ગ્રાઉન્ડ રિપોર્ટ : શેલ્ટર હોમમાં કેવી રીતે જીવે છે પરપ્રાંતીયો?

ઉત્તર પ્રદેશ અને બિહારથી ગુજરાતમાં કામ કરવા આવેલા મજૂર રાહત શિબિરમાં આશ્રય લઈ રહ્યા છે
ફોટો લાઈન ઉત્તર પ્રદેશ અને બિહારથી ગુજરાતમાં કામ કરવા આવેલા મજૂર રાહત શિબિરમાં આશ્રય લઈ રહ્યા છે

જ્યારે અસહ્ય ગરીબીને કારણે શાળાએ જવાનું છોડવું પડ્યું, તો 20 વર્ષના સુમિત કઠેરિયાને પહેલો વિચાર આવ્યો કે તેઓ હવે ગુજરાતમાં જઈને પૈસા કમાશે.

ઉત્તર પ્રદેશના બાલપુર ગામના રહેવાસી સુમિત ગાંધીનગર પાસેના દહેગામની એક જીઆઈડીસીની એક બેકરીમાં કામ કરતા હતા. ગુજરાતમાં હાલમાં પરપ્રાંતીયો પર થયેલી હિંસાનો ભોગ કઠેરિયા પણ બની ચૂક્યા છે.

દહેગામ ખાતેના પોતાના ભાડાનાં મકાનમાંથી ભાગીને કઠેરિયા હવે પોતાના ગામમાં પાછા જવા માટેની રાહ જોઈ રહ્યા છે, જેમની માટે કામ કરતા હતા તેમણે કઠેરિયાને પગાર સુદ્ધાં આપ્યો નથી.

સુમિત કઠેરિયાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "મને અહીં બહુ બીક લાગી રહી છે, જો મારો પગાર મને મળી જાય તો મારે ગુજરાતથી વહેલી તકે જતા રહેવું છે,"

સાબારકાંઠાના હિંમતનગર પાસેના એક ગામમાં એક 14 માસની બાળકી ઉપર બળાત્કાર કરવાના આરોપમાં બિહારના એક રહેવાસીને પોલીસે પકડ્યો હતો. આ ઘટના બાદ ગુજરાતના અનેક સ્થળોએ હિંદીભાષી લોકો પર ટોળાઓએ હુમલા કર્યા હોવાની ઘટનાઓ બહાર આવી હતી.

6 ઑક્ટોબરના રોજ સુમિત પણ આવા જ એક ટોળાની હિંસાનો ભોગ બન્યા હતા. ટોળાના લોકોએ તેમની સાથે મારપીટ કરી અને 24 કલાકમાં ગુજરાત છોડી દેવાની ધમકી આપી હતી.

ફોટો લાઈન લીલા રંગના શર્ટમાં પ્રવાસી મજૂર સુમિત કઠેરિયા

કઠેરિયા મહીને 7500 રુપિયા કમાય છે અને તેમાંથી આશરે 6000 રુ. તે પોતાના ઘરે ખર્ચ માટે મોકલે છે.

કઠેરિયાએ બીબીસીને જણાવ્યું,"આ 6000 જ મારા પરિવારની આવક છે. મારે ગુજરાતમાં વધારે સમય સુધી રહેવું હતું, પરંતુ હવે મને અહીં બહુ બીક લાગે છે અને હું જવા માંગુ છું".

તેઓ પોતાના પરિવારનું ભરણપોષણ કરવાની સાથે-સાથે પોતાની નાની બહેન અને નાના ભાઈના ભણતરનો ખર્ચ પણ ઉપાડે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

કઠેરિયાએ પોતાની શાળા 8માં ધોરણ બાદ છોડી દેવી પડી હતી. સુમિતને ઇન્ડિયન આર્મીમાં નોકરી કરવી હતી, પરંતુ ઘરનું ભરણપોષણ કરવા માટે તેમણે ભણતર છોડીને નાની ઉંમરમાં જ નોકરીએ લાગી જવું પડ્યું હતું.

કઠેરિયા જેવા ઘણા લોકો છે જે ગુજરાતમાં પૈસા કમાવવાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને બિહાર જેવા રાજ્યોના નાના ગામડાંઓથી આવે છે. આવા ઘણા કારીગરોથી ગુજરાતની ફેકટરીઓ ધમધમી રહી છે. જોકે, હજી પણ એવા અનેક લોકો છે કે જે અહીં રહીને કામ કરવા માંગે છે.


જેથી હિંસા ભડકી ઉઠી

ફોટો લાઈન સુમિત અને તેમના સાથી પ્રવાસી મજૂર

14 માસની એક બાળકી પર બળાત્કારના આરોપમાં મૂળ બિહારના રહેવાસી રવીન્દર ગાંડેને સાબરકાંઠા પોલીસે 28 સપ્ટેમ્બરના રોજ પકડી પાડ્યો હતો.

ત્યારબાદ કોંગ્રેસ નેતા અને ઠાકોર સેના તેમજ ઓબીસી, એસસી, એસટી એકતા મંચના પ્રમુખ અલ્પેશ ઠાકોરે 29 સપ્ટેમ્બરના રોજ પોતાના ફેસબુક પેજ ઉપરથી એક એફબી લાઇવ કર્યું હતું અને પરપ્રાંતીય લોકો વિરુદ્ધ ટિપ્પણીઓ કરી હતી.

આરોપી વિશે વાત કરતા તેમણે 'પરપ્રાંતીય' જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. જોકે ત્યારબાદ રાજ્યનાં અનેક સ્થળોએ લોકોના ટોળે ટોળા ભેગા થયા હતા અને પરપ્રાંતીય લોકો પર હુમલાઓ કર્યા હતા.

સાંબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા જેવા વિસ્તારોમાં સૌથી વધારે હુમલાઓ થયા હતા.

આ વિશે ગુજરાત રાજ્યના ડીજીપી (ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ) શિવાનંદ જ્હાએ પત્રકારો સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે આ પ્રકારની હિંસાને કોઈપણ ભોગે સાંખી લેવાશે નહીં.

ત્યારબાદ 8 ઑક્ટોબરના રોજ એક પત્રકાર પરિષદમાં રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રાજ્યભરમાં લગભગ 57 ફરિયાદો નોંધાઈ છે.

તેમણે કહ્યું હતું કે લગભગ 400 જેટલા લોકોની ધરપકડ થઈ છે. જોકે, અલ્પેશ ઠાકોરની ઉશ્કેરણીજનક ટિપ્પણી બાદ તેમણે અનેક વખત આ હિંસાને રોકવા માટેની અપીલ કરી હતી.


ફેક મૅસેજને કારણે ભય

સોશિયલ મીડીયાનાં માધ્યમથી અફવા ફેલાવનારા 35 યુવકોની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી.

આ લોકો ફેસબુક અને વૉટ્સઍપનાં માધ્યમથી પરપ્રાંતીય લોકો વિરુદ્ધમાં મૅસેજ ફૉર્વર્ડ કરી રહ્યા હતા."

આ મામલે અમદાવાદના કલેક્ટર વિક્રાંત પાન્ડેએ બીબીસી ગુજરાતીને જણાવ્યું, "અમને જયારે ખબર પડી કે કેટલાક લોકો સોશિયલ મીડિયાનાં માધ્યમથી લોકોમાં ભય ફેલાવી રહ્યા છે, ત્યારે અમે સાયબર ક્રાઇમ સેલની મદદથી આવા લોકોને રાજ્યભરમાંથી શોધી કાઢ્યા હતા."

આ વિશે વધુ વાત કરતા સાયબર ક્રાઇમ સેલના પોલીસ ઇન્સપેક્ટર જે. એસ. ગેડમ કહે છે, "આ તમામ લોકો ફોટોગ્રાફ, મૅસેજ તેમજ ગ્રાફિક્સનાં માધ્યમથી લોકોમાં ભય ફેલાવી રહ્યા હતા."

સરકાર માને છે કે અફવા ફેલાવનારાઓ સામેની કાર્યવાહીને કારણે આ પ્રક્રિયા અટકી છે.


પરપ્રાંતીય અને ગરીબી

ફોટો લાઈન પ્રવાસી મજૂર અંશુ કુમાર

ટોળાની હિંસાનો ભોગ બનનાર મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી એવા લગભગ 60 જેટલા યુવાનો અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારનાં એક શેલ્ટર હોમમાં આશ્રય લઈ રહ્યા છે.

આ શેલ્ટર હોમ ખાસ પરપ્રાંતીય લોકો માટે બનાવવામાં આવ્યું છે. અહીં એવા અનેક યુવાનો રહે છે જેઓ સામાન્ય રીતે એકલા રહીને અહીં કામ કરીને પૈસા પોતાના ઘર મોકલતા હોય છે.

આ યુવાનો ગાંધીનગરના દહેગામમાં રહે છે. 6 ઑક્ટોબરના રોજ જ્યારે એક ટોળાએ તેમના પર હુમલો કર્યો અને કહ્યું કે ગુજરાત છોડીને જતા રહો ત્યારબાદ આ યુવાનોએ આ શેલ્ટર હોમમાં આસરો લીધો હતો.

ઉત્તર પ્રદેશના કાનપુર પાસેના ભવનીપુરા ગામના રહેવાસી અને હાલમાં દહેગામ ખાતે રહેતા 20 વર્ષીય હરિકિશન કુશાવાહે જણાવ્યું, "અમને થપ્પડ મારવામાં આવી, અમને અમારા મૂળ રાજ્ય વિશે પૂછવામાં આવ્યું, જ્યારે અમે કહ્યું 'અમે ઉત્તર પ્રદેશથી છીએ,' તો આ ટોળાના લોકોએ મને ખૂબ માર માર્યો હતો. હવે મારે અહીં નથી રહેવું."

Image copyright SHAILESH CHAUHAN
ફોટો લાઈન પરેશાન પ્રવાસી પોતાના રાજ્યોમાં પરત ફરી રહ્યા છે

19 વર્ષીય અંશુ કમારને માર મારવામાં આવ્યો હતો. ધોરણ 8થી શાળાએ જવાનું છોડી દીધા બાદ તેઓ આસપાસના ખેતરમાં મજૂરી કરતા હતા.

અંશુએ બીબીસીને જણાવ્યું,"અમારા ગામમાં અમને નિયમિત રોજગારી મળતી ન હતી. ગુજરાતની જેમ ત્યાં અમારા માટે નોકરીઓ નથી, અને ખેતી માટે પાણી પણ નથી. અહીં ગુજરાતમાં હુ દરરોજ ૧૨ કલાક સુધી કામ કરું છું."

ફોટો લાઈન રાહુલ કુમાર

બીબીસી ગુજરાતીની ટીમે લગભગ 40 લોકો સાથે વાત કરી હતી, પરંતુ તેમાંથી કોઈપણ વ્યક્તિએ અમદાવાદની કોઈ મુખ્ય બજાર નથી જોઈ, તેમાંથી કોઈએ ક્યારેય કોઈ સિનેમા હૉલ પણ જોયો નથી.

મૂળ કાનપુરના રહેવાસી અને ગુજરાતમાં કામ કરતા રાહુલ કુમારે બીબીસીને જણાવ્યું, "અમે કામ કરીએ, ઘરે જઈએ, ભોજન બનાવીએ, ખાઈએ અને સૂઈ જઈએ. બીજા દિવસે ફરીથી સવારે ઊઠીને કામ પર પહોંચી જઈએ છીએ. આ જ અમારું જીવન છે."

Image copyright SHAILESH CHAUHAN

ભોલા તિવારી છેલ્લી ત્રણ પેઢીઓથી ગુજરાતમાં રહે છે. તેમના દાદા કાનપુરથી આવીને ગુજરાતનાં વસ્ત્રાલ વિસ્તારમાં આશરે 70 વર્ષ પહેલાં વસ્યા હતા.

બીબીસી સાથે વાત કરતા તિવારીએ કહ્યું, "ગુજરાતનો વિકાસ, અમારા જેવા તમામ લોકોથી છે. ગુજરાતની કંપનીઓ સારો ધંધો કરી શકે છે, કારણ કે પરપ્રાંતીયો એક ખૂબ જ મોટો જરુરી એવો મેનપાવર આપે છે."

ફોટો લાઈન પ્રવાસી શ્રમિક સાથે વાત કરી રહેલા ભોલા તિવારી

તિવારીએ વધુમાં કહ્યું, "આ લોકો અહીં કામ કરે છે, અને તેમના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં નાના-નાના માર્કેટ બન્યા છે, અને ગુજરાતીઓને તેમના થકી રોજગાર મળે છે."

ઉદાહરણ તરીકે સાણંદ તાલુકાના બોડ ગામનું અર્થતંત્ર પરપ્રાંતીય લોકો પર નિર્ભર છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા બોડ ગામમાં મોબાઇલ રિચાર્જની દુકાન ધરાવતા હરીશ રાજપુરોહિત કહે છે, "પહેલાં 10માંથી સાત ગ્રાહક પરપ્રાંતીય હતા, પરંતુ હવે તે આંકડો 10માંથી ત્રણ થઈ ગયો છે. મારા વકરામાં આશરે 50 ટકાનો ફરક પડી ગયો છે, કારણ કે ઘણાં પરપ્રાંતના લોકો આ ગામ છોડીને જતા રહ્યા છે."


પરપ્રાંતીયોનું સ્થળાંતર

Image copyright JULIE RUPALI

ઉત્તર ભારત વિકાસ પરિષદ નામની એક સંસ્થા ગુજરાતમાં રહેતા ઉત્તર ભારતીયોના વિકાસ માટે કામ કરે છે.

આ સંસ્થાના અંદાજ પ્રમાણે, હિંસાના પ્રથમ સપ્તાહમાં આશરે 80,000 લોકો ગુજરાત છોડીને પોતાના વતન પરત ફરી ગયા હતા.

ઉત્તર ભારત વિકાસ પરિષદના પ્રમુખ, શ્યામ ઠાકુરે બીબીસીને જણાવ્યું,"29 સપ્ટેમ્બર પછી ઉત્તર ભારત તરફ જતી તમામ ટ્રેન, બસોમાં ત્રણ ગણા મુસાફર લઈને ગઈ છે. ઉત્તર ગુજરાતમાં તેમના ઉપર થયેલા હુમલા પછી તે ખૂબ જ ડરી ગયા હતા અને પલાયન કરવા માંડ્યા હતા."

Image copyright SHAILESH CHAUHAN

ઠાકુરે વધુમાં કહ્યું કે તેમણે પોતે જોયું છે કે 56 મુસાફરોની ક્ષમતા ધરાવતી એક બસમાં લગભગ 150 લોકો ભરીને જઈ રહી હતી.

અમદાવાદના જિલ્લા કલેક્ટર વિક્રાંત પાન્ડેએ રેલ્વે સ્ટેશનની મુલાકાત લીધી હતી અને લોકોને અહીં જ રહેવા માટે સમજાવ્યા હતા.

પાન્ડેએ કોઈપણ પ્રકારની બીક ન રાખવાનું કહ્યું હતું.

બીબીસી સાથે વાત કરતા પાન્ડેએ કહ્યું, "મને જાણવા મળ્યું હતું કે તેમાંથી ઘણા લોકો છઠ જેવા તહેવારો મનાવવા માટે જઈ રહ્યા છે, જ્યારે અમુક લોકો બીકને કારણે પણ જઈ રહ્યા હતા. અમે તેમનામાં વિશ્વાસ ફરી બેસાડવાનો પ્રયાસ કર્યો હતો અને તેઓ અહીં સુરક્ષિત છે એવું આશ્વાસન આપ્યું હતું."

પાન્ડેએ કહ્યું કે હજી સુધી પરપ્રાંતીય લોકોનું કોઈ રજિસ્ટ્રેશન થતું નહોતું, પરંતુ હવે તેમને તેની જરૂર લાગી રહી છે.

પાન્ડેએ વધુમાં કહ્યું, "હવેથી અમે આવા લોકોનું રજિસ્ટ્રેશન કરીને તેમનો એક રેકર્ડ પણ રાખીશું."

"સરકારે પરપ્રાંતીય લોકો સુધી પહોંચવા માટે તમામ પ્રયાસો કર્યા છે અને તે માટે સ્થાનિક નેતાઓ, ફેક્ટરીઓના માલિકો, સ્થાનિક પોલીસ વગેરેની મદદ લેવામાં આવી રહી છે."

ઉત્તર ભારત વિકાસ પરિષદના શ્યામ ઠાકુરે જણાવ્યું હતું કે તેમની સંસ્થાએ અલગઅલગ ટીમો બનાવીને હિંદી ભાષી લોકો રહેતા હોય તેવી વસાહતોમાં મોકલી છે, જેથી લોકોની તકલીફો વિશે તેમને ખબર પડી શકે.


શું સ્થિતિ હવે સામાન્ય થઈ રહી છે?

'ગુજરાત ચેમ્બર્સ ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીસ' અને સરકાર વચ્ચે પરપ્રાંતીય લોકોમાં ફરીથી વિશ્વાસ બેસે તે માટેની વાટાઘાટો ચાલી રહી છે. જીસીસીઆઈના એક અંદાજ પ્રમાણે, ગુજરાતમાં કામ કરતા કુલ કારીગરોમાં હિંદી ભાષી રાજ્યોમાંથી આવેલા આશરે 30 ટકા લોકો છે.

જીસીસીઆઈના પ્રમુખ જૈમિન વાસાએ બીબીસી સાથે વાત કરતા કહ્યું, "મોટાભાગના લોકો અહીં જ છે, તેઓ ગુજરાત છોડીને નથી ગયા. પોલીસ અને સરકારના પ્રયાસોથી તેમનામાં ફરીથી વિશ્વાસ બેસી ચૂક્યો છે."

વાસાએ કહ્યું કે ઉત્તર ગુજરાતની અમુક ફેક્ટરીઓને આ ઘટનાની અસર પડી હતી, પરંતુ કોઈ ફેક્ટરી આ કારણે બંધ થઈ નથી."

ડૉક્ટર આનંદ સુગાંદે મધ્ય પ્રદેશની ઇન્દિરા ગાંધી નૅશનલ ટ્રાઇબલ યુનિવર્સિટીમાં આસિસ્ટંટ પ્રોફેસર છે. ગુજરાતમાં રહેતા પરપ્રાંતીય લોકો પર તેમણે સંશોધન કર્યુ છે.

બીબીસી ગુજરાતી સાથે ફોન પર વાત કરતા સુગાંદેએ કહ્યું, "2008થી ગુજરાતમાં પરપ્રાંતીયો લોકોની સંખ્યા ખૂબ વધી ગઈ છે."

તેમના પ્રકાશિત થયેલા પેપરમાં સુગાંદેએ કહ્યું છે કે ગુજરાતમાં સૌથી વધુ 38.93 ટકા લોકો સુરતમાં છે, જ્યારે 18.29 ટકા લોકો અમાદાવાદમાં રહે છે.

સુગાંદેએ ઉમેર્યું,"મહારાષ્ટ્રમાં જ્યારે પરપ્રાંતીયો પર હુમલા થવાના શરુ થયા, ત્યારે તેઓ અહીં ગુજરાતમાં આવવા માડ્યા હતા."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ