31 વર્ષ પહેલાં થયેલા હાશિમપુર નરસંહારના આરોપીઓને આજીવન કેદ

હાશિમપુર

ઇમેજ સ્રોત, Getty Images

દિલ્હી હાઈકોર્ટે 31 વર્ષ અગાઉ મેરઠના હાશિમપુરમાં થયેલા નરસંહારના તમામ આરોપીઓને આજીવન કેદની સજા આપી છે.

2015માં ટ્રાયલકોર્ટે પીએસી(પ્રૉવિન્શિઅલ આર્મ્ડ કૉન્સ્ટેબ્યૂલરી)ના 16 જવાનોને શંકાનો લાભ આપી આ કેસમાં નિર્દોષ છોડ્યા હતા.

આ કેસમાં માનવઅધિકાર આયોગ તરફથી કેસ લડી રહેલાં વકીલ વૃંદા ગ્રોવરે બીબીસી હિન્દીને જણાવ્યું, કોર્ટનો ચુકાદો આવ્યો છે કે પીએસીના જે જવાનોને છોડવામાં આવ્યા હતા, તેમને પણ હવે આજીવન કેદની સજા કરી છે.

તેમણે કહ્યું, "કોર્ટે કહ્યું છે કે આ વાતના ઠોસ પુરાવા છે કે પીએસીના જવાનોએ લઘુમતીના લોકોને જાણીજોઈને નિશાન બનાવ્યા હતા."

વૃંદા ગ્રૉવરે કહ્યું, ''આ સજા આઈપીસીની કલમ 302, 120-બી, 307,366, 201 હેઠળ ફરમાવાઈ છે."

"કોર્ટે એ પણ નોંધ્યું કે આ કેસમાં જનરલ ડાયરી એન્ડ્રી(જીડીઈ) મહત્ત્વની છે, જેને ટ્રાયલ કૉર્ટની સુનાવણી દરમિયાન બચાવ પક્ષે છુપાવી હતી."

"અમે તે કાગળો કઢાવ્યાં અને હાઈકૉર્ટેમાં ફરી ઍવિડન્સ રૅકૉર્ડ થયા. આ ડાયરીમાં 19 લોકોનાં નામ સ્પષ્ટ હતાં, જેમણે લોકોને ટ્રકમાં લઈ જઈ મારી નાખ્યા હતા.''

કોર્ટે તેના ચુકાદામાં 16 એપ્રિલ, 2018એ લીધેલાં આરોપીનાં નિવેદનોને પણ મહત્ત્વનાં માન્યાં.

તમે આ વાંચ્યું કે નહીં?

કેસ શું હતો ?

1987માં હાશિમપુરા કસ્બામાં થયેલા નરસંહારમાં 40 મુસલમાનો માર્યા ગયા હતા.

1987માં મેરઠમાં થયેલાં તોફાનો પછી પીએસીના જવાનો હાશિમપુરા મોહલ્લામાં 40-50 મુસલમાનોને કથિત રીતે પોતાની સાથે લઈ ગયા.

જવાનોએ તેમને તપાસમાં પકડ્યા. આ મામલે 1996માં ગાઝીયાબાદ ચીફ જ્યૂડિશિયલ મૅજિસ્ટ્રેટ સમક્ષ આરોપનામું રજૂ થયું.

સુપ્રીમ કોર્ટે માર્યા ગયેલા લોકોના સંબંધીઓની અરજીના આધારે 2002માં આ મામલો દિલ્હી ટ્રાન્સફર કર્યો હતો.

હાશિમપુર નરસંહારમાં બચી ગયેલા ઝુલ્ફિકારે ચુકાદા પછી કહ્યું, ''અમે ઘણી મહેનતથી પુરાવા એકઠા કર્યા, ત્યારે કૉર્ટે અમારી તરફેણમાં ચુકાદો આપ્યો.''

હાશિમપુરા નરસંહાર વખતે ઝુલ્ફિકાર પીએસીના જવાનોની ગોળીથી બચી ગયા હતા.

બીબીસી હિન્દી સાથે વાત કરતા ઝુલ્ફિકારે કહ્યું, "31 વર્ષથી અમે જે લડાઈ લડી રહ્યા હતા, એમાં કોર્ટના ચુકાદા બાદ આજે અમારો વિજય થયો છે."

"ન્યાયના વિજય માટે અમે અદાલતના આભારી છે. આજે અમારો વિજય થયો છે, હાશિમપુરામાં આજે મીઠાઈઓ વહેંચાઈ રહી છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો