મોદીએ 'જો' અને 'તો' ના પતંગ ચગાવ્યા કે સરદારને અંજલિ આપી?

  • ઉર્વિશ કોઠારી
  • બીબીસી ગુજરાતી માટે
નરેન્દ્ર મોદી સ્ટૅચ્યૂ ઑફ યુનિટીના લોકાર્પણ સમયે
ઇમેજ કૅપ્શન,

નરેન્દ્ર મોદી સ્ટૅચ્યૂ ઑફ યુનિટીના લોકાર્પણ સમયે

આખરે સ્ટૅચ્યુ ઑફ યુનિટીનું લોકાર્પણ થઈ ગયું. એ પ્રસંગે વડા પ્રધાન મોદીએ આપેલા પ્રવચનમાં તેમની વાક્ચાતુરીના નમૂના પ્રમાણમાં ઓછા જોવા મળ્યા.

એવો એક નમૂનો દર્શાવતાં તેમણે કહ્યું કે સરદાર ન હોત તો સિંહ જોવા માટે કે સોમનાથનાં દર્શન કરવા માટે કે ચાર મિનાર જોવા માટે વિઝા લેવા પડત.

જૂનાગઢ-હૈદરાબાદના વિલીનીકરણ સંદર્ભે કરાયેલું આ વિધાન છેલ્લા થોડા વખતમાં જોકે ખાસ્સું ચવાઈ ગયેલું હતું.

ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ થોડા વખત પહેલાં જૂનાગઢના સંદર્ભે '...તો વિઝા લેવા પડ્યા હોત' એવું કહ્યું હતું.

ઇતિહાસમાં 'જો' અને 'તો'ના પતંગ ચગાવવા એ અમસ્તી પણ રાજનેતાઓની પ્રિય પ્રવૃત્તિ રહી છે.

કેમ કે, તેનો વાસ્તવમાં ભલે કશો અર્થ ન સરે, રાજકારણમાં તે બહુ ફળદાયી નીવડે છે.

'જો સરદાર વડાપ્રધાન હોત તો...'ના રાજકારણ વિશે અલગથી કહેવાની જરૂર છે? સારું થયું કે વડાપ્રધાને આજે તેનો ઉલ્લેખ ન કરવા જેટલો સંયમ બતાવ્યો.

વડા પ્રધાને સરદારની પ્રતિમાને ભારતના અસ્તિત્ત્વ અને તેની એકતા વિશે સવાલ કરનાર સૌને જવાબરૂપ ગણાવી.

એમ પણ કહ્યું કે અંદરોઅંદરની લડાઈને કારણે ભારત ગુલામ બન્યું હતું. એવી ભૂલ ફરી ન કરીએ.

આ બધી સત્વગુણી વાતો છે, સાચી પણ તેની સુગંધમાંથી બહાર આવ્યા પછી એવો વિચાર જરૂર આવે કે કવિ આખરે કહેવા શું માગે છે?

એટલે કે, તેમાં સરદારને ગમે તેવી અને સરદારની સ્મૃતિને છાજે એવી કોઈ નક્કર કામગીરીની વાત છે? કે પછી નકરા શબ્દોના સાથીયા છે?

ભારતના અસ્તિત્ત્વ સામે આજે કોઈ સવાલ નથી. ન કરે નારાયણ ને કાલે એવો સવાલ ઊભો થાય, તો તેનો જવાબ આ પ્રતિમા કેવી રીતે હોઈ શકે?

સરદાર પ્રત્યે ગમે તેટલો આદર હોય તો પણ, એ સમજવું અઘરું છે. રહી વાત અંદરોઅંદરની લડાઈની. તેની ફોડ પાડીને વ્યાખ્યા કરવી જરૂરી છે.

બહારના લોકોને ફાયદો થાય તેવી અંદરોઅંદરની લડાઈ એક વાત છે. લોકશાહીમાં થતી પક્ષ-વિપક્ષની આકરી ટીકાની તેની સાથે ભેળસેળ કરવા જેવી નથી.

'અંદરોઅંદર ન લડવું'નો અર્થ સરકારની ટીકા ન કરવી, એવો હરગીઝ થઈ શકે નહીં.

ઇમેજ કૅપ્શન,

નરેન્દ્ર મોદી(ડાબેથી જમણે), વિજય રુપાણી અને નીતિન પટેલ

સરદારે ભારતને એક દેશ બનાવ્યો, ભારતનો આજનો નકશો સરદારને આભારી છે--આવી જૂની અને જાણીતી વાતો વડા પ્રધાનના પ્રવચનમાં સાંભળવા મળી.

પરંતુ સરદારના આ ગુણધર્મને સાચી અંજલિ આપવી હોય તો સરદારના રસ્તે ચાલવાની કોશિશ કરવી પડે.

કમ સે કમ, તેમનો રસ્તો કયો હતો એ તો સમજવું પડે.

મતલબ, કાયદો-વ્યવસ્થા-ન્યાયતંત્ર-બંધારણીય સંસ્થાઓ વગેરે લોકશાહી માળખાંને મજબૂત બનાવવાં પડે.

એ માળખાં ખોખલાં બનાવવાથી તો સરદારે હાંસલ કરેલી સિદ્ધિના પાયામાં ઘા કરવા જેવું થાય.

વડા પ્રધાને તેમના પ્રવચનમાં ખેડૂતો, આદિવાસીઓ અને સ્થાનિક ગામલોકોને પણ યાદ કર્યા.

આ ઐતિહાસિક કાર્યમાં ફાળો આપવા બદલ તેમનું નામ ઇતિહાસમાં લખાયું છે, એવું કહ્યું.

પરંતુ અહેવાલો પ્રમાણે, પ્રતિમાની આસપાસનાં કેટલાંક ગામના લોકોને-આદિવાસીઓને તેમનાં નામ ઇતિહાસને બદલે પોલીસચોકીના ચોપડે નોંધાય, એવી શક્યતા વધારે લાગે છે. કેમ કે, છેલ્લા થોડા સમયથી તે ધાર્મિકથી માંડીને વિવિધ કારણોસર પ્રતિમાનો વિરોધ કરી રહ્યા છે.

એ સિલસિલામાં વડા પ્રધાનનાં પોસ્ટર ફાડી નંખાયા હોવાના અને કેટલાક લોકોની અટકાયતના પણ સમાચાર હતા.

વડા પ્રધાને તેમને નોકરીઓ અને રોજગારીની આશા આપી છે. કારણ કે, સરદારની પ્રતિમા ધમધમતું પ્રવાસન સ્થળ બની રહેશે, એવી તેમને ખાતરી છે.

વડા પ્રધાનની એ માન્યતા અસ્થાને નથી, પણ ગુજરાતનાં પ્રવાસન સ્થળોની સામાન્ય દશા અને હાલત બહુ હરખ ઉપજાવે એવાં નથી.

ઉપરાંત વડા પ્રધાનનો અગાઉ મુખ્ય મંત્રી તરીકેનો રૅકોર્ડ પણ એવો છે કે આવા મોટા પ્રૉજેક્ટ યોજવા, અઢળક ખર્ચે તેમને પાર પાડવા, પ્રજાને નવું રમકડું મળ્યાની 'કીક' આપવી, તેનો જશ ખાટી લેવો અને પછી પ્રૉજેક્ટને રેઢા મૂકી દેવા. (અમદાવાદમાં ચાલતી બીઆરટીએસ સેવા તેનો ઉત્તમ નમૂનો છે.)

સ્ટૅચ્યુ ઑફ યુનિટી તેમાં અપવાદ બને છે કે નહીં, એ જોવાનું રહે છે.

પણ સ્ટેચ્યુ ઑફ યુનિટી ધમધમતું પ્રવાસન સ્થળ બને, તેનાથી સરદારને ઐતિહાસિક રીતે ન્યાય મળશે,

એવું માની લેવું અઘરું છે--આપણા પ્રવાસીઓ અને પ્રવાસનસ્થળોનાં રંગઢંગ જોતાં તો ખાસ.

વિપક્ષ બાકાત હોય તો મુદ્દાને 'રાજકારણનો રંગ' કેવી રીતે મળે?

આખા કાર્યક્રમમાંથી વિપક્ષને બાકાત રાખવામાં આવ્યો હોય, ત્યારે 'મુદ્દાને રાજકારણનો રંગ અપાઈ રહ્યો છે', એવી વડાપ્રધાનની ફરિયાદ વિચિત્ર લાગે છે.

વડા પ્રધાનની કાર્યશૈલીથી પરિચિત કોઈ પણ વ્યક્તિ એવું માની શકે નહીં કે તેમણે કેવળ સરદારને ભાવભીની અંજલિ માટે આટલી જહેમત લીધી.

તેમના પર સરદારના નામે પોતાની વાહવાહી કરાવવાનો આરોપ થાય, તો તેની સાથે કોઈની અસંમતિ હોઈ શકે, પણ તેને વાહિયાત ગણીને કાઢી નખાય નહીં.

સરદારની સાદગી, એકનિષ્ઠ દેશસેવા, ભપકો અને ઠાલા શબ્દો (હિંદીમાં 'જુમલા') માટેનો તિરસ્કાર તથા જાતને પાછળ રાખીને ચૂપચાપ નક્કર કામ કરવાની પદ્ધતિ ધ્યાનમાં રાખતાં તેમના જીવનદર્શન સાથે સ્ટૅચ્યુ ઑફ યુનિટીનો મેળ તો ખાતો નથી.

જોકે, એ નિમિત્તે વડા પ્રધાન સરદારની આંગળી પકડીને પણ સર્વસમાવેશકતાના પાઠ ગ્રહણ કરે અને ભૌગોલિક રીતે એક એવા ભારતના લોકોમાં બુલડોઝર બ્રાન્ડ સમરસતાનો નહીં, પણ વૈવિધ્યના સૌંદર્યમાંથી પેદા થતી એકતાનો ભાવ પ્રેરે, તો તે સરદારને સાચી અંજલિ ગણાશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો