ગુજરાત: મુસ્લિમોના બહિષ્કારની કહાણીનું સત્ય શું?

  • યશપાલસિંહ ચૌહાણ તથા રવિ પરમાર
  • બીબીસી ગુજરાતી માટે
પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, PUNEET BARNALA/BBC

ભાવનગર પંથકમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેના કારણે આ વિસ્તારમાં કોમી અજંપો ઊભો થયો છે.

વીડિયોમાં કથિત રીતે હિંદુ સંગઠનો અને ભાજપના કાર્યકરો મુસ્લિમોનો આર્થિક બહિષ્કાર કરવાના શપથ લેવડાવતા નજરે પડે છે.

આ ઘટના ભાવનગર જિલ્લાના તળાજા શહેરની મામલતદાર કચેરી ખાતે ઘટી હતી.

પોલીસે સમગ્ર ઘટનાક્રમ અંગે તપાસના આદેશ આપ્યા છે.

શું છે સમગ્ર મામલો?

સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયો મુજબ ભાવનગર જિલ્લા વિશ્વ હિંદુ પરિષદના પ્રાંત અધિકારી કિરીટ મિસ્ત્રી સૂત્રોચ્ચાર કરી રહ્યા છે કે 'જો હિંદુની કુખે જન્મ લીધો હોય તો એક પણ મુસ્લિમ વેપારી અથવા મુસ્લિમ લોકો સાથે કોઈપણ જાતનો આર્થિક વ્યવહાર ના કરવામાં આવે.'

"હનુમાનની પરોક્ષ હાજરીમાં અમે શપથ લઈએ છીએ કે મુસ્લિમો સાથે કોઈપણ જાતનો વ્યવહાર કરીશું નહીં."

બીબીસી ગુજરાતી દ્વારા શુક્રવારે સાંજે કિરીટ મિસ્ત્રીનો સંપર્ક સાધવામાં આવ્યો હતો, ત્યારે તેમણે 'થોડીવારમાં ફોન કરું' કહીને સંવાદ ટૂંકાવ્યો હતો.

ત્યારબાદ આ લખાય છે ત્યાર સુધી વારંવાર સંપર્ક કરવાના પ્રયાસ કરવા છતાં કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી.

વીડિયોમાં તેમની સાથે ભાવનગર જિલ્લાના ભાજપ કારોબારી અશોક સોલંકી, જિલ્લા ભાજપ કિસાન મોર્ચાના અગ્રણી સી. પી. સરવૈયા, તળાજા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ એ. બી. મેર, તળાજા યુવા ભાજપના પ્રમુખ આઈ. કે. વાળા સહિત ઘણા લોકો નજરે પડે છે.

સરકારી કચેરીમાં ગેરબંધારણીય પ્રવૃત્તિ

ઇમેજ સ્રોત, Getty Images

ભાવનગરના તળાજા શહેરમાં મામલતદાર કચેરી ખાતે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળની સાથે-સાથે ભાજપના કાર્યકરો દ્વારા એક આવેદનપત્ર આપવા જવાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો.

આ મુદ્દે તળાજા મામલતદાર એસ. કે. ચૌધરીએ બીબીસીને જણાવ્યું, "મહુવામાં વિશ્વ હિંદુ પરિષદના આગેવાન જયેશ ગુજરિયાની હત્યા થઈ હતી, તેમાં યોગ્ય કાર્યવાહી થાય તે માટે લોકો આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા."

સરકારી ઑફિસના પટાંગણમાં જ કોઈ કોમ વિરુદ્ધ સૂત્રોચ્ચાર થયા એ મુદ્દે ચૌધરીનું કહેવું છે કે તેમને 'આ અંગે કોઈ જાણ નથી.'

ચૌધરી કહે છે, "હું આવેદનપત્ર સ્વીકારવા માટે બહાર ગયો હતો, ત્યારે ત્યાં પચાસેક લોકોનું ટોળું હતું, પરંતુ મેં આવા કોઈ સૂત્રોચ્ચાર સાંભળ્યા ન હતા. "

ચૌધરીએ એવું પણ જણાવ્યું કે આવેદનપત્ર આવેલા લોકોને તેઓ ઓળખતા નથી.

તમે આ વાંચ્યું કે નહીં?

હત્યા અને સૂત્રોચ્ચારનું કનેક્શન

23 ઑક્ટોબરના રોજ વિશ્વ હિંદુ પરિષદના આગેવાન જયેશ ગુજરિયાની મહુવા ખાતે કથિત રીતે લઘુમતી સમાજના ચાર યુવાનો હત્યા કરવામાં આવી હતી.

આ ઘટના બાદ ચાર આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી.

આ મુદ્દાને લઈને વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ અને સ્થાનિક ભાજપના સત્તાધિકારીઓ દ્વારા તળાજા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આવેદન આપ્યા બાદ ભાવનગર વિશ્વ હિંદ પરિષદના આગેવાન કિરીટ મિસ્ત્રીએ કથિત રીતે મુસ્લિમ સમાજ વિરુદ્ધ ઉશ્કેરણીજનક સંબોધન કર્યું હતું.

'આવું તો થતું રહે'

ઇમેજ સ્રોત, Getty Images

આ મુદ્દે બીબીસી ગુજરાતીએ ભાવનગર જિલ્લા ભાજપ કોરાબોરી અને સૂત્રોચ્ચાર સમયે ત્યાં હાજર અશોક સોલંકી સાથે વાતચીત કરી તો તેમણે જવાબ આપ્યો કે 'આવું તો થતું રહે.'

સોલંકીએ જણાવ્યું, "અમને વૉટ્સઍપ પર મૅસેજ આવ્યો હતો કે તળાજા વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરની હત્યા મામલે મામલતદારને આવેદન આપવા જવાનું છે. એટલા માટે અલગઅલગ સંગઠનો સાથે ત્યાં ગયાં હતાં."

વીડિયોમાં ભાજપના પૂર્વ પ્રમુખ એ. બી. મેર પણ સામેલ છે. બીબીસી ગુજરાતીએ જ્યારે તેમનો સંપર્ક કર્યો અને આ અંગે સવાલ કર્યો તો તેમણે આ મુદ્દે કોઈપણ વાત કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો.

વીડિયોમાં સામેલ તળાજા યુવા ભાજપ પ્રમુખ આઈ. કે. વાળાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું, "આવેદનપત્ર આપવા માટે અમે ગયા હતા."

વાળાએ એવું પણ જણાવ્યું કે જ્યારે સૂત્રોચ્ચાર થયા, ત્યારે તેઓ મામલતદારની ઑફિસની અંદર હતા.

'સૂત્રોચ્ચાર સ્વાભાવિક'

ઇમેજ સ્રોત, Getty Images

લઘુમતી સમાજના આર્થિક બહિષ્કારના સૂત્રોચ્ચાર સમયે તળાજા ભાજપ નગરપાલિકાનાં પ્રમુખ દક્ષાબાના પતિ સુરેન્દ્ર સરવૈયા પણ હાજર હતા.

બીબીસી સાથેની વાતચીતમાં તેઓ કહે છે, "કોઈપણ સભા કે રેલી હોય તો સૂત્રોચ્ચાર તો સ્વાભાવિક બાબત છે, પરંતુ કોઈ વ્યક્તિ ઉશ્કેરણીજનક અને કોઈ કોમ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરશે એની અમને જાણ નહોતી."

સરવૈયાએ એવું પણ જણાવ્યું કે જે વ્યક્તિએ સૂત્રોચ્ચાર કર્યા તેમને કોણે આમંત્રણ આપ્યું હતું તેની પણ તેમને જાણ નથી.

'કોઈને મારી નાખવાનું નથી કહ્યું'

ઇમેજ સ્રોત, Gautam Chauhan/Facebook

ઇમેજ કૅપ્શન,

ગૌતમ ચૌહાણ તળાજા ખાતે ભાજપ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના પ્રમુખ

વીડિયોમાં જિલ્લા ભાજપ કિસાન મોર્ચાના અગ્રણી સી. પી. સરવૈયા પણ જોવા મળે છે. બીબીસી સાથેની વાતચીતમાં સરવૈયાએ કહ્યું કે તે સમયે કોઈપણ ઉગ્ર ભાષણો થયાં નથી.

જ્યારે વીડિયો મુદ્દે ઉલ્લેખ કર્યો, ત્યારે સરવૈયા પોતાની વાત પર 'યૂ-ટર્ન' લેતા કહ્યું, "ત્યાં માત્ર મુસ્લિમોનો આર્થિક બહિષ્કાર કરવાની વાત કરવામાં આવી હતી. કોઈને મારી નાખવાની વાત કરવામાં આવી નહોતી."

જ્યારે આ ઘટના બની ત્યારે તળાજા ભાજપ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના પ્રમુખ ગૌતમ ચૌહાણ પણ ત્યાં હાજર હતા.

ચૌહાણે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું, "મને તળાજા બજરંગ દળના કાર્યકર દ્વારા ફોન કરીને આવેદનપત્ર અંગેના આયોજનની જાણ કરવામાં આવી હતી."

બે કોમ વચ્ચે તણાવ સર્જવાનો હેતુ?

ઇમેજ સ્રોત, AFP

ઇન્ટરનેટ મારફતે થોડા જ સમયમાં મુસ્લિમો વિરુદ્ધના સૂત્રોચ્ચારનો વીડિયો ખૂબ જ વાઇરલ થયો હતો. આ મુદ્દાની ગંભીરતા સમજી મુસ્લિમ સમાજે ભાવનગર એસ.પી. (સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ) પ્રવીણ મલને આવેદનપત્ર પાઠવ્યું હતું.

મુસ્લિમ એકતા મંચના કન્વીનર ઇમ્તિયાઝ પઠાણ દ્વારા એસપી મલને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું કે તળાજા ખાતે હિંદુ અને મુસ્લિમ વચ્ચે વિવાદ સર્જાય તેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે, આથી આરોપીઓ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.

તળાજા જિલ્લા સેવાસદનના વિપક્ષના નેતા મુસ્તાક મેમણે બીબીસી ગુજરાતીને જણાવ્યું, "તળાજાની સંખ્યા લગભગ 30 હજારની આસપાસ હશે, જેમાં 1500 જેટલી મુસ્લિમોની વસતિ છે."

"તળાજામાં હિંદુ-મુસ્લિમ હળીમળીને રહે છે, પરંતુ બહારથી આવેલા અમુક શખ્સો અહીંની શાંતિ ડહોળવાના પ્રયોસ કરી રહ્યા છે."

મેમણે એવું પણ જણાવ્યું કે ચૂંટણી નજીક આવે ત્યારે જ કેમ હિંદુ અને મુસ્લિમ વચ્ચે આવા ઘર્ષણની ઘટના બને છે?

મુસ્લિમો વિરુદ્ધ જે પણ સૂત્રોચ્ચાર થયા તેની તપાસ એસપી મલ કરી રહ્યા છે.

બીબીસી સાથેની વાતચીતમાં એસ.પી. મલ જણાવે છે, "મુસ્લિમ સમાજના આવેદનપત્ર બાદ મેં આ અંગે કાર્યવાહીના આદેશ આપી દીધા છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો