ફેક ન્યૂઝ રોકવા ગુજરાત સરકાર કાયદો ઘડશે : નીતિન પટેલ

નીતિન પટેલ

બીબીસીના #BeyondFakeNews અભિયાન અંતર્ગત અમદાવાદના કાર્યક્રમમાં ગુજરાતના ઉપ-મુખ્ય મંત્રી નીતિન પટેલે કહ્યું કે ગુજરાત સરકાર ફેક ન્યૂઝ અંગે નવો કાયદો લાવવા માટે વિચારણા કરી રહી છે.

તેમણે કહ્યું કે ગત વિધાનસભા સત્રમાં અમે વિચારણા કરી હતી, કાયદા વિભાગ, ગૃહ વિભાગ, મુખ્ય મંત્રીશ્રી અમે બધાએ ચર્ચા કરી કે ફેક ન્યૂઝ રોકવા માટે અત્યારના કાયદા પૂરતા નથી.

નીતિન પટેલે કહ્યું, "કોઈની પ્રતિષ્ઠા, વેપાર-ધંધાને ફેક ન્યૂઝથી નુકસાન ન થાય તે માટે કાયદાકીય રીતે તેને અટકાવવા સરકાર વિચારી રહી છે."

"આવા મામલામાં કડકમાં કડક કાયદેસર કાર્યવાહી કરી શકાય તે માટે બીબીસીના માધ્યમથી કહેવા માગુ છું કે આ મામલે સરકાર ગંભીર છે અને કાયદો લાવવા વિચારણા કરી રહી છે."


'આટલી ટેકનૉલૉજી ન હતી ત્યારે પણ ફેક ન્યૂઝ ફેલાતા'

નીતિન પટેલે કહ્યું કે પહેલાંના સમયમાં આજના જેવી ટેકનૉલૉજી ન હતી ત્યારે પણ ફેક ન્યૂઝ ફેલાતા હતા.

તેમણે કહ્યું, "જગન્નાથ ભગવાનના રથ ઉપર ફલાણા સ્થળે હુમલો થયો છે, જ્યારે આટલી ટેકનૉલૉજી ન હતી ત્યારે પણ અડધા કલાકમાં આખા ગુજરાતમાં આ અફવા ફેલાઈ જતી હતી."

"નવ નિર્માણ આંદોલન, બાબરીધ્વંશ અને દૂધ પીતા ગણપતિની અફવાઓ પણ આ રીતે જ ફેલાઈ હતી."

"આવી અફવાઓ વાયુવેગે ફેલાતી હતી જે બાદ સરકારે અખબારો અને રેડિયો દ્વારા સ્પષ્ટતા કરવી પડતી હતી."

તેમણે કહ્યું કે હાલ ખોટા સમાચાર ફેલાવવામાં અત્યારની ટેકનૉલૉજી એટલી મદદરૂપ થઈ રહી છે, જેની આપણે કલ્પના ના કરી શકીએ.

"હું અત્યારે અહીં બેસીને જે બોલું છું તેને કમ્પ્યૂટર દ્વારા નીતિનભાઈએ બીબીસીના કાર્યક્રમમાં આવું કહ્યું કહીને ખોટી રીતે મારા નિવેદનને રજૂ કરી શકાય છે."

"આ બધું ખૂબ ઝડપથી થઈ રહ્યું છે, કોઈ પણ બાબતમાં શક્તિનો સદ્ઉપયોગ અને ગેરઉપયોગ બંને થઈ શકે છે."


'હવે અફવાઓ વ્યક્તિગત થઈ ગઈ છે'

નીતિન પટેલે કહ્યું કે અગાઉ અફવાઓ સામૂહિક હતી અને વ્યક્તિગત થઈ રહી છે.

તેમણે કહ્યું, "લોકોને ટેકનૉલૉજીનું મજબૂત માધ્યમ પ્રાપ્ત થયું છે. હવે કોઈપણને ભોગ બનાવવા હોય તો વ્યક્તિગત રીતે સહેલું થઈ ગયું છે."

"જે વ્યક્તિથી વ્યક્તિ, પરિવારથી પરિવાર અને બિઝનેસથી બિઝનેસની રીતે નુકસાન કરી શકે છે."

"સરકાર પાસે તો આ મામલે ખુલાસા કરવાની વ્યવસ્થા છે, પરંતુ કોઈ વ્યક્તિ પાસે ખુલાસો કરવાની વ્યવસ્થા હોતી નથી. "

એટલે સરકાર ફેક ન્યૂઝ મામલે ગંભીર છે અને કાયદો લાવવા માટે વિચારણા કરી રહી છે.


યૂપીમાં ફેક ન્યૂઝ સામે કાયદો નહીં

ફોટો લાઈન યુપીના નાયબમુખ્ય મંત્રી દિનેશ શર્મા (જમણે) બીબીસી હિંદીના સંપાદક મુકેશ શર્મા સાથે

ઉત્તર પ્રદેશના લખનૌ ખાતે આયોજિત ફેક ન્યૂઝના કાર્યક્રમમાં ઉપ-મુખ્ય મંત્રી દિનેશ શર્માએ કહ્યું કે સમાચાર પહેલાં બ્રેક કરવાની હોડમાં ચૅનલોની વિશ્વસનીયતા ખોવાઈ રહી છે. જોકે, જેનો એવો અર્થ નથી કે તમામ લોકો ફેક ન્યૂઝ ફેલાવી રહ્યા છે.

તેમણે કહ્યું, "ફેક ન્યૂઝના પડકારોનો સામનો કરવા સરકાર પાસે કાયદો બનાવવાનો વિકલ્પ છે, પણ જો આવું કરશે તો મીડિયાની સ્વતંત્રતા સીમિત કરવા અંગેના પ્રશ્નો ઊભા થશે."

શર્માએ ઉમેર્યું કે આ યુગમાં સોશિયલ મીડિયાએ પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રૉનિક મીડિયાની પાછળ રાખી દીધાં છે. ફેક ન્યૂઝનો સામનો કરવાના બે જ રસ્તા છે. પહેલો રસ્તો એ કે સરકાર જાગૃત થાય અને બીજો રસ્તો એ કે સરકાર કાયદો બનાવે.


ફેક ન્યૂઝ અંગે બીબીસીનું રિસર્ચ

Image copyright Getty Images

બીબીસીએ ભારત, કેનિયા અને નાઇજીરિયામાં એક ઊંડું અધ્યયન કર્યું છે. આ રિપોર્ટ ખૂબ ઊંડાણપૂર્વક સમજાવે છે કે એનક્રિપ્ટેડ ચૅટ ઍપ્સમાં ફેક ન્યૂઝ કેવી રીતે ફેલાય છે. સમાચારોને શેર કરવામાં ભાવનાત્મક બાબતોનું ભારે યોગદાન છે.

આ રિસર્ચમાં જાણવા મળ્યું છે કે લોકો રાષ્ટ્ર નિર્માણના ઉદ્દેશોની સાથે રાષ્ટ્રવાદી સંદેશાવાળા ફેક ન્યૂઝ શેર કરી રહ્યા છે અને રાષ્ટ્રીય ઓળખાણનો પ્રભાવ સમાચારો સાથે જોડાયેલાં તથ્યોની તપાસની જરૂરિયાત પર ભારે પડી રહ્યો છે.

આ જાણકારી સામાન્ય લોકોના દૃષ્ટિકોણથી ફેક ન્યૂઝના ફેલાવાનું વિશ્લેષણ કરતા પ્રકાશિત કરવામાં આવેલા એક અધ્યયનમાં સામે આવી છે.

આ રિપોર્ટ ટ્વિટરના નેટવર્કની તપાસ કરીને પૃથ્થકરણ કરે છે કે લોકો એનક્રિપ્ટેડ મૅસેજિંગ ઍપ્સમાં કેવી રીતે મૅસેજનું આદાન-પ્રદાન કરે છે.

બીબીસી માટે આ વિશ્લેષણ કરવું ત્યારે સંભવ બન્યું જ્યારે મોબાઇલધારકોએ બીબીસીને તેમના ફોનની તપાસ કરવા માટે અધિકાર આપ્યો.

આ રિસર્ચ ખોટી માહિતી સામે એક આંતરરાષ્ટ્રીય પહેલ, બિયૉન્ડ ફેક ન્યૂઝ પ્રોજેક્ટના એક અંગના રૂપમાં સામે આવી રહ્યું છે, જે આજે લૉન્ચ થઈ રહ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો