PM મોદીને કેમ હટાવવું પડ્યું સર છોટુરામ પર કરેલું ટ્વીટ?

વડા પ્રધાન મોદી તેમના મંત્રીઓ સાથે Image copyright TWITTER/@NARENDRAMODI

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણાના રોહતક જિલ્લામાં ખેડૂતોના નેતા સર છોટુરામની 64 ફૂટ ઊંચી પ્રતિમાનું ઉદ્ઘાઘટન કર્યું.

આ અવસર પર પીએમઓ (પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ) ઇન્ડિયા એકાઉન્ટ હૅન્ડલ પરથી એક ટ્વીટ કરવામાં આવ્યું હતું, જે બાદ સોશિયલ મીડિયામાં નારાજગીનું વાતવરણ ઊભું થયું.

પીએમઓ દ્વારા ટ્વીટ કરાયું, "આ મારું સૌભાગ્ય છે કે મને ખેડૂતોનો અવાજ , જાટોના મસીહા, રહબર-એ-આઝમ, દીનબંધુ સર છોટુરામની ભવ્ય પ્રતિમાનું અનાવરણ કરવાની તક મળી."

હરિયાણામાં સોશિયલ મીડિયા પર આ નિવેદનની ખૂબ જ આલોચના થઈ. કેટલાક લોકોએ વડા પ્રધાન પર જાતિવાદ ફેલાવવાનો આરોપ લગાવ્યો.

ત્યારબાદ વડા પ્રધાન કાર્યાલયે એ ટ્વીટ ડિલિટ કરી નાખ્યું.

Image copyright TWITTER/PMOINDIA

ટ્વિટર પર મોહમ્મદ સલીમ બાલિયાને લખ્યું, "રહબર-એ-આઝમ દીનબંધુ ચૌધરી છોટુરામ માત્ર જાટોના મસીહા નહોતા, પરંતુ તેઓ સમગ્ર ખેડૂતો અને મજૂરોના મસીહા હતા. એક પ્રભાવશાળી વ્યક્તિને માત્ર જાટોના મસીહા કહેવા એ તેમનું અપમાન કરવા જેવું છે."

સામાજિક કાર્યકર્તા અને આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા કુલદીપ કાદ્યાને ટ્વીટ કર્યું, "મોદી જી, સર છોટુરામ જાટોના નહીં, પરંતુ દરેક ખેડૂત લોકોના મસીહા હતા. આવી વિચારસરણી માત્ર હરિયાણાના લોકોને જાતિવાદના નામે તોડનારાની હોઈ શકે છે. તેમનો ચહેરો જનતા સમક્ષ આવી ગયો છે."

તમે આ વાંચ્યું કે નહીં?

હરિયાણાના પત્રકાર મહેન્દ્ર સિંહે ફેસબૂક પર લખ્યું, "મહાપુરુષ કોઈ જાતિ વિશેષના ના હોઈ શકે આવું મોદી પોતે જ કહી ચૂક્યા છે. તો પછી હરિયાણામાં નિયમ કેમ બદલાઈ ગયા? પીએમઓએ આ નિવેદન પાછું લેવું જોઈએ."

હરિયાણાના નારનૌલના ઓમ નારાયણ શ્રેષ્ઠ લખે છે, "જો મોદી જી છોટુરામને માત્ર જાટોના મસીહા સમજે છે, તો મારો વિચાર છે કે તેઓ દેશના કરોડો ગરીબ ખેડૂત મજૂરના નેતાનું કદ ઘટાડી રહ્યા છે."

કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કર્યું, "વડા પ્રધાન જી! આ ટ્વીટમાં તમે દીનબંધુ રહબરે આઝમ સર છોટુરામને જાતિના બંધનમાં બાંધવાનો પ્રયત્ન કર્યો છે. આ તમારી સંકીર્ણ વોટ બૅન્કની રાજનિતીનું જીવતું જાગતું ઉદાહરણ છે, જે જાતિ-ધર્મના વિભાજનથી બહાર નથી આવતી."

સોશિયલ મીડિયા પર આવો વિરોધ થતા 'જાટોના મસીહા' લખેલું ટ્વીટ હટાવી લેવામાં આવ્યું છે.

2019નો ચૂંટણી પ્રચાર

Image copyright TWITTER/@NARENDRAMODI

અમુક લોકો પીએમ મોદીની રોહતક રેલીને '2019ની ચૂંટણી પ્રચારની શરૂઆત' પણ ગણી રહ્યા છે. વર્ષ 2014ની લોકસભા ચૂંટણી પહેલાં પણ પીએમ મોદીએ હરિયાણાથી જ પોતાના ચૂંટણી પ્રચાર અભિયાનની શરૂઆત કરી હતી.

રોહતકની રેલીમાં પીએમ મોદીએ લાંબું ભાષણ આપ્યું હતું અને પોતાની સરકારની તમામ ઉપલબ્ધિઓ ગણાવી હતી.

આ રેલીમાં નરેન્દ્ર મોદીએ જનતા વચ્ચે એક સવાલ રાખ્યો કે 'સર છોટુરામ જેવા મહાન વ્યક્તિત્વને એક જ ક્ષેત્રના સીમાડામાં કેવી રીતે સીમિત કરી દેવાયા?'

મોદીએ કહ્યું, "ચૌધરી સાહેબને એક જ ક્ષેત્ર સુધી સીમિત કરવાથી તેમના કદમાં કોઈ ફરક નથી પડ્યો. પરંતુ દેશની અનેક પેઢીઓ તેમના જીવનથી ઘણું શીખવાથી વંચિત રહી ગઈ."

નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં એવો દાવો કર્યો હતો કે તેમની સરકાર દેશ માટે પ્રાણ ત્યજનારી દરેક વ્યક્તિનું માન વધારવાનું કામ કરી રહી છે.


સર છોટુરામ અને સરદાર પટેલ

Image copyright TWITTER/@NARENDRAMODI

આ મહિનાની 31મી ઑક્ટોબરના રોજ મોદી દુનિયાની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું ઉદ્ઘાટન કરવાના છે. આ મુદ્દે પણ અમુક લોકો સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરી રહ્યા છે.

ટ્વિટર યુઝર પ્રિન્સે લખ્યું છે, "સર છોટુરામ તો જાટ મસીહા થયા. સરદાર પટેલની પ્રતિમાનું ઉદ્ઘાટન કરશો, તો તેમને શું પટેલોના મસીહા ગણાવશે? રૂપિયો તો અમસ્તો બદનામ થઈ રહ્યો છે. સાચું પતન તો વિચારમાં થઈ રહ્યું છે."


કોણ હતા સર છોટુરામ?

હરિયાણાના ખેડૂતો વચ્ચે સર છોટુરામ એક જાણીતું નામ છે. સર છોટુરામ હરિયાણાના રોહતક જિલ્લાના ગઢી સાંપલા ગામના રહેવાસી હતા.

બ્રિટિશ શાસનકાળમાં તેમણે ખેડૂતોના અધિકારો માટેની લડાઈ લડી. સર છોટુરામને નૈતિક સાહસનું ઉદાહરણ માનવામાં આવે છે.

બ્રિટિશ રાજમાં ખેડૂતો તેમને પોતાના મસીહા માનતા હતા. તેઓ પંજાબ રાજ્યના એક આદરણીય મંત્રી હતા અને તેમણે ત્યાં કૃષિ મંત્રી તરીકે પણ કામ કર્યું છે.

આ હોદ્દો તેમને 1973ની પ્રોવેન્શિયલ ઍસેમ્બ્લી ચૂંટણી બાદ મળ્યો હતો.

સર છોટુરામ ભાઈ-ભત્રીજાવાદની સખત વિરુદ્ધ હતા. તેમને સર પહેલાં 'રાય બહાદુર'ની ઉપાધિ આપવામાં આવી હતી. તેમને લોકો 'દીનબંધુ' પણ કહેતા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો