BBC TOP NEWS : વર્લ્ડ બૅન્કના 'હ્યુમન કૅપિટલ ઇન્ડેક્સ'માં ભારતનો 115મો ક્રમ

બેઠેલા લોકો Image copyright KALPIT BHACHECH
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર વર્લ્ડ બૅન્ક દ્વારા જાહેર કરાયેલા 'હ્યુમન કૅપિટલ ઇન્ડેક્સ'માં ભારત 115મા ક્રમે રહ્યું છે. ભારત નેપાળ, શ્રીલંકા, મ્યાંમાર અને બાંગ્લાદેશ કરતાં પણ પાછળ છે.

આ યાદીમાં સિંગાપોર ટોચના ક્રમે રહ્યું છે. યુનિવર્સલ આરોગ્ય સિસ્ટમ, ઍજ્યુકેશન ઍક્ઝામ રિઝલ્ટ અને આયુષ્ય દર સહિતના પરિબળો મામલે સિંગાપોર ટોચ પર રહ્યું.

આ યાદી ગુરુવારના રોજ જાહેર કરવામાં આવી હતી. સિંગાપોર બાદ દક્ષિણ કોરિયા, હોંગકોંગ અને ફિનલૅન્ડનો સમાવેશ થાય છે.

યાદી તૈયાર કરવા માટે 157 દેશોનાં બાળકોના મૃત્યુદર, આરોગ્ય અને શિક્ષણ સહિતના માપદંડો અનુસાર રૅન્કિંગ નક્કી કરવામાં આવ્યું હતું.

જોકે, આ રિપોર્ટ મામલે નાણા મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે 'હ્યુમન કૅપિટલ ઇન્ડેક્સ' ભારતમાં માનવ વિકાસ મુદ્દે કરવામાં આવેલી મુખ્ય કામગીરીનો સમાવેશ નથી કરતું.

દરમિયાન 'ગ્લોબલ હન્ગર ઇન્ડેક્સ' અનુસાર ભારતમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના 21 ટકા બાળકોનું વજન જરૂર કરતાં ઓછું છે.

અહેવાલ અનુસાર દર પાંચમાંથી એક બાળક તેની ઊંચાઈને અનુસંધાને ખૂબ જ ઓછું વજન ધરાવે છે. જે ખૂબ જ તીવ્ર કુપોષણ હોવાનું દર્શાવે છે.

'ગ્લોબલ હન્ગર ઇન્ડેક્સ-2018' અનુસાર સૌથી વધુ કુપોષિત બાળકો યુદ્ધગ્રસ્ત દક્ષિણ સુદાનમાં છે.


ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની વન-ડે માટે ટીમ જાહેર

Image copyright TWITTER.COM/BCCI
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

'ક્રિકઇન્ફો' સ્પોર્ટ્સ વેબસાઇટ અનુસાર આજે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે હૈદરાબાદ ખાતે બીજી ટેસ્ટ મેચ શરૂ થશે.

ભારત બે મેચની શ્રૃંખલામાં 1-0થી આગળ ચાલી રહ્યું છે. ભારતે રાજકોટ ટેસ્ટ એક ઇનિંગ અને 272 રનથી જીતી લીધી હતી.

ઉપરાંત વેસ્ટ ઇન્ડિઝ સામેની પહેલી બે વન-ડે માટેની ટીમ પણ જાહેર કરી દેવાઈ છે.

જેમાં દિનેશ કાર્તિકને જગ્યા નથી મળી અને ઋષભ પંતને ટીમમાં સ્થાન મળ્યું છે.

વિરાટ કોહલી પણ વન-ડેમાં રમશે અને તે કપ્તાન રહેશે.

તમે આ વાંચ્યું કે નહીં?


એમ. જે અકબર પર લાગેલા આરોપ વિશે સ્મૃતિ ઇરાનીની પ્રતિક્રિયા

Image copyright Getty Images

'એનડીટીવી'ના અહેવાલ અનુસાર પૂર્વ પત્રકાર અને હાલ મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી રહેલા એમ. જે. અકબર સામે કેટલાક મહિલા પત્રકારોએ #MeToo અભિયાન અંતર્ગત યૌન ઉત્પીડનના આરોપ લગાવ્યા છે.

આ મામલે મોદી સરકારમાં વિદેશ મંત્રી સુષમા સ્વરાજને પૂછવામાં આવતાં તેમણે પ્રશ્નનો ઉત્તર નહોતો આપ્યો.

જોકે, આ મામલે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું,"આ મામલે વ્યક્તિ ખુદ કંઈક બોલે તે જ યોગ્ય રહેશે, કેમ કે એ સમયે હું ત્યાં હાજર નહોતી, આથી હું કંઈ ન કહી શકું."

"તેમણે ખુદ નિવેદન જાહેર કરવું જોઈએ. તેમણે કહ્યું કે હું મીડિયાની સરાહના કરું છું કકે તેમણે મહિલા સહકર્મચારીઓને ટેકો આપ્યો."

તેમણે વધુમાં કહ્યું કે,"મહિલાઓ માટે પોતાની વાત કહેવી મુશ્કેલ બાબત હોય છે. આથી આપવીતી કહેનારી વ્યક્તિની મજાક ન ઉડાડવી જોઈએ."

દરમિયાન 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર બૉલીવૂડ દિગ્દર્શક સાજીદ ખાન સામે પણ યૌન ઉત્પીડનના આરોપ લાગ્યા છે.

તેમની સામે તેમની આસ્ટિટંટ ડાયરેક્ટર સલોની ચોપડાએ આરોપ લગાવ્યા છે.

એક ઇન્ટર્વૂયમાં સલોનીએ કહ્યું કે નોકરી માટેના ઇન્ટરવ્યૂમાં સાજીદ ખાને કથિતરૂપે વાંધાજનક સવાલો પૂછ્યા હતા.

તેમણે કહ્યું કે ઇન્ટર્વ્યૂ આપ્યા બાદ તેઓ ઘણું રડ્યાં હતાં પણ બાદમાં તેમને આ નોકરી મળી ગઈ હતી.


ઓડિશા-આંધ્રપ્રદેશમાં ચક્રવાત તિતલીનો કેર

Image copyright Reuters

બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાત 'તિતલી'ને કારણે ઓડિશા, આંધ્રપ્રદેશમાં ભારે નુકસાન થયું છે.

ચક્રવાતને પગલે આઠ લોકોનાં મોત થયાં છે અને સંખ્યાબંધ ઘર નષ્ટ થઈ ગયાં છે.

જ્યારે ચક્રવાત દરિયાકાંઠે ત્રાટક્યું જ્યારે પવનની ઝડપ 150 કિલોમીટર પ્રતિ કલાકની હતી.

ઓડિશાના નીચાણવાળા વિસ્તારોમાંથી ત્રણ લાખ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે.

અધિકારીઓનું કહેવું છે કે ચક્રવાતને પગલે ઘણા વિસ્તારોમાં વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. વળી વીજ સપ્લાય પણ બંધ થઈ ગયો છે.

આંધ્ર પ્રદેશના શ્રીકકુલમના જિલ્લા પ્રશાસન પ્રમુખ ધનંનજય રેડ્ડીના અનુસાર વીજળીના સાત હજાર થાંભલા ચક્રવાતને કારણે તૂટી ગયા છે.

આથી ચારથી પાંચ હજાર ઘરોમાં અંધારપટ છવાઈ ગયો છે.


ચંદીગઢમાં શીખ મહિલાઓને વાહ ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું નહીં પડે

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર દિલ્હી બાદ ચંદીગઢમાં પણ શીખ મહિલાઓને હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ આપવામાં આવશે.

ગૃહ મંત્રાલયે ચંદીગઢ પ્રશાસનને આ મામલે નિયમમાં સુધારો કરવા માટે જણાવ્યું છે.

શીખ સમુદાયની સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલી રજૂઆતને પગલે આ કાર્યવાહી કરવામાં આવી છે.

જોકે, માર્ગ સલામતી બાબતોના નિષ્ણાતોએ આ પગલાની ટીકા કરી છે.

તેમનું કહેવું છે કે કઈ રીતે જાણી શકાશે કે વાહન ચલાવી રહેલી મહિલા શીખ સમુદાયનાં છે. વળી તેમની સુરક્ષા પણ જોખમાઈ જશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો