગયાં હશે.

મુસલમાનોને ખુશ કરવા માટે રાજીવ ગાંધીએ શાહબાનુ કેસમાં સુપ્રીમ કોર્ટના ચૂકાદાને સંસદમાં પલટાવી નાખ્યો હતો એ સાચી વાત છે.

પણ, હિંદુઓના ઉશ્કેરાવાના જોખમને ધ્યાનમાં લઈને એક પછી એક એવાં અનેક કામ કર્યાં હતાં, જેનાથી તેમની રાજકીય દૃષ્ટિની સીમા સ્પષ્ટ થઈ ગઈ હતી.

કૉંગ્રેસની એવી તમામ હરકતની વિગતવાર માહિતી આ પુસ્તકમાં આપવામાં આવી છે.

દાખલા તરીકે, બાબરી મસ્જિદનું તાળું ખોલવાની કોઈ જરૂર ન હતી ત્યારે કેન્દ્ર સરકારના આદેશ અનુસાર સ્થાનિક વહીવટીતંત્રે અદાલતને ખાતરી આપી હતી કે તાળુ ખોલવાથી કાયદો અને વ્યવસ્થા બગડશે નહીં.

તેથી તાળું ખોલી નાખવામાં આવે.

કેન્દ્ર સરકારની સાઠગાંઠની માહિતી હેમંત શર્માને કૉંગ્રેસના નેતાઓ પાસેથી જ મળતી હતી.

હેમંત શર્માએ લખ્યું છે, "ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન વીરબહાદુરસિંહે જાતે મને જણાવ્યું હતું કે દિલ્હીથી સીધો આદેશ આપવામાં આવી રહ્યો છે અને કમિશનરને જણાવવામાં આવે છે કે તાળું ખોલવાની અરજીને મંજૂરી મળે તેની તમામ વ્યવસ્થા કરવામાં આવે."

હેમંત શર્માએ લખ્યું છે, "રામ જન્મસ્થાન માટે ભાજપ કે જનસંઘે લડાઈ લડી હતી કે મંદિર નિર્માણ માટે માત્ર તેઓ જ પ્રતિબદ્ધ હતા એવી ધારણા ખોટી છે. મારો નિષ્કર્ષ એ છે કે આ સમગ્ર વિવાદ અને આંદોલનને કૉંગ્રેસનો મજબૂત ટેકો રહ્યો હતો."

"આઝાદી પછી કૉંગ્રેસની નીતિ જ મંદિર સમર્થકની રહી હતી. 1992ની છઠ્ઠી ડિસેમ્બરે વિવાદિત ઢાંચાના ધ્વંસ માટે ભાજપ કરતાં કેન્દ્રની કૉંગ્રેસી સરકાર વધુ જવાબદાર છે."

આ પુસ્તકમાં નોંધાયેલી ઘણી હકીકતનો જરાસરખો પણ ઇનકાર થઈ શકે તેમ નથી.

જેમ કે બાબરી મસ્જિદમાં ચૂપચાપ અને ચાલાકીથી મૂર્તિઓ મૂકવામાં આવી ત્યારે ગોવિંદ બલ્લભ પંત ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન હતા અને તેમણે મૂર્તિઓને હટાવવાની હિંમત ક્યારેય કરી ન હતી.

વિવાદિત ઈમારતનું તાળું ખોલવામાં આવ્યું ત્યારે રાજીવ ગાંધી વડા પ્રધાન હતા. પછી 1989માં તેમની જ સરકારે અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ કરાવ્યો હતો અને અયોધ્યાથી ચૂંટણીપ્રચાર શરૂ કરતાં રામરાજ્યનું વચન આપ્યું હતું.

આ ઘટનાઓને લેખિકા અરુંધતિ રોયનાં નિવેદનના સંદર્ભમાં જોઈએ તો આખો અયોધ્યા વિવાદ ભાજપ અને કૉંગ્રેસ વચ્ચેના છાયાયુદ્ધ જેવો લાગશે.

અરુંધતિ રોયે જણાવ્યું હતું કે ભારત આઝાદી પછીથી જ હિંદુ રાષ્ટ્ર બની રહ્યું છે, પણ નરેન્દ્ર મોદી સરકાર તેને ઔપચારિક સ્વરૂપ આપવાના પ્રયાસ કરી રહી છે.

અસ્થાયી મંદિરનો પાયો અને છળ

બાબરી મસ્જિદને તોડીને ત્યાં અસ્થાયી મંદિરનો પાયો જ છળના આધારે નાખવામાં આવ્યો હતો એ પણ એટલું જ સાચું છે.

છળનો એ ખેલ લાંબા સમયથી ચાલી રહ્યો હતો.

કોણે કોની સાથે છેતરપિંડી કરી હતી? વિશ્વ હિંદુ પરિષદે વડાપ્રધાન નરસિંહ રાવ સાથે છળ કર્યું હતું?

કે પછી બાબરી મસ્જિદને ધ્વસ્ત થતી જોઈને નરસિંહ રાવ ભાજપને છેતરી રહ્યા હતા?

બાબરી મસ્જિદને તોડી પાડવાની યોજનાની માહિતી પોતાને આપવામાં આવી ન હોવાથી છઠ્ઠી ડિસેમ્બરની સવારે હતપ્રભ હતા તે કલ્યાણસિંહ સાથે આરએસએસે છળ કર્યું હતું?

બાબરી મસ્જિદને નુકસાન નહીં કરવાનું સોગંદનામું સુપ્રીમ કોર્ટમાં દાખલ કરીને કલ્યાણસિંહની સરકારે અદાલતને છેતરી હતી?

શું નરસિંહ રાવ છૂપા હિંદુત્વવાદી હતા, જેમણે કૉંગ્રેસ સાથે છળ કર્યું હતું?

કારસેવકોએ તેમના માતૃસંગઠન આરએસએસ સાથે છળ કર્યું હતું અને કોઈ યોજના વિના બાબરી મસ્જિદ તોડી પાડી હતી?

કે પછી આરએસએસે છળકપટના આધારે હિંદુઓને ઉશ્કેર્યા અને પોતાના પ્રિય સ્વયંસેવક લાલકૃષ્ણ અડવાણી મારફતે આખા દેશને સાંપ્રદાયિક ઉન્માદની આગમાં ફેંકી દીધો?

છઠ્ઠી ડિસેમ્બરે બાબરી મસ્જિદને ધ્વસ્ત કરવામાં આવી પછી હેમંત શર્માએ 'જનસત્તા' અખબારમાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું હતું કે મસ્જિદને તોડી પાડવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.

એ તમામ લોકો સાથે 25 વર્ષ બાદ વાત કર્યા પછી તેમને સમજાયું હતું કે મસ્જિદ તોડવા માટે કોઈ કાવતરું ઘડવામાં આવ્યું ન હતું.

લાલકૃષ્ણ અડવાણીથી માંડીને ઉમા ભારતી સુધીના ભાજપના અનેક નેતાઓ કાવતરાના એ કેસમાં હજુ પણ આરોપી છે અને અદાલતે એ પૈકીનાં એકેયને મુક્ત કર્યાં નથી એ અલગ વાત છે.

પોતાની નજર સામે બાબરી મસ્જિદને તોડી પાડવામાં આવી રહી હતી ત્યારે રિપોર્ટરને લાગતું હતું કે આ કામ ષડયંત્ર વિના થઈ શકે નહીં, પણ અઢી દાયકા પછી એ જ રિપોર્ટર કથિત ષડયંત્રકર્તાઓના તર્ક સાથે સહમત થાય એ દિલચસ્પ વાત છે.

આ પૈકીની એકેય વ્યક્તિ, સંગઠન કે સંસ્થા સવાલોથી પર નથી.

હેમંત શર્માએ વિશ્વ હિંદુ પરિષદ બાબતે પણ સવાલ ઉઠાવ્યા છે, પરંતુ કૉંગ્રેસી નેતાઓ બાબતે જેવા આકરા સવાલ કર્યા છે તે રીતે સવાલ ઉઠાવ્યા નથી.

હેમંત શર્માએ લખ્યું છે, "કારસેવકોએ જે કર્યું એ કરવા માટે જ તેમને બોલાવવામાં આવ્યા હતા. 'ઢાંચા પર વિજય મેળવવા' અને 'ગુલામીના પ્રતિકનો નાશ કરવા' માટે તેમને અહીં લાવવામાં આવ્યા હતા."

"200થી 2,000 કિલોમીટર દૂરથી જે નારા સાથે કારસેવકોને અહીં લાવવામાં આવ્યા હતા એ નારો હતો 'એક ધક્કા ઔર દો, બાબરી મસ્જિદ તોડ દો.' આખરે તેમણે એ જ કરવાનું હતું. તેઓ ભજન કરવા આવ્યા ન હતા."

"અયોધ્યામાં અઢી લાખ કારસેવકો એકઠા થયા હતા. તેમનામાં ભરપૂર નફરત, ઉન્માદ અને ઝનૂન હતાં. તેમને જે ટ્રેનિંગ આપવામાં આવી હતી કે જે હિંસક ભાષામાં સમજાવવામાં આવ્યા હતા તેને ધ્યાનમાં લેતાં તેમને અહીંથી પીછેહટ કરવાનું કોણ કહી શકે?"

સવાલ એ છે કે કારસેવકોને હિંસક ભાષામાં સમજાવ્યા હતા કોણે? તેમનામાં રક્તરંજિત ઝનૂન પેદા કરનાર નેતા કોણ હતા?

એ લોકો કોણ હતા, જેઓ સતત કહેતા હતા, બલ્કે આજે પણ ધમકાવીને પૂછે છે કે "ન્યાય નહિં મળે તો અયોધ્યામાં મહાભારત થશે. હિંસાને કોણ રોકી શકશે?"

આ સવાલોના જવાબ આપવાનો પ્રમાણિક પ્રયાસ પુસ્તકમાં કરવામાં આવ્યો છે, પણ તમામ જવાબદારી નિર્ણય લેવામાં ઢીલી ન્યાયપાલિકા અને કૉંગ્રેસી નેતાઓના તકવાદીપણા પર થોપી દેવામાં આવી છે.

જોકે, ભારતીય રાજકારણને આટલાં વર્ષોથી પોતાની ધૂન પર નચાવતો રહેલો કાળો વાંદરો કોણ છે તેનો જવાબ શોધવાનું હજુ પણ બાકી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો