BBC Top News : મોદી સરકાર અને આરબીઆઈ ગવર્નર ઉર્જિત પટેલ વચ્ચે તણાવ

ઉર્જિત પટેલ Image copyright Getty Images

'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે, કેન્દ્રની મોદી સરકાર અને આરબીઆઈ(રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા) વચ્ચે તણાવ વધી રહ્યો છે.

આરબીઆઈ ગવર્નર ઉર્જિત પટેલ અને કેન્દ્ર સરકાર વચ્ચે નીતિગત બાબતોમાં મતભેદ જોવા મળ્યો છે.

આ સંદર્ભે 'ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'માં પ્રકાશિત અહેવાલમાં નોંધ્યું છે કે આરબીઆઈ તથા કેન્દ્ર સરકાર વચ્ચે મતભેદની સાથે અનેક વખત સંવાદની ગેરહાજરી જોવા મળી છે.

અહેવાલમાં નોંધ્યું છે કે આગામી સપ્ટેમ્બરમાં ઉર્જિત પટેલનો ત્રણ વર્ષનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. આ વિવાદની અસર તેમના ભવિષ્ય પર પણ પડે એવી સ્થિતિ સર્જાઈ રહી છે.

આ અહેવાલમાં નોંધ્યું છે કે 2018માં જ આશરે છ વખત નીતિગત બાબતો પર બન્ને વચ્ચે મતભેદ સર્જાયો હતો.

આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યે તાજેતરમાં જ સરકારના હસ્તક્ષેપ તરફ ઇશારો કર્યો હતો અને આરબીઆઈની સ્વાયત્તતા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.


બ્રાઝિલની ચૂંટણીમાં બોલસોનારોનો વિજય

Image copyright Getty Images

બીબીસીના અહેવાલ પ્રમાણે, બ્રાઝિલની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કન્ઝરવેટિવ સોશિયલ લિબરલ પાર્ટીના જમણેરી ઉમેદવાર જેયર બોલસોનારોનો વિજયો થયો છે.

મોટાભાગના મતોની ગણતરી થઈ ગઈ છે, ત્યારે બોલસોનારોને 55 ટકા મત મળ્યા છે, જ્યારે વર્કર્સ પાર્ટીના ડાબેરી ઉમેદવાર ફર્નાન્દો હદ્દાદને 45 ટકા મતો મળ્યા છે.

તમે આ વાંચ્યું કે નહીં?

આ ચૂંટણીમાં બોલસોનારો 'ભ્રષ્ટાચાર નાબૂદી' અને 'ક્રાઇમ મુક્ત બ્રાઝિલ' જેવા મુદ્દાઓ સાથે ઉતર્યા હતા.

બોલસોનારોએ પોતાના વિજય ભાષણમાં બંધારણ, સ્વતંત્રતા અને લોકશાહીનું રક્ષણ કરવા પર ભાર મૂક્યો હતો.

ઉલ્લેખનીય છે કે ચૂંટણી પ્રચારમાં બોલસોનારો પર હુમલો પણ થયો હતો, જેના કારણે તેમણે સર્જરી પણ કરાવવી પડી હતી.


ગુજરાતમાં બે પરિવારના ઝઘડામાં સાતની ધરપકડ

Image copyright DILIP SHARMA/BBC
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'ની અમદાવાદ આવૃત્તિમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે, કચ્છના છાસરા ગામમાં બે અલગઅલગ જ્ઞાતિના પરિવાર વચ્ચે થયેલા ઝઘડામાં છનાં મૃત્યુ બાદ આ મામલે પોલીસે સાતની ધરપકડ કરી છે.

આ મામલામાં સરપંચના દીકરાની પણ ધરપકડ કરાઈ છે.

મંગળવારે રાત્રે સરપંચની ચૂંટણી સંદર્ભે મારામારી થઈ હતી, જેમાં બે પરિવારના છ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને ચાર લોકો ઇજાગ્રસ્ત થયાં હતાં.

આ ઘટનાનો ખોટો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ઘટનાને કોમી રંગે રંગવાનો પ્રયાસ કરનાર વ્યક્તિની સુરેન્દ્રનગરથી ધરપકડ કરાઈ હતી.


ગુજરાતના ગ્રાહકો પર 1.9 લાખ કરોડનો બોજ?

Image copyright Getty Images

ગ્રાહક હિતમાં કામ કરતી બે સ્વૈચ્છિક સંસ્થાઓએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે અને કહ્યું છે કે ગુજરાત સરકાર દ્વારા વીજ ઉત્પાદન કંપનીઓ માટે કરવામાં આવેલી ભલામણને કારણે આ કંપનીઓને રૂ. 1.9 લાખ કરોડનો લાભ થશે.

ટાઇમ્સ ઑફ ઇંડિયામાં પ્રકાશિત અહેવાલ મુજબ, ઍનર્જી વૉચડોગ તથા પ્રયાસ નામની સંસ્થાઓનું કહેવું છે કે ટાટા, અદાણી અને એસ્સારના પાવર પ્લાન્ટ્સ ગુજરાતમાં કાર્યરત છે.

જો આ કંપનીઓને વીજદરમાં વધારો કરવાની છૂટ આપવામાં આવશે તો આગામી 30 વર્ષ દરમિયાન ગ્રાહકોએ રૂ. 1.9 લાખ કરોડની રકમ વધુ ચૂકવવી પડશે.

ગુજરાત સરકાર પણ આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી અને કહ્યું છે કે વિદેશમાં કોલસાના ભાવો વધવાને કારણે વીજ કંપનીઓને પણ ભાવવધારાની છૂટ આપવી જોઈએ.

સ્વૈચ્છિક સંસ્થાઓનું કહેવું છે કે જો એક રાજ્યમાં નિયત દરે વીજળી પૂરી પાડવાના કરાર થયા બાદ તેમાં વધારો કરવાની છૂટ આપવામાં આવશે તો ખોટો દાખલો બેસશે તથા અન્ય રાજ્યોમાં પણ આવી જ માગો ઊઠશે.


બિરસા મુંડાની તસવીરો સાથે 'સ્ટેચ્યુ ઑફ યુનિટી'નાં પોસ્ટર લાગ્યાં

Image copyright RAVI PRAKASH/BBC

'સ્ટેચ્યુ ઑફ યુનિટી'નાં નવાં પોસ્ટર્સ બિરસા મુંડાની તસવીરો સાથે લગવાયા છે.

'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે નર્મદા જિલ્લામાં 'સ્ટેચ્યુ ઑફ યુનિટી' સંદર્ભે યોજાઈ રહેલી એક્તા યાત્રાનાં જૂનાં પોસ્ટર્સના બદલે નવાં પોસ્ટર્સ લગાવ્યા છે.

નવાં પોસ્ટર્સમાં આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની બિરસા મુંડાની તસવીરો લાગેલી છે. આ પોસ્ટર્સની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.

આ પોસ્ટર્સ પર લખ્યું છે, 'એક્તા યાત્રાનું હાર્દિક સ્વાગત છે.'

ઉલ્લેખનીય છે કે અગાઉ લાગેલાં પોસ્ટર્સને સ્થાનિકોએ વિરોધના ભાગરૂપે ફાડી કાઢ્યાં હતાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ