માતાપિતાની આવી આદતો જે પોતાનાં બાળકોને જ નુકસાન કરે છે

  • વિકાસ ત્રિવેદી
  • બીબીસી સંવાદદાતા
પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, AFP

તમે નાના હતા ત્યારે શાળામાં તમને ઘણીવાર પૂછવામાં આવ્યું હશે. ડાહ્યા છોકરા કોને કહેવાય? જવાબમાં તમે ગાલે આંગળી રાખીને કહ્યું હશે - આવા.

હવે તમને થોડી છૂટ આપવામાં આવે અને પૂછવામાં આવે કે સારાં માબાપ કોને કહેવાય? ગાલ પર તમે આંગળી રાખતા હતા તેને હવે ઊંચી કરીને આપો જવાબ.

એવા જે તમારા દરેક સુખદુઃખમાં સાથ આપે? એક મિત્ર તરીકે તમને હંમેશાં સાથ આપે એવાં? તમારી સાથે પરંપરા, પ્રતિષ્ઠા અને શિસ્તની જ વાતો કર્યા કરે એવાં?

કે પછી એવાં જે હંમેશાં પડછાયાની જેમ તમારી સાથેને સાથે રહે? એવા માતાપિતા જેમની 'ડ્રોન જેવી નજર' તમારી ઉપર સતત ઝળુંબતી જ હોય?

તમે શાળામાં દોસ્તો સાથે રમતા હો ત્યારે. તમારા બોયફ્રૅન્ડ કે ગર્લફ્રૅન્ડની સાથે હો ત્યારે.

બગીચામાં રમવા ગયો હો કે પછી ફિલ્મ જોવા ગયા હો ત્યારે. હંમેશાં તમારા પર જ નજર હોય એવાં?

માતાપિતાની આવી આદતોને હેલિકૉપ્ટર પેરેન્ટિંગ (માથે ઝળુંબતું વાલીપણું) કહે છે.

તાજેતરમાં જ અભિનેત્રી કાજોલની ફિલ્મ 'હેલિકૉપ્ટર ઇલા' રિલિઝ થઈ છે. માતાની આવી જ આદતની આસપાસ આ ફિલ્મની કથા ફરે છે.

કાજોલે એકલે હાથે સંતાનને ઉછેરતી સિંગલ મધરની ભૂમિકા કરી છે.

જીગરના ટુકડા જેવા સંતાનોને લાડપ્યાર કરવો તેને હેલિકૉપ્ટર પેરેન્ટિંગ કેવી રીતે કહી શકાય?

હેલિકૉપ્ટર પેરેન્ટિંગનો ઇતિહાસ શું છે અને તેના ફાયદા અને ગેરફાયદા શું છે? તમારા મનમાં ઊડવા લાગેલા આ સવાલોના જવાબ અમે તમને આપવાની કોશિશ કરીશું.

હેલિકૉપ્ટર પેરેન્ટિંગ શબ્દ કેવી રીતે આવ્યો?

ઇમેજ સ્રોત, Getty Images

parents.com નામની વેબસાઇટના જણાવ્યા અનુસાર 1969માં પહેલીવાર આવો શબ્દપ્રયોગ થયો હતો.

ડૉ. હેમ ગિન્નોટે પોતાના પુસ્તક 'પેરેન્ટ્સ એન્ડ ટીનેજર્સ'માં તેનો ઉલ્લેખ કર્યો હતો.

પુસ્તકમાં એક બાળકને એમ કહેતા ટાંકવામાં આવ્યું હતું કે તેના માતાપિતા માથા પર હેલિકૉપ્ટરની જેમ ઝળુંબતા રહે છે.

2011માં આ શબ્દને શબ્દકોશમાં પણ સમાવી લેવામાં આવ્યો હતો.

એવું પણ નથી કે સતત સંતાનોની પાછળ પડ્યા રહેવાની આદત માટે આ એક જ શબ્દ હોય.

લૉનમોવર પેરેન્ટિંગ, કોસ્સેટિંગ પેરન્ટ કે બુલડોઝ પેરેન્ટિંગ એવા નામે પણ આ વૃત્તિને ઓળખવામાં આવે છે.

ઇતિહાસમાંથી હવે વર્તમાનમાં આવી જઈએ. તમે પણ તમારા સંતાનની કાળજી લેતા હશો.

સંતાનોની કાળજી ક્યારે હેલિકૉપ્ટર પેરેન્ટિંગમાં પરિવર્તિત થઈ જાય છે તે જાણવા માટે ચાલો એક ક્વિઝનો સહારો લઈએ.

તમે આ વાંચ્યું કે નહીં?

સંતાન નવરાશના સમયમાં શું કરશે તે તમે નક્કી કરો છો?

મિત્રોને મળવા જવાનું હોય ત્યારે સંતાનોને પૂછ્યા વિના તમે નક્કી કરો છો કે કેવાં વસ્ત્રો પહેરવાં?

તમે સંતાનના ચોવીસે કલાકનો હિસાબ રાખો છો?

સંતાનો કોઈ સાહસ કરવા માગતાં હોય ત્યારે ડરના કારણે તમે ના પાડી દો છો?

તમને એવું લાગે છે કે તમારે ગમે તેવા સંજોગોમાં પણ હંમેશાં સંતાનોની રક્ષા કરવી જોઈએ?

જો ઉપરના પ્રશ્નોના મોટા ભાગના જવાબો હામાં તમે આપ્યા તો તમે હેલિકૉપ્ટર પેરેન્ટિંગ કરો છો તેવું સમજી લો.

શિક્ષણવિદ પૂર્ણિમા ઝા સાથે બીબીસીએ આ મુદ્દે ખાસ વાતચીત કરી હતી.

પૂર્ણિમા સમજાવે છે, ''વિમાન અને હેલિકૉપ્ટરમાં ફરક એ છે કે હેલિકૉપ્ટર સતત તમારી પાછળને પાછળ આવે છે.''

''તમે સંતાનોના ઉછેર વખતે આવું જ કરતા હો તો તમે પણ હેલિકૉપ્ટર પેરેન્ટિંગ કરો છો."

"સંતાનોની વધારે પડતી ચિંતા કરવી કે તેમના પર સતત નજર રાખવી એ આવી વૃત્તિની નિશાની છે.''

''ગીતની રીતે સમજીએ તો 'તું જહાં જહાં રહેગા, મેરા સાયા સાથ હોગા' એવું થતું હોય તો તેને હેલિકૉપ્ટર પેરેન્ટિંગ કહેવાય."

"છેલ્લાં પાંચથી દસ વર્ષોમાં આવી રીત વધી છે. તેનું એક કારણ બાળકોની સલામતીની ચિંતા પણ છે.''

''આજે તમે જુઓ કે ગુડ ટચ અને બેડ ટચની વાત બહુ વ્યાપક રીતે થઈ રહી છે.''

હેલિકૉપ્ટર પેરેન્ટિંગથી શું નુકસાન થઈ શકે?

ઇમેજ સ્રોત, Getty Images

- સંતાનોનો આત્મવિશ્વાસ બહુ ઓછો થઈ શકે છે

- સંતાનો ડરપોક થઈ શકે છે

- તેઓ નિર્ણયો લેવાની ક્ષમતા કેળવી શકતાં નથી

- પોતાની રીતે નવું શીખવાની ક્ષમતા ઓછી થઈ શકે છે

- ભાવનાત્મક રીતે વધારે નબળાં પડી શકે છે

- આકસ્મિક બનતી ઘટનાઓનો સામનો કરવા માટે તેઓ તૈયાર થઈ શકશે નહીં.

- ઘર બહારની દુનિયા સાથે જોડાવામાં મુશ્કેલી થઈ શકે છે

ગુડગાંવમાં રહેતાં અલ્કા સિંગલ મધર છે. ફિલ્મ હેલિકૉપ્ટર ઇલામાં પણ કાજોલ સિંગલ મધર બની છે.

હેલિકૉપ્ટર પેરેન્ટિંગ વિશે અલ્કા કહે છે, ''બાળક માની સામે ઊભું હોય ત્યારે માને અહેસાસ નથી થતો કે તે બાળક મોટું થઈ રહ્યું છે. તેના માટે તે બાળક જ રહે છે."

"બાળકો મોટાં થાય તે સાથે તેમને વધારે મોકળાશની જરૂર હોય છે પણ માતા હજીય તેની કાળજી લેવા માગે છે."

"બાળકોનું ધ્યાન રાખવું અને તેના કારણે પરેશાન થવાના ક્રમમાં એક તબક્કો એવો આવે છે, જ્યારે કાળજી હેલિકૉપ્ટર પેરેન્ટિંગમાં બદલાઈ જાય છે. મારા કિસ્સામાં પણ એવું જ થયું હતું.''

એકલે હાથે સિંગલ મધર તરીકે સંતાન ઉછેરવાની વાત આવે ત્યારે હેલિકૉપ્ટર પેરેન્ટિંગની શક્યતા વધી જાય છે.

અલ્કા કહે છે, ''હા, સિંગલ મધર તરીકે હેલિકૉપ્ટર પેરેન્ટિંગ વધારે થતું હોય છે. માથે જવાબદારી પણ વધારે હોય છે."

"આમ પણ સ્ત્રીઓ વધારે વિચારતી હોય છે. અનિચ્છનીય થશે એવું અમે વિચારી લઈએ છીએ.''

''તેના કારણે સંતાનોને આઝાદી આપવામાં સમય લાગે છે. મારું માનવું છે કે બાળકો સાથે સંવાદ જળવાઈ રહેવો જોઈએ, પણ તેમની જરૂરિયાત પ્રમાણે થોડી મોકળાશ આપવી જોઈએ.''

હેલિકૉપ્ટર પેરેન્ટિંગનો ઉપાય શું છે?

ઇમેજ સ્રોત, Getty Images

'આ કામ મેં કરી નાખ્યું.' આ પ્રકારનો ભાવ સંતાનોમાં આવે તે બહુ જરૂરી છે.

પૂર્ણિમા ઝા તેને સમજાવતા કહે છે, ''સ્કૂલનું હોમવર્ક કેવી રીતે કરવું અને કેવા મિત્રો સાથે રમવું તે બધું તમે જ નક્કી કરતા હો તો તેનાથી થનારા નુકસાનને સમજી લો."

"તમારું સંતાન પોતાની રીતે નિર્ણયો લઈ શકતું નથી. તમે આવું નહીં કરો તો તે પોતાની રીતે ધીમે ધીમે પોતાની જિંદગીના નિર્ણયો લેતું થશે."

"તમારા સંતાનોએ દુનિયાનો સામનો પોતાની રીતે એકલા કરવાનો છે. નહીં તો તેમને આદત પડી જશે કે મારા પિતા કે માતા સતત મારી સાથે છે.''

''દરેક માબાપ પોતાનાં સંતાનોનું ભલું જ ઇચ્છે છે પણ એક હદ પછી અટકી જવું જોઈએ.''

વિચારીને નક્કી કરો કે તમારી મદદ વિના સંતાનો શું કરી શકે છે?

- ઉપેક્ષા અને ચિંતા વચ્ચે એક સંતુલન બનાવો.

- સૉરી કહેવામાં શું તાકાત છે તે સમજાવો.

- પ્રેમ અને લાડ સાથે સંતાનોને જવાબદારી પણ આપો.

- સાચા અને ખોટા વચ્ચેનો ફરક સમજાવો.

- બાળક એક કદમ આગળ વધે તે ખાતર એક કદમ પાછા ખસો.

- સંતાનો જોખમ ઉઠાવતાં હોય તેનાથી ડરો નહીં.

- સંતાનોને તેમની ઉંમર પ્રમાણે મોકળાશ આપો.

- સંતાનોને હુકમો આપ્યા કરવાને બદલે તેની સાથે મજાકમસ્તી અને મિત્રતાના સંબંધો બનાવો.

- સર્વાંગસંપૂર્ણ વાલી બનવાના બદલે સારા વાલી બનવાની કોશિશ કરો.

અલ્કા કહે છે, ''આવું કરવાથી નુકસાન એ છે કે સંતાનો સક્ષમ થઈ શકતાં નથી. તેઓ પોતાની રીતે તૈયાર થઈ શકતાં નથી.''

''તેના બદલે માતાપિતા પોતાના પર નિયંત્રણ રાખે અને સંતાનોને પોતાના નિર્ણયો લેવાની છૂટ આપે તે વધારે સારું છે."

"તેમનાથી ભૂલ થતી હોય તો ભલે થાય. જોકે, માતાપિતાને એ ખબર જ નથી પડતી કે તેઓ હેલિકૉપ્ટર પેરેન્ટિંગ કરી રહ્યાં છે.''

''આ માટે સંતાનોને જ પૂછવામાં આવે તે વધારે સારું છે. એટલી મોકળાશ પણ આપવી જોઈએ કે કશું ખોટું કર્યું હોય ત્યારે આવીને વાતચીત કરી શકે.''

હેલિકૉપ્ટર પેરેન્ટિંગથી થનારા નુકસાન માટે પૂર્ણિમા ઝા સંસ્કૃતની એક ઉક્તિ કહે છે - અતિ સર્વત્ર વર્જયેત. - अति सर्वत्र वर्जयेत.

ગુજરાતમાં પણ કહેવત છે જ કે અતિની ગતિ નહીં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો