ગુજરાતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીના 'હીરો' આત્મહત્યા કેમ કરી રહ્યા છે?

પ્રતીકાત્મક તસવીર Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

ગુરુવારે સુરતમાં હરિકૃષ્ણ ડાયમંડ કંપનીના માલિકે તેમના કર્મચારીઓને દિવાળીના બોનસના રૂપે કાર ભેટમાં આપી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ આ ઇવેન્ટમાં વીડિયો કૉન્ફરન્સથી જોડાયા હતા.

આ ઘટના બાદ દેશભરમાં ફરીથી સુરતનો હીરા ઉદ્યોગ ચર્ચામાં આવ્યો અને તેનું ફૂલગુલાબી ચિત્ર ફરી દેશ સામે દેખાયું.

પણ વિશ્વના 42 ટકા રફ ડાયમંડ જ્યાં પૉલિશ થાય છે, તે હીરા ઉદ્યોગની સાચી વાસ્તવિકતા કંઈક અલગ છે.

ગુજરાતમાં છેલ્લા 20 દિવસમાં 10 રત્નકલાકારોએ આત્મહત્યા કરી લીધી છે.

બીજી તરફ અનેક કારખાનામાંથી ઘણા રત્નકલાકારોની છટણી કરી દેવામાં આવી છે.


સમૃદ્ધ ઉદ્યોગમાં આત્મહત્યા કેમ?

Image copyright Getty Images

ગુજરાત ડાયમંડ વર્કર્સ યુનિયન(જીડીડબ્લ્યૂયૂ) નામના કામદાર યુનિયનનો દાવો છે કે ગુજરાત રાજ્યમાં 20 દિવસમાં 10થી વધારે રત્નકલાકારોએ આત્મહત્યા કરી છે.

'ગુજરાત સમાચાર', 'સંદેશ' સહિતના ગુજરાતના સ્થાનિક અખબારોમાં પ્રકાશિત થયેલા અહેવાલો આધારે જાણવા મળે છે કે સુરતના પુણા, વરાછા, માનદરવાજા, કતારગામ તથા અમરોલીમાં રત્નકલાકારોએ આત્મહત્યા કરી છે.

આ ઉપરાંત ભાવનગરના ઘોઘા અને પાલીતાણા તથા રાજકોટના જસદણમાં પણ રત્નકલાકારોની આત્મહત્યાની ઘટના પણ અખબારી અહેવાલમાં નોંધાઈ છે.

આ સિવાય ગુજરાતના અન્ય શહેરોમાંથી પણ રત્નકલાકારોએ આત્મહત્યા કરી હોવાના અહેવાલો છે.

સ્થાનિક અખબારોના અહેવાલ પ્રમાણે એવું પણ જાણવા મળ્યું છે કે સુરતના હીરાબજારના 3 શેઠોએ 100 કરોડનું ઉઠમણું કર્યું છે, જોકે બીબીસી ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.


15થી 20 હજાર લોકોની છટણી

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

ડાયમંડ ઇન્ડસ્ટ્રીના કામદારો અને કામદાર યુનિયનના આગેવાનોનું કહેવું છે કે અત્યારે મોટાપાયે રત્નકલાકારોની છટણી કરાઈ રહી છે અને કારખાનાઓ બંધ થઈ રહ્યાં છે.

'સુરત રત્નકલાકાર વિકાસ સંઘ'ના જયસુખ ગજેરાનો દાવો છે કે છેલ્લા એક મહિનામાં સુરતની હીરા ઉદ્યોગમાં 15 થી 20 હજાર રત્નકલાકારોને કાઢી મૂકાયા છે.

મોટાભાગની જગ્યાએ કામદારોને પીએફ સહિતના અધિકારો પણ આપવામાં આવતા નથી.

'ગુજરાત ડાયમંડ વર્કર્સ યુનિયન'ના પ્રમુખ રણમલ જીલરિયાનું કહેવું છે કે આ સ્થિતિ રાજ્યભરમાં છે.

સુરત ઉપરાંત ભાવનગર અને રાજકોટમાં પણ રત્નકલાકારોની આવી જ સ્થિતિ છે.

રણમલભાઈએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું, "વરાછાના 'કિરણ એક્સ્પૉર્ટ'માંથી 300 કામદારોને છૂટા કરી દેવાયા છે. દિવાળી ટાણે રત્નકલાકારો બેરોજગાર થઈ ગયા છે."

તમે આ વાંચ્યું કે નહીં?

'બેરોજગારીના કારણે ભાઈએ આત્મહત્યા કરી'

Image copyright JAGDISH MAKWANA

ભાવનગર શહેરમાં રહેતા રત્નકલાકાર વિક્રમ મકવાણાએ 11 ઑક્ટોબરે આત્મહત્યા કરી હતી.

32 વર્ષીય વિક્રમભાઈ હીરા ઘસાવનું કામ કરતા હતા પણ બે-ત્રણ મહિનાથી બેરોજગાર હતા.

તેમના નાના ભાઈ જગદીશ મકવાણાએ કહ્યું, "હું અમદાવાદ હતો, ત્યારે મારા મિત્રનો ફોન આવ્યો કે તારા ભાઈએ પોતાના પર કેરોસીન છાંટીને આત્મહત્યાની કોશિશ કરી છે."

"મારા મિત્રએ જ્યારે આ દૃશ્ય જોયું ત્યારે ભાઈ સળગી ગયો હતો, એને દવાખાને લઈ ગયા. બચાવવાનો પ્રયત્ન કર્યો પણ એને બચાવી ન શક્યા."

આત્મહત્યાના કારણ વિશે વાત કરતા તેઓ કહે છે, "ભાઈ હીરા ઘસવાનું કામ કરતો હતો, થોડા સમય પહેલાં કામ બંધ થઈ ગયું. કામ શોધવા વચ્ચે સુરત પણ ગયો હતો. બેરોજગારીની ચિંતામાં જ તેને આત્મહત્યા કરી લીધી."


'હૉસ્પિટલ માટે વ્યાજે પૈસા લીધા'

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

ડાયમંડ ઇન્ડસ્ટ્રીની વર્તમાન સ્થિતિ જાણવા માટે બીબીસીએ રત્નકલાકારો સાથે પણ વાતચીત કરી.

"કારખાના પાસેથી મારે મારા પગારના પૈસા લેવાના નીકળતા હતા તો પણ મારી પત્નીની ડિલિવરી વખતે મારે વ્યાજે પૈસા લઈને હૉસ્પિટલમાં આપવા પડ્યા હતા." આ શબ્દો વરાછા રોડની ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા અલ્પેશભાઈના છે

તેઓ કહે છે, "અત્યારે અમારી પાસે કામ ઓછું છે. પહેલાં અમે મહિને 15 હજાર રૂપિયા ઘરે લઈ જતા હતા. હવે માત્ર 8-9 હજાર રૂપિયા મહિને હાથમાં આવે છે."

કામદારોના કહેવા પ્રમાણે હવે તેમને કલાકો સુધી બેસાડી રાખવામાં આવે છે અને ઓછું કામ આપવામાં આવે છે.

કામદારો જેટલા નંગ હીરા ઘસે એ પ્રમાણે તેમને વેતન ચૂકવવામાં આવતું હોય છે.

આત્મહત્યા કરનારનો પરિવાર ડરે છે

Image copyright Getty Images

સુરતમાં જે રત્નકલાકારોએ આત્મહત્યા કરી એમના પરિવારજનો વાત કરવાથી ડરે છે, આત્મહત્યા કરનાર એક યુવકના પિતાએ તેમની ઓળખ છતી ન કરવાની શરતે અમારી સાથે વાત કરી.

તેઓ પોતે પણ કામદાર જ છે અને તેમની ઓળખ છતી થાય તો તેમને પણ કદાચ નોકરી ગુમાવવી પડશે એવો તેમને ભય છે.

તેમણે કહ્યું, "દીકરો હીરાના કારખાનામાં કામ કરતો હતો. આત્મહત્યા કેમ કરી એ તો ખબર નથી. પણ નોકરી છૂટી ગઈ હતી અને પૈસા ઉછીના લઈ રાખ્યા હતા. ઝેરી દવા એ દિવસે પી લીધી, અમે બચાવી ન શક્યા."

એવું કહેવાય છે ગુજરાતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં રત્નકલાકારોને બધી જ સવલતો મળે છે અને લઘુત્તમ વેતન કરતાં વધારે પગાર મળે છે. તો પછી આ કામદારો આત્મહત્યા કેમ કરી રહ્યા છે?


સૌથી વધુ આત્મહત્યા સુરતમાં

ગુજરાતમાં રત્નકલાકારોની આત્મહત્યાની ઘટનાઓ પૈકી સૌથી વધારે ઘટનાઓ સુરતમાં નોંધાઈ હતી.

સુરતમાં રત્નકલાકારોની આત્મહત્યાના કિસ્સા સંદર્ભે બીબીસી ગુજરાતીએ સુરત શહેર પોલીસ કમિશનર સતિષ શર્મા સાથે વાત કરી હતી.

તેમણે જણાવ્યું, "આ અંગે હજુ તપાસ ચાલી રહી છે. છેલ્લા થોડા દિવસોમાં આત્મહત્યાના કેટલાક કિસ્સા નોંધાયા છે. પણ આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. તપાસ બાદ જ કારણ જાણી શકાશે."


'બેકારીનો કોઈ સવાલ જ નથી'

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

આ વિશે સુરત ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ બાબુભાઈ ગુજરાતી કહે છે કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં કોઈ મંદી નથી.

બાબુભાઈ કહે છે, "દિવાળી વખતે ડાયમંડના યુનિટમાં વધારે કામ આપે છે, જેથી એમની દિવાળી સારી જાય, એટલે બેરોજગારી કે બેકારીનો સવાલ જ નથી."

"આત્મહત્યા કદાચ પારિવારિક કારણોસર કામદારો કરતા હોય એવું શક્ય છે. ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં કામદારોને આત્મહત્યા કરવી પડે એવી સ્થિતિ જ નથી."


લૉન લેવી છે પણ પગાર સ્લીપ નથી'

રાજકોટમાં કામ કરતા અલ્પેશભાઈનું કહેવું છે કે મોટાભાગના કામદારોને પગાર સ્લીપ પણ આપવામાં આવતી નથી.

સુરતના ડાયમંડ યુનિટમાં કામ કરતા અનિલભાઈ કહે છે, "મારે બૅન્કમાંથી લૉન લેવી હતી, પણ અમને પગાર સ્લીપ નથી આપતા એટલે લૉન ન લઈ શક્યો."

"પગાર સ્લીપ માગીએ તો નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપે છે."

'પીપલ્સ ટ્રેનિંગ ઍન્ડ રિસર્ચ સૅન્ટર'(પીટીઆરસી) સાથે સંકળાયેલા વડોદરાના જગદીશ પટેલે કરેલા એક અભ્યાસનો રિપોર્ટ 'સ્ટડી ઑફ લેબર કન્ડિશન્સ ઇન સુરત ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી' નામથી પ્રકાશિત કર્યો છે.

આ અભ્યાસ સ્થાનિક અહેવાલોને ટાંકીને લખ્યું છે કે સુરતના 58,400 જેટલા ડાયમંડ યુનિટમાં કામદારોને પ્રૉવિડન્ડ ફંડ સહિતના શ્રમ અધિકારોનો લાભ મળતો નથી.

આ રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ છે કે બહુ જૂજ કામદારો જ યુનિટના ચોપડે રજિસ્ટર્ડ હોય છે.


'અમને પણ હવે ડર લાગે છે'

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

રાજકોટમાં હીરાઉદ્યોગમાં કામ કરતા અનિલભાઈએ બીબીસી સાથે વાત કરતા કહ્યું, "અચાનક જ મને ખબર પડી કે ભૂતકાળમાં સાથે મારી કામ કરતા હતા એ ભાઈએ આત્મહત્યા કરી લીધી."

"એક પછી એક આવા કિસ્સા સાંભળીને હવે ડર લાગે છે. દસેક દિવસમાં આત્મહત્યાના 7 થી 8 કિસ્સા સાંભળ્યા."

તમામ રત્નકલાકારો આત્મહત્યાના આ ઘટનાચક્રથી ડરેલા છે.

અલ્પેશભાઈ કહે છે, "હમણાં જ ભાવનગરમાં એક છોકરાએ આત્મહત્યા કરી, મારો મિત્ર હતો. હીરાના કારખાનામાં કામ કરતો હતો, નોકરી પરથી કાઢી મૂકાયો એ પછી આત્મહત્યા કરી."

રાજકોટના અનિલભાઈ "પહેલાં અમે રોજના 150 જેટલા નાના હીરા ઘસતા હતા, પણ હવે રોજ માંડ 70 હીરા ઘસવા મળે છે."

"એક હીરો ઘસીએ તો અમને 3 રૂપિયા 60 પૈસા મળે છે. અમને કોઈ જ લાભો મળતા નથી. અમને પણ ડર લાગે છે કે બેરોજગાર ન થઈ જઈએ."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ