યૂપી ઍન્કાઉન્ટર : 'દીકરાને મારી નાખ્યો, ભાજપનું પોસ્ટર પણ નહીં લાગવા દઈએ'

  • પ્રિયંકા દુબે
  • બીબીસી સંવાદદાતા, ઉત્તર પ્રદેશથી પરત આવીને
મૃતક સુમિત ગુર્જરની તસવીર

ઇમેજ સ્રોત, PRIYANKA DUBEY/BBC

ઇમેજ કૅપ્શન,

સુમિત ગુર્જરની તસવીર સાથે તેમના માતા શ્યામવતી

"જયારે યોગી જીત્યા ત્યારે મારા દીકરાએ પાંચ હજાર ભેગા કરીને આખા ગામમાં મીઠાઈ વહેંચી હતી. એટલો ખુશ હતો એ. યોગી માટે ઘરે ઘરે જઈને 900 વોટ તો એણે એકલાએ નખાવ્યા હતા. હવે જુઓ ભાજપાએ શું કર્યું અમારી સાથે. નેવું કિલોનો હતો મારો દીકરો- કોઈ વાંક-ગુના વગર, તેનાં હાડકાં-પાંસળા તોડીને મારી નાખ્યો."

દિલ્હીથી લગભગ 85 કિલોમીટર દૂર, પશ્ચિમી ઉત્તર પ્રદેશના ચિરચિટા ગામના સુમિત ગુર્જરના પિતા બહુ ગુસ્સામાં હતા.

તેમના દીકરાનું પોલીસ ઍન્કાઉન્ટરમાં મોત થયું અને હવે તેઓ સીબીઆઈ તપાસની માગ કરી રહ્યા છે.

ગામના નાકે જ એક બાઇકસવાર અમારી રાહ જોતો હતો.

એ જ બાઇકસવારની પાછળ દોરાતા અમે ગામના બીજા છેડે આવેલા સુમિત ગુર્જરના ઘરે પહોંચ્યાં.

આંગણામાં પગ મૂકતાં જ 22 વર્ષના સુમિતનાં મા શ્યામવતી મારી સામે હાથ જોડીને ઊભાં રહી ગયાં.

55 વર્ષનાં શ્યામવતીના માથા ઉપર એક જૂનો દુપટ્ટો હતો અને આંખોમાં આંસુ હતાં.

"મારે ધન-દોલત નથી જોઈતી, મારે કોઈ પાસેથી કશું નથી જોઈતું. ફક્ત મારા દીકરાના મોતની સીબીઆઈ તપાસ કરાવી દો."

"તેને પોલીસે ખોટો ફસાવીને માર્યો છે. નકલી ઍન્કાઉન્ટરમાં મારી નાખ્યો મારા દીકરાને," આવું કહેતાની સાથે શ્યામવતી રડવાં લાગે છે.

ઇમેજ સ્રોત, TWITTER @CMOFFICEUP

ત્રીજી ઑક્ટોબર, 2017ની રાત્રે ચિરચિટા ગામથી લગભગ 60 કિલોમીટર દૂર ગ્રેટર નોઇડામાં થયેલી એક પોલીસ અથડામણમાં સુમિતનું મૃત્યુ નીપજ્યું હતું.

પોતાના પરિવાર અને ગામમાં એક સીધા-સાદા યુવાન ખેડૂત તરીકે ઓળખાતા સુમિત પર ઍન્કાઉન્ટરના એક દિવસ પહેલાં હત્યા, ચોરી, ધાડ અને લૂંટફાટના ઘણા આરોપો સાથોસાથ પચાસ હજારનો ઇનામી અપરાધી હોવાનું લેબલ પણ લગાવી દેવામાં આવ્યું.

ઘટનાના દિવસે જ સુમિતના સ્વજનોએ આ અથડામણને પોલીસના હાથે થયેલી 'હત્યા' ગણાવીને ઉચ્ચ સ્તરની તપાસની માગ કરવાનું શરૂ કરી દીધું હતું.

તેમની માગની સાથે સાથે સુમિતના મૃત્યુને પણ એક વર્ષ વીતી ગયું છે પરંતુ હજુ સુધી આ કેસમાં પોલીસ અથવા વહીવટીતંત્ર તરફથી કોઈ નક્કર કાર્યવાહી કરાઈ નથી.

તમે આ વાંચ્યું કે નહીં?

સુમિત ગુર્જર ઍન્કાઉન્ટર વિશે જાણતા પહેલાં વાચકોને એ જણાવવું જરૂરી છે કે ગત એક વર્ષ દરમિયાન મેરઠ પોલીસ ઝોનમાં 860 પોલીસ ઍન્કાઉન્ટર થયાં છે.

આ 860 અથડામણમાં 384 કહેવાતા 'અપરાધી' ઘાયલ થયા જયારે 40નાં મોત થયાં.

મેરઠ ઝોનના આ આંકડાને આખા ઉત્તર પ્રદેશના ઍન્કાઉન્ટર સાથે જોડાયેલા આંકડાઓના પરીપ્રેક્ષ્યમાં સમજવાનો પ્રયત્ન કરીએ તો ખબર પડે છે કે ગત એક વર્ષમાં રાજ્યના 32 ટકા ઍન્કાઉન્ટર એકલા મેરઠ ઝોનમાં જ થયાં છે.

પરંતુ માત્ર 32 ટકા ઍન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આ 40 'કહેવાતા અપરાધી' આખા રાજ્યમાં ઍન્કાઉન્ટરો દરમિયાન થયેલાં આરોપીઓનાં મોતનો 60 ટકા હિસ્સો છે.

સાથે જ આખા રાજ્યમાં વીતેલા એક વર્ષ દરમિયાન થયેલાં ઍન્કાઉન્ટરમાં ઘાયલ થયેલા 681 આરોપીઓ પૈકી 60 ટકા આરોપીઓ માત્ર મેરઠ ઝોનમાં થયેલી અથડામણોમાં ઘાયલ થયા હતા.

એક 'ખોટી ઓળખ'

ઇમેજ સ્રોત, PRIYANKA DUBEY/BBC

ઇમેજ કૅપ્શન,

અદાલતની કાર્યાવાહીના કાગળો દર્શાવતા સુમિતના પરિજન

ઘટનાસ્થળના સાક્ષી ગ્રામજનો જણાવે છે કે 30 સપ્ટેમ્બરની બપોરે 22 વર્ષીય સુમિત ચિરચિટાથી આશરે આઠ કિલોમીટર દૂર એક નાનકડી બજારમાં ચાની દુકાન ઉપર ઊભો રહીને ચા પી રહ્યો હતો.

તે બજારમાં પોતાનાં ગાજરના ખેતરો માટે જંતુનાશક દવાની ખરીદી કરવા આવ્યો હતો.

અચાનક જ એક સફેદ ટોયોટા ગાડી આવીને બજારમાં ઊભી રહી અને સાદા કપડામાં સજ્જ 4-5 વ્યક્તિઓ સુમિત તરફ તૂટી પડ્યા.

એક ગ્રામજન ગોપીચંદ જણાવે છે, "બજારમાં ઊભેલા લોકોને લાગ્યું કે સુમિતનું અપહરણ થઈ રહ્યું છે."

"સુમિતને પણ એવું જ લાગ્યું એટલે જયારે તેના હાથ-પગ પાછળની તરફથી બાંધીને એને ગાડીમાં ધકેલવામાં આવી રહ્યો હતો ત્યારે તે મદદ માટે બૂમો પાડી રહ્યો હતો.”

“અમને તો પછી ખબર પડી કે પોલીસવાળાઓ તેને ખૂંખાર અપરાધી ગણાવીને ઉઠાવી ગયા છે."

બીબીસીને તપાસમાં ખબર પડી કે ચિરચિટામાં સુમિત ગુર્જર નામનો એક હિસ્ટ્રી શીટર રહેતો તો હતો પણ તે શ્યામવતી અને કર્મ સિંહનો દીકરો 22 વર્ષીય સુમિત ગુર્જર નહીં બલકે શીશપાળ નામની વ્યક્તિનો પુત્ર અને લગભગ 35 વર્ષની ઉંમરનો હતો.

આ 35 વર્ષીય સુમિત ગુર્જર ઉપર એ તમામ કેસ નોંધાયેલા છે જેના આરોપમાં પોલીસ આ જ ગામના 22 વર્ષીય સુમિત ગુર્જરને ઉઠાવીને લઈ ગઈ હતી.

સુત્રોના જણાવ્યા અનુસાર આ 35 વર્ષીય સુમિત ગુર્જર નોઇડા તથા આસપાસના વિસ્તારોમાં સક્રિય હતો.

ચોરી, અપહરણ અને હત્યાના ઘણા કેસમાં સંડોવાયેલો આ આરોપી હાલ ફરાર છે.

શ્યામવતી અને કર્મસિંહના નાના દીકરા સુમિત ગુર્જરનો આ રીઢા ગુનેગાર જેવું જ નામ ધરાવતી વ્યક્તિ સાથે કોઈ સંબંધ ન હતો.

સુમિતના પરિવારના સભ્ય કરમવીર ગુર્જર જણાવે છે કે સુમિત સીધો-સાદો ખેડૂત હતો.

"તે નવો અને ખૂબ જ કાબેલ ખેડૂત હતો. અમે લોકો ક્યારેય મકાઈ નહોતાં વાવતા પરંતુ તેણે ગત પાકમાં ત્રણ એકરમાં મકાઈ વાવી અને ફાયદામાં વેચી. આ વખતે તેણે ગાજર વાવ્યા અને બહુ ખુશ હતો.”

"એને આશા હતી કે અમને ગાજરમાં પણ ફાયદો થશે. એકદમ સીધો છોકરો હતો. કોઈ વધારે શોખ નહીં. સાદાં કપડાં પહેરતો, ખેતી કરતો અને ઘર-પરિવારમાં રહેતો. આખા ગામમાં પૂછી લો. તેણે આજ સુધી કોઈ તરફ એક આંગળી પણ ચીંધી નથી."

સુમિત ગુર્જર ઍન્કાઉન્ટર : પરિવારનો પક્ષ

સુમિતના મોતના ઘટનાક્રમને યાદ કરતા તેમના પિત્રાઈ ભાઈ પ્રવીણ જણાવે છે, "30મી સપ્ટેમ્બરે જયારે અમને જાણ થઈ કે પોલીસવાળા સુમિતને ઉઠાવીને લઈ ગયા છે, ત્યારે અમે કાર્યાવાહી શરૂ કરી દીધી હતી."

"નજીકના પોલીસસ્ટેશને ગયા, બાગપત એસપી(પોલીસ અધિક્ષક)ની પાસે ગયા, મુખ્ય મંત્રી પોર્ટલથી અમારી ફરિયાદ મુખ્ય મંત્રીજીને ફૅક્સ કર્યો. સૌને હાથ જોડ્યા, પરંતુ કોઈએ અમારી ફરિયાદ સુદ્ધાં નોંધી નહીં."

"ફરી એક દિવસ પછી પોલીસે અમારા ઘર ઉપર દરોડા પાડ્યા અને સુમિતનું આધાર કાર્ડ અને અન્ય કાગળ લઈ ગયાં."

"અમારા એક સંબંધીને જાણ થઈ કે તે નોઇડામાં છે, તો અમે દોડતાં નોઇડા એસપીને મળવા ગયા."

"ત્યાંથી જવાબ મળ્યો કે પોલીસ કોઈ બાબતમાં પૂછપરછ કરી રહી હશે. સુમિત પાછો આવી જશે કેમ કે પોલીસને એ છોકરાને પોતાની પાસે રાખીને તેનું આથાણું નથી કરવાનું."

"પછી 2જી ઑક્ટોબરે સાંજે પાંચ વાગ્યે સુમિતનું એફઆઈઆરમાં નામ દાખલ કરાયું અને રાત સુધીમાં નોઇડા પોલીસે એને ફરાર આરોપી જાહેર કરી દીધો."

"થોડા જ કલાકોમાં અચાનક તેની ઉપર પચાસ હજાર રૂપિયાનું ઇનામ પણ જાહેર થઈ ગયું. આ દરમિયાન બીજી તારીખની રાત્રે જ અમારા ઘરે બીજી રેડ પડી."

"હવે અમને શંકા ગઈ હતી કે તેઓ સુમિતનું ઍન્કાઉન્ટર ના કરી દે. એટલે અમે પોલીસ અને વહીવટીતંત્રમાં જેટલા લોકો સાથે પરિચય હતો, તે સૌને ફોન કરવા માંડ્યા."

"બહુ જ પ્રયત્નો કર્યા, પરંતુ ત્રીજી તારીખની સાંજે આઠ વાગ્યે નોઇડા પોલીસે તેનું ઍન્કાઉન્ટર કરી જ નાખ્યું."

ઍન્કાઉન્ટર પછી લગભગ બે દિવસ સુધી પરિવારજનોને સુમિતનો પાર્થિવ દેહ સોંપાયો નહીં.

પ્રવીણ કહે છે, "અમે ગ્રેટર નોઇડાના પોસ્ટમોર્ટમ હાઉસ સામે ધરણાં કર્યાં અને હાઈવે જામ કરી દીધો."

"પછી જયારે મીડિયાની ટીમો આવવા લાગી ત્યારે છેક પોલીસે અમને સુમિતનો મૃતદેહ સોંપ્યો. પરંતુ પોસ્ટમોર્ટમનો રિપોર્ટ હજુ પણ અપાયો નથી."

પરિવારે તાત્કાલિક રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ અને પ્રદેશના રાજ્ય માનવાધિકાર આયોગ સાથે સંપર્ક કરીને પોતાની ફરિયાદ નોંધાવી.

14 ઑક્ટોબર, 2017એ ચિરચિટામાં મૃતક સુમિતના પરિવારજનોએ મળવાં આવેલી રાષ્ટ્રીય માનવાધિકારની ટીમે ઉત્તર પ્રદેશ પોલીસને પોતાની શક્તિઓના દુરુપયોગ કરવા બાબતે જવાબ માગતા પૂછ્યું કે 'પોલીસ ઍન્કાઉન્ટરો'ના સંબંધમાં સર્વોચ્ચ અદાલતના નિર્દેશો અનુસાર પોલીસ ટીમે અત્યારસુધી એક મૅજીસ્ટેરીયલ તપાસ માટે કેમ પ્રયત્ન ના કર્યો?'

ઉત્તર પ્રદેશ પોલીસને નોટીસ પાઠવતાં આયોગે પરિવારજનોને હજુ સુધી પોસ્ટમોર્ટમ રિપોર્ટ ના આપવાની બાબતે રાજ્ય પોલીસને ઠપકો આપ્યો અને નિયમ અનુસાર પોલીસ ટીમ દ્વારા પોતે માનવાધિકાર આયોગનો સંપર્ક ના કરવા બાબતે પણ સવાલ કર્યો.

આ ઘટનાના થોડા સમય પછી પરિવારજનોને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આપી દેવામાં આવ્યો. રિપોર્ટ અનુસાર સુમિતનું મોત પેટના ડાબા ભાગમાં વાગેલી ગોળીને લીધે થયું હતું.

સુમિતનો પાર્થિવ દેહ મળી ગયા પછી પણ પરિવારજનોએ બે દિવસ સુધી અંતિમ સંસ્કાર ના કર્યા.

પરિવારના સંબંધી ગોપીચંદ જણાવે છે, "અમે સુમિતની આ ગેરકાયદે હત્યાની સીબીઆઈ તપાસની માગ કરી રહ્યાં હતાં."

"વિરોધમાં અમે દીકરાના અંતિમ સંસ્કાર બે દિવસ સુધી અટકાવી રાખ્યા અને ધરણા ઉપર બેસી રહ્યાં."

"બહુ જ ખરાબ રીતે દીકરાને માર્યો હતો. તેની કરોડરજ્જુ ત્રણ જગ્યાએથી તોડી નાખેલી હતી. એક આંખ ફોડી નાખી હતી. માથું ફૂટેલું હતું... દાંત તોડી નાખ્યા હતા."

"એવું લાગતું હતું કે જાણે માણસને નહીં કોઈ જનાવરને મારવામાં આવ્યું હોય અને પછી ગોળી મારી દીધી હોય."

ઇમેજ સ્રોત, PRIYANKA DUBEY/BBC

ઇમેજ કૅપ્શન,

મૃતક સુમિતના માતાપિતા

પરિવાર દ્વારા પોલીસ કાર્યવાહીના વિરોધમાં બાગપત અને નોઇડાની અદાલતોમા સીઆરપીસીની ધારા 156(3) અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે.

પરિવારજનોનું કહેવું છે કે કોર્ટ ગયા પછીથી સ્થાનિક પોલીસે તેઓના પર દરેક રીતે દબાણ લાવવાનો પ્રયત્ન કર્યો હતો.

પ્રવીણ જણાવે છે, "તેઓએ તો અમને તોડવા માટે દરેક રીતની જાળ પાથરી છે."

"જાન્યુઆરી 2018માં મારી સાથે-સાથે અન્ય બે ભાઈઓ ઉપર બળાત્કાર-હત્યા, લૂંટ, ગાળા-ગાળી અને મારા-મારી જેવી આઠ કલમો લગાવી કેસ દાખલ કરી દેવામાં આવ્યા."

"એક સાથે પરિવારના ત્રણ ભાઈઓ પર દાખલ કરાયેલા આ કેસ બાદ હાઈકોર્ટથી સ્ટે ઓર્ડર લઈને કેસ લડ્યો."

"રેપનો ચાર્જ લગાવનારી છોકરી ગોરખપુરની હતી અને એણે તો અમને ભાઈઓને જોયા સુદ્ધાં નહોતા."

"કેસ કોર્ટમાં ટક્યો જ નહીં અને સુનાવણી બાદ જજ સાહેબે અમને છોડતા કેસ બંધ કરી દેવાયો.."

"આ દરમિયાન અમે સહુ ચિંતામાં પાગલ થઈ ગયા. કેસ લડવામાં અમારા 3-4 લાખ રૂપિયા જતા રહ્યા એ જુદું."

"પોલીસના લોકો અમારી ઉપર સતત દબાણ વધારતા રહ્યા કે અમે અમારા ભાઈની હત્યાના કેસમાં સમાધાન કરી લઈએ તો ત્રણેય ભાઈઓ ઉપર કરેલા આ ખોટા કેસ હટાવી દેશે. પરંતુ અમે લોકો અડગ રહ્યા."

સુમિતના પિતા કર્મસિંહ ગુર્જરનો આક્ષેપ છે કે સ્થાનિક પોલીસના લોકો તેમના સ્વજનોને પૈસા લઈને કેસને રફે-દફે કરવાનું દબાણ કરી રહ્યા છે.

તેઓ રડતાં રડતાં કહે છે, "બે કરોડ સુધી તો પહોંચી ગયા છે આ લોકો, વીસ કરોડ આપશે તો પણ હું પીછેહઠ નહીં કરું."

"મારા દીકરાનો કેસ તો હું લડીશ જ. આ લોકોએ અમારૂં ઘડપણ તો બગાડી જ નાખ્યું છે પરંતુ હું ચુપ બેસીને અન્યાય સહન કરનારાઓમાંનો નથી."

પોલીસનો પક્ષ

પોલીસના જણાવ્યા અનુસાર ત્રણ ઑક્ટોબર, 2017ની રાત્રે બૅન્કના એટીએમની કૅશવાનને લૂંટીને ભાગી રહેલા ચાર બદમાશોને પકડવા માટે પોલીસે નોઇડાના એટીએસ ક્રૉસિંગ પૉઇન્ટ ઉપર એક ચેકપૉઇન્ટ બનાવ્યું હતું.

સફેદ સ્વિફ્ટ ડીઝાયર ગાડીમાં આવી રહેલા બદમાશોએ પોલીસ બેરીકેટ તોડીને ભાગવાનો પ્રયત્ન કર્યો.

પોલીસે ગાડીનો પીછો કર્યો અને ભાગદોડમાં બદમાશોની ગાડી એક રહેવાસી કૉલોનીની દીવાલ સાથે અથડાઈ.

પોલીસના જણાવ્યા અનુસાર ત્યારબાદ ત્રણ બદમાશો ભાગી ગયા પરંતુ ચોથા સુમિતે પોલીસ ઉપર ગોળી ચલાવી જેમાં એક સબ-ઈન્સ્પેક્ટરને ઈજા થઈ.

આત્મરક્ષા માટે થયેલા ફાયરીંગ દરમિયાન સુમિતનું મોત થઈ ગયું.

પોલીસનું માનીએ તો 30 સપ્ટેમ્બરની બપોરે સુમિતનું ચાની કીટલીથી 'અપહરણ' થયું જ નથી.

ગ્રામજનો અને બજારના ઘટનાસ્થળના સાક્ષીઓએ જે જોયું એ ક્યારેય બન્યું જ નથી.

સાથે જ ઑક્ટોબરની રાત્રે જયારે સુમિતને માથે પચાસ હજારનું ઈનામ જાહેર કરવામાં આવ્યું, ત્યારે પોલીસ અનુસાર તે 'ફરાર' હતો જયારે પરિવારના અનુસાર તે પોલીસ કસ્ટડીમાં હતો.

આ બાબતે વાત કરવા માટે જયારે અમે મેરઠ ઝોનના એડીશનલ પોલીસ કમિશનર પ્રશાંતકુમાર સાથે વાત કરી તો તેઓએ પોલીસ ઉપર મુકાઈ રહેલા સુમિતની નકલી અથડામણના તમામ આક્ષેપોને મૂળમાંથી નકારી કાઢ્યા હતા.

પોતાના વિસ્તારમાં કાયદા અને વ્યવસ્થાને સારી બનાવવાનું શ્રેય પોલીસને આપતા તેઓએ સસ્મિત કહ્યું હતું,

"વર્ષ 2012થી 2017 સુધી તો અહીંના પોલીસ સ્ટેશન પણ અપરાધીઓ જ ચલાવતા હતા. પોલીસે હવે કામ કરવાનું શરૂ કર્યું છે તો જુઓ કાયદો વ્યવસ્થા પહેલાં કરતાં કેટલી સારી થઈ છે."

જયારે મેં રાષ્ટ્રીય માનવાધિકાર દ્વારા મોકલવામાં આવેલી નોટીસ, કોર્ટમાં ચાલી રહેલા કેસ અને પોલીસનું પરિવાર ઉપર સમાધાન કરવાની બાબતે દબાણ કરવા સંબંધિત સવાલો પૂછ્યા તો તેઓએ કહ્યું,

"કોર્ટમાં જવાનો પરિવારને અધિકાર છે અને ઍન્કાઉન્ટરમાં અપરાધીને મારવા અમારા રાજ્યની નીતિ નથી. આ આત્મરક્ષામાં ઉપયોગમાં લેવાયેલો અંતિમ ઉપાય હોય છે."

"પોલીસે ક્યારેય કોઈ પણ વ્યક્તિ પર કોઈ પણ રીતનું દબાણ કરવાનો પ્રયત્ન કર્યો નથી. આ રીતની તમામ વાતો પાયાવિહોણી છે."

"જો કોર્ટના ચુકાદામાં આ ઍન્કાઉન્ટર સંબંધિત કોઈ પણ પોલીસ અધિકારી દોષી સાબિત થશે તો તેની વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે."

"સુમિત ગુર્જર પૈસા લૂંટીને અને હત્યા કરીને ભાગી રહ્યો હતો. બાકી માનવ અધિકાર તો માણસોના હોય છે, અપરાધીઓના નહીં."

ઍન્કાઉન્ટર કરવાની હોડ

ઇમેજ સ્રોત, તસવીર સોૌજન્ય: કર્મસિંહ ગુર્જર

ઇમેજ કૅપ્શન,

ભાજપની જીત વખતે વચ્ચે ઉભેલા સુમિતે ઉજવણી કરી હતી

સવાલ એ પણ ઉઠે છે કે ગત એક વર્ષમાં પશ્ચિમી ઉત્તર પ્રદેશ અને મુખ્યત્વે મેરઠ ઝોનમાં સૌથી વધારે ઍન્કાઉન્ટર શા માટે થયાં?

આ સવાલનો જવાબ જાણવા માટે અમે ઘણા પોલીસ અધિકારીઓ સાથે વાત કરી.

આ વિસ્તારની ઍન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ ટીમમાં લાંબા ગાળાથી સામેલ એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ નામ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું કે હકીકતમાં અહીં સરકારની નજરમાં ઉત્તમ અધિકારી સાબિત થવાની હરીફાઈમાં ઍન્કાઉન્ટર કરવામાં આવ્યાં છે.

તેઓ જણાવે છે, "સુશીલ મૂંછ અને બદનસિંહ બદ્દો જેવા પશ્ચિમી ઉત્તર પ્રદેશના જૂના રીઢા ગુનેગારો આજે પણ ફરાર થઈને રખડે છે. તેની ઉપર કોઈ ટીમ કામ નથી કરી રહી."

"ચોરી અને લૂંટફાટમાં સામેલ નાના સ્તરના સ્થાનિક ગુંડાઓને મારીને ઍન્કાઉન્ટરોની સંખ્યા વધારવાની એક હરીફાઈ ચાલી છે."

"કોઈને માથે બે હજાર-એક હજારનાં ઇનામો હોય ત્યારે પણ તેણે મારી નાખવામાં આવે છે."

"આ હરીફાઈની શરૂઆત સૌથી પહેલાં બહુજન સમાજ પાર્ટીની સરકારમાં અમારા પોલીસ કમિશનર હતા એ બ્રિજલાલજીએ કરી હતી."

"તેઓએ કહ્યું હતું કે ઍન્કાઉન્ટર કરનારા અધિકારીઓને પ્રમોશન આપવામાં આવશે અને એવોર્ડ પણ.”

“ત્યારબાદ સમાજવાદી પાર્ટીની સરકાર આવી અને ઍન્કાઉન્ટરને લીધે મળનારાં પ્રમોશનો બંધ થઈ ગયાં. પછી ભાજપ આવ્યો છે અને પ્રમોશન ફરીથી શરૂ કરી દેવાયાં."

"ત્યારબાદ તો આઈપીએસ અધિકારીઓમાં હરીફાઈ શરૂ થઇ ગઈ. ઍન્કાઉન્ટર કરીને સરકારની નજરમાં સારા અધિકારી સાબિત થવાની હરીફાઈ.”

“આ જ હોડ નીચે ઊતરતાં પોલીસ સ્ટેશનો સુધી પહોંચી ગઈ. સરકાર તરફથી નોટિસ આવી જેમાં અન્ય વાતોની સાથે છેલ્લી લીટીમાં લખ્યું હતું કે અધિકારી ઈચ્છે તો પોતાના વિવેક અનુસાર ઉતકૃષ્ટ કામ કરવા બદલ સબ-ઇન્સ્પેકટરને પણ પોલીસ સ્ટેશનનો ચાર્જ આપી શકે છે.''

''બસ, પછી તો પૂછવું જ શું? ઍન્કાઉન્ટર કરો અને પોલીસ સ્ટેશનનો ચાર્જ લો જેવો માહોલ બની ગયો હતો."

રાજકીય વિરોધ

ઇમેજ કૅપ્શન,

ઉર્જા મંત્રી શ્રીકાંત શર્મા

સુમિતના પરિવારજનોનું કહેવું છે કે સુમિત કટ્ટર ભાજપ સમર્થક હતો.

પિતા કર્મસિંહ ગુર્જર કહે છે, "પોલીસને શંકા હતી તો કોર્ટમાં લઈ જાત. અરે, અમારા હસતા-કમાતા છોકરાને ફસાવીને મારી નાંખ્યો આ સરકારે. હવે આવે ભાજપવાળાઓ- અહીંયા અમે પોસ્ટર પણ નહીં લગાવવા દઈએ."

"હું બાગપત અને નોઈડામાં ગુર્જરોની મહાપંચાયત બોલાવીશ. અહીંયા ગુર્જરોનાં 20 ગામો છે-એક મત નહીં આપવા દઈએ ભાજપને. હવે જયારે તેઓ મત માંગવા આવશે તો એમની ઉપર પથ્થરો પડશે."

સરકારનો પક્ષ

ચિરચિટાના ગુર્જરોના આ રાજકીય વિરોધ વિશે જયારે અમે રાજ્ય સરકારના ઉર્જા મંત્રી અને પ્રદેશમાં સરકારના સત્તાવાર પ્રવક્તા શ્રીકાંત શર્મા સાથે લખનઉમાં વાત કરી તો તેઓએ અન્ય તમામ ઍન્કાઉન્ટર ઉપર આપેલો પોતાનો જૂનો જવાબ ફરી એક વાર આપ્યો હતો.

તેમણે કહ્યું, "સરકારની પહેલી પ્રાથમિકતા પ્રદેશમાં સુરક્ષાનું વાતાવરણ બનાવવાની છે. ભૂતકાળમાં અહીં જે સપા-બસપા અને કોંગ્રેસની કૉકટેલ હતી, એ અપરાધીઓને સંરક્ષણ આપતી હતી.”

“અમારી કામ કરવાની રીત અલગ છે. આ સરકારમાં અપરાધીઓને કોઈ સંરક્ષણ આપવામાં આવશે નહીં.''

''જો કોઈ અપરાધ કરશે તો તેને તેની જ ભાષામાં પોલીસ જવાબ અપાશે. સાથે જ જો કોઈ વર્દી પહેરીને દાદાગીરી કરશે તો તેને પણ બક્ષવામાં નહીં આવે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો