માલેગાંવ બ્લાસ્ટ કેસમાં પુરોહિત અને પ્રજ્ઞા ઠાકુર પર કેસ ચાલશે

માલેગાવ કેસ

ઇમેજ સ્રોત, Reuters

નેશનલ ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી (એનઆઈએ)ની સ્પેશિયલ કોર્ટ દ્વારા લેફટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિતની માલેગાંવ બ્લાસ્ટ કેસમાં પોતાને જામીન અપવાની અરજી ફગાવી દેવામાં આવી છે.

આ અરજી ફગાવી દેતાં આ કેસના સાતેય આરોપી સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર, રીટાયર્ડ મેજર રમેશ ઉપાધ્યાય, સમીર કુલકર્ણી, અજય રાહિરકર, સુધાકર દ્વિવેદી અને સુધાકર ચતુર્વેદી પર આ ષડયંત્ર રચવા, હત્યા અને અન્ય આરોપ પણ સ્પષ્ટ થઈ ગયા છે.

આ સાત આરોપીઓ પર એનઆઇએની ખાસ કોર્ટમાં કેસ ચાલશે. આ મામલે હવેની સુનાવણી 2 નવેમ્બરે થશે.

આ પહેલાં મુંબઈ હાઈકોર્ટે પુરોહિત અને અન્ય સાત આરોપીઓ પર કેસ ચલાવવાનો ઇનકાર કર્યો હતો.

જોકે, જસ્ટિસ શીંદે અને એ. એસ. ગડકરીની બૅન્ચ આવતા મહિને પુરોહિતની અરજી પર સુનાવણી કરવા તૈયાર થઈ હતી.

ગયા વર્ષે 27 ડિસેમ્બરના રોજ એનઆઇએની સ્પેશિયલ કોર્ટે પુરોહિત, ઠાકુર અને અન્ય પાંચ લોકોની અરજીને ફગાવી દીધી હતી, જેમાં તેમણે આ કેસમાં તેમને જામીન મુક્ત કરવાની માંગણી કરી હતી. આ કેસમાં મહારાષ્ટ્ર હાઈકોર્ટ ઇન્ડિયન ક્રિમિનલ કોડ અંતર્ગત કેસ ચલાવશે.

સાધ્વી પ્રજ્ઞા અને કર્નલ પુરોહિત સહીત સાત આરોપીઓ પર હવે

-કટ્ટરવાદની વિરુદ્ધની કલમ 16 અને 18

-આઈપીસીની કલમ 120 બી

-302- હત્યા

-307 - હત્યાની કોશિશ

-326(ઇરાદાપૂર્વક કોઈને નુકસાન કરવું) અંતર્ગત કેસ ચાલશે.

કોણ છે કર્નલ પુરોહિત?

ઇમેજ સ્રોત, Pti

માલેગાંવ બ્લાસ્ટના આરોપી નંબર 9 લેફટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત ગયા વર્ષે 23 ઑગસ્ટ 2017ના રોજ રાયગઢ જિલ્લાની હાઈ સિક્યોરિટી વાળી તાલોજા જેલમાંથી છૂટ્યા.

મરાઠા લાઇફ ઇફેન્ટ્રી માટે નિયુક્તિ પામેલા કર્નલ પુરોહિત મિલિટ્રી ઇન્ટેલિજન્સ ફીલ્ડ યુનિટમાં જોડાયા હતા.

5 નવેમ્બર, 2008ના રોજ તેમની ધરપકડ કરવામાં આવી, ત્યારબાદ 21 ઑગસ્ટ, 2017ના રોજ સુપ્રીમ કોર્ટે તેમને જામીન આપ્યા અને 9 વર્ષે તેઓ છૂટ્યા.

આ કેસની પહેલી ચાર્જશીટ મુજબ આરોપી કર્નલ પુરોહિતે 2007માં 'અભિનવ ભારત' નામનું એક સંગઠન બનાવ્યુ હતું.

જેનો હેતુ સંપૂર્ણ હિંદુ રાષ્ટ્રની રચના કરવાનો હતો, જેનું એક અલગ બંધારણ હોય અને એક ભગવો ધ્વજ હોય.

એટીએસની ચાર્જશીટ મુજબ આ સંગઠનના લોકોએ ફરીદાબાદ, કોલકત્તા, ભોપાલ, જબલપુર, ઇન્દોર અને નાસિક બેઠકો પર બ્લાસ્ટ કરવાની યોજના ઘડી હતી.

'અભિનવ ભારત' સંગઠન પોતાના હેતુ પાર પાડવા સમગ્ર દેશના લોકોને પોતાની સાથે જોડી રહ્યુ હતું.

શું છે માલેગાંવ બ્લાસ્ટ કેસ?

મહારાષ્ટ્રના માલેગાંવના અંજુમન ચોક અને ભીકુ ચોકમાં 29 સપ્ટેમ્બર 2008ના રોજ બૉમ્બ બ્લાસ્ટ થયા હતા.

જેમાં 6 લોકોનાં મૃત્યુ થયાં હતાં અને 101 લોકો ઘાયલ થયા હતા.

આ બ્લાસ્ટમાં મોટરસાઇકલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

રમઝાન મહિનામાં મુસ્લિમ બહુમતી ધરાવતા આ વિસ્તારમાં થયેલા બ્લાસ્ટની શરૂઆતની તપાસ એટીએસ દ્વારા કરવામાં આવી હતી.

મહારાષ્ટ્ર એટીએસે આ આરોપીઓ પર મકોકાની કલમો પણ લગાવી હતી.

મહારાષ્ટ્ર એટીએસે તપાસ પૂર્ણ કર્યા બાદ 11 ધરપકડ પામેલા અને 3 ફરાર આરોપીઓ વિરુદ્ધ 20 જાન્યુઆરી 2009ના રોજ પહેલી ચાર્જશીટ તૈયાર કરી હતી.

21 એપ્રિલ 2011ના રોજ મહારાષ્ટ્ર એટીએસે એક વધારાની ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી.

ભારત સરકારે જાન્યુઆરી 2011માં આપેલા એક આદેશ બાદ આ કેસની તપાસ એનઆઈએને સોંપી હતી.

આરોપીઓએ હાઈકોર્ટમાં મકોકા સામે અનેક વાંધાઅરજીઓ દાખલ કરી હતી.

એનઆઈએ આ મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ એપ્રિલ 2015માં તપાસ શરૂ કરી હતી.

2015 સુધી એનઆઈએ આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં કોઈ જ પુરાવા રજૂ કરી શકી નહોતી.

એનઆઈએ એ મે 2016માં ચાર્જશીટ દાખલ કરી, જેમાં કર્નલ પુરોહિત સહિત બધા આરોપીઓ પરથી મકોકાની કલમ હટાવી દેવામાં આવી.

આ મામલે સરકારી વકીલ રોહિણી સાલિયાંએ 2015માં એનઆઈએએ તેમને ધીમી ગતિએ કામ કરવાનું કહ્યુ હોવાના આરોપસર રાજીનામું આપી દીધુ હતું.

આ કેસ છોડવાનું કારણ આપતાં રોહિણી સાલિયાંએ બીબીસીને જણાવ્યુ હતું કે હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે તેમના એજન્ડા અલગ છે.

એમને મારી સેવાની જરૂર નથી. સમગ્ર સુનાવણી પ્રક્રિયામાં મારી દલીલો મુજબ એક પણ ચુકાદો નથી આવ્યો.

મારી સેવાથી તેમને કોઈ ફરક નથી પડતો. આ કેસની જવાબદારી મારા પર છે, તેથી લોકોને એના વિશે ખ્યાલ હોવો જોઈએ.

તેમણે મને ખૂબ વિશ્વાસથી આ કેસ સોંપેલો. તેથી તેમાં કોઈ દખલ કરશે તો મને યોગ્ય નહીં લાગે.

એક સરકારી વકીલ થઈને નિષ્પક્ષ તપાસની મારી જવાબદારી છે. તેથી આ વાત કહીને હું કેસમાંથી નીકળી ગઈ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો