રાષ્ટ્રવાદના નામે ફેલાવવામાં આવી રહ્યા છે ફેક ન્યૂઝ : બીબીસી રિસર્ચ

પ્રતીકાત્મક તસવીર Image copyright Getty Images

તમારા ફોનના વૉટ્સઍપ ગ્રૂપમાં અવારનવાર આવા મૅસેજ આવતા હશે, "યૂનેસ્કો દ્વારા ભારતીય ચલણને સર્વશ્રેષ્ઠ ચલણ જાહેર કરવામાં આવ્યું છે, જે દરેક ભારતીય માટે ગર્વની વાત છે. તમામ ભારતીયોને અભિનંદન!"

આ અને આ પ્રકારના બીજા અનેક મૅસેજ ફેક હોય છે પરંતુ તેને ફૉરવર્ડ કરનારા લોકો વિચારે છે કે તેઓ 'રાષ્ટ્ર નિર્માણ'માં પોતાની ભૂમિકા નિભાવી રહ્યા છે. (સમગ્ર રિસર્ચ રિપોર્ટ વાંચવા માટે અહીં ક્લિક કરો.)

બીબીસીના એક નવા રિસર્ચમાં આ વાત સામે આવી છે કે લોકો 'રાષ્ટ્ર નિર્માણ'ની ભાવનાથી રાષ્ટ્રવાદી મૅસેજવાળા ફેક ન્યૂઝને શેર કરી રહ્યા છે અને રાષ્ટ્રીય ઓળખનો સમાચારો સાથે જોડાયેલાં તથ્યોની તપાસની જરૂરિયાત પર ભારે પ્રભાવ પડી રહ્યો છે.

આ સંશોધન પરથી જાણવા મળ્યું કે પોતાની વિચારધારા સાથે મેળ ખાતા મૅસેજની કોઈ પણ તપાસ વિના આગળ વધારી દે છે.

એટલું જ નહીં, આ મૅસેજ તપાસ બાદ ફેક સાબિત થાય તો પણ લોકો આ પ્રકારના મૅસેજ ફૉરવર્ડ કરવાનું બંધ કરતા નથી અને ક્યારેય એવું વિચારતા નથી કે ફેક મૅસેજ ફૉરવર્ડ કરવો દેશ કે સંસ્કૃતિની વિરુદ્ધનું કામ છે.

બીબીસીએ ફેક ન્યૂઝની વધતી અસરને જાણવા માટે ભારત, કેનિયા અને નાઇજીરિયામાં રિસર્ચ કર્યું. આ સંશોધન દરમિયાન લોકોએ પોતાના ફોનના વપરાશની માહિતી બીબીસી સાથે શેર કરી હતી. તેના દ્વારા એ જાણવા મળ્યું કે લોકો કેવી રીતે વૉટ્સઍપ, ફેસબુક, અને ટ્વિટરનો ઉપયોગ કરે છે.


ફેક ન્યૂઝ પર બીબીસીનું રિસર્ચ વૉટ્સઍપ પર થઈ રહેલા 'ખોટા પ્રચારના યુદ્ધ' વિશે પહેલીવાર દેશ સમક્ષ જાણકારી લાવી રહ્યું છે.

આ રિસર્ચ દેશમાં ખોટા પ્રચાર વિરુદ્ધ બીબીસીના અભિયાન 'બિયૉન્ડ ફેક ન્યૂઝ'નો એક ભાગ છે. આ અભિયાનનો પ્રારંભ આજથી થઈ રહ્યો છે.

ભારતમાં વૉટ્સઍપના કારણે ફેલાયેલી અફવાઓના લીધે જુદી જુદી ઘટનાઓમાં ઓછામાં ઓછા 31 લોકોનાં મોત થયાં છે.

જોકે, સંશોધનમાં એવું તારણ પણ બહાર આવ્યું છે કે લોકો એવા મૅસેજ ફૉરવર્ડ કરવામાં ખચકાટ અનુભવે છે જેના કારણે હિંસા ફાટી નીકળવાનો ડર હોય.


વૉટ્સઍપ પર હિંદુ રાષ્ટ્રવાદ

આ ઘટના બાદ વૉટ્સઍપે ફૉરવર્ડેડ મૅસેજનું ફીચર શરૂ કર્યું છે. આ ફીચર પરથી જાણી શકાય છે કે આ મૅસેજ મોકલનારે લખ્યો નથી તેણે ફક્ત ફૉરવર્ડ કર્યો છે.

જોકે, સંશોધન મુજબ આ કોશિશ કામ કરી રહી નથી કારણ કે મોટાભાગના લોકો જો મૅસેજની મૂળ ભાવના સાથે સહમત હોય છે, ભલે પછી તેનાં તથ્યો ખોટાં હોય અથવા મજબૂત ન હોય, તો પણ તેને આગળ વધારવાને તેઓ એક કર્તવ્યની રીતે જ જુએ છે.

ફેક ન્યૂઝ અથવા તો ચકાસણી કર્યા વગરના સમાચારને ફૉરવર્ડ કરનારા લોકો માટે તે મૅસેજના સ્રોત કરતાં એ વાતનું વધારે મહત્ત્વ છે કે તેમના સુધી આ મૅસેજ કોણે પહોંચાડ્યો છે.

જો આ મૅસેજ મોકલનારી વ્યક્તિ સામાજિક પ્રતિષ્ઠા ધરાવતી હોય તો મૅસેજના સ્રોતની ચકાસણી કર્યા વગર લોકો તેને આગળ વધારવો એ પોતાનું કર્તવ્ય સમજે છે.

જે પ્રકારના ફેક ન્યૂઝ સૌથી વધારે ફેલાય છે તેમાં એક વાત સરખી છે- ભારત ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે, હિંદુ ધર્મ મહાન હતો અને તેને ફરીથી મહાન બનાવવામાં આવી રહ્યો છે, અથવા ભારતનું પ્રાચીન જ્ઞાન દરેક ક્ષેત્રમાં હજી પણ સર્વશ્રેષ્ઠ છે અથવા ગાય ઑક્સિજન લે છે અને ઑક્સિજન જ છોડે છે વગેરે.

આ પ્રકારના મૅસેજને લોકો દરરોજ હજારોની સંખ્યામાં ફૉરવર્ડ કરે છે અને તેમાં કોઈ દોષ પણ નથી જોતાં કે તેઓ પોતાના મનની વાતને સાચી સાબિત કરવા માટે તથ્યોનો નહીં પરંતુ મિથ્યાનો સહારો લઈ રહ્યા છે.

ફેક ન્યૂઝના પ્રસારમાં મુખ્યપ્રવાહના મીડિયાને પણ જવાબદાર માનવામાં આવ્યું છે. સંશોધન મુજબ, આ સમસ્યાનો સામનો કરવા માટે મીડિયા કારગર થઈ રહ્યું નથી કારણ કે તેની પોતાની જ શાખ મજબૂત નથી. લોકો માને છે કે રાજકીય અને વ્યવસાયિક હિતોના દબાવમાં મીડિયા વેચાઈ ગયું છે.


ટીમની જેમ કામ કરે છે મોદી સમર્થક

ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

બીબીસીએ ફેક ન્યૂઝ ફેલાવનારાના વૈચારિક વલણોની ટ્વિટર પર 16,000 એકાઉન્ટ દ્વારા તપાસ કરી તો એ વાત સામે આવી કે મોદી સર્મથકોના તાર એકબીજા સાથે સારી રીતે જોડાયેલા છે અને તેઓ એકબીજા સાથે હળીમળીને એક અભિયાનની જેમ કામ કરી રહ્યા છે.

હિંદુત્વ, રાષ્ટ્રવાદ, મોદી, સેના, દેશભક્તિ, પાકિસ્તાનનો વિરોધ, અલ્પસંખ્યકોને દોષી ઠેરાવનારાં લોકોનાં એકાઉન્ટ્સ એકબીજા સાથે જોડાયેલાં છે. તેઓ એક ખાસ રીતે સક્રિય રહે છે જાણે તેઓ કોઈ કર્તવ્ય પૂરું કરી રહ્યા હોય.

તેનાથી વિપરિત વહેંચાયેલા સમાજમાં તેમના વિરોધીઓની વિચારાધારા જુદી જુદી છે, પરંતુ મોદી અને હિંદુત્વના રાજકારણનો વિરોધ તેમને એક તાંતણે બાંધે છે. અલગ-અલગ વિચારોને કારણે મોદી વિરોધીઓનો અવાજ મોદી સમર્થકોની જેમ એકજૂટ નથી.

ઓછાંવત્તાં પ્રમાણમાં આ તસવીર વૉટ્સઍપ પણ ઊભરે છે. હિંદુ રાષ્ટ્રવાદ તરફ વલણ ધરાવતા લોકોને મોટાભાગે ત્રણ વર્ગોમાં વહેંચી શકાય છે.

પહેલો વર્ગ, પુરાતનપંથી હિંદુ જે કોઈ પણ પ્રકારના સામાજિક બદલાવનો વિરોધી છે. બીજો વર્ગ, પ્રગતિશીલ હિંદુ જેઓ અંધભક્ત નથી, પોતાના ધર્મને લઈને તેમને ગર્વ છે અને તેમને ધર્મનો ઝંડો ઊંચો રાખવાની ચિંતા રહે છે. આ બંને વર્ગ મોદીને પોતાના નેતા માને છે. ત્રીજો વર્ગ, સીધી રીતે કટ્ટરવાદી છે જે અલ્પસંખ્યકો પ્રત્યે ઉગ્ર અને હિંસક વિચાર રાખે છે.


મોદી વિરોધીઓ ચાર વર્ગોમાં વિભાજિત

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

બીજી તરફ મોદી વિરોધીઓ ચાર વર્ગોમાં વિભાજિત થયેલા છે. નોટબંધી, જીએસટી, જેવા નિર્ણયનો વિરોધ કરનારો એક વર્ગ છે, બીજો વર્ગ અલ્પસંખ્યકોનો છે જેમના વિરોધનું કારણ ઉગ્ર હિંદુત્વનું રાજકારણ છે.

ત્રીજો વર્ગ એ લોકોનો છે જેમણે મોદીને મત આપ્યા હતા અને હવે નિરાશ છે. ચોથો વર્ગ કૉંગ્રેસ જેવા રાજકીય વિરોધીઓનો છે.

મોદી વિરોધીઓ સોશિયલ મીડિયામાં પણ એ રીતે જ વિખરાયેલા જોવા મળે છે જે રીતે દેશની રાજનીતિમાં છે.

ટ્વિટરના આંકડા પર ઊંડી નજર નાખતા બીબીસીની રિસર્ચ ટીમને જાણવા મળ્યું કે મોદી સમર્થક ગતિવિધિઓમાં લાગેલા લોકો અને ફેક ન્યૂઝ ફેલાવનારાં કેટલાંક એકાઉન્ટ્સના તાર જોડાયેલા છે. તેઓ એક સમૂહની રીતે કામ કરે છે.

બીજી બાજુ મોદી વિરોધીઓ પણ ફેક ન્યૂઝ ફેલાવે છે પરંતુ તેમની માત્રા અને સક્રિયતા તુલનાત્મક રીતે ઓછી છે અને તેઓ વિપક્ષના રાજકીય નેતૃત્વ સાથે એ રીતે જોડાયેલા નથી જેવી રીતે હિંદુત્વવાળા લોકો જોડાયેલા છે.


વડા પ્રધાનનું ટ્વિટર એકાઉન્ટ

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

સંશોધનમાં જાણવા મળ્યું કે વડા પ્રધાન મોદીનું ટ્વિટર એકાઉન્ટ કેટલાક એવા લોકોને ફૉલો કરે છે જેઓ ફેક ન્યૂઝ ફેલાવે છે.

વડા પ્રધાનનું ટ્વીટર હેન્ડલ @narendramodi જેટલાં એકાઉન્ટને ફૉલો કરે છે તેમાંથી 56.2% ટકા એકાઉન્ટ વેરિફાઇડ નથી, એટલે એવા લોકો છે જેમની વિશ્વસનીયતા પર ટ્વિટરે બ્લૂ નિશાન સાથે મહોર લગાવી નથી, આ લોકો કોઈ પણ હોઈ શકે છે.

આ વેરિફિકેશન વિનાના એકાઉન્ટ્સમાં 61% ભાજપનો પ્રચાર કરે છે. આ એકાઉન્ટ ભાજપના દૃષ્ટિકોણને ટ્વિટર પર રાખે છે. જ્યારે

ભાજપનો દાવો એવો છે કે ટ્વિટર પર આ એકાઉન્ટ્સને ફૉલો કરીને વડા પ્રધાન સામાન્ય માણસો સાથે જોડાવાનું કામ કરે છે. જોકે, આ કોઈ સામાન્ય એકાઉન્ટ્સ નથી. આ એકાઉન્ટ્સના સરેરાશ ફૉલોઅર્સ 25,370 છે અને તેમણે 48,388 ટ્વીટ કર્યાં છે.

વડા પ્રધાન આ એકાઉન્ટસને ફૉલો કરીને તેમને એક પ્રકારે માન્યતા આપે છે, આમાંથી મોટાભાગના લોકો જેમને ટ્વિટરે માન્યતા નથી આપી, તેઓ પોતાના પરિચયમાં લખે છે કે દેશના વડા પ્રધાન તેમને ફૉલો કરે છે.

તેનાથી વિપરિત કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વેરીફિકેશન વગરનાં 11% એકાઉન્ટ્સને ફૉલો કરે છે. જ્યારે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલના મામલામાં આ આંકડો 37.7% છે.


ફેક ન્યૂઝ પર શું વિચારે છે સામાન્ય લોકો

Image copyright PA WIRE

બીબીસી વર્લ્ડ સર્વિસમાં ઑડિયન્સ રિસર્ચ વિભાગના પ્રમુખ ડૉક્ટર સાંતનુ ચક્રવતી કહે છે, "આ સંશોધનના કેન્દ્રમાં એ સવાલ છે કે સામાન્ય લોકો ફેક ન્યૂઝને કેમ ફેલાવી રહ્યા છે જ્યારે તેઓ ફેક ન્યૂઝના ફેલાવાને લઈને ચિંતિત હોવાનો દાવો કરે છે."

"આ રિપોર્ટ ઇન-ડેપ્થ ક્વૉલિટેટીવ અને નૃવંશ વિજ્ઞાનની ટેકનિકની સાથે સાથે ડિજિટલ નેટવર્ક ઍનાલિસિસ અને બિગ ડેટા ટેકનિકની મદદથી ભારત, કેનિયા અને નાઇજીરિયામાં અલગ-અલગ વિસ્તારોમાં ફેક ન્યૂઝને સમજવાનો પ્રયાસ કરે છે."

"આ દેશોમાં ફેક ન્યૂઝના ટેકનિકલ કેન્દ્રીત સામાજિક રૂપને સમજવાની આ પહેલી પરિયોજનાઓમાંની એક છે. હું આશા રાખું છું કે આ રિસર્ચમાં સામે આવેલી જાણકારીઓ ફેક ન્યૂઝ પર થનારી ચર્ચામાં ઊંડાણ અને સમજ પેદા કરશે અને સંશોધનકર્તા, વિશ્લેષ્કો, પત્રકારો આગળની તપાસમાં આ જાણકારીઓનો ઉપયોગ કરી શકશે."

બીબીસી વર્લ્ડ સર્વિસ ગ્રૂપના ડિરેક્ટર જેમી ઍન્ગસે કહે છે, "મીડિયામાં મોટાભાગનો વિચાર વિમર્શ પશ્ચિમના મીડિયામાં 'ફેક ન્યૂઝ' પર થયો છે"

"આ રિસર્ચ એ વાતની મજબૂત સાબિતી છે કે બાકી દુનિયામાં અનેક ગંભીર સમસ્યાઓ ઊભી થઈ રહી છે, જ્યાં સોશિયલ મીડિયા પર સમાચારો શેર કરતી વખતે રાષ્ટ્રનિર્માણનો વિચાર સત્ય પર હાવી થઈ રહ્યો છે."

"બીબીસીની બિયૉન્ડ ફેક ન્યૂઝ પહેલ ખોટી માહિતીઓના વિસ્તાર સાથે નીપટવામાં અમારી પ્રતિબદ્ધતા તરફનું એક મુખ્ય પગલું છે. આ કામ માટે આ રિસર્ચ નિ:શંકપણે જાણકારી ઉપલબ્ધ કરાવે છે."

ફેસબુક, ગૂગલ અને ટ્વિટર પોતાના મંચ પરથી આજે ફેક ન્યૂઝ વિશે ચર્ચા કરશે. આ સંશોધનાત્મક અહેવાલ પર આજે જ બીબીસી અમદાવાદ સહિત દેશના સાત શહેરોમાં જુદી જુદી ભાષાઓમાં ચર્ચા આયોજિત કરી રહ્યું છે.

દિલ્હીમાં આયોજિત ચર્ચાનું પ્રસારણ બીબીસી વર્લ્ડ સર્વિસ પર ભારતીય સમયાનુસાર રાત્રે સાડા નવ વાગ્યે કરવામાં આવશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ