અકબર પર બળાત્કારનો આરોપ, અકબરે કહ્યું સહમતીથી હતા સંબંધો

અકબર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

એમ. જે. અકબર પર હવે બળાત્કારનો આરોપ લાગ્યો

પૂર્વ કેન્દ્રીય મંત્રી એમ. જે. અકબર પર યૌન ઉત્પીડનનો એક નવો આરોપ સામે આવ્યો છે.

યૌન ઉત્પીડનના આ આરોપોને કારણે મંત્રી પદેથી રાજીનામું આપનારા અકબર પર હવે નવો લાગેલો આરોપ સૌથી ગંભીર છે.

તેમના સાથે કામ કરી ચૂકેલાં એક મહિલા પત્રકારે તેમના પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે.

એશિયન એજ અખબારમાં એમ. જે. અકબર સાથે કામ કરનારાં પલ્લવી ગોગોઈએ વૉશિંગ્ટન પોસ્ટમાં લખેલા એક લેખમાં આ અંગે જણાવ્યું છે.

બીજી તરફ એમ. જે. અકબરે પલ્લવીના આરોપોને નકારતા કહ્યું કે તેમના અને પલ્લવી વચ્ચે વ્યક્તિગત સંમતિથી સંબંધો હતા.

પલ્લવી વર્તમાનમાં નેશનલ પબ્લિક રેડિયોમાં ચીફ બિઝનેસ ઍડિટર છે અને તેઓ અમેરિકામાં રહે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

પલ્લવીએ કહ્યું કે તેમને બે સપ્તાહ પહેલાં ભારતમાં ચાલી રહેલા #MeToo કેમ્પેન અને એમ. જે. અકબર પર લાગેલા આરોપો વિશે જાણવા મળ્યું.

ત્યારે તેમણે પણ દોસ્તો સાથે વાત કરતાં 23 વર્ષ પહેલાં પોતાની સાથે થયેલી ઘટના અંગે જણાવવાનું નક્કી કર્યું.

પલ્લવીના જણાવ્યા પ્રમાણે જ્યારે તેમના સાથે આ ઘટના બની ત્યારે એમ. જે. અકબર એશિયન એજના ઍડિટર હતા અને પલ્લીવ ગોગોઈ અખબારમાં તંત્રી પેજનાં સંપાદક હતાં.

તેમણે બે ઘટનાઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે કેવી રીતે અકબરે તેમની સાથે યૌન ઉત્પીડનની કોશિશ કરી હતી. જે બાદ તેમણે બળાત્કારની ઘટનાનો ઉલ્લેખ કર્યો છે.

હોટલના રૂમમાં બોલાવી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

અકબરનાં પત્ની અને અકબરે આ આરોપો નકાર્યા

પલ્લીવીએ પોતાના લેખમાં દાવો કર્યો છે કે જયપુરમાં એક અસાઇમેન્ટ દરમિયાન એમ. જે. અકબરે પલ્લીવીને પોતાની હોટલમાં સ્ટોરી પર ચર્ચા કરવા માટે બોલાવ્યાં.

જ્યારે તેઓ હોટલના રૂમમાં પહોંચ્યાં તો અકબર તેમની સાથે જબરદસ્તી કરવા લાગ્યા અને તેમના પર બળાત્કાર કર્યો.

પલ્લવીએ એ પણ કહ્યું કે શરમને કારણે તેઓ આ મામલે બીજા કોઈને આ ઘટના અંગે જણાવી શક્યાં નહીં.

તેમને લાગ્યું કે કોઈ તેમના પર વિશ્વાસ નહીં કરે. તે બાદ પણ અકબર તેમને પરેશાન કરતા રહ્યા.

અકબર અને તેમનાં પત્નીનો ઇનકાર

ઇમેજ કૅપ્શન,

અકબર પર અન્ય મહિલાઓએ #MeToo કેમ્પેન અંતર્ગત યૌન ઉત્પીડનના આરોપ લગાવ્યા છે

પલ્લવીનો લેખ સાર્વજનિક થયા બાદ એમ. જે. અકબર અને તેમનાં પત્ની મલ્લિકા જોસેફે પલ્લવી ગોગોઈના બળાત્કારના આરોપોને ખોટા ગણાવ્યા છે.

તેમનું કહેવું છે કે અકબર અને પલ્લવી વચ્ચે સહમતીથી સંબંધો હતા.

અકબરનાં પત્ની મલ્લિકા અકબરે ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યું, "હું આ સમગ્ર MeToo કેમ્પેન દરમિયાન ચૂપ રહી. મારા પતિ પર અનેક આરોપો લગાવવામાં આવ્યા."

"પરંતુ વૉશિંગ્ટન પોસ્ટમાં પલ્લવી ગોગોઈ દ્વારા લખાયેલા લેખે મને બોલવા પર મજબૂર કરી દીધી."

"લગભગ 20 વર્ષ પહેલાં પલ્લવી મારા ઘરમાં દુખ અને ઝઘડાનું કારણ બની હતી."

"તેમના મોડીરાત્રે આવનારા ફોન કૉલ્સ અને પ્રેમના સાર્વજનિક પ્રદર્શનથી મને મારા પતિ અને તેમના પ્રેમ વિશે ખબર પડી હતી."

"એશિયન એજની એક પાર્ટીમાં મારા પતિ અને તેમણે ખૂબ જ ક્લોઝ ડાન્સ કર્યો હતો."

"આને લઈને મેં મારા પતિ સાથે ઝઘડા કર્યા અને તેના બાદ તેમણે પરિવારને પ્રાથમિકતા આપવાનો નિર્ણય કર્યો."

"મને ખબર નથી કે આ જૂઠ બોલવા પાછળ પલ્લવીનાં કયાં કારણો છે."

67 વર્ષના એમ. જે. અકબર પર અનેક મહિલાઓએ #MeToo કેમ્પેન અંતર્ગત યૌન ઉત્પીડનના આરોપ લગાવ્યા છે.

એમાંથી એક મહિલા પત્રકાર પ્રિયા રમાની વિરુદ્ધ એમ. જે. અકબરે માનહાનિનો કેસ પણ કર્યો છે.

એમ. જે. અકબર પર પ્રિયા રમાણીના આરોપો બાદ બીજી અન્ય મહિલાઓ પણ સામે આવી હતી. જેમણે અકબર પર 'પ્રીડેટરી બિહેવિયર'ના આરોપો લગાવ્યા હતા.

આ બાદ કોર્ટમાં સુનાવણી શરૂ થતાં પહેલાં 17 ઑક્ટોબરના રોજ એમ. જે. અકબરે રાજીનામું આપી દીધું હતું.

તેમણે રાજીનામા પાછળનું કારણ જણાવ્યું હતું કે તેઓ વ્યક્તિગત રીતે કોર્ટમાંથી ન્યાય ઇચ્છે છે.

તેઓ પોતાના પર લાગેલા આરોપોનો વ્યક્તિગત રીતે સામનો કરવા માગે છે, એક મંત્રી તરીકે નહીં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો