અનિલ અંબાણીએ NDTV પર માનહાનિનો કેસ ગુજરાતમાં કેમ નોંધાવ્યો?

અનિલ અંબાણી Image copyright Getty Images

અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ગ્રૂપે અમદાવાદની એક અદાલતમાં ન્યૂઝ ચેનલ એનડીટીવી પર 10 હજાર કરોડનો માનહાનિનો કેસ નોંધાવ્યો છે.

રિલાયન્સે આ કેસ રફાલ ડીલ પર એનડીટીવીના કવરેજ પર કર્યો છે.

ખાસ કરીને આ કેસ 29 સપ્ટેમ્બરના રોજ ચેનલ પર દર અઠવાડિયે પ્રસારિત કરાતા શો 'ટ્રૂથ વર્સેસ હાઇપ'ના એપિસોડ સામે કરવામાં આવ્યો છે જેનું શીર્ષક હતું, 'રફાલ: ધ આઇડિયલ પાર્ટનર'.

26 ઑક્ટોબર-18ના રોજ આ મુદ્દે સુનાવણી કરવામાં આવશે.

આ મુદ્દે એનડીટીવી તરફથી એક નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું છે.

તેમાં જણાવવામાં આવ્યું છે, "એનડીટીવી એવો દાવો કરશે કે માનહાનિનો આ આરોપ બીજું કંઈ નહીં પણ અનિલ અંબાણી જૂથ તરફથી વાતોને દબાવી દેવાનો અને મીડિયાને પોતાનું કામ કરતાં અટકાવવાનો બળજબરીપૂર્વકનો પ્રયાસ છે."

"આ સંરક્ષણ કરાર અંગે સવાલ પૂછવાની અને એનો જવાબ મેળવવાની વાત છે અને તેનો સંબંધ લોકોના હિત સાથે છે."


કેસ માટે અમદાવાદની કોર્ટ જ કેમ?

Image copyright Getty Images

એવામાં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે અનિલ અંબાણીએ કેસ માટે અમદાવાદની કોર્ટ જ કેમ પસંદ કરી?

આ સવાલના જવાબમાં સુપ્રીમ કોર્ટના અગ્રણી વકીલ ગૌતમ અવસ્થી જણાવે છે, ''સૌથી મહત્ત્વની વાત તો એ છે કે બે આધાર પર કેસને કોઈ કોર્ટમાં લાવી શકાય છે."

"પહેલો કે જે સામગ્રી પર વિવાદ છે તે ક્યાં પ્રકાશિત કરવામાં આવી છે અને બીજો કે જ્યાં આ સામગ્રી પ્રકાશિત કરનારી વ્યકિત રહેતી હોય.''

''જો આ મુદ્દે વાત કરીએ તો ના તો કંપનીની ઑફિસ અમદાવાદમાં રજિસ્ટર છે કે ના તો પછી ચેનલ અમદાવાદની છે. અનિલ અંબાણીનો આ નિર્ણય એક રણનિતી હેઠળ લેવામાં આવ્યો છે."

"આવા કિસ્સામાં વળતર તરીકે એક મોટી રકમ માંગવામાં આવે છે. જો વળતરની માગણી સાથે કેસ કરવામાં આવે તો એમાં કોર્ટની ફી પણ ભરવી પડતી હોય છે અને આ ફી રાજ્ય સરકાર નક્કી કરે છે અને દરેક રાજ્યમાં આ અલગઅલગ હોય છે"

"એવામાં એ સ્પષ્ટ છે કે અમદાવાદની કોર્ટમાં મુદ્દો લઈ જવાનું કારણ છે એની ઓછી કોર્ટ ફી.''

''જોકે, અમદાવાદ એક એવું સ્થળ છે જ્યાં માનહાનિના બદલામાં માગવામાં આવતી રકમને કોર્ટની ફી સાથે કોઈ લેવા-દેવા નથી. અને બની શકે કે એ જ કારણે અમદાવાદ કોર્ટની પસંદગી કરવામાં આવી હોય."

"અહીંયા મહત્તમ રકમ 75,000 રૂપિયા છે. મારી જાણમાં આ એક માત્ર રાજ્ય છે જ્યાં આની જોગવાઈ છે. જો આ જ કેસ દિલ્હીમાં કરવામાં આવ્યો હોત તો 10 હજાર કરોડના દાવા પર કોર્ટ ફી પેટે 100 કરોડ રૂપિયા જમા કરાવા પડ્યા હોત.''

તમે આ વાંચ્યું કે નહીં?


વળતરની રકમ કેવી રીતે નક્કી કરવામાં આવે છે?

Image copyright Getty Images

આ સવાલના જવાબમાં દિલ્હી હાઈકોર્ટના વકીલ રમાકાંત જણાવે છે, ''દિલ્હીમાં તો કેટલી રકમનો માનહાનિનો કેસ નોંધવામાં આવશે, તે નક્કી કરવાનો એક નિયમ છે."

"જોકે, કંપનીઓ કે વ્યક્તિ પોતાની છબીને થનારા નુકસાનને આગળ કરીને વળતરની માગણી કરે છે તો એને સાબિત કરવા માટેની કોઈ નક્કર રીત નથી. તમે માગવામાં આવેલી રકમને ઓછી કે વધારે ના કહી શકો.''

''મોટભાગે સીપીસીના સેક્શન 19માં જણાવ્યા અનુસાર જ્યાં આ સામગ્રી પબ્લિશ થઈ હોય ત્યાં આ મુદ્દો ચાલવો જોઈએ."

"જેમ કે દિલ્હીના કોઈ અખબારે કંઈક એવું છાપ્યું કે જેના પર કોઈ માનહાનિનો કેસ કરવા માગે તો આ કેસ માત્ર અને માત્ર દિલ્હીમાં જ ચાલી શકે છે."

"પરંતુ આ કેસમાં તર્ક એ હોઈ શકે છે કે જ્યાં પણ કવરેજ જોવામાં આવ્યું છે ત્યાં મારી છબીને નુકસાન પહોંચ્યું છે એમ કહી દેશની કોઈપણ કોર્ટમાં કેસ ચલાવવામાં આવે.''


પ્રતિવાદી પાસે કયા અધિકારો રહેલા છે?

Image copyright GETTY IMAGES

ગૌતમ અવસ્થી જણાવે છે, ''કોર્ટ એ નક્કી કરી શકે કે આ મુદ્દા માટે કઈ કોર્ટ સૌથી યોગ્ય છે. વાદી એટલે કે કોર્ટમાં મુદ્દો લઈ જનારને કોર્ટ જાતે જ એ સગવડ આપે છે કે જો એક કરતાં વધુ સ્થળે કેસ નોંધાવી શકાતો હોય તો આ માટે તે કોઈ એક જ અદાલતની પસંદગી કરે.''

તેઓ ઉમેરે છે, ''અહીં કોર્ટ પાસે એક સત્તા હોય છે કે જો કોર્ટને જણાય કે પસંદ કરવામાં આવેલી અદાલત પ્રતિવાદી માટે અગવડનું કારણ બની રહી છે કે પછી જો પ્રતિવાદી જણાવે કે આ મુદ્દો કોર્ટના અધિકારક્ષેત્રમાં આવતો નથી તો કોર્ટ એવી કોઈ અન્ય અદાલતમાં આ મુદ્દો મોકલી શકે છે જે બન્ને પક્ષો માટે યોગ્ય હોય.''

આ સવાલ પર રમાકાંત જણાવે છે, ''એ વિચારવા યોગ્ય વાત છે કે જો કોઈ વ્યક્તિ કે સંસ્થા પર દૂરના કોઈ રાજ્યમાં કેસ કરી દેવામાં આવે તો એનો કેસ પર પ્રભાવ પડી શકે છે."

"કારણ કે કોર્ટ જેટલી નજીક હશે તેટલાં જ વ્યક્તિ પાસે વધારે સંસાધનો હશે. જો કોર્ટ દૂર હશે તો અહીંયા અગવડની સાથે સાથે બીજી ઘણી બાબતો આને પ્રભાવિત કરી શકે છે.''

''જેમ કે તમે કોર્ટમાં ગયા અને સુનાવણી ટળી ગઈ. તમે એક સાધારણ પરિવારમાંથી આવતા વ્યક્તિ છો તો તમારે ટ્રેનની ટિકિટ લેવી પડશે. જો તમે ધનવાન છો તો પણ તમારા પૈસા અને સમયનો વ્યય થશે."

"સંસાધન એક અગત્યનું પાસું સાબિત થશે. જોકે, દેશના ન્યાયાલય પણ એમ માને છે કે જ્યાંનો મુદ્દો હોય ત્યાંની અદાલતમાં જ કેસ થવો જોઈએ. પણ સત્ય તો એ છે કે લોકો દૂર જ કેસ નોંધાવવાનું પસંદ કરતા હોય છે."

"જેથી જેના પર આરોપ લગાડવામાં આવ્યા હોય તેમને મુશ્કેલીનો સામનો કરવો પડે.''


ડિજીટલ યુગની મુશ્કેલી

Image copyright EPA

રમાકાંત જણાવે છે, ''ડિજિટલ યુગમાં કોઈપણ વસ્તુથી પ્રભાવિત થઈને માનહાનિનો કેસ કરવામાં આવે છે. તો એવામાં કોઈ અલગ નિયમો તો નથી."

"આ પરિસ્થિતિમાં કોઈપણ કોર્ટમાં કેસ નોંધાવી શકાય છે. પણ તમારે કોર્ટ સામે એ પુરવાર કરવું પડશે કે શા માટે તમે નક્કી કરેલી કોર્ટના બદલે આ જ કોર્ટમાં જવા માગો છો''

''ગુના અંગેની માનહાનિની વાત કરીએ તો સીઆરપીસીમાં એની જોગવાઈ છે અને એમાં કહેવામાં આવ્યું છે 'પાર્શિયલી કૉઝ ઑફ એક્શન' એટલે કે જ્યાં આ મુદ્દો થોડો પણ સંકળાયેલો હોય તે અદાલતમાં કેસ કરી શકાય છે.''

''પણ કોર્ટમાં એ સાબિત કરવું જરૂરી બની જાય છે કે આમ કેમ કરવામાં આવી રહ્યું છે. જેના પર આ આરોપ લગાડવામાં આવ્યા છે તે આ કોર્ટની પસંદગી પર સવાલ ઉઠાવી શકે છે."

"એટલે કે જો આરોપી ઇચ્છે તો આ મુદ્દે પોતાનો પક્ષ મૂકી શકે છે અને જણાવી શકે છે કે તે શા માટે કોઈ ચોક્કસ કોર્ટમાં કેસ ચાલે તેમ નથી ઇચ્છતો.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ