સુભાષચંદ્ર બોઝ : કેવી અને કેટલી શક્તિશાળી હતી આઝાદ હિંદ ફોજની સરકાર?

નેતાજી સુભાષચંદ્ર બોઝ Image copyright NETAJI RESEARCH BUREAU

આઝાદ હિંદ ફોજ સરકારની સ્થાપનાના 75 વર્ષે યોજાયેલા કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવ્યો હતો. આજે એમની જન્મજયંતી નિમિત્તે

એમની 'આઝાદ હિંદ ફોજ સરકાર' કેવી હતી તે આવો જાણીએ.

સુભાષચંદ્ર બોઝ ક્રાંતિકારી નેતા હતા, તેમનું લક્ષ્ય ભારતની આઝાદી હતું.

રાજનેતા હોવાની સાથે તે સ્પષ્ટ વક્તા પણ હતા. તેઓ અંગ્રેજો સાથે ભારતની મુક્તિ માટે કોઈપણ કિંમતે સમજૂતી કરવા તૈયાર નહોતા.

આરંભમાં તેઓ મહાત્માં ગાંધી સાથે દેશના આઝાદી આંદોલનમાં સામેલ હતા પણ બાદમાં મતભેદના કારણે ગાંધી અને કોંગ્રેસથી અલગ થયા અને 1939માં તેમણે 'ફૉરવર્ડ બ્લૉક' નામના પક્ષની સ્થાપના કરી.

સુભાષ માનતાં કે અંગ્રેજો જ્યારે બીજા વિશ્વયુદ્ધમાં ફસાયેલાં હોય ત્યારે રાજકીય અસ્થિરતાનો લાભ લઈ સ્વતંત્રતાના પ્રયાસો કરવા જોઈએ.

યુદ્ધ પૂરું થાય તે પછી અંગ્રેજો સ્વતંત્રતા આપે તે મતના તેઓ નહતા.

ભારતને બીજા વિશ્વયુદ્ધમાં સામેલ કરવા સામે પણ તેમણે વિરોધ કર્યો.

અંગ્રેજોએ તેમને જેલમાં પૂર્યા. તેમણે જેલમાં ભૂખહડતાળ કરી. બાદમાં અંગ્રેજોએ તેમને જેલમાંથી મુક્ત કરી, ઘરમાં જ નજરબંધ કર્યા.

આ સમય દરમિયાન સુભાષ ભારતથી જર્મની ભાગી ગયા. ત્યાં યુદ્ધમોરચે તાલીમ લીધી અને ત્યાં તેમણે સેના પણ બનાવી.


આઝાદ હિંદ ફોજ અને તેનો વિસ્તાર

Image copyright NETAJI RESEARCH BUREAU

આઝાદ હિંદ ફોજના સ્થાપક રાસબિહાર બોઝને તેમણે જર્મનીમાં આમંત્રણ આપ્યું હતું..

ડૉક્ટર રાજેન્દ્ર પટોરિયા તેમના પુસ્તક 'નેતાજી સુભાષ'માં લખે છે, ''4 જુલાઈ, 1943માં સિંગાપોરના કેથે ભવનમાં એક સમારોહમાં રાસબિહારી બોઝે આઝાદ હિંદ ફોજનું સુકાન સુભાષ ચંદ્ર બોઝને સોંપ્યું.''

સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદના સર્વોચ્ચ સેનાપતિ તરીકે સ્વતંત્ર ભારતમાં અસ્થાયી સરકાર બનાવી, જેને જર્મની, જાપાન, ફિલિપાઇન્સ, કોરિયા, ચીન, ઇટાલી, આયરલૅન્ડ સહિત નવ દેશોએ માન્યતા આપી.

તમે આ વાંચ્યું કે નહીં?

આઝાદ હિંદ સરકાર

Image copyright NETAJI RESEARCH BUREAU

સુભાષે આઝાદ હિંદ ફોજને ભારે શક્તિશાળી બનાવી. ફોજને આધુનિક યુદ્ધ માટે તૈયાર કરવા જન, ધન અને સંસાધન એકઠાં કર્યાં.

રાજેન્દ્ર પટોરિયા લખે છે, "આઝાદ હિંદની ઐતિહાસિક સિદ્ધિ એ હતી કે તેણે જાપાનની મદદથી અંદામાન નિકોબાર દ્વિપસમૂહને ભારતના પહેલા સ્વાધીન ભૂભાગ રુપે મેળવ્યો.

નેતાજીએ રાષ્ટ્રીય આઝાદ બૅન્ક અને સ્વાધીન ભારત માટે પોતાનું ચલણ બહાર પાડવાનો આદેશ આપ્યો.

આઝાદ હિંદ સરકાર વિશે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી કહ્યું, "આઝાદ હિંદ સરકારે દરેક ક્ષેત્ર સાથે સંકળાયેલી યોજનાઓ બનાવી. તેની પોતાની બૅન્ક હતી, પોતાનું ચલણ હતું, પોતાની ટપાલ ટિકિટ હતી અને ગુપ્તચર તંત્ર પણ હતું."


મહિલા સશક્તિકરણ

Image copyright NETAJI RESEARCH BUREAU

નેતાજી દીર્ઘદ્રષ્ટા હતા. તેમણે આઝાદ હિંદ ફોજમાં મહિલા રેજિમૅન્ટ રચેલી, જેનું સુકાન કૅપ્ટન લક્ષ્મી સ્વામીનાથનને સોંપ્યું હતું.

તેને રાણી ઝાંસી રેજિમૅન્ટ નામ અપાયું હતું.

વડા પ્રધાને આ રેજિમૅન્ટનો ઉલ્લેખ લાલ કિલ્લા પરથી આપેલા તેમના ભાષણમાં કર્યો.

તેમણે કહ્યું કે સશસ્ત્ર મહિલા રેજિમૅન્ટની શરુઆત નેતાજીએ જ કરી હતી અને 22 ઑક્ટોબરે રાણી ઝાંસી રેજિમૅન્ટને 75 વર્ષ પૂરાં થઈ રહ્યાં છે.

સુભાષ ચંદ્ર બોઝ માનતા હતા કે જો દરેક ભારતીય ઇચ્છે તો ભારતને સ્વતંત્ર થતું કોઈ રોકી શકે નહીં.

તે માટે તેમણે એમનાં લેખ અને ભાષણમાં લખવાનું અને બોલવાનું શરુ કર્યું. તેમણે 'ફૉરવર્ડ' નામની પત્રિકા સાથે આઝાદ હિંદ રેડિયોની સ્થાપના કરી અને જનમત ઊભો કર્યો.

બહુ જ જૂજ સાધન સાથે તૈયાર થયેલી આઝાદ હિંદ ફોજ, આઝાદ હિંદ સરકાર, આઝાદ હિંદ રેડિયો અને રાણી ઝાંસી રૅજિમેન્ટ નેતાજીની વિશેષ સિદ્ધિ રહી.

હારી ગઈ આઝાદ હિંદ ફોજ

Image copyright HARPERCOLLINS

ઈમ્ફાલ અને કોહિમાના મોરચે ભારતીય બ્રિટિશ સેનાને આઝાદ હિંદ ફોજે યુદ્ધમાં ઘણીવાર હરાવી.

પણ જર્મની અને ઇટાલીની હાર સાથે જ 1945માં બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું.

યુદ્ધમાં લાખો લોકો માર્યા ગયાં. જ્યારે યુદ્ધ ખતમ થવાના આરે હતું ત્યારે 6 અને 9 ઑગસ્ટ, 1945માં અમેરિકાએ જાપાનના બે શહેરો હિરોશીમા અને નાગાસાકી પર અણુબૉમ્બ ફેંક્યા.

જેમાં બે લાખથી વધુ લોકો માર્યાં ગયાં. આ ગાળામાં જ જાપાને આત્મસમર્પણ કર્યું.

ડૉક્ટર રાજેન્દ્ર પટોરિયાએ તેમના પુસ્તક 'નેતાજી સુભાષ'માં લખ્યું કે જાપાનની હાર બાદ કપરાં સંજોગોમાં ફોજે આત્મસમર્પણ કર્યું.

ત્યારબાદ સૈનિકો પર લાલ કિલ્લામાં કેસ ચાલ્યો. જ્યારે આ કેસ ચાલતો હતો ત્યારે આખું ભારત ઊકળી ઉઠ્યું. જે ભારતીય સેનાના જોરે અંગ્રેજો રાજ કરી રહ્યા હતા, તે વિદ્રોહી બની.

"નૌકાદળના વિદ્રોહે બ્રિટિશ સામ્રાજ્યના પાયા હચમચાવી નાંખ્યા. અંગ્રેજો સારી રીતે સમજી ચૂક્યા હતા કે રાજનીતિ અને કૂટનીતિના જોરે રાજ કરવું મુશ્કેલ થશે. તેમણે ભારતને સ્વાધીન કરવાની ઘોષણા કરવી પડી."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ