પૃથ્વી શૉ : ક્રિકેટ જગતમાં નાની ઉંમર, છતાં પણ મોટું કામ

પૃથ્વી શૉ Image copyright Getty Images

ભારતીય ટેસ્ટ ટીમ માટે 293માં ખેલાડી તરીકે રાજકોટના આંતરરાષ્ટ્રીય મેદાનમાં વેસ્ટ ઇન્ડીઝ સામે ઊતરેલા નવોદિત પૃથ્વી શૉએ પહેલી જ મેચમાં 134 નોંધાવીને સાબિત કર્યું છે કે શા માટે મેચ પહેલાંથી જ તેમની ચર્ચા થઈ રહી હતી.

પૃથ્વીને ટીમના સાથી ખેલાડી અજિંક્ય રહાણે અને કોચ શાસ્ત્રીએ સલાહ આપી હતી કે તેમની રમત અને સ્ટાઇલમાં પરિવર્તનની જરૂર નથી અને પૃથ્વીએ આ સલાહનું પાલન કર્યું છે.

વેસ્ટ ઇન્ડીઝ સામે ટોસ જીતીને પ્રથમ બૅટિંગ કરવા મેદાને ઊતરેલી ભારતીય ટીમના ઓપનર પૃથ્વીની રમત જોઈને કોઈ એવું કહી શકે નહીં કે 18 વર્ષના આ ખેલાડીની પ્રથમ મેચ છે.

તમે આ વાંચ્યું કે નહીં?

પહેલાં તેમણે ત્રણ રન લીધા અને ત્યારબાદ ચોક્કાઓનો વરસાદ કરી દીધો.

પૃથ્વીની બૅટિંગમાં સ્ટ્રેટ ડ્રાઇવ, કવર ડ્રાઇવ, ઑફ ડ્રાઇવ, સ્ક્વેર કટ, લેગ ગ્લાન્સ, કટ, પૂલ, સ્વીટ રિસ્ટ વર્ક, વગેરે જેવા તમામ શૉટ્સ જોવા મળ્યા હતા.

બીબીસી સાથે ઇન્ટર્વ્યૂમાં પૃથ્વીએ કહ્યું કે તેમની સરખામણી સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ તથા વિરાટ કોહલી સાથે થાય છે, તેને સકારાત્મક રીતે લે છે.


પહેલી ટેસ્ટમાં સદી

પૃથ્વીએ માત્ર 56 બૉલમાં અડધી સદી ફટકારી હતી. અડધી સદી માર્યા બાદ અટક્યા નહોતા, તેમણે કાળજીપૂર્વક રમીને સદી પણ ફટકારી હતી.

આ સદી સાથે જ પૃથ્વી શૉ સૌથી ઓછી ઉંમરે પહેલી ટેસ્ટમાં સદી ફટકારનાર ભારતીય ખેલાડી બની ગયા છે.

અગાઉ ભારતીય ટીમ માટે પહેલી જ ટેસ્ટમાં લાલા અમરનાથે ઇંગ્લૅન્ડ સામે 118 રન ફટકાર્યા હતા.

ત્યારબાદ દીપક શોધન (110), કૃપાલ સિંહ (100 અણનમ), અબ્બાસ અલી બેગ (112), હનુમંત સિંહ(105), ગુંડપ્પા વિશ્વનાથ(137), સુરેન્દ્ર અમરનાથ(124), મોહમ્મદ અઝહરૂદ્દીન(110), પ્રવીણ આમરે(103), સૌરવ ગાંગુલી(131), વીરેન્દ્ર સહેવાગ(105), સુરેશ રૈના(120), શિખર ધવન(187), અને રોહિત શર્માએ(177) ભારત માટે રમતા પોતાની પહેલી ટેસ્ટમાં જ સદી નોંધાવી હતી.


પૃથ્વી શૉ - એક પરિચય

Image copyright FACEBOOK.COM/CRICKETWORLDCUP

ચાર વર્ષની ઉંમરમાં માતા ગુમાવનાર પૃથ્વી શૉ મુંબઈની બહાર આવેલા વિરાર વિસ્તારમાં મોટા થયા છે.

પૃથ્વી ક્રિકેટમાં પોતાનું કૅરિયર બનાવી શકે એ માટે આઠ વર્ષની ઉંમરે તેમનું ઍડમિશન બાંદ્રાની રિઝવી સ્કૂલમાં કરાવ્યું હતું.

પિતાની સાથે સ્કૂલથી આવવાજવામાં પૃથ્વીને 90 મિનિટનો સમય થતો હતો.

14 વર્ષની ઉંમરે કાંગા લીગની 'એ' ડિવિઝનમાં સદી નોંધાવનાર સૌથી નાની ઉંમરના ખેલાડી બન્યા હતા.

ડિસેમ્બર 2014માં પોતાની સ્કૂલ માટે તેમણે 546 રનનો રેકર્ડ સ્થાપ્યો હતો.

પૃથ્વી મુંબઈની અંડર-16 ટીમના કૅપ્ટન પણ હતા. તેમણે કૅપ્ટન તરીકે ન્યૂઝીલૅન્ડમાં ભારતની અંડર-19 ટીમને વર્લ્ડકપમાં વિજય અપાવ્યો હતો.

પૃથ્વીએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેમને એ સિદ્ધિ બદલ ગર્વ છે.


આઈપીએલ અને પૃથ્વીનો રેકર્ડ

Image copyright PTI

દિલ્હી ડેરડૅવિલ્સે જાન્યુઆરી 2018માં આઈપીએલ (ઇન્ડિયન પ્રિમિયર લીગ) માટે થયેલી હરાજીમાં એક કરોડ 20 લાખમાં પૃથ્વીને પોતાની ટીમમાં લીધા હતા.

કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ પહેલી મેચ રમવાની સાથે જ તેઓ આઈપીએલ રમનારા સૌથી ઓછી ઉંમરના ખેલાડી બન્યા હતા.

પહેલી મેચમાં તેમણે 10 બૉલમાં 22 રન કર્યા હતા અને નવ મેચની સિરીઝમાં 27.22ની ઍવરેજ સાથે 245 રન નોંધાવ્યા હતા. આ સિરીઝમાં તેમનો સ્ટ્રાઇકરેટ 153.1નો હતો.


રણજીમાં પૃથ્વી શૉ

Image copyright PTI

ગત બે દાયકા દરમિયાન રણજી ટ્રૉફીની પહેલી મેચમાં સદી ફટકારનાર પ્રથમ ક્રિકેટર બન્યા હતા.

તેઓ દુલીપ ટ્રૉફીની પ્રથમ મેચમાં પણ સદી નોંધાવનાર ક્રિકેટર બન્યા છે.

વર્ષ 2017-18ની રણજી ટ્રૉફીમાં પૃથ્વી શૉએ ખૂબજ સારી બૅટિંગ કરી હતી. તેમણે તામિલનાડુ વિરુદ્ધ 123, ઓરિસ્સા વિરુદ્ધ 105 અને આંધ્ર પ્રદેશ વિરુદ્ધ 114 રન ફટકાર્યા હતા.

Image copyright Getty Images

ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ પહેલાં પૃથ્વી શૉએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની અત્યાર સુધીની 15 મેચમાં 57.44ની ઍવરેજ સાથે સાત સદી નોંધાવીને 1436 રન બનાવ્યા હતા.

આ ઉપરાંત ઇંગલૅન્ડમાં ભારત 'એ' માટે રમતા પૃથ્વી શૉએ 60.3ની ઍવરેજ સાથે 603 રન બનાવ્યા હતા.

તાજેતરમાં જ ભારતીય ટીમે કરેલા ઇંગ્લૅન્ડ પ્રવાસની અંતિમ બે મેચમાં પૃથ્વીની પસંદગી થઈ હતી, પરંતુ તેમને રમવાનો ચાન્સ મળ્યો નોહતો.


શું કહે છે દ્રવિડ?

Image copyright Getty Images

પૃથ્વી શૉના અંડર 19 કોચ રાહુલ દ્રવિડ તેમની માનસકિતાથી પ્રભાવિત છે. તેમનું કહેવું છે કે પૃથ્વીએ પોતાની રમતમાં સતત સુધારો કર્યો છે.


પૃથ્વીની સદી પર પ્રતિક્રિયાઓ

પૃથ્વએ સદી ફટકારી એ સાથે જ સોશિયલ મીડિયામાં પ્રતિક્રિયાઓ આવવાની શરૂ થઈ ગઈ હતી.

પૂર્વ ક્રિકેટર સહેવાગે લખ્યું કે હજુ તો શરૂઆત છે છોકરામાં ખૂબ જ દમ છે.

પૂર્વ ક્રિકેટર લક્ષ્મણે લખ્યું કે 18 વર્ષના છોકરાને મેદાનમાં આવતાની સાથે જ નેચરલ રમત રમતા જોઈએ તો સારું લાગે છે.

સંજય માંજરેકરે લખ્યું કે પૃથ્વી શૉને ડેબ્યૂ મેચમાં સદી નોંધાવા બદલ અભિનંદન.

ટીવી ઍંકર અને પ્રેઝન્ટર ગૌરવ કપૂરે પણ પૃથ્વીની પ્રશંસા કરી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ