નીના ગુપ્તા : મારી નિર્ભયતાએ જ મને બરબાદ કરી દીધી

નીના ગુપ્તા Image copyright Getty Images

ચાર દાયકાથી હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહેલાં નીના ગુપ્તાએ પોતાની જિંદગી પોતાની શરતો પર જીવી છે. જોકે, એમનું માનવું છે કે આ નિર્ભયતાએ જ તેમને બરબાદ કરી નાખ્યાં છે.

નીના ગુપ્તાનાં માતા ઇચ્છતાં હતાં કે નીના આઈએસ બને અને અભ્યાસ કરે. એમના ઘરમાં હિંદી સિનેમાને સારું ગણવામાં આવતું નહોતું.

જોકે, નીના ગુપ્તાને તો અભિનેત્રી જ બનવું હતું, એટલે તેમણે નેશનલ સ્કૂલ ઑફ ડ્રામામાં પ્રવેશ મેળવ્યો.

ફિલ્મ ગાંધીમાં તેમણે કસ્તૂરબા ગાંધીની ભૂમિકા માટે ઑડિશન આપ્યું પણ તેમને ફિલ્મમાં આભાની ભૂમિકા મળી હતી.

એ વખતે તેમને ગાંધી ફિલ્મ માટે 10 હજાર રૂપિયા મળ્યા હતા.

ત્યારબાદ તેઓ અભિનેત્રી બનવાનું સપનું લઈને મુંબઈ આવી ગયાં.


વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટર સાથે પ્રેમ

Image copyright SPICE PR
ફોટો લાઈન નીના ગુપ્તા તેમનાં દીકરી મસાબા સાથે

મુંબઈમાં હિંદી ફિલ્મોના મોટા નિર્દેશકો સાથે મુલાકાત એ બહુ જ મુશ્કેલ કામ હતું.

તેઓ આ દરમ્યાન માત્ર શ્યામ બેનેગલ, કુંદન શાહ અને ગોવિંદ નિહલાની જેવા નિર્દેશકોને જ મળી શક્યા હતાં.

તેમની સાથે નીના ગુપ્તાએ જાને ભી દો યારો, મંડી, દ્રષ્ટિ જેવી ફિલ્મોમાં કામ કર્યું.

80ના દાયકામાં વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ ક્રિક્રેટર વિવિયન રિચર્ડસન સાથે નીના ગુપ્તાનું પ્રેમ પ્રકરણ બહાર આવ્યું.

ત્યારબાદ નીનાએ વિવિયનની દીકરી મસાબાને પણ જન્મ આપ્યો.

નીના ગુપ્તાની છબી નીડર મહિલાની બની ગઈ અને પોતાની ફિલ્મી કારકિર્દીમાં નીનાને એનું નુકસાન પણ વેઠવું પડ્યું.

નીડર છબીને કારણે તેમને માત્ર નકારાત્મક કે પછી નાની-નાની ભૂમિકા જ મળવા માંડી. તેમને અભિનેત્રી તરીકે કોઈ ફિલ્મ ના મળી.

તમે આ વાંચ્યું કે નહીં?


નાના પડદે કર્યું કામ

Image copyright KHUJLI PICTURES/MAMI PR
ફોટો લાઈન નીનાની શોર્ટ ફિલ્મ ખુજલીનું એક દૃશ્ય

બીબીસી સાથે કરેલી વાતચીતમાં નીનાએ કહ્યું, ''મારી નિર્ભયતાએ મને બરબાદ કરી દીધી."

"અમારે ત્યાં જેવું વ્યક્તિત્વ હોય એવી જ ભૂમિકા મળતી હોય છે. સશક્ત મહિલા હોવાને કારણે મને નકારાત્મક ભૂમિકા જ મળી."

"મારી પહેલી ફિલ્મ 'સાથ-સાથ'માં મેં ચશ્માં પહેરતી એક નટખટ છોકરીની ભૂમિકા ભજવી હતી. દર્શકોને આ ભૂમિકા ઘણી પસંદ પડી હતી."

"જોકે, ગિરીશ કર્નાડે એ વખતે મને કહ્યું હતું કે હવે મને કોઈ અભિનેત્રીની ભૂમિકા નહીં આપે અને બન્યું પણ એવું જ."

"'ચોલી કે પીછે' ગીત બાદ પણ મને એ પ્રકારનાં ગીતો જ મળતાં રહ્યાં.''

નીના ગુપ્તા, અભિનેત્રી તરીકે પોતાની જાતને સાબિત કરવા માટે ટીવી તરફ વળ્યાં. તેનાથી પણ તેમની કારકિર્દીમાં કોઈ ફાયદો થયો નહીં.

તેઓ જણાવે છે કે ટીવીએ તેમને બચાવી લીધાં. જો એ વખતે તેમણે ટીવીમાં ભૂમિકા ના કરી હોત, તો તેમને પરત જવું પડતું.

તેમને એ વાતની ખુશી છે કે ટીવીના એ સુવર્ણ કાળનો તેઓ પણ હિસ્સો રહ્યાં હતાં.

જ્યારે 'કમજોર કડી કૌન', 'યાત્રા', 'દાને અનાર કે', 'સાસ' જેવી ધારાવાહિકમાં તેમણે ભૂમિકા ભજવી.


'સ્ત્રી તરીકે જન્મ લેવો એક શાપ'

Image copyright KHUJLI PICTURES/MAMI PR

સીરિયલ 'સાસ' અંગે વાત કરતા નીના જણાવે છે, ''મેં ડિરેક્ટરનો માર્ગ એટલા માટે પસંદ કર્યો કારણ કે મારી અંદર ઘણું બધું છે.

"એને હું મારી રીતે દર્શાવવા માંગું છું. મેં એમાં એ બધું જ ઉમેર્યું છે કે જે એક મહિલા તરીકે હું અનુભવતી હતી.''

નીના જણાવે છે, ''મારો હંમેશાં મહિલાઓ સાથે ગાઢ સંબંધ રહ્યો છે. એ વખતે હું ઘણા સેમિનારમાં જતી હતી અને કહેતી હતી કે એક મહિલા તરીકે જન્મ ધારણ કરવો શાપ છે."

"લોકો અચંબામાં મૂકાઈ જતાં હતાં પણ પછી હું મારા પોતાનાં કારણો જણાવતી હતી."

"હું હંમેશાંથી મહિલાઓના વિષય પર એક વાર્તા બનાવવા માંગતી હતી. મારી અંદર ઘણું બધું છે."

"સ્ત્રીઓ જે મુશ્કેલીમાંથી પસાર થાય છે તે મને દુ:ખી કરી મૂકે છે. આજે પણ એવા વિષયો છે જેને હું બનાવવા માંગું છું.''

મહિલા સશક્તિકરણ પર સવાલ ઉઠાવતાં નીના જણાવે છે, ''કોઈ મહિલાનું સશક્તિકરણ થયું નથી. પહેલાં પણ મહિલા ઘર સંભાળતી હતી અને આજે તે કામ પણ કરે છે અને ઘર પણ સંભાળે છે."

"આજે પણ પુરુષોને શીખવાડવામાં નથી આવતું કે તેમણે કામમાં મદદ કરવી જોઈએ."

"મહિલાઓ તો ઝડપભેર બદલાઈ રહી છે પણ પુરુષોમાં પરિવર્તન નથી આવ્યું. મહિલાઓ માટે કપરી સ્થિતિ છે અને આને કારણે જ અરાજકતા છે.''

Image copyright TWITTER/NEENA GUPTA

નીના ગુપ્તા લાંબા સમય બાદ વ્યંગાત્મક હાસ્ય ફિલ્મ ''બધાઈ હો''માં મુખ્ય ભૂમિકામાં નજરે ચઢ્યાં.

આ ફિલ્મમાં તેઓ એવી મહિલાની ભૂમિકા ભજવી છે જે આધેડ ઉંમરમાં ગર્ભવતી બની જાય છે.

આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે ત્યારબાદ સમાજની આવી મહિલા તરફની વર્તણૂક કેવી હોય છે.

અભિનયના આ તબક્કાને તેઓ પોતાની બીજી ઇનિંગ ગણે છે, કારણ કે આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા માટે તેમણે ઘણો સંઘર્ષ કર્યો છે.

ગયા વર્ષે સોશિયલ મીડિયા પર કામ માંગતી એમની પોસ્ટ બાદ તેમને ઘણી સારી ભૂમિકાઓ મળી રહી છે.

જોકે, તેઓ વિચારે છે કે કાશ તેઓ આ પેઢીમાંનાં એક હોત, કારણ કે અત્યારના તબક્કામાં ખૂબ જ સુંદર ભૂમિકા અને વાર્તાઓ આવી રહી છે અને અભિનેતા પેઢી માટે આ સોનેરી સમય છે.

અમિત શર્મા દ્વારા ડિરેક્ટ કરાયેલી ''બધાઈ હો''માં નીના ગુપ્તા સાથે આયુષ્યમાન ખુરાના, સાન્યા મલ્હોત્રા અન ગજરાજ રાવ અભિનિત ફિલ્મ 19 ઑક્ટોબર 20118ના રોજ રિલીઝ થઈ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો