BBC TOP NEWS : વડા પ્રધાન મોદીનો MSME સેકટરને 59 મિનિટમાં એક કરોડની લોન આપવાનો દાવો

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

'એનડીટીવી'ની વેબસાઇટના અહેવાલ મુજબ શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગોને 59 મિનિટમાં એક કરોડ સુધીની લોન આપવાની જાહેરાત કરી.

વડા પ્રધાન મોદીની આ જાહેરાત લઘુ અને મઘ્યમ ઉદ્યોગો માટે 'દિવાળી ભેટ' તરીકે ગણાવવામાં આવી હતી.

અહેવાલમાં જણાવ્યા મુજબ મોદીએ કરેલી જાહેરાતોમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે અનેક યોજનાઓ રજૂ કરાઈ હતી.

યોજના અંતર્ગત જીએસટી નંબર ધરાવતા લઘુ અને મધ્યમ ઉદ્યોગો આ લોન મેળવવા પાત્ર થશે.

તમે આ વાંચ્યું કે નહીં?

અહેવાલમાં વધુમાં જણાવ્યા મુજબ, જીએસટી નંબર ધરાવતા લઘુ અને મધ્યમ ઉદ્યોગકારોને લોનના વ્યાજમાં બે ટકા સુધીની છૂટ પણ આપવામાં આવશે.

વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે આ યોજનાના નવા 12 પરિમાણ ઐતિહાસીક સાબિત થશે.

નવા નિયમો મુજબ કોઈ પણ લઘુ કે મધ્યમ ઉદ્યોગ પર ઇન્સ્પેક્ટર જાતે ચકાસણી માટે જઈ નહીં શકે.

તેમને કમ્પ્યુટર દ્વારા સૂચના આપવામાં આવશે અને ત્યાર બાદ તે ચોક્કસ એકમ પર ઇન્સ્પેક્શન કરી શકશે.

ડૉલર સામે રૂપિયોનો પાંચ વર્ષનો સૌથી મોટો છાળો

ઇમેજ સ્રોત, Getty Images

'ફર્સ્ટ પોસ્ટ'ના અહેવાલ મુજબ અમેરિકન ડૉલર સામે પાછલાં પાંચ વર્ષની સરખામણીમાં રૂપિયામાં સૌથી મોટો 100 પૈસાનો ઉછાળો આવ્યો છે.

ઈરાનમાંથી ક્રૂડ ઑઇલ આયાત કરવા અંગે અમેરિકાના હકારાત્મક વલણના કારણે બજારમાં તેજી જોવા મળી હતી.

જેના પગલે ડૉલર સામે રૂપિયો નજીવા ઊંચા દરે પહોચ્યો હતો.

શુક્રવારે સવારે ડૉલર સામે રૂપિયાનો ભાવ 73.14 હતો, જે 72.45ની કિંમતે બંધ થયો હતો.

આમ વર્ષ 2013ના સપ્ટેમ્બર બાદ પહેલી વાર બજારમાં ડૉલર સામે રૂપિયામાં 100 પૈસાનો ઉછાળો જોવા મળ્યો હતો.

સરયુના કાંઠે 151 મીટર ઉંચી રામની પ્રતિમા બનાવવા યોગીનો પ્લાન

ઇમેજ સ્રોત, KADAR HASMANI

'બિઝનેસ સ્ટાન્ડર્ડ'ના અહેવાલ મુજબ અયોધ્યામાં સરયુ નદીના કાંઠે રામની 151 મીટર ઊંચી પ્રતિમાં તૈયાર કરવાનું આયોજન યુપીના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે કર્યું છે.

અગાઉ આ પ્રતિમાની ઊંચાઈ 100 મીટર રાખવાનું આયોજન હતું.

જોકે, શુક્રવારે ગુજરાતમાં 'સ્ટેચ્યૂ ઑફ યુનિટી'ની મુલાકાત લીધા બાદ ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે રામની પ્રતિમાની ઊંચાઈ વધારવાનું નક્કી કર્યું છે.

અહેવાલમાં વધુમાં જણાવ્યા મુજબ અગાઉ આ પ્રતિમાનું ખાતમુહૂર્ત દિવાળીની સાંજે કરવાનું આયોજન હતું.

જોકે, જમીનને લગતી પ્રાથમિક તૈયારીઓ અધૂરી હોવાના કારણે ખાતમુહૂર્તની તારીખ લંબાવાઈ છે.

જ્યારે 'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ મુજબ રામ મંદિરના કેસની સુનાવણીને મોકૂફ રાખવાના સુપ્રીમ કોર્ટના ચુકાદા અંગે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે નારાજગી દર્વાશી છે.

શુક્રવારે મુંબઈમાં સંઘના કાર્યક્રમ દરમિયાન પત્રકાર પરિષદને સંબોધતી વખતે સંઘના સહકાર્યવાહ ભૈયાજી જોષીએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે રામ મંદિર મુદ્દે હિંદુઓનું અપમાન કર્યુ છે.

ટ્રમ્પનો રાન પર ફરી આકરો પ્રતિબંધ

ઇમેજ સ્રોત, AFP

'બીબીસી હિંદી સેવા'ના મુજબ અમેરિકાની ટ્રમ્પ સરકારે ઈરાન પર મૂકેલા જુના તમામ પ્રતિબંઘોને ફરી એક વાર લાગુ કર્યાં છે.

આ પ્રતિબંઘોને વર્ષ 2015માં ઈરાન સાથે થયેલા પરમાણુ કરાર બાદ હટાવી લેવામાં આવ્યા હતા.

વ્હાઇટ હાઉસે આ નિર્ણય વિશે જણાવ્યું હતું કે આ પ્રતિબંધ ઈરાન સરકાર પર મૂકવામાં આવેલ સૌથી આકરા પ્રતિબંધમાનો એક છે.

જોકે, ઈરાનમાંથી તેલની આયાત કરનારા દેશો પર કોઈ દંડ નહીં લાગે તેવી સ્પષ્ટતા પણ અમેરિકાએ કરી હતી.

ભારત ઈરાનમાંથી તેલ આયાત કરનાર દેશો પૈકીનો એક છે.

જાણકારોના મતે આ મોટો નિર્ણય છે. આ નિર્યણના નિશાને ઇરાનની અર્થવ્યવસ્થા છે.

જસ્ટિસ કુરેશી ગુજરાત હાકોર્ટના મુખ્ય કાર્યકારી ન્યાયાધીશ

'ધ હિંદુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલ મુજબ ગુજરાત હાઇકોર્ટના બીજા સિનિયર જજ જસ્ટિસ કુરેશી મુખ્ય કાર્યકારી ન્યાયાધીશ તરીકે ફરજ બજાવશે.

અહેવાલમાં જણાવ્યા મુજબ જસ્ટિસ કુરેશની બૉમ્બે હાઇકોર્ટમાં બદલીના નિર્ણય બાદ ગુજરાત હાઇકોર્ટના અન્ય ન્યાયાધીશને ઍક્ટિંગ ચીફ જસ્ટિસ તરીકે જાહેર કરવાનો નિર્ણય ભૂલમાં થયો હતો.

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈના નિવેદનને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે જ્યાં સુધી જસ્ટિસ કુરેશીની બદલી ન થાય ત્યાં સુધી તેઓ ગુજરાત હાઇકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ રહેશે.

અહેવાલમાં જણાવ્યા મુજબ ગુજરાત હાઇકોર્ટના વકીલ મંડળ દ્વારા જસ્ટિસ કુરેશીની બદલીના વિરોધમાં કરાયેલા પ્રદર્શન બાદ આ નિર્યણ ફેરબદલ કરાયો હોવાનું જાણવા મળે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો