સીબીઆઈ કેસ દ્વારા ચર્ચામાં આવેલા જસ્ટિસ એ. કે. પટનાયક કોણ છે?

પટનાયક Image copyright video grab

સીબીઆઈ ચીફ આલોક વર્માની અરજી ઉપર સુપ્રીમ કોર્ટે શુક્રવારે સીવીસીને બે સપ્તાહની અંદર નિવૃત્ત જસ્ટિસ એ કે પટનાયકના નેતૃત્વમાં તપાસ કરવાનો આદેશ આપ્યો છે.

હવે સીબીઆઈ પ્રમુખ આલોક વર્મા વિરુદ્ધ મુકાયેલા ભ્રષ્ટાચારના આરોપો અંગે તપાસ માટે રચાયેલી સમિતિના અધ્યક્ષ જસ્ટિસ (રિટાયર્ડ) પટનાયક હશે.

દિલ્હી યુનિવર્સિટીથી રાજનીતિશાસ્ત્રમાં સ્નાતક અને કટકથી કાયદાશાસ્ત્રનો અભ્યાસ કરનારા, સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ એ કે પટનાયકનો જન્મ 3 જૂન, 1959ના રોજ થયો હતો.

સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ એ કે પટનાયક 1974માં ઓરિસ્સા બાર ઍસોસિયેશનના સભ્ય બન્યા. વકીલાત શરૂ કરવાના આશરે 20 વર્ષ પછી 1994માં તેઓ ઓરિસ્સા હાઈકોર્ટના સેશન જજ બન્યા.

તમે આ વાંચ્યું કે નહીં?

પરંતુ તરત જ તેમને ગુવાહાટી હાઈકોર્ટ મોકલવામાં આવ્યા, જ્યાં એ પછીના વર્ષે તેઓ હાઈકોર્ટના સ્થાયી જજ બની ગયા અને 2002માં પોતાના ગૃહ રાજ્યમાં મોકલવામાં આવ્યા એ પહેલા સાત વર્ષ સુધી કાર્યરત રહ્યા.

એ પછી માર્ચ 2005માં જસ્ટિસ પટનાયકને છત્તીસગઢ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનાવવામાં આવ્યા. એ જ વર્ષે ઑક્ટોબરમાં તેઓની મધ્ય પ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક થઈ.

Image copyright Getty Images
ફોટો લાઈન આલોક વર્મા અને રાકેશ અસ્થાના

છત્તીસગઢ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે તેમના કામની સુપ્રીમ કોર્ટના તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ રમેશચંદ્ર લાહોટીએ પ્રશંસા પણ કરી હતી.

નવેમ્બર 2009માં તેઓને સુપ્રીમ કોર્ટના જજ બનાવવામાં આવ્યા. પાંચ વર્ષ બાદ જૂન 2014માં જસ્ટિસ પટનાયક નિવૃત્ત થઈ ગયા હતા.

જસ્ટિસ સૌમિત્ર સેનનો કેસ જસ્ટિસ પટનાયકના કાર્યકાળ દરમિયાનનો સૌથી વધુ ચર્ચિત કેસ રહ્યો હતો.

જસ્ટિસ સૌમિત્ર સેન વિરુદ્ધ પૈસાની હેરાફેરી અને તથ્યોને ખોટી રીતે રજૂ કરવાનો આરોપ મુકાયો હતો. એની તપાસ માટે બેસાડવામાં આવેલી જજોની ત્રણ સભ્યોની કમિટીમાં જસ્ટિસ પટનાયક પણ એક સભ્ય હતા.

Image copyright PTI RS TV
ફોટો લાઈન જસ્ટિસ સૌમિત્ર સેન

આ કમિટીએ પોતાના અહેવાલમાં જસ્ટિસ સેનને 'ખોટા વ્યવહાર'ના દોષી ઠેરવ્યા હતા.

સૌમિત્ર સેન ઉપર સ્ટીલ ઑથૉરિટી ઑફ ઇન્ડિયા અને શીપીંગ ઑથોરીટી ઑફ ઇન્ડિયા વચ્ચે અદાલતી વિવાદમાં કોર્ટના રિસીવર હતા એ દરમિયાન લગભગ 33 લાખ રૂપિયાનો ખોટો ઉપયોગ કરવાનો આરોપ હતો.

ભારતના મુખ્ય ન્યાયાધીશ અને રાજ્યસભાના અધ્યક્ષે આરોપોની તપાસ માટે જે સમિતિઓ બનાવી હતી તેણે પોતાના અહેવાલમાં કહ્યું કે સૌમિત્ર સેને પહેલાં વકીલ તરીકે રિસીવર હતા ત્યારે તથા એ પછી જજ તરીકે રિસીવર હતા ત્યારે પણ એ બૅન્ક ખાતામાંથી ઘણીવાર ચેકથી અને રોકડ પૈસા કાઢ્યા હતા.

Image copyright Getty Images

આ પછી રાજ્યસભામાં સીપીએમ (કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇંડિયા) નેતા સીતારામ યેચુરીએ સૌમિત્ર સેનને હટાવવાનો પ્રસ્તાવ રજુ કર્યો, જેને ઉચ્ચ સદને બહુમતીથી પસાર કરી દીધો.

પહેલીવાર ભારતના ઇતિહાસમાં હાઈકોર્ટના કોઈ ન્યાયાધીશ વિરુદ્ધ એવો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો.

રાજ્યસભાના નિર્ણય બાદ લોકસભામાં આ પ્રસ્તાવ મુકાવાનો હતો, પરંતુ એ પહેલા જ સૌમિત્ર સેને રાજીનામું આપી દીધું હતું.


2જી, સ્પોટ ફિક્સિંગની સુનાવણી કરનાર જજ

Image copyright AFP

જસ્ટિસ પટનાયક 2જી સ્પેક્ટ્રમ કેસની સુનાવણી માટે માર્ચ 2016માં બનાવવામાં આવેલી બે જજોની પેનલમાં સામેલ હતાં.

આ સિવાય મતદાન દરમિયાન NOTA (નન ઑફ ધ અબવ)ની વૈકલ્પિક જોગવાઈ આપવાના કેસમાં, આઇપિએલમાં સ્પોટ ફિક્સિંગ કેસની સુનાવણીમાં પણ જસ્ટિસ પટનાયક સુપ્રીમ કોર્ટની બેન્ચમાં સામેલ હતા.

નિવૃત્તિ બાદ જસ્ટિસ પટનાયકને ઓરિસ્સા રાજ્ય માનવાધિકાર આયોગના અધ્યક્ષ બનાવવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો, હતો પરંતુ તેમણે એ પ્રસ્તાવ સ્વીકાર્યો નહોતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા

આ વિશે વધુ