TOP NEWS: ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં પાર્થિવ પટેલનું પુનરાગમન

પાર્થિવ પટેલની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

'ધ હિંદુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલ મુજબ નવેમ્બરમાં રમાનારી ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ શ્રેણીમાં ગુજરાતના ખેલાડી પાર્થિવ પટેલનું ટેસ્ટ ટીમમાં પુનરાગમન થયું છે.

પાર્થિવ પટેલે છેલ્લે જાન્યુઆરીમાં ભારતીય ટીમ માટે ટેસ્ટ રમી હતી.

જાન્યુઆરીમાં જ્હૉનિસબર્ગ ખાતે આફ્રિકા સાથે રમાયેલી ટેસ્ટમાં પાર્થિવને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું.

આ ટેસ્ટ શ્રેણીથી રોહિત શર્મા પણ ટીમમાં પુનરાગમન કરશે.

પાર્થિવ પટેલ અને રોહિત શર્મા ઉપરાંત મુરલી વિજયનું પણ ટીમમાં પુનરાગમન થશે.

અહેવાલમાં વધુમાં જણાવ્યા મુજબ, ભારતીય ટીમના પસંદગીકારોએ ઑસ્ટ્રેલિયા સાથે રમાનારી ટી-20 શ્રેણીમાં મહેન્દ્રસિંહ ઘોનીની બાદબાકી કરી છે.

ટી-20 શ્રેણીમાં બૉલર્સ તરીકે ચાર સ્પિનર અને ચાર ફાસ્ટ બૉલર્સને સ્થાન આપવામાં આવ્યું છે.

આ ટીમમાં કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, વૉશિંગ્ટન સુંદર, કૃણાલ પંડ્યા અને ખલીલ અહેમદનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ટેસ્ટ ટીમમાં પૃથ્વી શૉ, હનુમા વિહારીએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. જ્યારે મોહમ્મદ શામી, ઇશાંત શર્મા, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ અને ભુવનેશ્વર કુમારનો બૉલર્સ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.

આલોક વર્માના પુત્રની 'અનિચ્છિત વ્યક્તિ' સાથે ભાગીદારી

ઇમેજ સ્રોત, Getty Images

ઇંડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત અહેવાલ મુજબ, આલોક વર્માના પુત્ર, પુત્રી, પત્ની તથા નજીકની વ્યક્તિએ 'અનિચ્છિત વ્યક્તિ' સાથે કંપનીમાં ભાગીદારી કરી હતી હતી.

રાકેશ અસ્થાનાએ કૅબિનેટ સચિવને તેમની ફરિયાદમાં આરોપ મૂક્યો હતો કે 'અનિચ્છિત વ્યક્તિ'ની (અધિકારીઓને સોંપવામાં આવતી યાદી, જેમાં જેતે શખ્સની પૃષ્ઠભૂમિ અથવા હિલચાલ સંદિગ્ધ હોય તથા તેમની સાથે સંપર્કમાં ન કેળવવા) યાદીમાં સમાવિષ્ટ પ્રદીપ કુમાર રાય સાથે સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્માના પુત્ર કુશાગ્રે ભાગીદારી કરી છે.

અગાઉ પ્રદીપ કુમાર સીબીઆઈ (સેન્ટ્રલ બ્યરો ઑફ ઇન્વેસ્ટિગેશન)માં કૅન્ટીન ચલાવતા હતા અને અધિકારીઓ સુધી નાણાં પહોંચાડવાના આરોપ સબબ સીબીઆઈએ તેમના ઉપર રેડ કરી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

અમદાવાદમાં કુશાગ્ર શર્મા તથા ગુજરાત કેડરના આઈપીએસ (ઇંડિયન પોલીસ સર્વિસ) ઓફિસર કમલ કુમાર ઓઝાના પુત્ર પ્રતીકે મળીને કંપની સ્થાપી હતી. ગુજરાતના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ ઓઝાને ટાંકતા અખબાર લખે છે, "આલોક મારા બેચમેટ (તાલીમ સમયના) હતા. મારા દીકરા સાથે મળીને કંપની શરૂ કરવાના હતા, પરંતુ નાણાંકીય વ્યવસ્થા ન થઈ શકવાના કારણે ગત વર્ષે બંનેએ કંપની બંધ કરવા અરજી આપી હતી."

અખબાર લખે છે કે આ અંગે પ્રતિક્રિયા જાણવા માટે આલોક શર્મા, તેમના પુત્ર કુશાગ્ર શર્મા, પુત્રી અરીજિતા શર્માનો સંપર્ક સાધવામાં આવ્યો હતો, પરંતુ કોઈ પ્રતિક્રિયા મળી ન હતી.

મોદી 'પૅરડૉક્સિકલ પ્રાઇમ મિનિસ્ટર'

ઇમેજ સ્રોત, Getty Images

'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'ની વેબસાઈટના અહેવાલ મુજબ, દેશના પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંઘે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે નિવેદન કર્યું હતું કે મોદી એવાં 'પૅરડૉક્સિકલ પ્રાઇમ મિનિસ્ટર' છે જેમણે જનમતને નિષ્ફળ બનાવ્યો છે.

અહેવાલમાં વધુમાં જણાવ્યા મુજબ, કોંગ્રેસના નેતા શશી થરુર દ્વારા વડા પ્રધાન મોદી વિશે લખાયેલ પુસ્તકના વિમોચન પ્રસંગે વક્તવ્ય આપતા ડૉ.મનમોહન સિંઘે વધુમાં જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદી ગત સાડા ચાર વર્ષોમાં મહત્ત્તવના મુદ્દે મૌન રહ્યાં છે.

ડૉ. સિંઘે કહ્યું હતું કે સાંપ્રદાયિક હિંસા, મોબ લીંચિંગ અને ગૌરક્ષકો દ્વારા હુમલાઓ મુદ્દે મોદીએ મૌન ધારણ કરી લીધું છે.

અહેવાલમાં વધુમાં જણાવ્યા મુજબ ડૉ. સિંઘે કહ્યું હતું કે કાળાં નાણાં સહિતના મુદ્દે ચૂંટણીમાં વિજય મેળવીને સત્તામાં આવ્યા બાદ આ વિષયોને કોરાણે મૂકી વડા પ્રધાન મોદીએ દેશના જનમતને નિષ્ફળ બનાવ્યો છે.

રિઝર્વ બૅન્કને વધુ સ્વાયત્તતાની જરૂર છે: ડેપ્યુટી ગવર્નર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

વિરલ આચાર્ય

એનડીટીવી'ની વેબસાઈટના અહેવાલ મુજબ, આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યએ શુક્રવારે મુંબઈ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું કે રિઝર્વ બૅન્કને વધુ સ્વાયત્તતાની જરૂર છે.

મુંબઈમાં યોજાયેલી એ. ડી. શ્રોફ વ્યાખ્યાનમાળામાં ડેપ્યુટી ગવર્નરે કહ્યું હતું કે બૅન્કને વધુ સ્વાયતતાની જરૂર છે. સરકારની નજર ચૂંટણીઓથી આગળ વધતી નથી, પરંતુ મધ્યસ્થ બૅન્કે લાંબાગાળાનો વિચાર કરવાનો હોય છે.

આચાર્યે વધુમાં જણાવ્યું હતું કે જો સરકાર રિઝર્વ બૅન્કને સ્વાયત્તતા નહીં જાળવે તો બજારની નારાજગીનો ભોગ બનશે.

જે સરકાર રિઝર્વ બૅન્કની સ્વાયત્તતા નથી જાળવતી તેને બજારો વહેલાંમોડાં પદાર્થપાઠ ભણાવી દે છે.

આાચાર્યે વધુમાં જણાવ્યું હતું કે રિઝર્વ બૅન્કે અર્થતંત્રને મજબૂત કરવાના લાંબા ગાળાના હેતુને વળગી રહેવાનું હોય છે.

ત્રણ વર્ષમાં ગુજરાતમાં 50 સિંહોનાં અકસ્માતે મોત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

'ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ મુજબ, ગુજરાતમાં ગત ત્રણ વર્ષ દરમિયાન અકસ્માતમાં 50 સિંહના મોત થયા છે.

અહેવાલમાં વધુમાં જણાવ્યા મુજબ, વર્ષ 2015થી વર્ષ 2018 દરમિયાન મૃત્યુ પામેલાં 253 સિંહમાંથી 50 સિંહના મોત અકસ્માતનાં કારણે થયાં હતાં.

મૃત્યુ પામેલાં 50 સિંહ માર્ગ અને ટ્રેન અકસ્માત ઉપરાંત ખુલ્લા કૂવામાં પડી જવાથી મૃત્યુ પામ્યાં હતાં.

રાજ્યસભામાં સિંહના મોત અંગે પૂછાયેલા સવાલને ટાંકીને અહેવાલમાં વધુમાં જણાવાયું હતું કે, સિંહના સૌથી વધુ મોત વર્ષ 2016-17 દરમિયા થયા હતા. આ વર્ષમાં 99 સિંહ મોતને ભેટ્યાં હતાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો