સ્વતંત્રતાદિવસ : કેવા હતા મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને નહેરુના સંબંધ?
- પ્રકાશ ન શાહ
- બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images
સરદારને જરી વધુ તીવ્રતાથી, કહો કે કંઈક કચકચાવીને સંભારવાનો તાવ એ હમણેનાં વરસોની એક લાક્ષણિકતા રહી છે.
આમેય, ગુજરાતી તરીકે એ રાષ્ટ્રીય સ્તરે (વડા પ્રધાનપદ માટે) અવગણાયી લાગણી તો ખેંચાતી આવેલી જ છે.
સરદાર પહેલા વડા પ્રધાન થયા હોત તો વધુ સારું થયું હોત એવું પુનર્વિચારનું વલણ પણ પાછળના વરસોમાં જોવા મળ્યું છે.
ચક્રવર્તી રાજગોપાલચારીએ લખ્યું કે સરદાર વડા પ્રધાન હોત અને નહેરુ, વિદેશ પ્રધાન, એવું પહેલું પ્રધાન મંડળ રચાયું હોત તો કેવું સારું થયું હતું હોત, એમ મને થાય છે.
અહીં સરદાર વિ. જવાહર એવી વડા પ્રધાનપદની તુલનામાં ઇતિહાસના 'જો' અને 'તો'ની રીતે જવાનો ખયાલ નથી.
માત્ર, સરદારને કેટલીક વાર જે કલ્પિત (ખરું જોતાં કપોળકલ્પિત) યશ આપવમાં આવે છે એનો એક દાખલો જરૂર આપવા ઇચ્છું છું.
સરદાર હોત તો કાશ્મીરનો કોયડો ઊકલી ગયો હોત, એ આવું જ એક સૌને ગમતું વિધાન વરસોવરસ, વખતોવખત, વાંસોવાસ, ઉચ્ચારાતું રહેલું એક વિધાન છે.
સરદારના આ મુગ્ધ ચાહકોને કોણ સમજાવે કે જેમ પંજાબના અને બંગાળના ભાગલા સ્વીકાર્યા તેમ કાશ્મીરના પણ સ્વીકારવા જોઈતા હતા એવો એક વાસ્તવિક ઉકેલ સરકારને વિશેષ પસંદ પડ્યો હોત.


ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાને આક્રમક કારવાઈ કરી તે પૂર્વે સરદાર કાશ્મીર ખીણ બાબતે આ દિશામાં વિચારતા નહોતા એવું નથી, બલકે, ઇતિહાસવસ્તુ તરીકે એ એક વિગત નોંધીને ચાલવું જોઈએ કે ભાગલાની અનિવાર્યતા સ્વીકારવામાં સરદાર અને નહેરુ એક સાથે હતા અને એ રીતે ગાંધીથી જુદા પડતા હતા.

તમે આ વાંચ્યું કે નહીં?

ભારતવર્ષ, તેમ છતાં, બડભાગી એ વાતે છે કે 1947માં નહેરુ અને પટેલ સત્તામાં તેમજ ગાંધી લોકમોઝાર, એ વાસ્તવિકતા વચાળે છતાં સ્વરાજની લડતના લાંબા દાયકાઓમાં તથા સ્વરાજ પછી તરતના નાજુક નિર્ણાયક ગાળામાં ગાંધી-નહેરુ-પટેલ એ સ્વરાજત્રિપુટીએ યથાસંભવ સાથે રહીને દેશના પ્રશ્નો અને ઉકેલોમાં નિર્માણકારી હાથ બટાવ્યો છે.
જવાહરલાલ નહેરુને લાંબો સત્તાકાળ મળ્યો. ગાંધી વહેલા ગયા, સ્વરાજ પછી એક વરસ પણ પૂરું થાય તે પહેલાં ગયા, 1948ના જાન્યુઆરીમાં અને સરદાર ગયા 1950ના ડિસેમ્બરમાં. પણ એ ત્રણે સાથે મળીને જવાહરલાલના મોટા ભાગના શાસનકાળમાં જ જાણે વિચારતા ન હોય!

“બાપુએ મને જ્યાં ગોઠવ્યો છે ત્યાં હું છું”

ઇમેજ સ્રોત, Getty Images
1950ના ઑક્ટોબરની બીજીએ નિધનના માંડ અઢી મહિના પૂર્વે, સરદારે 'કસ્તૂર બા ગ્રામ'નો શિલાન્યાસ કરતાં કહ્યું હતું એ સંભારીએ:
“બાપુએ એક મરેલા દેશને સજીવન કરેલો. બાએ એમાં સાથ આપેલો. એ બંનેની સ્મૃતિનાં ચિત્રો સતત આપણી નજર સક્ષમ રહેવાં જોઈએ. આપણે તો ભૂલો પણ કરીએ, પણ એ બંને આપણો જવાબ સાંભળવા હાજરાહજૂર રહેશે.”
“અમે સૌ એમના લશ્કરના સૈનિકો હતા. મારો ઉલેખ ભારતના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર તરીકે થતો રહ્યો છે, પણ હું મારી જાતને ક્યારેય આ રીતે ઓળખતો નથી.”
“જવાહરલાલ નહેરુ આપણા નેતા છે. બાપુએ એમને પોતાના ઉત્તરાધિકારી નીમેલા અને એ મતલબની જાહેરાત પણ કરી હતી.”
“બાપુના હુકમનો અમલ કરવાની બાપુના સૈનિકોની ફરજ છે. જે કોઈ વ્યક્તિ પૂરા દિલથી બાપુના આદેશના મર્મને અનુસરશે નહીં તે ઇશ્વરનો ગુનેગાર બનશે.”
“હું બિનવફાદાર સૈનિક નથી. હું જે સ્થાન પર છું તેનો હું લગીરે વિચાર કરતો નથી. હું તો એટલું જ જાણું છું ને મને એ વાતનો સંતોષ છે કે બાપુએ મને જ્યાં ગોઠવ્યો છે ત્યાં હું છું.”

લડવૈયા અને ઘડવૈયા

ઇમેજ સ્રોત, Getty Images
તમે જુઓ કે 1947 સુધી પહોંચતે જે ગાંધી-નહેરુ-પટેલ એકંદરમતી બનેલી હતી તે જવાહરલાલના વડા પ્રધાનકાળમાં બહુધા બરકાર રહી છે:
બિનસાંપ્રદાયિકતા, આર્થિક સામાજિક ન્યાય, બિનજોડાણવાદ ત્રણેનાં વિધાનવલણોમાં ઝોકફેર હતો, જરૂર હતો, પણ એકંદરમતી તો આ જ હતી:
ભારતનું બંધારણ અને રાષ્ટ્રધ્વજ સ્વીકારવાની શરતે (અને પોતાનું લેખી બંધારણ પણ હોય એ શરતે) આરએસએસ (રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ) પરનો પ્રતિબંધ ઉઠાવી લેવાયો એની પૂંઠે હતી તો આ બિનસાંપ્રદાયિક એકંદરમતી જ.
લડવૈયા હોવું અને ઘડવૈયા હોવું, એવું ઉભયપદી અને સવ્યસાચી વ્યક્તિ ને નેતૃત્વ એ સરદારનો મળતાં મળે એવો વિશેષ હતો.
આઇસીએસ સ્ટીલ ફ્રેમ પાસેથી એમણે જે કામ લીધું તેનાથી માંડીને તે રિયાસતોના વિલીનીકરણ સહિતના મામલાઓમાં એમની આ 'ઘડવૈયા' કુળની વિશેષતા સોળે કળાએ પ્રગટી ઉઠે છે.


પણ સરદારની પ્રતિભાને રિયાસતોના મામલામાં ઊંચકી અને એમાં જ જકડી રાખવામાં એમને કઈક અન્યાય થાય છે, કેમ કે એકતાની એમની વ્યાખ્યા આટલી સરળ ને સપાટ નહોતી.
ગાંધીએ એમને સરદાર કીધા તે 1928માં બારડોલીની ફતેહ વખતથી... એમનું સરદારપણું, આમ, તમે જોશો કે કિસાનને પૂરા કદના નાગરિકમાં સ્થાપતી લડતમાંથી આવેલું હતું.
બલકે, એમની 'સરદારિયત'નો ઉન્મેષ તો એનાયે છ વરસ પહેલાં, સન 1922માં ચમકી ઊઠ્યો હતો, જ્યારે એમણે અંત્યજ પરિષદમાં છેવાડે બેઠેલા અંત્યજોની વચ્ચે જઈ પહોંચી ત્યાં બેઠક જમાવી પરિષદનું કેન્દ્ર ક્યાં રહેલું છે એ સ્પષ્ટ કર્યું હતું તો, જે આઘામાં આઘા અને પાછામાં પાછા છે એની સાથે એકરૂપ થવું એમાં એમના સરદાર હોવાની ચાવી રહેલી છે.

'સરદારનો વહીવટ'

ઇમેજ સ્રોત, Photo DIVISION
આર્થિક વિચારોમાં એ પ્રતિગામી હતા એવી એક લાગણી અને ફરિયાદ લાંબો સમય રહી છે.
1975માં બારડોલીની મુલાકાત વખતે જયપ્રકાશ નારાયણે તરુણ સમાજવાદી તરીકે પોતાનું સરદારનું મૂલ્યાંકન આવું હતું એમ કહી એમાં પુનર્વિચાર કર્યાની જિકર પણ મન મૂકીને કરેલી.
અહીં કોઈ લાંબી અર્થશાસ્ત્રીય ચર્ચામાં નહીં જતાં બે સાદી વાતો જ નોંધીશું: એક તો, દેશના મુખ્ય પક્ષોની અર્થનીતિ આજે જે રીતે દેખીતી મૂડીવાદતરફી જણાય છે એ જોતાં સરદારની ટીકા કાલબાહ્ય છે.
ખરું જોતાં, આ નિરીક્ષણમાં એક અતિવ્યાપ્તિ છે, પણ અહીં એની ગલીકૂંચીમાં નહીં જતાં, પ્રત્યક્ષ વ્યવહારને ધોરણે બીજો દાખલો આપીએ તો આખી વાત એકદમ સ્ફુટ જ સ્ફુટ થઈ જશે.
બારડોલીમાં ડેરાતંબુ તાણ્યા તે પૂર્વે સરદારે (ખરું જોતાં, તે 'સરદાર' કહેવાયા એ પૂર્વે) અમદાવાદ સુધરાઈના પ્રમુખપદેથી આગ્રહપૂર્વક ઉદ્યોગવપરાશના પાણી પર ઘર વપરાશના પાણી કરતાં પાંચ ગણા વેરાનો આગ્રહ રાખેલો અને પળાવેલો.
આ હતા ઉદ્યોગપતિઓના મિત્ર!


હાલના નેતૃત્વ અને સત્તા-પ્રતિષ્ઠાનની તાસીર સામે આ સાદો દાખલો મૂકીએ પછી કદાચ કશું જ કહેવાનું રહેતું નથી.
કોર્પોરેટ પરિબળો વાસ્તે રેડ કાર્પેટ એ સરદારનો વહીવટ વિશેષ નહોતો.
દર બદલાતા શાસન સંવત્સરે તમને દિલ્હી દરબારમાં સરદારનો વહેમ માલૂમ પડે છે.
ભાઈ વાગ્મિતા તે કંઈ વહીવટ નથી. સરદારના નેતૃત્વનો વિશેષ, સમાજવાદી રુઝાનવાળા અને એથી કંઈક ટીકાકાર એવા ઉભરતા યુવા કવિ એ (ઉમાશંકર જોશી) એ બીનામાં જોયો હતો કે આ વ્યક્તિના શબ્દો ખુદ જાણે કે કાર્ય બની રહે છે.
ઉલટ પક્ષે, શબ્દો લટકા કરે શબ્દ સામે તે સ્થિતિ પ્રત્યક્ષ કાર્યનો અવેજ નથી તે નથી. આજનો રાજરોગ ઠાલા શબ્દે સંધું રોડવવાનો છે, અને એ વિરપરિણામી ને નિષ્પરિણામી સંજોગો અરજી રહેલ છે.
સરદારને કટ્ટરતાથી નહીં પણ કૃતજ્ઞતાપૂર્વક ઇતિહાસવિવેક સાથે સંભારી શકીએ એવી પ્રખ્તતા પ્રાપ્ત થાઓ!
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો