દિલ્હી યુનિવર્સિટી : 'એન્ટી-હિંદુ' પુસ્તકોને હટાવવાની વાત ષડયંત્ર કે પ્રક્રિયા?

  • વિકાસ ત્રિવેદી
  • બીબીસી સંવાદદાતા
હિંદુ યુવાનની પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, GETTY IMAGES

જો ભારતે બુધ્ધના વિચારોનું અનુસરણ કર્યું હોત તો તે ચીન અને યુરોપ કરતાં ઘણું આગળ હોત'(બુદ્ધાસ્ ચૅલેન્જ ટૂ બ્રાહ્મિનિઝ્મ)

  • 'મહેનત કરીને જિંદગી જીવતાં લોકો વચ્ચે જાતિ અંગે વિવાદ રહ્યો છે. દલિત ,આદિવાસી મજૂરી કરીને જીવન પસાર કરતા અને વાણિયા -બ્રાહ્મણો એશઆરામની જિંદગી જીવતા. આ પરિવર્તન સમાજમાં જરૂરી છે.( વાય આઈ એમ નૉટ હિંદુ )
  • આદિવાસીથી માંડી દલિતોનું ઉત્પાદન કરવાનું વિજ્ઞાન. જેમ કે વાળંદ ભારતમાં ડૉક્ટરોની જેમ રહ્યા, મેડિકલ પ્રૅક્ટિસ જેવી પ્રવૃતિ કરતા. કથિત પછાત જાતિ ,ઉત્પાદનમાં પોરવાયેલી રહી. વાણિયા -બ્રાહ્મણો આવાં કોઈ જ કામમાં પ્રવૃત નહોતા. બસ સિસ્ટમ અને નાણાં પોતાના હાથમાં રાખવાનું કામ તેમણે પોતાની પાસે રાખ્યું. આને બદલવાની વાતો..... '( પોસ્ટ હિંદુ ઇન્ડિયા)

દલિત વિચારક - લેખક કાંચા ઇલૈયાના આ ત્રણ પુસ્તકોને દિલ્હી યુનિવર્સિટીમાં એમ.એ રાજનૈતિક વિજ્ઞાનના અભ્યાસક્રમની વાંચન- યાદીમાંથી હટાવવામાં આવી શકે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

દિલ્હી યુનિવર્સિટીમાં 'સ્ટેન્ડિંગ કમેટી ઑન અકેડેમિક મેટર્સ'એ એક બેઠકમાં આ સૂચન આપ્યું હતું કે આ પુસ્તકોને એમએના અભ્યાસક્રમની વાંચન- યાદીમાંથી હટાવી દેવાં જોઈએ.

આ સૂચન એમએ કોર્સ અભ્યાસક્રમની સમીક્ષા દરમ્યાન સમિતિના સભ્યો તરફથી આપવામાં આવ્યું હતું.

આ સમિતિનાં સભ્ય પ્રોફેસર ગીતા ભટ્ટે બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું,''વાંધો ઉઠાવવાનું મુખ્ય કારણ રિસર્ચ અને આંકડાઓની ઊણપ છે.''

''પુસ્તકની સામગ્રી ભાગલા પાડનારી વધારે છે, આવા પુસ્તકને જો તમે યુનિવર્સિટીમાં ભણાવો તો તે યોગ્ય નથી. પુસ્તકમાં કાંચા ઇલૈયાનો પોતાનો દૃષ્ટિકોણ વધારે છે, એકેડેમિક રીતે આ પુસ્તકો નબળાં છે.''

કાંચા ઇલૈયાએ બીબીસીને જણાવ્યું ,'' મારાં પુસ્તકો ડીયૂ, જેએનયૂ અને પશ્ચિમના દેશોમાં પણ ઘણાં લાંબા સમયથી ભણાવવામાં આવે છે. હું મારા પુસ્તકોમાં ભાજપ અને આરએસએસની વિચારધારાને પડકારું છું એટલા માટે આ બધું કરવામાં આવે છે.''

ડીયૂ સમિતિના સભ્ય પ્રોફેસર હંસરાજ સુમન, કાંચાના આરોપને રદિયો આપતા જણાવે છે,'' આ પરિવર્તન અભ્યાસક્રમની સમીક્ષાને કારણે કરાઈ રહ્યું છે. આમાં કોઈ પણ પ્રકારનું રાજનૈતિક દબાણ નથી.''

કાંચાના પુસ્તકોને દૂર કરવા એ કઈ પ્રક્રિયાનો ભાગ?

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન,

કાંચા ઇલેયા

દિલ્હી યુનિવર્સિટીની વેબસાઈટ પર એમ.એના વર્ષ 2010-12ના અભ્યાસક્રમની વાંચન- યાદી પર એક નજર ફેરવીએ તો કાંચા ઇલૈયાના ત્રણ પુસ્તકોનો ઉલ્લેખ મળે છે.

  • વાય આઈ એમ નોટ હિંદુ
  • પોસ્ટ હિંદુ ઇન્ડિયા
  • ગૉડ એઝ પૉલિટિકલ ફિલૉસોફર : બુદ્ધાજ્ ચૅલેન્જ ટૂ બ્રાહ્મિનિઝ્મ

આ પુસ્તકોને અત્યારસુધી એમ.એની વાંચન- યાદીમાં દર્શાવવામાં આવી રહ્યાં હતાં, પણ વર્ષ 2019થી શરૂ થનારા કોર્સ માટે અભ્યાસક્રમની સમીક્ષા કરવામાં આવી રહી છે.

આવી સમીક્ષા 'દિલ્હી યુનિવર્સિટીમાં સ્ટેન્ડિંગ કમિટી ઑન એકૅડેમિક મેટર્સ' કરે છે.

આ સમિતિમાં લગભગ 30 સભ્યો હોય છે. વિદ્યાર્થી માટે બનાવવામાં આવેલા અભ્યાસક્રમના મુદ્દાઓ આ સમિતિ ચકાશે છે.

સમિતિના સભ્યોના સૂચનોને વિભાગ પાસે મોકલવામાં આવે છે.

વિભાગમાંથી જો કોઈને અસહમતિ હોય તો તે મુદ્દાને દિલ્હી યુનિવર્સિટીની એકૅડેમિક કાઉન્સિલ સમક્ષ મોકલવામાં આવે છે.

આ કાઉન્સિલમાં લગભગ 20 સભ્યો હોય છે. બન્ને સમિતિના સભ્યો પ્રાધ્યાપક હોય છે.

દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર હંસરાજ સુમન અને ગીતા ભટ્ટ જણાવે છે કે આ સમિતિઓમાં ઉઠાવવામાં આવતા મુદ્દા રાજનૈતિક નથી હોતા. સમિતિની રજૂઆત કન્ટેન્ટને ધ્યાનમાં રાખી કરાય છે.

બન્નેનાં જણાવ્યા અનુસાર-કાંચા ઇલૈયાના પુસ્તકો પર વાંધો પણ આ જ પ્રક્રિયા હેઠળ જ ઉઠાવવામાં આવ્યો છે.

શું કાંચા ઇલૈયાના પુસ્તકો ખરેખર હિંદુ વિરોધી છે?

ઇમેજ સ્રોત, GETTY IMAGES

પ્રોફેસર હંસરાજ સુમન જણાવે છે, '' સમિતિના સભ્યોએ આ પુસ્તકોને હટાવવાની વાત કરી છે કારણ કે પુસ્તકોમાં ચોક્કસ ધર્મ અને લોકો વિશે ખોટી વાતો રજૂ કરવામાં આવી છે.''

જોકે, પ્રોફેસર હંસરાજ સુમન સ્વીકારે છે કે એમણે કાંચા ઇલૈયાના ત્રણેય પુસ્તકોને વાંચ્યા નથી.

ગીતા ભટ્ટ, કાંચાના પુસ્તકોના કન્ટેન્ટ પર આંગળી ચીંધતા જણાવે છે , ''વાય આઈ એમ નૉટ હિંદુ પુસ્તકમાં કાંચા જણાવે છે કે કેસરી અને તિલક એ મારા માટે યાતનાની જેમ છે.''

''હિંદુવાદી શક્તિઓ મુસ્લિમ અને ખ્રિસ્તીઓને નફરત કરે છે. આવા નિવેદનો કાંચા ઇલૈયાની અંગત વિચારધારા છે.''

ગીતા 'વાય આઈ એમ નૉટ હિંદુ' પુસ્તકના જે ભાગનો ઉલ્લેખ કરે છે તે તો વાસ્તવમાં પુસ્તકની પ્રસ્તાવનાનો એક ભાગ છે.

જો તમે આ પુસ્તકની પ્રસ્તાવના વાંચો તો કાંચા જણાવે છે, ''વર્ષ 1990ના દાયકાથી આપણે કાયમ હિંદુત્વની વાતો સાંભળતા આવ્યા છીએ.''

'' જેમ કે ભારતમાં વસતા લોકો હિંદુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી નથી. બસ બધા હિંદુ જ છે. મને અચાનક જ કહેવામાં આવ્યું કે હું હિંદુ છું.''

''સરકાર પણ આ જ અભિયાનનો ભાગ બની ગઈ. સંઘ પરિવાર કાયમ હું હિદું છું કહી મને યાતના આપે છે.''

શું માત્ર કાંચા ઇલૈયાના પુસ્તકોને હટાવવાની વાત છે?

ઇમેજ સ્રોત, DU/BBC

જ્યારે કોઈ પણ અભ્યાસક્રમની સમીક્ષા થાય છે, ત્યારે ઘણાં પુસ્તકોનો ઉમેરાય અને કેટલાય દૂર કરાય.

તો શું માત્ર કાંચા ઇલૈયાના પુસ્તકોને હટાવવાનું સૂચન જ ડીયુ સમિતિ તરફથી આપવામાં આવ્યું છે?

પ્રોફેસર ગીતા ભટ્ટ જણાવે છે,''ક્રિસ્ટોફર જૅફરલૉટના પુસ્તક 'ધ મિલિશિયાઝ ઑફ હિંદુત્વ' The Militias of Hindutvaને પણ હટાવવાનું સૂચન અપાયું છે.''

''જૅફરલૉટના બીજા પુસ્તકો તો રહેશે પણ આને હટાવવાની વાત પર સમિતિના બધા જ સભ્યોની સંમતિ હતી.''

''આ પુસ્તકમાં ધાર્મિક ઉગ્રવાદની વાત કહેવામાં આવી હતી.''

''એમાં એ તર્ક દર્શાવવામાં આવ્યો હતો કે તમે બીજા કોઈ ધર્મનું પુસ્તક કોર્સમાં દાખલ કર્યું નથી તો હિંદુ ધર્મ વિશેનું પુસ્તક કોર્સમાંથી દૂર કરવું જોઈએ.''

ડીયૂના એમ.એના અભ્યાસક્રમની વાંચન- યાદીમાં ભગતસિંઘનો નિબંધ ''હું નાસ્તિક શા માટે છું?' નો સમાવેશ થાય છે.

આ નિબંધનો સંબંધ પણ ધર્મ સાથે છે તો શું ભગતસિંઘનો નિબંધ પણ હટાવવામાં આવશે?

જવાબમાં ગીતા ભટ્ટ જણાવે છે, ''ના, તમે બંનેની સરખામણી ના કરી શકો. ભગતસિંઘ શહીદ હતા. તેઓ એક એવી વ્યક્તિ હતી કે જે અંગ્રેજો સામે લડી હતી."

"કાંચા સાથે ભગતસિંઘની સરખામણી ના થઈ શકે. ભગતસિંઘે પોતે નાસ્તિક હોવા અંગે વાત કરી હતી. પણ કાંચા ઇલૈયાએ પોતાના પુસ્તકમાં એક ધર્મના વિરુદ્ધમાં હોવા અંગે જણાવ્યું છે ભગતસિંઘે આવી કોઈ વાત કરી નહોતી.''

વિદ્યાર્થીઓને ટાંકીને આ પુસ્તકોને કોર્સમાંથી હટાવવાની વાત કરવામાં આવી રહી છે. પણ વિદ્યાર્થીઓ આ અંગે શું વિચારી રહ્યા છે?

દિલ્હી યુનિવર્સિટીની કિરોડીમલ કૉલેજમાં રાજકારણ વિજ્ઞાન ભણતાં જૅસિકાએ અમારી સાથે આ મુદ્દે વાત કરી હતી.

જેસિકા જણાવે છે, ''એવું કોઈ પણ પુસ્તક કે જે કોઈ ધર્મનું સમર્થન કે વિરોધ કરતું હોય તો એનાથી વિચારમાં થોડોઘણો ફેર તો જરૂર પડે છે.''

''જો આપણને લાગે કે આ પુસ્તક હિંદુવિરોધ છે કે કોઈ ધર્મ વિરુધ્ધ છે તો તેનાથી કોઈ વ્યક્તિ ઉશ્કેરાઈ શકે છે.''

ડીયૂ સમિતિના સભ્યો અને કાંચા ઇલૈયાનો પક્ષ

ઇમેજ સ્રોત, GETTY IMAGES

કાંચા ઇલૈયા જણાવે છે , ''મારાં પુસ્તકોમાં રૅફરન્સ ન હોવા અંગેની વાતો કરવામાં આવી રહી છે. તો શું સાવરકરનાં પુસ્તકોમાં રૅફરન્સ છે?''

'' મારાં પુસ્તકોને વિશ્વમાં ઘણી જગ્યાએ અગત્યના માનવામાં આવે છે ત્યારે આ લોકોને શું વાંધો પડે છે?"

"ભાજપ-આરએસએસના લોકો, ના તો પુસ્તકો વાંચે છે ના તો પુસ્તકો લખે છે. બીજું કોઈ લખે તો તેમને વાંધો પડે છે."

"દેશની વિચારધારા કેવી રીતે બદલાશે? તેઓ બધાં જ વિશ્વવિદ્યાલયોનું પતન કરી રહ્યા છે. ભાજપ સત્તામાં આવ્યો ત્યારથી દેશની મુખ્ય વિશ્વવિદ્યાલયોને બાદ કરતાં તમામ વેદપુરાણ ભણાવવા માગે છે."

"હું આંબેડકર, ફુલેની વિચારધારાને આગળ વધારવાનો પ્રયાસ કરી રહ્યો છું. તમે પણ તમારા વિચારો વિદ્યાર્થીઓ આગળ રજૂ કરો પણ પુસ્તકને હટાવવાનો શો મતલબ છે?''

કાંચા ઇલૈયાએ વધુમાં જણાવ્યું,''મારાં પુસ્તકો કોલંબિયા યુનિવર્સિટી, ઑક્સફૉર્ડ યુનિવર્સિટી, જેએનયૂ, બૉમ્બે આઈટીઆઈમાં ભણાવવામાં આવે છે."

"મારા પુસ્તકો વિરુદ્ધ એમના કેટલાક લોકો પહેલાંથી જ કોલંબિયા યુનિવર્સિટીમાં જઈ આવ્યા છે. પણ ત્યાં એમની વાત માનવામાં ના આવી. એમના લોકો દરેક જગ્યાએ છે.''

ઇમેજ સ્રોત, GETTY IMAGES

એવું નથી કે માત્ર પુસ્તકોમાં હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવા વિશે કે બિનજરૂરી કન્ટેન્ટ સામે વાંધો ઉઠાવવામાં આવી રહ્યો હોય.

પ્રોફેસર હંસરાજ સુમન જણાવે છે, ''મારો વાંધો દલિત શબ્દ સામે છે. કોર્સમાં ભલે ગમે ત્યાં દલિત શબ્દ વાપરવામાં આવ્યો હોય, મારો વાંધો બસ તેના સામે છે."

"દલિતને બદલે બીજો કોઈ શબ્દને વાપરી શકાય તેમ છે. દલિત આંદોલનને બદલે આંબેડકરવાદી, બહુજન જેવા નામ આપી શકાય. કાંચા ઇલૈયા આંબેડકરના નહીં પોતાના વિચારોને આગળ વધારી રહ્યા છે."

"આંબેડકરે તો દેશને સર્વોપરી ગણ્યો છે. કાંચા પોતાના પુસ્તકોમાં હિંદુઓની માંસ ખાવા વિશે વાતો કરી રહ્યા છે. પણ વિકલ્પોની હાજરી કે ગેરહાજરી વિશે કાંઈ બોલી રહ્યા નથી.તમે તમારી વિચારધારા સમાજ પર લાદી ના શકો.''

સપ્ટેમ્બર 2018માં સૂચના અને પ્રસારણ મંત્રાલયે મીડિયા સંસ્થાઓને જણાવ્યું હતું કે તેઓ દલિત શબ્દનો ઉપયોગ ના કરે. મંત્રાલયનું કહેવું હતું કે અનુસૂચિત જાતિ એક બંધારણીય શબ્દ છે અને આનો ઉપયોગ થવો જોઈએ.

પ્રોફેસર ગીતા ભટ્ટ જણાવે છે , '' અભ્યાસક્રમમાં કાંશીરામ, આંબેડકર અને બીજા ઘણાં લેખકોના પુસ્તકો છે.પણ આવા પુસ્તકોને અભ્યાસક્રમમાં ભણાવવાનો કોઈ અર્થ નથી."

"યુનિવર્સિટીમાં સમગ્ર પ્રક્રિયા હેઠળ આ બધું થઈ રહ્યું છે. પુસ્તકો હટાવવામાં પણ આવશે અને નવાં ઉમેરવામાં પણ આવશે. હવે સમીક્ષામાં આ વાતો ઉઠાવવામાં આવી છે.''

આ આખા મુદ્દા પર જેસિકા એમ જણાવી પોતાની વાત પૂરી કરે છે,''આપણે જે વાંચીએ છીએ તેને રોજબરોજના જીવનમાં અપનાવવાવો પ્રયાસ કરતાં હોઈએ છીએ.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો