નર્મદા : પ્રતિમા મળી, પણ સિંચાઈના પાણીનું શું ?

  • રોક્સી ગાગડેકર છારા
  • બીબીસી સંવાદદાતા

સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાનું લોકાર્પણ કર્યુ.

આ પ્રતિમા પાછળ 2989 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. પ્રતિમા પાછળ આટલો ખર્ચ થયો, પરંતુ નર્મદા જિલ્લાનાં ખેડૂતોની હાલતમાં કોઈ સુધારો થયો નથી. ઘણાં ખેડૂતોને સીંચાઈ માટે પૂરતું પાણી મળતું નથી.

ગુજરાત સરકારના જ એક સરવે મુજબ આ જિલ્લામાં ગરીબ લોકોની સંખ્યા વધારે છે, જેમાંથી ઘણાં લોકો તો એવા છે કે જે દિવસમાં એક ટંકનો ખોરાક મેળવવા માટેના પણ સાંસા છે.

બીબીસી ગુજરાતીએ આ જિલ્લાનાં ખેડૂતો સાથે વાતચીત કરીને ત્યાંની સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો.

ખેડૂતોની વ્યથા

39 વર્ષના વિજેન્દ્ર તડવીને પોતાની ત્રણ એકર ખેતીની જમીન માટે પાણી મેળવવા સંઘર્ષ કરવો પડે છે.

તડવીનું ગામ સ્ટેચ્યૂ ઑફ યુનિટીથી માત્ર 10 કિલોમીટર દૂર આવેલું છે. સ્ટેચ્યૂ ઑફ યુનિટી ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો એક મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ છે.

ખેતીની આવકથી પોતાનું ગુજરાન ન ચલાવી શકનાર તડવી સ્ટેચ્યૂ ઑફ યુનિટીની સાઇટ પર ટ્રેકટર ડ્રાઇવર તરીકે કામ કરે છે. જોકે, તેઓ આ પ્રોજેક્ટથી ખુશ નથી.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા તડવી કહે છે, "સ્ટેચ્યૂ બાંધવા માટે આટલો ખર્ચ કરવા કરતાં સરકારે નર્મદા જિલ્લાનાં ખેડૂતો પર ધ્યાન આપી તેમની સમસ્યાઓનું નિવારણ કરવું જોઇએ."

તેમણે કહ્યું કે તેમની જેમ જ આ વિસ્તારનાં અનેક ખેડૂતો ખેતીના પાણી માટે વલખાં મારે છે.

જ્યારે તેમના ખેતરમાંથી એક માઇનર કૅનાલ પસાર થઈ, ત્યારે તડવી ખૂબ જ ખુશ હતા અને એવું માનતા હતા કે તેમને ખેતી માટે પાણી મળશે, અને તેમની ખેતી માત્ર વરસાદ આધારિત નહીં રહે.

જોકે, આવું કંઈ ન થયું, કારણ કે કૅનાલમાં ક્યારેય પાણી પહોંચ્યું જ નથી.

અવારનવાર સરકારી અધિકારીઓનો સંપર્ક કરવા છતાં તડવીને તેમના ખેતરમાં પાણી મળ્યું નથી.

તડવીનું ખેતર નર્મદા જિલ્લાના કરજણ ડૅમના કમાન્ડ વિસ્તારમાં આવે છે, પરંતુ તેમને કે તેમના જેવા અનેક ખેડૂતોને સીંચાઈ માટે પાણી મળતું નથી.

સીંચાઈ યોજનાનું પાણી જે તે સ્થળ સુધી પહોંચે તેને તે યોજનાનો કમાન્ડ એરિયા કહેવાય છે.

અહીંનાં સ્થાનિક કર્મશીલો અવારનવાર ખેડૂતોનો અવાજ બનવાનો પ્રયાસ કરતા હોય છે, પરંતુ મોટાભાગનાં ખેડૂતોની પરિસ્થિતિ હજુ પણ બદલાઈ નથી.

અહીંના આદિવાસી સમાજના આગેવાન અને કર્મશીલ લખનભાઈ કહે છે કે નર્મદા જિલ્લાના આશરે ૨૮ ગામોનાં લગભગ 15 હજારથી વધુ ખેડૂતો સીંચાઈના પાણી માટે સંઘર્ષ કરી રહ્યાં છે.

તમે આ વાંચ્યું કે નહીં?

પાણીના સીંચાઈ અંગેની ખેડૂતોની ફરિયાદના સંદર્ભમાં બીબીસી ગુજરાતીએ જ્યારે નર્મદા જિલ્લાના કલેક્ટર આર. એસ. નીનામાનો સંપર્ક કર્યો ત્યારે તેમણે કહ્યું હતું કે સરકાર આ ફરિયાદ વિશે વિચારી રહી છે, અને અહીંનાં ખેડૂતોની પાણીની સમસ્યાનું નિરાકરણ વહેલી તકે કરવામાં આવશે.

જોકે, આ અંગે ગાંધીનગર ખાતેના ઉચ્ચ અધિકારીઓએ કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું.

વર્ષ 2011ની વસતિ ગણતરી મુજબ, નર્મદા જિલ્લાની કુલ વસતિમાંથી 85.09% વસતિ ખેતીની આવક પર નિર્ભર છે.

ખેતી સાથે સંકળાયેલા લોકોમાં મોટાભાગના લોકો નાના અને સીમાંત ખેડૂતો છે, જેમની પાસે માત્ર એકથી બે એકર જેટલી જ જમીન છે.

આ પ્રકારના ખેડૂતોની સંખ્યા નર્મદા જિલ્લામાં લગભગ 32.57% જેટલી છે. જોકે, આ ખેડૂતોની સમસ્યાઓનો કોઈ અંત નથી.

ગરુડેશ્વર તાલુકાના ગોરા ગામના વતની ભોળાભાઈ તડવી પાણીની તંગીને કારણે ખેતી ન કરી શકનાર ખેડૂતોમાંથી એક છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા તેમણે કહ્યું:

"સીંચાઈની વ્યવસ્થા હોય તેવા ખેડૂતો વર્ષે ત્રણ પાક લઈ શકે છે, જ્યારે હું માત્ર એક જ પાક લઉં છુ, કારણ કે વરસાદ સિવાય મારી પાસે પાણી મેળવવાનો બીજો કોઈ સ્રોત નથી."

અહીંના ખેડૂતો મુખ્યત્વે મકાઈ, મગફળી તેમજ શાકભાજીનું વાવેતર કરતા હોય છે.

લખનભાઈએ વધુમાં જણાવ્યું હતું કે સ્ટેચ્યૂ ઑફ યુનિટીનો કુલ ખર્ચ રૂ.3000 કરોડથી પણ વધારે થવાની શક્યતા છે.

લખનભાઈએ કહ્યું "અમારે સરકારને માત્ર એટલું જ કહેવું છે કે પ્રતિમા પાછળ આટલો મોટો ખર્ચ કરવા કરતાં જો અહીંની આદિવાસી પ્રજાના વિકાસ માટે ખર્ચ કર્યો હોત તો તેના પરિણામો કંઈક જુદા જ આવ્યાં હોત."

ગાંધીવાદી તરીકે પોતની ઓળખ ઊભી કરનાર લખનભાઈ છેલ્લાં ઘણાં વર્ષોથી આદિવાસી સમાજનાં ખેડૂતોની સમસ્યાઓને વાચા આપવાનું કામ કરી રહ્યાં છે.

સરકારે ખેડૂતોને પાણી આપવાની બાંહેધરી તો આપી, પણ તેને પૂરી ન કરી શકી.

વિજેન્દ્ર તડવીએ 12મી ઑગષ્ટે સરકારને પત્ર લખીને યાદ કરાવ્યું હતું કે વર્ષ 2013માં સરકારી અધિકારીઓએ અહીંનાં ખેડૂતોને લેખિતમાં બાંહેધરી આપી હતી કે વર્ષ 2013ના અંત સુધીમાં ખેડૂતોને સીંચાઈ માટે પાણી મળી જશે.

તડવીએ કહ્યું "આજ દિન સુધી અમને પાણી મળ્યું નથી. અવારનવાર સરકારમાં રજૂઆતો કરવા છતાં પણ અમને જવાબ પણ મળતો નથી."

ખેડૂતો પાણીની ચોરી કરવા માટે મજબૂર છે

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

પોતાના ખેતરની પાસેથી પસાર થતી કૅનાલમાં ખેડૂતો પાણી જોઈ શકે છે, પરંતુ સીંચાઇ માટે તેનો વપરાશ કરી શકતા નથી.

જેના પરિણામે ઘણાં ખેડૂતોને ગેરકાયદેસર રીતે પાણી ઉલેચવું પડે છે.

આવા જ એક ખેડૂતે નામ ન આપવાની શરતે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે તેમની પાસે ખેતી માટે પાણી મેળવવાનો બીજો કોઈ આધાર નથી.

તેમણે કૅનાલની બાજુમાંથી પસાર થતા રોજની નીચેથી એક પાઇપને બકનળી સાથે જોડી દીધો છે, તે પાઇપ કૅનાલથી અમુક મીટર દૂર તેમના ખેતર સુધી જાય છે.

તેમણે કહ્યું, "કૅનાલની બાજુમાં આવેલા લગભગ તમામ ખેતરમાં આવી જ રીતે ચોરીથી પાણી ઉલેચવા માટે ખેડૂતો મજબૂર છે."

નર્મદા જિલ્લા પર એક નજર

આ જિલ્લાનું નિર્માણ વર્ષ 1997માં થયું હતું. વર્ષ 2011ની વસતિ ગણતરી મુજબ આ જિલ્લાની વસતિ આશરે છ લાખ છે, જેમાંથી 89% લોકો ગામડાંમાં રહે છે.

આ જીલ્લામાં આદિવાસી સમાજનાં લોકો વધારે છે.

ગુજરાતનો સેક્સ રેશિયો 919 છે, જ્યારે આ જિલ્લાનો સેક્સ રેશિયો ૯૬૧ છે.

સરકારના રિપોર્ટ મુજબ, નર્મદા જિલ્લાના ઘણાં લોકો ભૂખમરાનો શિકાર બન્યા છે.

વર્ષ 2016માં પ્રકાશિત થયેલ ગુજરાત સરકારના 'ડિસ્ટ્રિક્ટ હ્યુમન ડેવલમૅન્ટ રિપોર્ટના આધારે માત્ર 8.46% બીપીએલ (બિલો પોવર્ટી લાઇન, ગરીબીની રેખાથી નીચે) પરિવારોને જ પૂરતો ખોરાક મળી રહે છે.

સરકારની આહાર સુરક્ષાની અનેક યોજનાઓ હોવા છતાં અહીંના લોકો ભૂખમરાનો શિકાર બન્યા છે તેવું આ રિપોર્ટમાં જણાવાયું છે. તેમાં નોંધાયું છે કે, ઘણાં પરિવારોને સરકારની નીતિઓનો લાભ પહોંચી શક્યો નથી.

આ રિપોર્ટ મુજબ વર્ષ 2002-03, વર્ષ 2008-09 અને વર્ષ 2013-14નાં સોશિયો ઇકૉનૉમિક સરવે મુજબ નર્મદા જિલ્લાનાં 72.13% લોકો ગરીબી રેખામાં જીવે છે.

નર્મદા જિલ્લાના લોકોનો અવિરત સંઘર્ષ

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

ગુજરાત સરકારના આંકડા મુજબ નર્મદા જિલ્લાની સ્થિતિ:

- પ્રાથમિક શાળાઓમાં છોકરીઓનાં ઍડમિશનમાં કોઈ વધારો થયો નથી, જ્યારે શાળામાં ઉચ્ચતર પ્રાથમિક વિભાગમાં છોકરીઓની સંખ્યામાં વર્ષ 2006-07 અને વર્ષ 2014-15 દરમિયાન મોટા પ્રમાણમાં ઘટાડો થયો છે.

- વર્ષ 2006-07થી શાળાઓમાં વિદ્યાર્થીઓના ઍડમિશનની સંખ્યામાં ઘટાડો થયો છે. ધોરણ 1માં પ્રવેશતા વિદ્યાર્થીઓમાં 3.5%નો ઘટાડો થયો હતો.

- નર્મદા જિલ્લામાં વર્ષ 2006-07 અને વર્ષ 2010-11 દરમિયાન જન્મેલાં બાળકોમાં મોટાભાગના બાળકો કુપોષિત હતા, જેથી સાબિત થાય છે કે આ જિલ્લામાં કુપોષણનું પ્રમાણ વધારે છે.

- મહિલાઓ ઉપર થતા અત્યાચારના ગુનાઓની નોંધણીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.

સ્ટેચ્યૂ ઑફ યુનિટી : પર્યટનને વેગ આપશે ?

ઇમેજ કૅપ્શન,

સ્ટેચ્યૂ ઑફ યુનિટી

ઑક્ટોબર 2010માં ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યૂ ઑફ યુનિટી બનાવવાનો વિચાર પ્રગટ કર્યો હતો.

ત્યારબાદ આ સ્ટેચ્યૂ બનાવવા માટેનો વર્ક ઑર્ડર લાર્સન ઍન્ડ ટૂબ્રો કંપનીને 27 ઑક્ટોબર 2014ના રોજ આપવામાં આવ્યો હતો.

રાજ્ય સરકારનો દાવો છે કે આ સ્ટેચ્યૂના નિર્માણ થકી તે વર્તમાન ભારતના ઘડવૈયા એવા સરદાર વલ્લભભાઈ પટેલના વિચારો લોકો સુધી પહોંચાડવા માગે છે.

પ્રતિ વર્ષ 25 લાખ લોકો આ સ્ટેચ્યૂને જોવા આવશે તેવો સરકારી અંદાજ છે.

બીબીસી ગુજરાતી સાથે આ પ્રોજેક્ટ વિશે વાત કરતા સરદાર સરોવર નર્મદા નિગમ લી.ના જોઇન્ટ મૅનેજિંગ ડિરેક્ટર, સંદીપ કુમાર કહે છે, "જ્યારે પ્રવાસન વધારો મળશે, ત્યારે અહીંના સ્થાનિક લોકો માટે રોજગારીની નવી તકો ઊભી થશે."

સ્ટેચ્યૂ વિશે

ઊંચાઈ - 182 મીટર

પૉડિયમની ઊંચાઈ - 25 મીટર

સ્ટેચ્યૂની ઊંચાઈ - 157 મીટર

દર્શનીય ગૅલરીની ઊંચાઈ- 110 મીટર

કૉંક્રીટનો જથ્થો - 1,40,000 ઘનમીટર

રિઇન્ફોર્સ્ડ સ્ટીલનો જથ્થો - 16500 મેટ્રિક ટન

સ્ટ્રકચરલ સ્ટીલ - 4700 મેટ્રિક ટન

સિમેન્ટ વપરાશ - 70000 મેટ્રિક ટન

કાંસાનો વપરાશ - 2000 મેટ્રિક ટન

સ્ટેચ્યૂ સર્ફેસ વિસ્તાર - 21099 ચો. મીટર

સ્ટેચ્યૂના નિર્માણનો ઘટનાક્રમ

26ગષ્ટ 2010

ગુજરાતના કૅબિનેટ મંત્રીઓની બેઠકમાં સરદારની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો.

11 માર્ચ 2011

સરદારની પ્રતિમા તથા રાષ્ટ્રીય સ્મારકના નિર્માણ માટે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક એકતા ટ્રસ્ટની રચના કરવામાં આવી.

મે 2011થી ઑક્ટોબર 2014

પ્રોજેક્ટ મૅનેજમૅન્ટ, સલાહકાર, બાંધકામ વગેરે માટેના ટૅન્ડરની પ્રક્રિયા હાથ ધરાઈ.

ઑક્ટોબર 2013

સ્ટેચ્યૂ ઑફ યનિટીનાં બાંધકામ સ્થળ, સાધુ ટેકરી પર નરેન્દ્ર મોદી દ્રારા ખાત મુહૂર્ત કરવામાં આવ્યુ.

ડિસેમ્બર 2014 થી જુલા2015

સરદારની પ્રતિમાના હાવભાવ માટે કરમસદ, બારડોલી, અમદાવાદ તથા નોઈડા મૂકામે કન્સલ્ટેશન વર્કશોપ યોજવામાં આવ્યાં.

31 ઑક્ટોબર 2015

સ્વર્ણિમ પાર્ક ગાંધીનગરમાં સ્ટેય્ચુ ઑફ યુનિટીની ૩૦ ફૂટ ઊંચી પ્રતિકૃતિ ખુલ્લી મુકવામાં આવી.

31 ઑક્ટોબર 2018

વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાને લોકો માટે ખુલ્લી મૂકશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો