શશી થરૂરના મોદી પરના નિવેદનથી ભાજપ કેમ ભડક્યો?

ઇમેજ સ્રોત, SHASHI THAROOR/FACEBOOK
શશી થરૂરની ટિપ્પણીથી સોશિયલ મીડિયામાં ચર્ચા
કોંગ્રેસના નેતા શશી થરૂરની વડા પ્રધાન પરની ટિપ્પણીને કારણે વિવાદ ઊભો થઈ ગયો છે.
થરૂરે 'બેંગલુરુ લિટરેચર ફૅસ્ટ'માં આરએસએસના એક અજાણ્યા સૂત્રનો હવાલો આપતા કહ્યું, "વડા પ્રધાન નરેન્દ્ર મોદી શિવલિંગ પર બેઠેલા એક વીંછીની જેમ છે. જેમને ના તો હાથથી હટાવી શકાય છે કે ના તો ચંપલથી મારી શકાય છે."
થરૂરે કહ્યું કે આરએસએસના એક ગુપ્ત સુત્રએ એક પત્રકાર સાથેની વાતચીતમાં આ વાત કહી હતી.
થરૂર આ ફૅસ્ટમાં પોતાના નવા પુસ્તક 'ધ પૅરાડૉક્સિકલ પ્રાઇમમિનિસ્ટર' વિશે વાત કરી રહ્યા હતા.
સમાચાર એજન્સી એએનઆઈએ શશી થરૂરના ભાષણના આ હિસ્સાની વીડિયો ક્લિપ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.
વીડિયોમાં થરૂર એવું કહેતા સાંભળવા મળે છે, "સંઘના એક કાર્યકર્તાએ એક પત્રકારને કહ્યું હતું તેનો હું ઉલ્લેખ કરું છું. આ એક બરોબર ઠીક અને અસાધારણ તુલના છે."
"તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી શિવલિંગ પર બેઠેલા વીંછીની જેમ છે. જેમને ના તો હાથથી હટાવી શકાય છે કે ના તો ચંપલથી મારી શકાય છે."
વીડિયોમાં થરૂરની આ વાત સાંભળીને ત્યાં બેઠેલાં લોકો હસી રહ્યા છે તેનો અવાજ સાંભળી શકાય છે.
શશી થરૂરે કહ્યું કે અનેક મામલામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને વડા પ્રધાન મોદી પર લગામ કસવામાં બહુ મુશ્કેલીઓ પડે છે.
થરૂરનો આ વીડિયો સોશિયલ મીડિયામાં આવતાની સાથે જ તેના પર વિવાદ થઈ ગયો. ટ્વિટર પર Shivling ટ્રેન્ડ શરૂ થઈ ગયો.
ભાજપ તરફથી પણ આ નિવેદન સામે પ્રતિક્રિયા આવવામાં વધારે સમય ના લાગ્યો.
ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું, "એક તરફ રાહુલ ગાંધી પોતાને શિવભક્ત ગણાવે છે અને બીજી તરફ તેમના નેતા ભગવાન શિવની પવિત્રતા પર હુમલા કરે છે."
થરૂરનાં વિવાદીત નિવેદનો
ઇમેજ સ્રોત, Getty Images
થરૂરનાં આ પહેલાંનાં પણ કેટલાંક નિવેદનો વિવાદનું કારણ બન્યાં હતાં
આ પ્રથમ વખત નથી કે જ્યારે શશી થરૂરના નિવેદન પર આટલી ચર્ચા થઈ રહી હોય.
હાલમાં કેટલાક દિવસો પહેલાં એક કાર્યક્રમમાં ટિપ્પણી કરી હતી કે કોઈ પણ સારો હિંદુ કોઈના પૂજાની જગ્યાને ધ્વસ્ત કરીને ત્યાં રામ મંદિર બનતું જોવા માગતો નથી.
જોકે, કોંગ્રેસે તેમની આ ટિપ્પણીથી ખુદને અલગ કરી લીધી હતી અને કહ્યું હતું કે આ સાંસદ શશી થરૂરનું વ્યક્તિગત નિવેદન છે.
થરૂરે પણ બાદમાં સફાઈ આપતા કહ્યું હતું કે એ તેમનું વ્યક્તિગત નિવેદન હતું.
કેટલાક મહિનાઓ પહેલાં તેમણે કહ્યું હતું કે જો ભાજપ 2019માં લોકસભાની ચૂંટણીમાં જીતી ગઈ તો ભારત 'હિંદુ પાકિસ્તાન' બની જશે.