TOP NEWS : ટ્રમ્પ દેશના પ્રજાસત્તાક દિવસની પરેડમાં હાજર નહીં રહે

ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રજાસત્તાક દિવસની પરેડમાં મુખ્ય મહેમાન તરીકે રીતે હાજર નહીં રહે તેવી શક્યાતા છે. ટ્રમ્પે ભારત આવવાની કથિત રીતે અસમર્થતા વ્યક્ત કરી છે.

'એનડીટીવી'માં પ્રકાશિત અહેવાલ મુજબ, અમેરિકાના ઉચ્ચ અધિકારીઓએ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને પત્ર લખી આ વિશે જાણ કરી છે.

રિપોર્ટ મુજબ, અમેરિકાના અધિકારીઓએ ભારતનું આમંત્રણ નહીં સ્વીકારી શકવા બદલ ખેદ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે એ અરસામાં ટ્રમ્પ ઘરઆંગણે આયોજિત કેટલાક કાર્યક્રમોમાં વ્યસ્ત છે.

થોડા સમય અગાઉ અમેરિકાની નારાજગીને અવગણીને ભારતે રશિયા સાથે એસ-400 ઍર ડિફેન્સના કરાર કર્યા હતા, જેનાં કારણે બંને દેશો વચ્ચેના મતભેદ જાહેરમાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ પહેલાં વર્ષ 2015માં અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ બરાક ઓબામા ભારતની ગણતંત્ર દિવસની પરેડના મુખ્ય અતિથિ બન્યા હતા.

'હાર્દિકેJDUના પ્રશાંત કિશોર સાથે સોદાબાજી કરી'

ઇમેજ સ્રોત, Getty Images

'નવગુજરાત સમય'ના અહેવાલ મુજબ, પાસ (પાટીદાર અનામત આંદોલન સમિતિ)ના સંયોજક હાર્દિક પટેલે JDUના વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર સાથે ગુજરાતમાં ત્રીજો મોરચો રચવાની સોદાબાજી કરી હોવાનો આરોપ પાસના જ નેતા દિનેશ બાંભણિયાએ કર્યો છે.

એક પત્રકાર પરિષદને સંબોધીને બાંભણિયાએ હાર્દિક પટેલ પર આક્ષેપો મૂક્યા હતા.

જોકે, આ પત્રકાર પરિષદની ગણતરીની કલાકોમાં જ હાર્દિક પટેલે કોઈ વ્યક્તિ કે ઘટનાક્રમના ઉલ્લેખ વગર ટ્વીટ કર્યું, "જાહેર જીવનમાં આક્ષેપો થતા રહે છે. હું આક્ષેપોથી ગભરાતો નથી. મરી જઈશ પરંતુ ઝૂકીશ નહીં."

તમે આ વાંચ્યું કે નહીં?

અહેવાલમાં વધુમાં જણાવ્યા મુજબ બાંભણિયાએ આરોપ મૂક્યો હતો કે હાર્દિક પટેલે દિલ્હીની હોટલમાં JDUના વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર સાથે મુલાકાત કરી હતી.

બાંભણિયાના આરોપને ટાંકીને અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે હાર્દિકે પ્રશાંત કિશોરના ઇશારે જ સરદાર જયંતીએ જૂનાગઢનો કાર્યક્રમ ગોઠવ્યો છે.

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી ખુરાનાનું અવસાન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

મદનલાલા ખુરાના

'બીબીસી હિંદી'ની વેબસાઇટના અહેવાલ મુજબ, ભારતીય જનતા પક્ષના નેતા અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી મદનલાલ ખુરાનાનું શનિવારે મોડી રાત્રે અવસાન થયું છે.

ભારતીય જનતા પક્ષ જેમને 'દિલ્હીના સિંહ' માનતો તેવા ખુરાના 82 વર્ષના હતા. દિલ્હી ભાજપને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે શનિવારે 27મી ઑક્ટોબરે રાત્રે 11.00 વાગ્યે ખુરાનાએ અંતિમ શ્વાલ લીધા હતા.

ખુરાના વર્ષ 1993થી વર્ષ 1996 સુધી દિલ્હીના મુખ્યમંત્રી હતા. ત્યાર બાદ ભાજપે દિલ્હીમાં પક્ષના ચહેરા તરીકે સાહિબ સિંઘ વર્માની પસંદગી કરી હતી.

અટલ બિહારી વાજપેયીની સરકારમાં ખુરાના કેન્દ્રીય પર્યટન મંત્રી હતા. વર્ષ 2004માં ખુરાનાએ કેટલાક સમય માટે રાજસ્થાનના ગવર્નર તરીકે પણ સેવા આપી હતી.

વર્ષ 1965થી વર્ષ 1967 સુધી ખુરાના જનસંઘના મહાસચિવ હતા અને દિલ્હીના પ્રભાવશાળી નેતા તરીકે પ્રસ્થાપિત થયા હતા.

'અંસારી 'મુસ્લિમ પક્ષપાત' ધરાવે છે'

ઇમેજ સ્રોત, Getty Images

'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ મુજબ તાજેતરમાં જ દેશના પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ હામીદ અંસારીના નિવેદન બદલ તેઓ 'મુસ્લિમ પક્ષપાત' ધરાવતા હોવાનો ભાજપે આક્ષેપ કર્યો છે.

તાજેરમાં જ એક પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં હામીદ અંસારીએ નિવેદન કર્યું હતું કે સરદાર પટેલ દેશના ભાગલા માટે તૈયાર હતા.

સરદારે આઝાદીના ચાર દિવસ પહેલાં કહ્યું હતું કે દેશની એકતા માટે દેશનું વિભાજન આવશ્યક છે તેવું હું સ્વીકારુ છું. જ્યારે આઝાદી મળ્યા બાદ દેશના ભાગલા માટે મુસ્લિમોને જવાબદાર ઠેરાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે દેશના વિભાજના માટે સરદાર જીણા જેટલા જ જવાબદાર હતાં.

ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ એક પત્રકાર પરિષદ યોજીને અંસારી 'મુસ્લિમ પક્ષપાત' ધરાવતા હોવાનું નિવેદન કર્યું હતું, પાત્રાએ માગ કરી હતી કે અંસારીએ આ નિવદેન બદલ માફી માગવી જોઈએ.

ડૉ.પાત્રાએ અંસારીના અગાઉના નિવેદન વિવાદાસ્પદ ગણાવતા જણાવ્યું હતું કે દેશમાં દસ વર્ષ ઉપ રાષ્ટ્રપતિ રહ્યાં હોવા છતાં અંસારીએ એવું નિવેદન આપ્યું હતું કે ભારતમાં મુસ્લિમો સુરક્ષિત નથી.

ઘોઘા-હજીરા રો-રો ફેરી સર્વિસ શરૂ કરવાનો વાયદો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પ્રતિકાત્મક તસવીર

'સંદેશ'ના અહેવાલ મુજબ રાજ્યમાં વડા પ્રધાન મોદીના હસ્તે શરુ થયેલી રો-રો ફેરી સર્વિસના બીજા ચરણમાં દહેજથી ઘોઘા સુધીની રો-પૅક્સ ફેરી સર્વિસનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રારંભ કરાવ્યો હતો.

આ ફેરી સર્વિસના ઉદ્દઘાટન સમયે ઘોઘા-હજીરા ફેરી સર્વિસ શરૂ થશે તેવો વાયદો મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવ્યો હતો.

અહેવાલમાં જણાવ્યા મુજબ મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે આગામી ડિસેમ્બરમાં ઘોઘાથી હજીરાની વચ્ચે પણ રો-પેક્સ ફેરી સર્વિસ શરૂ થશે.

દહેજ-ઘોઘા વચ્ચે શરૂ થયેલી રો-પેક્સ ફેરી સર્વિસની પહેલી મુસાફરીમાં 350 યાત્રીઓ જોડાયા હતા. આ સર્વિસ અંતર્ગત જહાજમાં વાહનો અને મુસાફરોની હેરફેર થશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો