સરદારની પ્રતિમા બાદ હવે શિવાજીનું સ્ટેચ્યૂ 92 વર્ષ પછી બને તો સારું

  • મેહુલ મકવાણા
  • બીબીસી ગુજરાતી
સ્ટેચ્યૂ ઑફ યુનિટી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

સ્ટેચ્યૂ ઑફ યુનિટી

આદિવાસીઓનો વિરોધ, વિરોધ પક્ષની ગેરહાજરી અને અનેક વિવાદો વચ્ચે આખરે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટી પ્રવાસીઓ માટે ગુરૂવારથી ખુલ્લી મુકાઈ છે.

ભવ્ય કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેનું લોકાર્પણ કર્યું અને મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પ્રવાસીઓ આવતીકાલથી મુલાકાત લઈ શકશે એવી જાહેરાત પણ કરી.

આ પ્રતિમા તેના તોતિંગ ખર્ચ, પર્યાવરણ પરની અસર અને આદિવાસીઓના સવાલોને લઈને શરૂઆતથી જ વિવાદમાં રહી છે.

વિરોધ કરનારા લોકોની રાજકીય ગણતરીઓ સિવાયનો સરકારનો સૌથી મજબુત તર્ક છે પ્રવાસનનો વિકાસ.

પ્રવાસનના વિકાસ માટે ગુજરાત સરકારે ખુશ્બુ ગુજરાતી કૅમ્પેન પણ શરૂ કર્યું હતું. હાલ પ્રવાસનનો વિકાસ દર 17 ટકા પર પહોંચ્યો છે.

હવે એ જોઈએ કે સરદારની પ્રતિમા પાછળ ખર્ચેલા 3000 કરોડ રૂપિયા વસૂલ કરતાં સરકારને કેટલાં વર્ષ લાગશે? તો વાંચો અટપટા ગણિત સાથેની રસપ્રદ માહિતી.

ખર્ચ અને ટિકિટનો હિસાબ

ઇમેજ સ્રોત, TWIITER/@VIJAYRUPANIBJP

સ્ટેચ્યૂ ઑફ યુનિટીનાં નિર્માણમાં કુલ ખર્ચ 3000 કરોડ ગણવામાં આવ્યો છે, આ ખર્ચમાં તેની સંભાળ પેટે ગુજરાત સરકારે એલ એન્ડ ટીને ચૂકવેલા 600 કરોડ પણ સામેલ છે.

આ પ્રતિમા સાથે અનેક આકર્ષણો જોડવામાં આવ્યાં છે. પ્રવેશ ફીનો દર 120 રૂપિયા છે જેમાં વેલી ઑફ ફલાવર, મેમોરિયલ મ્યુઝિયમ અને ઓડિયો-વિઝ્યુઅલ ગૅલરી, પ્રતિમા સ્થળ અને સરદાર સરોવર ડેમ સુધીનો ખર્ચ સામેલ છે.

જો વ્યકિત ઑબ્ઝર્વેશન ડેકની રૂપિયા 350ની ટિકિટ ખરીદે તો આ તમામ બાબતો ઉપરાંત તે પ્રતિમાની અંદર થઈને ઉપર સુધી જઈ શકે નજારો નિહાળી શકે છે. સરવાળે ટૂંકસાર મુજબ 350 પ્રતિ વ્યકિત એ સમગ્ર મુલાકાતની ટિકિટ બને છે.

શકયતા 1 : એનઆરઆઈ અને વિદેશી સહેલાણીઓ

ઇમેજ સ્રોત, TWIITER/@VIJAYRUPANIBJP

ગુજરાત પ્રવાસન નિગમ માટે કન્સલટન્સી સેવા પૂરી પાડતી સંસ્થા ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ એન્ડ ટૅકનિકલ કન્સલટન્સી ઑર્ગેનાઈઝેશન લિમિટેડના ઑનલાઇન ઉપલબ્ધ આંકડાઓ મુજબ 2017માં 5,19,000 બિનનિવાસી ભારતીયોએ અને 4,05,000 વિદેશીઓએ ગુજરાતની મુલાકાત લીધી હતી.

આ દર જળવાઈ રહે તો એમ ધારી શકાય કે 2018માં કુલ 9,24,000 લોકો ગુજરાત આવશે અને સ્ટેચ્યૂ ઑફ યુનિટી જોવા માટે જશે. આ ગણતરી મુજબ પ્રતિદિન મુલાકાતીઓ 2531 થાય છે.

તમે આ વાંચ્યું કે નહીં?

આ આંકડો ઘણો મોટો છે કેમ કે વિદેશી સહેલાણીઓ માટે પ્રખ્યાત ગીર નેશનલ પાર્કની પ્રતિદિન મુલાકાતીઓની સંખ્યા 1350 છે.

આ હિસાબે આ તમામ 9,24,000 સંભવિત મુલાકાતીઓ દ્વારા સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત લે તો તેની રૂપિયા 350ની ટિકિટ લેખે વાર્ષિક આવક 32 કરોડ 34 લાખ રૂપિયા થાય.

આ હિસાબે અને સ્ટેચ્યૂ ઑફ યુનિટીનો ખર્ચ નીકળતાં 92 વર્ષ નીકળી જાય ત્રણ વર્ષમાં તો મારતે ઘોડે શિવાજી મહારાજનું પૂતળુ આવી જ રહ્યું છે.

એક સવાલ એ પણ છે કે એનઆરઆઈ અને વિદેશી સહેલાણીઓ ગીરમાં હરતા-ફરતા સિંહોને જોવાનું પસંદ કરશે કે સરદારની પ્રતિમા જોવાનું?

શકયતા 2 : જય અંબેથી જય સરદાર

ઇમેજ સ્રોત, Getty Images

ભારતમાં ધાર્મિક પ્રવાસનને મુખ્ય ગણવામાં આવે છે. ગુજરાતમાં ધાર્મિક પ્રવાસનનું મુખ્ય કેન્દ્ર ગણાય છે અંબાજી શક્તિપીઠ.

અંબાજી માતા મંદિરની વેબસાઇટ મુજબ દર વર્ષે 70 થી 80 લાખ લોકો અંબાજી મંદિરની મુલાકાત લે છે.

મતલબ પ્રતિદિન મંદિરના મુલાકાતીઓની સંખ્યા થઈ 19,178 લોકો, તો ચાલો આપણે એમ માની લઈએ તે ભારતીયો-ગુજરાતીઓની શ્રદ્ધાનો પ્રવાહ જગદંબાથી સરદાર સુધી જશે અને રોજના 19,178 લોકો સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત લેશે.

આવું બનવાની શકયતા નહિવત્ છે તેમ છતાં 'સોચને મે કયા બુરાઈ હૈ'. જો સાચે જ આમ થાય તો કુલ વાર્ષિક 2 અબજ 45 કરોડ રૂપિયાની આવક થાય. આની સામે ખર્ચ કરેલો છે 30 અબજ.

મતલબ લોકો જય અંબે જેટલા જોશથી જય સરદાર બોલવા સ્ટેચ્યૂ ઑફ યુનિટી પર પધારે તો પણ ખર્ચ નીકળતા એક દાયકો તો થઈ જ જાય.

સાથે મુખ્ય સવાલ એ પણ, કે અંબાજી જેવી ભીડ સ્ટેચ્યૂ ઑફ યુનિટીમાં શકય બનશે ખરી?

શકયતા 3 : વાહ તાજની જેમ વાહ સરદાર

ઇમેજ સ્રોત, Getty Images

ઉપરની ગણતરીઓ નકામી લાગે અને સાવ સરળ સમજવું હોય તો આ રીત સમજી શકાય. ભારતમાં સૌથી વધારે પ્રવાસીઓ આવતા હોય એ સ્થળ છે તાજમહેલ.

ધારો કે સ્ટેચ્યૂ ઑફ યુનિટી તાજમહેલ જેટલું જ પ્રખ્યાત થઈ જાય તો? લોકો વાહ તાજની જેમ વાહ સરદાર બોલવા લાગે એ કોને ન ગમે પણ સબૂર.

લોકસભામાં પ્રવાસન અને સાંસ્કૃતિક વિભાગનાં મંત્રી મહેશ શર્માએ આપેલા લેખિત જવાબ મુજબ છેલ્લાં ત્રણ વર્ષની તાજમહેલની વાર્ષિક આવક 75 કરોડ રૂપિયા હતી અને નિભાવ-જાળવણી ખર્ચ 10 કરોડ હતો.

સ્ટેચ્યૂ ઑફ યુનિટીમાં નિભાવ-જાળવણીના તો આગોતરા 600 કરોડ સરકારે ગણી જ લીઘા છે એટલે જો તાજમહેલની જેમ વર્ષે 25 કરોડની આવક થયાં જ કરે તો 120 વર્ષ લાગે.

અલબત્ત, તાજમહેલની ભારતીયોની ફી ફકત 50 રૂપિયા છે પણ એની સામે વિદેશી સહેલાણીઓની ફી 1100 રૂપિયા છે.

એ સૌથી વધારે મુલાકાતીઓ ધરાવતું સ્થળ છે એટલે સ્ટેચ્યૂ ઑફ યુનિટી અને એની વચ્ચેનો ટિકિટનો તફાવત બરકરાર રાખીએ તો ચાલી શકે એમ છે.

શકયતા 4 : એફિલ ટાવર

ઇમેજ સ્રોત, Getty Images

વિશ્વવિખ્યાત એફિલ ટાવરની વર્ષે 60 લાખ લોકો મુલાકાત લે છે.

આ આંકડા મુજબ જઈએ અને ધારી લઈએ કે સ્ટેચ્યૂ ઑફ યુનિટી એફિલ ટાવર જેટલું જ પ્રખ્યાત બની જશે અને દર વર્ષે 60 લાખ લોકો તેની મુલાકાત લેશે.

ધારો કે વર્ષે 60 લાખ લોકો આવે તો પ્રતિ ટિકિટ 350 રૂપિયા લેખે વાર્ષિક આવક થઈ 21 કરોડ રૂપિયા.

સ્ટેચ્યૂ ઑફ યુનિટીનો કુલ ખર્ચ છે 3000 કરોડ, આ હિસાબે સમગ્ર ખર્ચ નીકળતાં 142 વર્ષ થઈ જાય.

આ તમામ વિકલ્પોમાં પહેલી શક્યતા આશાવાદી તો છે પણ વાસ્તવની સહેજ નજીક પણ છે.

આ સ્થિતિમાં ગુજરાતી તરીકે એક જ પ્રાર્થના કરવી પડે શિવાજી મહારાજનું સ્ટેચ્યૂ 92 વર્ષ પછી બને તો સારું. સ્ટેચ્યૂ ઑફ યુનિટીનો ખર્ચ તો નીકળે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો