શું ભૂતાનની નવી સરકાર ભારતને બદલે ચીન તરફ ઢળશે?

  • આદર્શ રાઠોર
  • બીબીસી સંવાદદાતા
ભૂતાનના પ્રાકૃતિક સોંદર્યની તસવીર

ઇમેજ સ્રોત, REUTERS/CATHAL MCNAUGHTON

ભૂતાન - ભારત અને ચીન જેવા બે મોટા અને શક્તિશાળી પડોશીઓ વચ્ચે આવેલો દેશ છે. હિમાલયના ખોળે વસેલાં આ નાનકડાં દેશમાં હમણાં જ સંસદીય ચૂંટણીઓ પૂરી થઈ.

આઠ લાખની વસ્તી ધરાવતા ભૂતાનમાં અત્યાર સુધી ત્રણ સંસદીય ચૂંટણીઓ થઈ છે, જેમાં ત્રણેય વાર અલગ-અલગ પાર્ટીઓ સત્તામાં આવી છે.

છેલ્લી બે સંસદીય ચૂંટણીઓની જેમ જ આ વખતે પણ નવી પાર્ટીને સત્તામાં આવવાની તક મળી, જેમાં નવી પાર્ટી ડીએનટીએ 47માંથી 30 બેઠક જીતી.

સૅન્ટર લૅફ્ટ પાર્ટી ડીએનટી ગઈ ચૂંટણીમાં પહેલા તબક્કામાં જ બહાર નીકળી ગઈ હતી, પણ આ વખતે તેણે ચોંકાવનારું પ્રદર્શન કર્યું હતું.

આ પાર્ટીની લોકપ્રિયતા એટલી બધી વધી ગઈ કે સત્તાધારી પક્ષ પીપલ્સ ડૅમોક્રેટિક પાર્ટી પહેલા તબક્કામાં ઠેઠ ત્રીજા નંબરે રહી અને બીજા તબક્કામાં પ્રવેશી પણ ન શકી.

આ સત્તા પરિવર્તનનું ભૂતાનની આંતરિક રાજનીતિ અને તેના પડોશી દેશોના સંબંધો પર શી અસર પડશે, તેનું વિશ્લેષણ

ભૂતાનની ચૂંટણી પદ્ધતિ

ઇમેજ સ્રોત, ROBERTO SCHMIDT/AFP/GETTY IMAGES

સ્થાનિક ભાષામાં લોકો ભૂતાનને 'દ્રુક યુલ' એટલે કે 'ઉડતા અને આગ ફેંકતા ડ્રૅગન'નો દેશ કહે છે.

ખાસ વાત એ છે કે અનેક સદીઓ સુધી ભૂતાન બાકીની દુનિયાથી અલિપ્ત રહ્યો છે.

આ દેશ કદી કોઈની કૉલોની રહ્યું નથી. બાહ્ય દુનિયાની બહુ જ ઓછી ચીજ અને વાતો તેણે અપનાવી છે અને પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓનું રક્ષણ કર્યું છે.

19મી સદીના આરંભે ગૃહયુદ્ધની સ્થિતિ પેદા થયા પછી 1907માં અહીં વાંગચૂક વંશ સત્તામાં આવ્યો.

આ રાજવંશે ભૂતાનને સંગઠિત કર્યું અને બ્રિટિશ રાજ સાથે સંબંધો વિકસાવ્યા.

એ પછી ભૂતાનમાં લગભગ 99 વર્ષ સુધી પૂર્ણ રાજાશાહી રહી અને ભારત સાથે પણ તેના સંબંધો સારા રહ્યા.

વર્ષ 2006માં જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચૂકે ભૂતાનની રાજગાદી સંભાળી અને વર્ષ 2008માં જેમાં બે પક્ષ ધરાવતાં સંસદીય લોકતંત્રની સ્થાપના કરી.

તમે આ વાંચ્યું કે નહીં?

દર વખતે અલગ પક્ષ કેમ જીતે છે ?

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન,

ભૂતાનના રાજવી જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચૂકે દેશમાં દ્વિપક્ષીય લોકશાહીની સ્થાપના કરી

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બૉર્ડના પૂર્વ સભ્ય અને સિક્કિમ યુનિવર્સિટીના સ્થાપક કુલપતિ પ્રૉફેસર મહેન્દ્ર પી લામા કહે છે કે, ભારત અને ભૂતાનની લોકતાંત્રિક પ્રણાલીમાં ઘણી સામ્યતા છે અને કંઈક અલગ પણ છે.

પ્રૉફેસર મહેન્દ્ર પી લામા કહે છે, "વર્ષ 2008માં ભૂતાનમાં પહેલીવાર બંધારણ બન્યું અને સંસદની ચૂંટણી થઈ. ત્યાં ચૂંટણી પંચ છે અને તેણે નિયમ બનાવ્યા કે ત્યાં બે તબક્કામાં ચૂંટણી થશે.

"જે પક્ષો ચૂંટણી લડવા ઈચ્છતા હોય તે પહેલા તબક્કામાં લડશે અને સૌથી વધુ મત મેળવવાવાળા બે ટોચના પક્ષોને બીજા તબક્કા માટે ઉમેદવાર ઉતારવા દેવાશે. બીજા તબક્કામાં આ બે પક્ષોના ઉમેદવારો વચ્ચે જ મુકાબલો થશે."

ઇમેજ સ્રોત, DIPTENDU DUTTA/AFP/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન,

ભૂતાનમાં શપથ લેનારા નવા વડા પ્રધાન લોતે ત્શેરિંગ

ભૂતાનમાં પહેલી સંસદીય ચૂંટણી વર્ષ 2008માં, બીજી 2013માં અને ત્રીજી હમણાં જ પૂરી થઈ. તેમાં ડીએનટી પાર્ટીએ 47માંથી 30 બેઠકો જીતી. આ પાર્ટી વર્ષ 2013માં પહેલા જ તબક્કામાં બહાર ફેંકાઈ ગઈ હતી.

રસપ્રદ વાત એ પણ છે કે ગઈ વખતે સત્તામાં આવેલી પીપલ્સ ડૅમોક્રેટિક પાર્ટી એટલે કે પીડીટી આ વખતે પહેલા તબક્કામાં જ બહાર થઈ ગઈ.

આમ પહેલી ચૂંટણી( 2008)માં પીડીટી સત્તામાં આવી હતી, પણ બીજી જ ચૂંટણીમાં તેને હાર સહન કરવી પડી.

શા માટે જુદી-જુદી ચૂંટણીઓમાં પ્રજા નવી પાર્ટીને તક આપે છે? સત્તામાં રહેતી પાર્ટીને ખરાબ રીતે હારનો સામનો કેમ કરવો પડે છે?

સાઉથ એશિયા અફૅર્સના જાણકાર પ્રૉ. એસ.ડી.મુની કહે છે કે આમાં જનતાનો અસંતોષ હોય છે અને રાજાની ભૂમિકા પણ હોય છે.

પ્રૉ. એસ.ડી.મુની કહે છે, "પહેલી વાત એ કે ત્યાંનું લોકતંત્ર રાજાએ આપ્યું,લોકોએ માંગ્યુ ન હતું. લોકો સાવ રાજી નથી. તેથી તે પરિવર્તન કરીને જુએ છે કે કઈ સરકાર સારી રહેશે?

"મને લાગે છે કે રાજતંત્ર પણ એ જોવા ઈચ્છે છે કે કોણ ભૂતાનને સ્થાયિત્વ આપી શકે અને પ્રગતિ કરી શકે.

"આ બંને બાબતોના કારણે આ પરિણામ આવે છે. લોકોને અસંતોષ હોય છે, તેથી તે સરકાર બદલી નાખે છે અને રાજાની સહમતિ પણ તેમાં રહેલી હોય છે."

ઈન્ટરનેટ લાવ્યું પરિવર્તન

ઇમેજ સ્રોત, PRAKASH SINGH/AFP/GETTY IMAGES

ભૂતાનમાં વર્ષ 1999 સુધી ટીવી ન હતું. ઘણા વર્ષો સુધી દેશ અલિપ્ત રહ્યો. તેને લાગતું હતું કે બાહરની દુનિયા તેની રાજાશાહી અને સંસ્કૃતિને તબાહ ન કરી નાખે.

ટીવી સાથે ઈન્ટરનેટ પણ વર્ષ 1999માં આવ્યું. પ્રૉફેસર મહેન્દ્ર પી લામા કહે છે કે તે પછી લોકોને સમજાયું કે વિકાસ શું હોય છે અને તેથી લોકોની અપેક્ષા રાજકીય પક્ષો પ્રત્યે વધી.

પ્રો. લામા કહે છે, "અહીં વધુ વિકાસ થયો નથી. રસ્તા, પીવાનું પાણી, સ્કૂલ ન હતા. લોકોને સંતોષ હતો. તે પોતાના સમુદાય સાથે વહેંચીને ખાતા અને ખુશ રહેતા. તેમને ઇચ્છાઓ ન હતી. દેશની રાજનીતિ અને અર્થવ્યવસ્થા રાજા જ સંભાળતા હતા. મંત્રી પરિષદ પણ નામ માત્રની હતી, પણ પહેલીવાર ચૂંટણી થઈ અને લોકોને લાગ્યું કે સારા પક્ષને વોટ આપીશું તો પ્રગતિ થશે."

ડીએનટી કેમ જીતી ?

ઇમેજ સ્રોત, REUTERS/CATHAL MCNAUGHTON

વર્ષ 2013માં બનેલી ડીએનટીના નેતા લોતે ત્શેરિંગ સર્જન હતા. ગઈ ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન પછી આ વખતે ચૂંટણી જીત્યા તેનો શ્રેય તેમના ચૂંટણી પ્રચાર અભિયાનને જાય છે.

અભિયાનનું નામ હતું. 'નેરોઈંગ ધ ગેપ' એટલે કે 'સમાજમાં વિવિધ વર્ગો વચ્ચેના અંતરને ઘટાડવું.'

પ્રો. મહેન્દ્ર પી લામાના મતે, "ઈન્ટરનેટ આવ્યા પછી લોકોએ જોયું કે વિકાસ શું હોય છે. સ્કૂલ, કૉલેજ અને હૉસ્પિટલ કેવાં હોવા જોઈએ. તેની અસર થઈ. જીતેલા પક્ષ ડીએનટીનો પ્રચાર આ બાબતો પર આધારિત હતો."

પ્રો. કહે છે કે "ડીએનટીના ચૂંટણીઢંઢેરામાં ન્યૂનતમ સમર્થન મૂલ્ય, દસમા ધોરણમાં નાપાસ થયેલા ગરીબ બાળકોને બારમા ધોરણ સુધી ભણવા દેવા, વિદ્યાર્થિનીઓને સેનિટરી પૅડ આપવા જેવી બાબતો સામેલ હતી.

"એવું લાગતું હતું કે દિલ્હી કે રાજસ્થાનની સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણી થઈ રહી છે. મતલબ કે, અંતરિયાળ વિસ્તારોમાં સંસાધનો અને માળખાગત સુવિધાઓની કમી છે."

સત્તાધારી ડીએનટીનું વલણ કેવું રહેશે ?

ઇમેજ સ્રોત, ROBERTO SCHMIDT/AFP/GETTY IMAGES

ડીએનટીએ ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું હતું કે તે ભૂતાનને વિદેશી દેવામાંથી મુક્ત કરાવવાની દિશામાં કામ કરશે.

ભૂતાનનું વિદેશી દેવાંમાંથી 80 ટકાથી વધુ રકમ હાઇડ્રૉપાવર પ્રૉજેક્ટમાં રોકાણ થયેલી છે. તેમાં પણ ભારતનું દેવું વધુ છે. હાલમાં જ ભારતે અહીં પાંચ નવા પાવર પ્રૉજેક્ટમાંથી ચારમાં રોકાણ કર્યું છે.

ત્યારે સવાલ એ છે કે ડીએનટી સત્તામાં આવવાથી ભારત સાથેના સંબંધો પર શું પ્રભાવ પડશે ?

પ્રૉ. એસ. ડી. મુની માને છે કે, જો તે પોતાના ઇકોનૉમિક ઍજન્ડાને આગળ ધપાવે તો તેની અસર જોવા મળી શકે છે.

તેઓ કહે છે, જો હાઇડ્રો પ્રૉજેક્ટમાં રોકાણ ઘટાડી બીજા ઉદ્યોગો શરુ કરવા ઈચ્છે, તો તેની થોડી ઘણી અસર જોવા મળે, પણ હાઇડ્રો પાવર મોંઘો પડી રહ્યો છે.

ભારત ખુદ આ મામલે આત્મનિર્ભર થઈ રહ્યું છે. વૈકલ્પિક ઉર્જાના સ્ત્રોત પણ વિકસ્યા છે, તેથી ભારતની હાઇડ્રો પાવરમાં રુચિ ઓછી થઈ રહી છે.

આ સ્થિતિથી ભૂતાન પણ ચિંતિત છે. આવું થશે તો તેના અર્થતંત્રનો આધાર શું રહેશે. તેથી તે પોતાના અર્થતંત્રમાં વિવિધતા લાવવા ઈચ્છે છે.

જો તે આ દિશામાં આગળ વધે તો એવું પણ નથી કે ભારત તેમાં સામેલ નહીં થાય, પણ આજે બંને દેશો વચ્ચે જે આર્થિક સંબંધો છે, તેની પર ચોકક્સપણે અસર થશે.

ભૂતાનને ભારત સામે શી ફરિયાદ છે ?

ભારત પહેલા ગ્રાન્ટરુપે ભૂતાનમાં પ્રોજેક્ટનો અમલ કરતું અને તેની પંચવર્ષીય યોજના સુદ્ધાં ભારતમાં બનતી હતી, પણ હવે તે રોકાણ કરે છે તો તે એક રીતે દેવું હોય છે, જેને ભૂતાન પાવર પ્રૉજેક્ટથી પેદા થતી વીજળીની નિકાસ કરીને ચૂકવે છે, પણ તેના ભાવ ઓછા હોવાથી ભૂતાનામં તેના વિશે અસંતોષ છે.

પ્રૉ. મહેન્દ્ર પી લામા કહે છે, "ભૂતાનનું કહેવું છે કે અમે ભારતને જે વીજળી આપીએ છીએ, તે 'ગુડવીલ પ્રાઈસ' રુપે આપીએ છીએ. ભારત તેને બે રુપિયામાં લે છે અને દિલ્હીમાં તે વીજળી સાત રુપિયા પ્રતિ યુનિટે વેચાય છે.”

“તેમનું કહેવું છે કે સાડા ત્રણ કે ચાર રુપિયા કરી દો તેથી અમે તમારી લોન ચૂકવી શકીએ, પણ ભારત તે સાથે સહમત નથી. તેથી ભૂતાનને ડર છે કે તે ક્યાંક દેવામાં તો નહીં ડૂબી જાયને. ભારતે આ વિશે વિચારવું જોઈએ કારણ કે આ માગણી વાજબી છે."

ભૂતાનની બીજી માંગણી એ છે કે તમે અમને વીજળી બીજા દેશો -જેવા કે બાંગ્લાદેશ વગેરેને વેચવાની છૂટ આપો, જેથી તેના વધુ ભાવ મળે. પ્રૉ. લામા કહે છે કે ભૂતાનની આ બંને માગણીઓ વાજબી લાગે છે.

શું ચીન નવી સરકારને પ્રભાવિત કરી શકે છે ?

માની લો કે સત્તાધારી ડીએનટી સરકાર જો આ મુદ્દે કોઈ પગલાં લેવા માગે તો તેની પાસે કયા અધિકાર છે? શું ભૂતાનની સંસદને અર્થવ્યવસ્થા અને વિદેશ નીતિ સાથે જોડાયેલા મુદ્દે નિર્ણય લેવાનો અધિકાર છે?

આ સંબંધે પ્રો. એસ.ડી.મુની કહે છે, "બંધારણીય દૃષ્ટિએ સંસદ શક્તિશાળી છે, પણ વાસ્તવિક શક્તિ રાજા પાસે છે. વિદેશ નીતિમાં સંસદની ભૂમિકા હોય છે, પણ આ વખતે ચૂંટણી પંચે કહી દીધું છે કે ભારત-ચીન તથા અન્ય સંવેદનશીલ મુદ્દાઓ પર પાર્ટીઓ વાત નહીં કરી શકે."

પ્રો. મુની કહે છે "લોકોને લાગે છે કે ભૂતાન ભારત પર વધુ પડતું નિર્ભર છે અને તે તેને ઘટાડવા માંગે છે. બિલકુલ નિર્ભરતા એવું પણ નથી ઈચ્છતા કારણ કે તેવું શક્ય નથી.”

“ભારત સાથે તેની ત્રણ બાજુઓથી સરહદો જોડાયેલી છે. બીજી વાત એ પણ છે કે ભૂતાન ઈચ્છે કે ન ઈચ્છે, ચીન દક્ષિણ એશિયામાં અને ભૂતાનમાં તેની ભૂમિકા ઈચ્છે છે.”

“તે ઇચ્છે છે કે ભૂતાન તેને ડોકલામ આપી દે, પણ ભૂતાન એવું નહીં ઈચ્છે. ત્યારે ભારતની તેમાં ભૂમિકા રહેશે. તે જોવા પણ મળ્યું. તેથી ભૂતાન ભારત સાથે સંપૂર્ણ રીતે દૂર રહેવા નહીં ઈચ્છે"

ભારત પર ભૂતાનને સમજવાની જવાબદારી

ઇમેજ સ્રોત, GETTY IMAGES

તેમાં પ્રૉ. મુની કહે છે કે ડીએનટીની સરકાર ભારતના વિરોધમાં કશું નહીં કરી શકે, કારણ કે તેને પહેલા તબક્કામાં બહાર થઈ ગયેલી પીપલ્સ ડૅમોક્રેટિક પાર્ટી(પીડીપી)ના પણ વોટ મળ્યા છે. જેને ભારત તરફી ગણવામાં આવે છે. એટલે કે તેમને જે નવી વૉટ બૅન્ક મળી છે, તેમાં ભારત તરફી લોકોનું વધુ સમર્થન છે.

રણનીતિના રુપે બહુ જ મહત્ત્વ ધરાવતા આ ભૌગોલિક ક્ષેત્રના કારણે ભૂતાન ઘણી વાર ભારત અને ચીન વચ્ચે રસ્સાકસીમાં ફસાય છે. દક્ષિણ એશિયામાં ભારત અને ચીન વચ્ચેની હરિફાઈ એ જાણીતી બાબત છે.

અહીં જે ભારતના નિકટના મનાતા હતા તેના પર ચીનનો પ્રભાવ વધી રહ્યો એવું લાગે છે. નેપાળથી લઈ માલદીવ સુધી તેની દખલ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.

ગયા વર્ષે ડૉકલામમાં ભારત-ચીન વચ્ચે વિવાદ થયો હતો. એવામાં નવી સરકારનું વલણ ભારત અને ચીનને લઈને શું રહેશે. આ વિશે પ્રૉ. મહેન્દ્ર પી લામા કહે છે કે ભૂતાનમાં હવે ઘણું પરિવર્તન આવી ચૂકયું છે.

"ભારત અને ભૂતાનના સંબંધો હવે પરંપરાગત ઢબે નહીં ચાલે. યુવાઓ, નવી અમલદારશાહી અને રાજનેતાઓના વિચાર એંસીના દાયકાથી બહુ અલગ છે. ભારત જો આ ભાવનાઓને સારી રીતે નહીં સમજે તો સંબંધોમાં તણાવ સર્જાઈ શકે છે.”

“ચીન ભૂતાનમાં આવવાની ઘણી કોશિષ કરી રહ્યું છે. માલદીવમાં ચીન ગયું બાદમાં ત્યાં ઘણી તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ. એટલે ભૂતાનમાં ચીનનો દૂતાવાસ બન્યો તો તેમાં બહુ પરિવર્તન આવશે. એટલે કૂટનીતિની દ્રષ્ટિએ ભારતે ભૂતાનના લોકો સાથે સંબંધો મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રીત કરવું પડશે અને ઉદાર બની નવી દિશા પકડવી પડશે. ભારતે ભૂતાનના લોકોની અપેક્ષાઓ સમજવી રહી.”

જાણકારો કહે છે કે ભૂતાનની નવી સરકારની પ્રાથમિકતા પોતાની અર્થવ્યવસ્થા અને સામાજિક વિકાસને વધારવા સાથે સુરક્ષા અને અખંડિતતા જાળવવા પર રહેશે.

તેમનું એમ પણ કહેવું છે લોકતંત્ર આવવાથી આજના ભૂતાનમાં 90ના દાયકાની તુલનામાં બહુ જ ફર્ક પડ્યો છે.

લોકો વિકાસને પ્રાથમિકતા આપે છે અને વિકાસ નજરે પણ પડે છે. પણ અહીં લોકતંત્ર આરંભિક તબક્કામાં છે અને તેના મૂળીયા મજબૂત થવામાં વાર લાગશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો