ભારતમાં વેપાર સરળ બન્યો એ મોદી સરકારની સિદ્ધી છે?

  • સિન્ધુવાસિની
  • બીબીસી ગુજરાતી માટે
નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

વિશ્વ બૅન્કે વર્ષ 2019 માટે 'ઈઝ ઑફ ડૂઇંગ બિઝનેસ' નો સર્વે બહાર પાડ્યો છે, તેમાં ભારત 77માં નંબરે પહોંચ્યું છે. ગયા વર્ષ કરતાં 23 ક્રમ સુધર્યો છે.

આ સર્વેમાં 190 દેશોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ગયા વર્ષે પણ ભારતનું પ્રદર્શન સારું રહ્યું હતું. ગયા વર્ષે 100મો નંબર હતો. હવે જોઈ કે શેમાં સુધારો થયો?

  • વિશ્વ બૅન્કે સર્વેમાં કહ્યું છે કે ભારતે ઘણા આર્થિક મુદ્દે સુધારો કર્યો છે, જેમ કે મેન્યૂફેકચરિંગ સૅક્ટરમાં ભારત ભારે સુધારો કર્યો છે. ગયા વર્ષના 181માં ક્રમેથી તે 52માં ક્રમે પહોંચ્યું છે.
  • વિશ્વ બૅન્કે પણ કહ્યું છે કે ભારતે કરમાળખા(ટૅક્સ સ્ટ્રક્ચર)માં પરિવર્તન કર્યું છે અને બૅન્કોમાંથી લૉન લેવાની પ્રક્રિયા સરળ બનાવી દીધી છે. લૉન લેવાની બાબતમાં ભારતનો રૅન્ક 29મો હતો, જે હવે 22 પર પહોંચ્યો છે.
  • સર્વેમાં જીએસટીનો ઉલ્લેખ કરી જણાવાયું કે આનાથી કર ચૂકવણી અને અલગ-અલગ ક્ષેત્રમાં વેપાર-ધંધો કરવાનું સરળ બન્યું છે. વેપાર-ધંધો શરુ કરવા મુદ્દે ગયા વર્ષે ભારતનું રૅન્ક 156મો હતો, જે હવે 137એ પહોંચ્યો છે.
  • વીજળીનું જોડાણ પ્રાપ્ત કરવું સસ્તું અને સરળ બન્યું છે. વીજળીના મુદ્દે ભારતનું રૅન્કિંગ 29થી 24માં સ્થાને પહોંચ્યું છે.
  • ભારતે બીજા દેશો સાથે થતાં વેપારમાં પણ સ્થિતિ સુધારી છે. વિદેશ વેપાર ક્ષેત્રે ભારત 180માં ક્રમેથી 46માં સ્થાને પહોંચ્યું છે.
  • સર્વેમાં ભારતના 'નેશનલ ટ્રૅડ ફેસિલિટેશન ઍક્શન પ્લાન 2017-2020'નો ઉલ્લેખ કરતાં કહેવાયું કે દેશમાં આયાત-નિકાસ પાછળ બગડતો સમય અને ઊભી થતી મુશ્કેલીઓને ઘણા અંશે ઘટાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

શું છે 'ઈઝ ઑફ ડૂઇંગ બિઝનેસ'?

ઇમેજ સ્રોત, ARUN JAITLEY/TWITTER

ઇમેજ કૅપ્શન,

નાણા મંત્રી અરુણ જેટલી

આર્થિક બાબતોના નિષ્ણાત અને અગ્રણી પત્રકાર શિશિર સિન્હા જણાવે છે કે, ' કોઈ પણ દેશમાં જો રોકાણની વાત કરવામાં આવે તો એના માટે ઘણાં પાસાંઓ પર વિચાર કરવામાં આવે છે.'

'એમાંથી એક છે 'ઈઝ ઑફ ડૂઇંગ બિઝનેસ' એટલે કે વેપાર-ધંધાની સરળતા અંગેનો માપદંડ. વેપાર-ધંધાની અંગેની સરળતા એટલે એ જાણકારી પ્રાપ્ત કરવી કે કોઈ પણ દેશમાં વેપાર-ધંધો શરૂ કરવો એ કેટલું સરળ કે મુશ્કેલ છે.'

' જેમ કે વેપાર-ધંધો શરૂ કરવામાં કેટલો સમય લાગે છે, કોઈ ઈમારત ઊભી કરવી હોય તો તેમાં મંજૂરી લેવામાં કેટલો સમય નીકળી જાય છે. વીજળીનું જોડાણ મેળવવું કેટલું સરળ છે..વગેરે- '

ક્રમાંક સુધરવાથી શું ફાયદા થશે?

ઇમેજ કૅપ્શન,

વિશ્વ બૅન્ક

આર્થિક બાબતોના નિષ્ણાત અને અગ્રણી પત્રકાર શિશિર સિન્હા કહે છે કે, 'કોઈ પણ વિદેશી રોકાણકાર જો કોઈ બીજા દેશમાં રોકાણ અંગે વિચારે છે તો સૌથી પહેલાં એ તપાસે છે કે અહીં વેપાર-ધંધો કરવો સરળ છે કે નહીં.'

'એવામાં જો ભારત પાસે એવો ક્રમાંક છે કે જે વૈશ્વિક બૅન્કે જાતે તૈયાર કર્યો હોય તો રોકાણકારને આનાથી ભરોસો પેદા થશે કે અહીંયા વ્યવસાય કરવાનો નિર્ણય સાચો પુરવાર થશે.'

'જો એફડીઆઈની વાત કરીએ તો પાછલાં થોડાંક વર્ષોમાં ભારતનો દેખાવ સુધર્યો છે. ક્રમાંક સુધરવાથી સીધું વિદેશી રોકાણ હજી વધે તેવી આશા ચોક્કસપણે છે. જો કે આવું બનશે જ એમ ખાતરીપૂર્વક ના કહી શકાય.'

' રોકાણ સિવાય ફાયદાની વાત કરીએ તો આવા અહેવાલોને કારણે આપણને પોતાની જાતને ચકાસવાની તક મળે છે કે ક્યાં આપણી સ્થિતિ મજબૂત છે અને ક્યાં પરિવર્તનને અવકાશ છે.'

શું આ મોદીની નીતિઓનું પરિણામ છે?

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન,

નરેન્દ્ર મોદી

શિશિર સિન્હા જણાવે છે કે, 'પહેલાં આપણા ક્રમાંકમાં બે ,ત્રણ કે ચાર આંકડા જેટલો જ સુધારો જોવા મળતો હતો પણ છેલ્લા બે વર્ષોમાં ક્રમાંકમાં ભારે સુધારો જોવા મળ્યો છે.'

સિન્હા જણાવે છે કે 'જો છેલ્લાં બે વર્ષનું પ્રદર્શન જોઈએ તો આનો શ્રેય મોટેભાગે મોદી સરકારને જ મળવો જોઈએ.'

જો કે, તે માને છે કે ' સુધારણાની પ્રક્રિયા એક સતત પ્રક્રિયા છે અને એ કહેવું વધારે પડતું છે કે ક્રમાંકમાં સુધારો માત્ર કેન્દ્ર સરકારની નીતિઓને કારણે જ થયો છે.'

વિશ્વ બૅન્કનું આકલન કેટલું સાચું?

શિશિર સિન્હા માને છે કે ' વર્લ્ડ બૅન્કના સર્વેની ઊણપની વાત કરીએ તો એની સૌથી મોટી ત્રુટી એ છે કે એનો સર્વેનું ક્ષેત્રફળ ઘણું સાંકડું હોય છે.

આ રિપોર્ટ દિલ્હી અને મુંબઈનાં વેપારીઓ સાથે વાતચીત કરીને જ તૈયાર કરવામાં આવ્યો છે.

આવા સંજોગોમાં દેશના એક મોટાભાગના વર્ગનું પ્રતિનિધિત્વ ક્યાંકને ક્યાંક તો ચૂકાઈ જાય છે.'

અર્થવ્યવસ્થાની સમજણ ધરાવતા અગ્રણી પત્રકાર પરંજૉય ગુહા ઠાકુરતાએ બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું કે ' જો તમે બીજા દેશો સાથે સરખામણી કરો તો ભારત આગળ વધ્યું છે પણ એનો અર્થ એ નથી કે ભારતની અર્થવ્યવસ્થા પણ આગળ વધી છે.'

વિશ્વબૅન્કના આ રિપોર્ટની સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા છે. ટ્વિટર પર #EaseOfDoingBusiness અને World Bank સૌથી ઉપર ટ્રૅન્ડીંગ છે.

કેન્દ્રિય નાણામંત્રી અરુણ જેટલીએ ટ્વીટ કરતાં કહ્યું કે 'વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારના સુધારણાવાદી નિર્ણયો ઉત્તમ પરિણામો આપી રહ્યા છે.

ચાર વર્ષમાં આપણો ક્રમાંક 142માં સ્થાનેથી 77માં સ્થાન પર આવી ગયો છે. ભારતે પોતાના સુધારણા અંગેના વલણ પર સાતત્ય જાળવી રાખ્યું છે.'

ભાજપના સત્તાવાર ટ્વીટર હૅન્ડલે પણ આ અંગે માહિતી આપી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ભાષણોમાં વિદેશી રોકાણ અને વેપાર-ધંધાની સરળતા અંગે ખાસ ઉલ્લેખ કરતા રહ્યા છે.

આવા સંજોગોમાં રોજગાર, મોંઘવારી, રૂપિયાની ઘટતી કિંમત, એનપીએ અને બેન્કોના કૌભાંડ સામે ઝઝૂમી રહેલી કેન્દ્ર સરકાર માટે વિશ્વ બૅન્કનો આ અહેવાલ એક રાહતના શ્વાસ જેવો કહી શકાય.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો