સ્ટેચ્યૂ ઑફ યુનિટી : મોદીના કાર્યક્રમ પહેલાં અનેક લોકોની અટકાયત

પોલીસ
ઇમેજ કૅપ્શન,

સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે પોલીસ બંદોબસ્ત

સરદાર પટેલની પ્રતિમાનો વિરોધ કરનારા અનેક પ્રદર્શનકારીઓની પોલીસે હાલ અટકાયત કરી છે.

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે લોકાર્પણ કરવાના છે. તેના આગલા દિવસે જ આ કાર્યક્રમનો વિરોધ કરનારા લોકોની અટકાયતો શરૂ થઈ ગઈ છે.

સરદાર સરોવર ડેમની બાજુમાં બનાવેલી આ પ્રતિમા અને તેના લોકાર્પણ કાર્યક્રમનો સ્થાનિક આદિવાસીઓ વિરોધ કરી રહ્યા છે.

આદિવાસી નેતાઓનું કહેવું છે કે 90 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે અને તેમને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે.

બીબીસી ગુજરાતીએ જ્યારે નર્મદા જિલ્લાના કલેક્ટર આર. એસ. નિનામા સાથે વાતચીત કરી તો તેમણે કહ્યું કે કોઈની અટકાયત કરવામાં આવી નથી.

ખરેખર કેટલા લોકોની ધરપકડ થઈ?

આદિવાસી નેતા આનંદ મઝગાંવકરનું કહેવું છે કે સ્ટેચ્યૂ ઑફ યુનિટીની આજુબાજુના વિસ્તારમાંથી પોલીસે 90 જેટલા લોકોની અટકાયત કરી છે.

તેમણે કહ્યું, "આટલા લોકોની અટકાયત કરવામાં આવી છે પરંતુ તેમને ક્યાં લઈ જવામાં આવ્યા છે તેની કોઈ માહિતી નથી. આ મામલે હજી કોઈ માહિતી મળી નથી."

આ મામલે બીબીસી સાથે વાત કરતા આમલેથા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ. એ. પરમારે જણાવ્યું કે તેમના વિસ્તારમાંથી તેમણે પાંચ લોકોની અટકાયત કરી છે.

તેમણે કહ્યું, "અમને એવી માહિતી મળી હતી કે આ લોકો વિરોધ કરવાના છે. જેના આધારે અમે તેમની અટકાયત કરી છે."

ડેડિયાપાડા પોલીસ સ્ટેશનના એએસઆઈ નારણભાઈ વસાવાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે આ કાર્યક્રમનો વિરોધ કરી રહેલા બીટીએસ અને બીપીટી સંગઠનના 16 જેટલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે.

તેમણે કહ્યું, "પોલીસે કાર્યક્રમનો વિરોધ કરી રહેલા 16 જેટલા કાર્યકરોની કાર્યક્રમ પહેલાં જ અટકાયત કરી લીધી છે."

આદિવાસીઓ કેમ વિરોધ કરે છે?

ઇમેજ સ્રોત, BBC Sport

ઇમેજ કૅપ્શન,

રાજપીપળામાં મોદીનાં પોસ્ટરો ફાડવામાં આવ્યાં

સરદાર પટેલની પ્રતિમાના લોકાપર્ણને લઈને આદિવાસીઓએ 31મી ઑક્ટોબરે બંધનું એલાન આપ્યું છે.

અંબાજીથી લઈને ઉમરગામ સુધીના વિસ્તારમાં અનેક ગામોમાં આ બંધનું એલાન આપવામાં આવ્યું છે.

સ્ટેચ્યૂ ઑફ યુનિટીને લઈને સ્થાનિકો ઘણા સમયથી વિરોધ કરે છે.

મધ્ય ગુજરાતના ચાર જિલ્લા- છોટા ઉદેપુર, પંચમહાલ, વડોદરા અને નર્મદાના જળસમાધિ લેવાની ચીમકી ઉચ્ચારી છે.

છેલ્લા અગિયાર વર્ષથી સુગર મિલે બાકી નાણાં ન ચૂકવતા ખેડૂતોએ આ વિરોધ નોધાવ્યો છે.

ખેડૂતોએ સુગર મિલને શેરડી વેચી હતી, તે બંધ થઈ જતા ખેડૂતોના નાણા ફસાયા હતા.

આ મુદ્દે ખેડૂતોએ સરકારમાં ઘણીવાર રજૂઆત કરી હતી. પણ કંઈ પરિણામ ન મળ્યું.

તેથી ખેડૂતોએ જળસમાધિ લેવાની ચીમકી ઉચ્ચારી છે.

સ્ટેચ્યૂનું કામ પૂરું થયા બાદ સરકારે યોજેલી એકતા યાત્રાનો પણ સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો.

જેમાં આદિવાસીઓએ પૉસ્ટર્સ ફાડી નાંખ્યા.

પછી સરકારે આદિવાસી નેતા બિરસા મુંડા, મોદી અને વિજય રુપાણીના તસવીરવાળા પૉસ્ટર્સ લગાવ્યા હતા.

સ્થાનિક આદિવાસીઓ જંગલોના નાશ, આદિવાસીઓના સ્થળાંતર જેવા મુદ્દે વિરોધ કરી રહ્યા છે.

અનેક લોકોની એવી પણ માગ છે કે પ્રતિમા પાછળ થયેલો ખર્ચના નાણાં જો આદિવાસીઓના વિકાસ માટે વાપરવામાં આવ્યા હોત તો આ વિસ્તારોનો વિકાસ કરી શકાત.

આજુબાજુના 22 ગામોના લોકોએ આ મામલે વડા પ્રધાન મોદીને એક જાહેર પત્ર પણ લખ્યો હતો.

જેમાં તેમણે કહ્યું હતું કે ગામના પ્રતિમાનું લોકાર્પણ કરવા આવનાર નરેન્દ્ર મોદીનું તેઓ સ્વાગત કરશે નહીં.

સ્થાનિક આદિવાસી નેતાઓ પણ આ કાર્યક્રમનો બહિષ્કાર કરશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો