શું મગ અને મસુરની દાળમાંથી મળી આવતા કૅમિકલથી કૅન્સર થઈ શકે છે?

  • કીર્તિ દુબે
  • બીબીસી સંવાદદાતા
પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

મોટાભાગના ભારતીય ભોજનમાં દાળનો સમાવેશ થાય છે. પરંતુ જો તમને ખબર પડે કે તમારી દાળમાં પ્રોટીન નહીં અને ઝેર છે તો?

હાલમાં જ ફૂડ સૅફ્ટી નિયામક, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઑથૉરિટી ઑફ ઇન્ડિયા (FSSAI)એ આ અંગે રાજ્યોને નિર્દેશ આપ્યો છે.

જે મુજબ વિદેશથી આયાત થનારી મગ અને મસૂરની દાળમાં મોટા પ્રમાણમાં ગ્લાઇફોસેટ હોવાની સંભાવના છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

એફએસએસઆઈએ રાજ્ય સ્તરે કામ કરતા નિયામક અધિકારીઓને કહેવાયું છે કે આ દાળના નમૂનાની તપાસ કરી દર 15 દિવસે દિલ્હી મોકલવામાં આવે.

બીબીસી સાથે વાતચીત કરતા એફએસએસઆઈના એડવાઇઝર સુનીલ બખ્શીએ જણાવ્યું, "કોઈપણ ખાદ્ય પદાર્થમાં જંતુનાશકનું પ્રમાણ કેટલું હોવું જોઈએ તે અમે નક્કી કરીએ છીએ."

"અમારા નવા નિર્દેશ મુજબ આયાત થનારી આ દાળમાં અમે ગ્લાઇફોસાઇટ હોવાની સંભાવના વ્યક્ત કરી છે."

"જોકે, ભોજનમાં ગ્લાઇફોસાઇટનું પ્રમાણ કેટલું હોવું જોઈએ તે અંગેનો માપદંડ અમારી પાસે નથી. તેથી માટે અમે કોડેક્સના પ્રમાણના આધારે રાજ્યોને આ દાળની તપાસ કરવાનું કહ્યું છે."

"જો દાળમાં કિલોએ પાંચ મિલિગ્રામથી વધુ પ્રમાણમાં કૅમિકલ મળે તો આવી દાળને રિજેક્ટ કરવી. "

ગ્લાઇફોસેટ શું છે ? તે કેટલું નુકશાન કરે ?

ઇમેજ સ્રોત, Getty Images

ભોજનમાં લેવાતી દાળમાં મળી આવતું ગ્લાઇફોસેટ શું છે અને તેનાથી શું નુકસાન થાય છે તે અંગે જાણવું જોઈએ.

આ અંગે જાણવા માટે બીબીસીએ ન્યુટ્રિશન અને અન્ય નિષ્ણાંતો સાથે વાત કરી.

ગ્લાઇફોસેટ એક હર્બીસાઇડ (એક પ્રકારનું જંતુનાશક) છે. દુનિયાભરમાં ખેતીમાં તેનો ઉપયોગ થાય છે. ખાસ કરીને અમેરિકા, કૅનેડા, ઑસ્ટ્રેલિયા અને યુકેમાં લેવાતા પાકમાં તેનો ઉપયોગ થાય છે અને તે કાયદેસર પણ છે.

ગ્લાઇફોસેટ દુનિયામાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું જંતુનાશક માનવામાં આવે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના અભ્યાસ મુજબ ગ્લાઈફોસેટનો ઉપયોગ હૅક્ટરે 5.8 કિલોગ્રામ ગ્લાઇફોસેટનો થઈ શકે.

ન્યુટ્રિશનિસ્ટ હર્ષિતા દિલાવરીએ બીબીસીને જણાવ્યું, "મોટાભાગે લોકોના શરીરમાં ગ્લાઇફોસેટ પાકના અવશેષરુપે પહોંચે છે. જેથી રોગ પ્રતિકારક શક્તિ નબળી પડે છે. આનાથી ઘણી ગંભીર બીમારીઓની શક્યતા છે."

ગ્લાઇફોસેટ એક 'પ્લાન્ટ કીલર' છે. તે છોડમાં પ્રોટીન બનવાની પ્રક્રિયાને અવરોધી છોડનો વિકાસ અટકાવે છે.

જો તે શરીરમાં જાય, તો શરીરમાં પ્રોટીનની કામગીરીને અસર કરે છે. અને તેનાથી ટ્યૂમર, કિડની અને પ્રજનનને લગતા રોગ થઈ શકે છે.

કૅન્સરની શક્યતા કેટલી ?

નેશનલ પેસ્ટીસાઇડ ઇન્ફર્મેશન સેન્ટરના મતે, ગ્લાઇફોસેટના વધુ પ્રમાણને કારણે કૅન્સરનો ભય વધી જાય છે. જોકે, આવો કોઈ કેસ સામે આવ્યો નથી જેને કારણે કૅન્સરની પુષ્ટિ કરી શકાય.

અમેરિકાની એનરોસ્કો લૅબના એક રિપોર્ટ મુજબ, અમેરિકા તેના ખેતીના પાકમાં આનો ઉપયોગ કરતું હોઈ મોટાભાગના અમેરિકનોના યુરિનમાં તેનું પ્રમાણ મળી આવ્યું છે.

જોકે, બખ્શી આ મુદ્દે કંઈક અલગ કહે છે. તેમણે કૅન્સર હોવાના દાવાને નકારતા કહ્યું, "કોઈપણ કીટનાશક નુકસાનકારક હોય છે. પરંતુ પાકનું ઉત્પાદન વધારવા માટે ઉપયોગ નક્કી કરેલા ધોરણ મુજબ ઉપયોગ થાય તો નુકસાનથી બચી શકાય છે."

યુરોપીયન ફૂડ સેફ્ટી ઑથૉરિટીના મતે, જો ગ્લાઇફોસેટનો સાવચેતીપૂર્વકનો ઉપયોગ થાય તો કૅન્સર થતું નથી.

હર્ષિતા દિલાવરી કહે છે કે, " ગ્લાઈફોસેટ માનવ શરીરના સંપર્કમાં આવે તો આંખ,ગળા અને ચામડીના ભાગોમાં ખંજવાળ આવે છે."

" શોધ દરમિયાન પશુઓ પર તેનો પ્રયોગ થયો ત્યારે તેમનામા ઊલટી, પાચન સંબંધી મુશ્કેલી સામે આવી હતી."

પાકમાં તેનો ઉપયોગ પાઉડર અને પ્રવાહી સ્વરૂપે કરવામાં આવે છે. જોકે, પાણીના સંપર્કમાં આવવાથી તે ફેલાય જતાં તેને ઓળખવામાં મુશ્કેલી પડે છે.

હર્ષિતા દિલાવરી કહે છે, "એફડીએની રજિસ્ટર્ડ ખાદ્ય લૅબ ટેસ્ટિંગથી જ તેને પારખી શકાય છે. તેને જોઈને પારખી શકાતું નથી."

સુનીલ બખ્શી કહે છે, "આવા પેસ્ટીસાઇડને સુક્ષ્મ તપાસથી જ ઓળખી શકાય છે. રેગ્યુલેટરીની દેખરેખ હેઠળ ચાલતી લૅબથી તેને પારખી શકાય છે."

"જંતુનાશકોની વાત કરીએ તો ગરમ પાણીથી ધોઈ તેને દૂર કરી શકાય અથવા તેની અસર ઓછી કરી શકાય છે."

"જોકે, આ પ્રક્રિયા ગ્લાઇફોસેટ માટે કેટલી અસરકારક સાબિત થશે તે સ્પષ્ટપણે કહી શકાય તેમ નથી પરંતુ આ એક ટૅકનિક હોઈ શકે છે."

ભારતમાં દાળની આયાત?

એફએસએસઆઈના કાયદામાં એવી જોગવાઈ છે કે કોઈપણ વ્યક્તિ કોઈપણ ખાદ્ય પદાર્થના સૅમ્પલને તપાસ માટે આપી શકે છે.

આ સંજોગોમાં કોઈપણ ગ્રાહકને ખરીદેલી દાળમાં ગ્લાઇફોસેટની શંકાય જાય તો તેઓ પોતાના રાજ્યની લૅબમાં મોકલી શકે છે. જો તેની પુષ્ટિ થાય તો તે ખાદ્ય પદાર્થ પર પ્રતિબંધ મૂકવાની પણ જોગવાઈ છે.

આ એક એવું કૅમિકલ છે જેની પરખ તમે તમારા ઘરે કરી શકતા નથી. તે માત્ર લૅબમાં જ થઈ શકે છે.

રોયટર્સના એક રિપોર્ટ મુજબ, વર્ષ 2018-19માં 1.2 મિલિયન ટન દાળ ભારતમાં આયાત થાય છે તેવી સંભાવના છે. ગત વર્ષે આ આંકડો 5.6 મિલિયન ટન હતો.

ભારતે ઇમ્પૉર્ટ ડ્યૂટીમાં 50 ટકાનો વધારો કર્યો હોવાથી આ આયાત ઘણી ઘટી છે.

મસુર-મગની દાળકેટલી પૌષ્ટિક છે ?

ઇમેજ સ્રોત, Getty Images

ભારતની વાત કરવામાં આવે તો વર્ષ 2017-18માં દેશમાં 24.51 મિલિયન ટન દાળનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું.

કૅનેડા ભારતમાં સૌથી વધુ દાળની નિકાસ કરે છે. જોકે, આ વર્ષે કૅનેડાએ મસુરનું ઉત્પાદન 14.5 ટકા ઘટાડ્યું છે અને હવે વટાણા અને ચણા પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે.

મસુરની દાળને ફાઇબરનો સ્રોત માનવામાં આવે છે. તે કૉલેટ્રોલને પણ કાબૂ કરે છે. તેમાં કૅલરી ઓછી હોવાથી વજન પણ વધતું નથી. શરીરમાં પ્રોટીનનું પ્રમાણ પણ જળવાય છે. તેમાં સારા પ્રમાણમાં વિટામિન બી અને પ્રોટીન સહીત સાત મિનરલ્સ હોય છે.

અમેરિકાના કૃષિ વિભાગના એક રિપોર્ટ મુજબ 100 ગ્રામ મસુરની દાળમાં 3.3 મિલિગ્રામ આયર્ન હોય છે. જે માંસમાંથી મળતા 2.8 મિલિગ્રામ આયર્નથી પણ વધુ છે.

મસુરની સૌથી મોટી ખાસિયત એ તેની ઓછી કૅલરી છે. જો તમે 100 ગ્રામ મસુરની દાળ ખાતા હોવ તો તેમાંથી એક ટકા કૅલરી મળશે.

અમેરિકન જનરલ ક્લિનિકલ ન્યુટ્રિશનના એક રિપોર્ટ મુજબ જો કોઈ ભોજનમાં દાળનું સેવન કરે છે, તો તે દાળ વિનાના ભોજન કરતાં 31 ટકા વધુ ભેટ ભરે છે. આનું કારણ દાળમાં રહેલું ફાઇબર છે.

દાળનો ઇતિહાસ

મગ અને મસુરની દાળ રવી પાક છે. તેનો ઇતિહાસ લગભગ 8 હજાર વર્ષ જૂનો છે. કૃષિ ક્ષેત્રે થયેલી સૌથી જૂની ક્રાંતિમાં ઘઉં, જવ અને અળસી જેવા પાકની સાથે મસુરનો પણ ઉલ્લેખ મળે છે.

વર્ષ 1972માં ઇઝરાયલના વૈજ્ઞાનિક ડી. જૌહરી દ્વારા કરવામાં આવેલા એક શોધ મુજબ આ પાકની ઉત્પત્તિ પૂર્વથી લઈને ભૂમધ્યની ફળદ્રુપ જમીન પર થઈ હતી.

આ સિવાય આફ્રિકા, મધ્ય યુરોપ અને અમેરિકાના અમુક ભાગોમાં પણ આ દાળ ઉગાડવામાં આવે છે. દુનિયામાં કુલ મગ-મસુરની દાળના ઉત્પાદનના 40 ટકા ભારત કરે છે. માનવામાં આવે છે કે ભૂમધ્ય ભાગથી થઈને આ દાળ કાંસ્ય યુગમાં યુરોપ, એશિયા પહોંચી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો