સીબીઆઈ ડાયરેક્ટર આલોક વર્મા સરકારની સામે કેમ પડ્યા હતા?

  • અનંત પ્રકાશ
  • બીબીસી સંવાદદાતા

ભારતમાં ગુના અને ભ્રષ્ટાચારની તપાસ કરતી સર્વોચ્ચ સંસ્થા સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્મા વડા પ્રધાન કાર્યાલયના આદેશની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ગયા. હવે સરકારને ચિંતા એ વાતની છે કે તેનું નાક ન કપાય.

સીબીઆઈ (સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન)ના ડાયરેક્ટર આલોક વર્મા અને સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના વચ્ચે છેલ્લા કેટલાક વખતથી આરોપ પ્રતિ-આરોપનો દોર ચાલી રહ્યો છે.

આલોક વર્માએ સીબીઆઈ ડાયરેક્ટર તરીકે રાકેશ અસ્થાના વિરુદ્ધ લાંચ મામલે એફઆઈઆર (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) દાખલ કરીને તેની તપાસ શરૂ કરાવી હતી.

સીબીઆઈએ જ આ મામલે દરોડા પાડીને પોતાના જ સ્ટાફના ડીએસપી (ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ) દેવેન્દ્ર કુમારની ધરપકડ કરી હતી.

પરંતુ રાકેશ અસ્થાનાએ ધરપકડથી બચવા હાઈકોર્ટના દ્વારા ખખડાવ્યા. ત્યારબાદ મંગળવારે રાત્રે કેન્દ્ર સરકારે આ મામલે દખલ કરી સીબીઆઈના નંબર-1 વર્મા અને નંબર-2 અધિકારી અસ્થાના બંનેને ફરજિયાત રજા પર મોકલી દીધા હતા.

અસ્થાના વિરુદ્ધ તપાસ કરતા અધિકારી એ. કે. બસ્સીને પણ પૉર્ટ બ્લેર મોકલી અપાયા.

આ રજા પર મોકલવા મુદ્દે વાંધા-અરજી લઇને આલોક વર્મા સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા, જેમાં તેમણે કેન્દ્ર સરકાર પર સીધું નિશાન તાક્યું છે.

ઘણી બાબતો છે, જેમાં સૌથી અગત્યની વાત છે કે, શું કેન્દ્ર સરકાર આ રીતે સીબીઆઈના વડાને રજા પર મોકલી શકે ખરી? તેમનો કાર્યકાળ બે વર્ષનો હોય છે.

તેમને પદ પરથી હટાવવા માટે પણ એક ચોક્કસ પ્રક્રિયા હોય છે, જેનું પાલન થયુ છે કે નહીં?

મોદી વિરુદ્ધ કેમ ગયા વર્મા ?

આ બધી ચર્ચાઓમાં સૌથી ગંભીર અને અગત્યનો પ્રશ્ન એ છે કે, સીબીઆઈના ડાયરેક્ટર તરીકે આલોક વર્માનો કાર્યકાળ આવતા વર્ષે જાન્યુઆરી મહિનામાં પૂર્ણ થવાનો હતો.

આ પ્રકારના નોકરશાહ માટે તો નિવૃત્તિ પછી પણ દરેક પ્રકારના આયોગના દરવાજા પણ ખુલ્લા જ હોય. મતલબ કે પુષ્કળ નવી તકો રહેલી હોય છે. તો પછી પ્રશ્ન એ જ છે કે, તેમણે સરકાર સાથે પોતાના સંબંધો શા માટે ખરાબ કર્યા?

આલોક વર્માને એક એવા પોલીસ અધિકારી તરીકે ઓળખવામાં આવે છે, જે વિવાદોથી દૂર જ રહે છે. પોતાની 35 વર્ષની નોકરીમાં તેમણે દેશની રાજધાની દિલ્હીમાં ઘણો લાંબો સમય વિતાવ્યો છે.

જો મોદી સરકારની વાત કરવામાં આવે તો જેએનયુ (જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી) વિવાદ વખતે સરકાર ટીકાઓથી ઘેરાઈ હતી, તે વખતે આલોક વર્માને દિલ્હીના પોલીસ કમિશનર બનાવાયા હતા.

જ્યારે જેએનયુ મામલો કોર્ટમાં પહોંચ્યો, ત્યારે સરકારે વર્માને સીબીઆઈના ડાયરેક્ટર તરીકે નિયુક્ત કર્યા. તો પ્રશ્ન એ ઊભો થાય છે કે, તો મોદી અને વર્માના સંબંધોમાં કડવાશ કેમ ઊભી થઈ?

સુપ્રીમ કોર્ટના સિનિયર ઍડ્વોકેટ પ્રશાંત ભૂષણ આ બાબતે ક્હે છે, ''જ્યારે અમે (વર્માને) મળ્યા, ત્યારે આલોક વર્મા રફાલ વિમાન સોદા વિશે અમારી રજૂઆતને ધ્યાનથી સાંભળી હતી.

''એવી શક્યતા હતી કે તેઓ આ મુદ્દે એફઆઇઆર દાખલ કરીને તપાસ શરૂ કરે."

ભૂષણે જણાવ્યું કે, રફાલ મામલે અમારી મુલાકાત અંગે ઘણા પ્રશ્નો અને વિવાદો થયા કે આલોક વર્માએ અમારી સાથે મુલાકાત કેમ કરી? અમારી રજૂઆત કેમ સાંભળી?

સરકાર આ મુદ્દે કોઈ જ તપાસ થાય એવું નહોતી ઇચ્છતી.

તેથી સરકારે વિચાર્યુ કે, આલોક વર્માને હટાવવાથી બંને તકલીફોનું સમાધાન આવી જશે, રફાલ પર તપાસ પણ અટકી જશે અને રાકેશ અસ્થાના વિરુદ્ધ તપાસ પણ અટકી જશે.

જ્યારે પ્રશાંત ભૂષણને પૂછાયું કે આલોક વર્માએ રફાલ મુદ્દે તપાસ કરવાનો સંકેત આપીને મોદી સરકાર સાથે પોતાના સંબંધો ખરાબ કરવાનું જોખમ કેમ લીધું?

ત્યારે તેમણે કહ્યું કે, આલોક વર્માએ એ જ કર્યુ જે એક ઈમાનદાર પોલીસ અધિકારીએ કરવું જોઇએ.

વર્મા સુપ્રીમ કોર્ટમાં ગયા તેની અસર ?

આલોક વર્માએ સુપ્રીમ કોર્ટમાં જઈને કેન્દ્ર સરકાર વિરુદ્ધ પોતાનો પક્ષ રજૂ કર્યો, જેથી કેન્દ્ર સરકાર સામે મોટી મુશ્કેલી ઊભી થઈ.

ક્રિમિનલ લૉ ઍમેન્ડમૅન્ટ માટેની જસ્ટિસ જે. એસ. વર્માની સમિતિએ સીબીઆઈને રાજકીય દબાણથી મુક્ત રાખવા માટે તેના ડાયરેક્ટરની સમય મર્યાદાને બે વર્ષ રાખવાનું સૂચન કરેલું, જેનો અમલ કરવામાં આવ્યો.

તમે આ વાંચ્યું કે નહીં?

આલોક વર્માએ સુપ્રીમ કોર્ટમાં આ વ્યવસ્થાનો આધાર લઈને અરજી કરી છે કે, કાનૂની રીતે તેમને આ પ્રકારે અચાનક ન હટાવી શકાય.

સાથે જ તેમણે પોતાની અરજીમાં લખ્યું કે, સીબીઆઈને સરકારના ડીઓપીટી (ડિપાર્ટમેન્ટ ઑફ પર્સોનલ ઍન્ડ ટ્રેનિંગ) વિભાગથી પણ દૂર રાખવાની જરૂર છે, કારણ કે તે સીબીઆઈની ગંભીરતાથી કામ કરવાની શૈલીને અસર કરે છે.

સરકારમાં ડીઓપીટી વિભાગ પ્રધાનમંત્રી કાર્યાલય નીચે કામ કરે છે.

વર્માએ કહ્યું કે, સીબીઆઈ પાસે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, તે સ્વતંત્ર રીતે કામ કરે, પણ એવું બની શકે છે કે સરકારમાં ઉચ્ચ હોદ્દાઓ પર બેઠેલા લોકો સામે તપાસ કરવામાં આવે, ત્યારે તે સરકારની મરજી મુજબ ન થાય.

આલોક વર્માએ જે રીતે સરકાર પર સીધો પ્રહાર કર્યો છે, તેનાથી સરકારની શાખ પર પણ પ્રશ્નાર્થ ઊભો થયો છે.

વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક પરંજય ગુહા ઠાકુરતાએ બીબીસી સંવાદદાતા દિલનવાઝ પાશા સાથે વાત કરતાં જણાવ્યુ હતું:

''સામાન્ય લોકોને અત્યાર સુધી સીબીઆઈની તપાસમાં વિશ્વાસ હતો, પરંતુ આ ઘટનાથી આ વિશ્વાસ ડગમગ્યો છે. આ સાથે જ મોદી સરકારની છાપને પણ ઘણું નુકસાન થયુ છે.

''તમે રાત્રે બે વાગ્યે જઈને એક આવી એજન્સીની ઓફીસને સીલ મારી દો છો અને સવારે કહો છો કે તેના બે ઉચ્ચ અધિકારીઓને રજા પર મોકલી દેવાયા છે.''

ઠાકુરતા કહે છે કે, બંને અધિકારીઓ વિરુદ્ધ ગંભીર આરોપ છે. એક તપાસમાં અડચણરૂપ બની રહ્યા હતા, તો બીજાએ લાંચ લીધી છે.

ભારતના ઇતિહાસમાં આવું ક્યારેય નથી બન્યું. તેનાથી નરેન્દ્ર મોદી સરકારની છબી પણ ખરડાશે.

સીબીઆઈ વિવાદમાં હવે આગળ શું?

સીબીઆઈ વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી જવાથી હવે વિપક્ષે પણ કેન્દ્ર સરકાર પર હુમલો કરવાની તક ઝડપી લીધી છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ મુદ્દે ટ્વીટ કરી કહ્યું કે, સીબીઆઈ ચીફ આલોક વર્મા રફાલ સ્કૅમના પુરાવાઓ એકઠા કરી રહ્યા હતાં, એટલે તેમને બળજબરીપૂર્વક રજા પર મોકલી દેવામાં આવ્યા.

વડા પ્રધાનનો સંદેશ સ્પષ્ટ છે કે, જે પણ રફાલની આસપાસ ફરકશે તેને હટાવી દેવાશે, દૂર કરી દેવાશે. દેશ અને સંવિધાન જોખમમાં છે.

રાહુલ ગાંધીએ આગળ લખ્યું હતું કે, શ્રીમાન 56એ ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા અને વિપક્ષના નેતાને અવગણીને કાનૂનભંગ કર્યો છે.

કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ બીબીસીને જણાવ્યું હતું કે, સત્ય એ છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સીબીઆઈની સ્વાયત્તતા અને નિષ્પક્ષતા પર વ્યક્તિગત રીતે આક્રમણ કરી રહ્યા છે.લોકો તો કહે છે કે, 'મોદી અમિત શાહ કી જોડી- સીબઆઈ કહી કી નહીં છોડી, કારણ સ્પષ્ટ છે.'

સુરજેવાલા કહે છે કે , સીબીઆઈ ડાયરેક્ટરે રફાલ સ્કૅમના કાગળ માંગ્યા હતાં, જેના પર તેઓ એફઆઇઆર નોંધવાના હતા.

તેનાથી ડરીને પીએમઓએ રાત્રે એક વાગ્યે જબરદસ્તી સીબીઆઈ વડાને પોતાના પદ પરથી હટાવી દીધા અને એક વાગ્યે જ ખરડાયેલી છબી ધરાવતા જોઇન્ટ ડિરેક્ટરને કાર્યકારી વડા બનાવી દીધા.

પરંતુ કેન્દ્ર સરકાર તરફથી અરૂણ જેટલીએ બચાવ કરતાં કહ્યું કે, આ મુદ્દે સીવીસી (ચીફ વિજિલન્સ કમિશનર) તપાસ કરશે.સરકારે સીબીઆઈની સાખ બચાવવા માટે અધિકારીઓને રજા પર મોકલવાનું પગલું ભર્યું છે.

આ મુદ્દે સુપ્રીમ કોર્ટનો નિર્ણય ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવશે.

કોર્ટે આલોક વર્માની અરજી સ્વીકારી છે. તેની સુનાવણી શુક્રવારે થશે. ત્યારે એ જોવું રહ્યું કે, શુક્રવારે સુપ્રીમ કોર્ટ આ મામલે ચુકાદો સરકારની તરફેણમાં આપે છે કે, આલોક વર્માની તરફેણમાં.

કારણ કે, જો આલોક વર્માની તરફેણમાં ચુકાદો આવશે તો ભારતના વર્તમાન રાજકારણમાં આ એક બહુ જ અગત્યનો ચુકાદો ગણાશે. તેના વહીવટી અને રાજકીય પરિણામો દૂરોગામી હશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો