ગ્રાઉન્ડ રિપોર્ટ : ભારતમાં આ ગામના લોકો પાસે બે ચૂંટણીકાર્ડ અને બે રાજ્યની નાગરિકતા છે

દેવુબાઈ કામ્બલે

આ વિસ્તારના 14 ગામના લોકો તેલંગણા અને મહારાષ્ટ્ર એમ બન્ને રાજ્યની સીમા હેઠળ આવે છે. તેમની પાસે બે વોટર કાર્ડ, બે કાસ્ટ સર્ટિફિકેટ છે. એટલું જ નહીં આ લોકોને બન્ને રાજ્યની સરકારી યોજનાઓના લાભ પણ મળે છે. આમ છતાં આ લોકો પાસે પોતાની જમીન જેવું કંઈ નથી.

પ્રમદોલી, કોટા, શંકરલોડ્ડી, મુકાદમગુડા, લેન્ડિગુડા, ઇશાપુર, મહારાજગુડા, અંતાપુર, ભોલાપુર, ગોવરી, લેન્ડિજલા, લખ્માપુર, જનકપુર અને પદ્માવતી આ 14 ગામ બન્ને રાજ્યની વચ્ચે વિવાદનો મુદ્દો બનતા અટવાયા છે.

આ ગામ તેલંગણાના અસીફાબાદ જિલ્લાના કેરામેલી મંડલ તાલુકા અને મહારાષ્ટ્રના જંદ્રાપુર જિલ્લાના જિવિતી તાલુકા વચ્ચે આવે છે.

તેલંગણામાં આગામી સમયમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ સંર્દર્બે બીબીસી તેલુગુનાં રિપોર્ટર દિપ્તિ બતિનીએ આ ગામોની મુલાકાત લીધી અને અહીંના લોકોની પરિસ્થિતિ જાણવાનો પ્રયત્ન કર્યો.

આ ગામોની કુલ વસતિ 3819 છે, જેમાં લંબાડા આદિવાસીઓ અને મરાઠી ભાષા બોલતી અનુસૂચિત જાતિનો સમાવેશ થાય છે.

મહારાષ્ટ્રની સરકાર લંબાડા આદિવાસીઓને વિચરતી (જેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા હોય) લોકની યાદીમાં ઉમેર્યા છે જ્યારે તેલંગણાની સરકારે આ લોકોને અનુસુચિત જાતિમાં ઉમેર્યા છે.

ગામલોકોની ફરિયાદ છે કે રાજનેતાઓ માત્ર ચૂંટણી દરમિયાન જ ત્યાં આવે છે.

આ ગામના લોકો બન્ને રાજ્યના ધારાસભ્ય અને સંસદસભ્યની ચૂંટણીમાં ભાગ લે છે અને વોટ પણ આપે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

પ્રમદોલી ગામની એક વ્યક્તિએ કહ્યું, "ચૂંટણી દરમિયાન જ નેતાઓ અહીં આવે છે એટલા માટે હવે અમે અમારી માગણીઓને તેમની સમક્ષ ગંભીરતાપૂર્વક રજૂ કરવાના છે."

ઉલ્લેખનીય છે કે આ દરેક ગામને બન્ને રાજ્યની સરકાર ચલાવે છે.

પોતાની જાતિમાં કોઈપણ પ્રકારનો ફેરફાર ન ઇચ્છતા એક ગ્રામજને કહ્યું, "સરપચંની ભલામણથી અમને તેલંગણા સરકાર તરફથી જાતિનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું."


ગામ કેવી રીતે બન્યું વિવાદનું કારણ?

ફેબ્રુઆરી 1983માં આંધ્ર પ્રદેશ અને મહારાષ્ટ્રની સરકાર દ્વારા સંયુક્ત બેઠકનું આયોજન કરાયું હતું.

બેઠકમાં નિર્ણય લેવાયો કે આ ગામો અગાઉના આંધ્ર પ્રદેશમાં આવતા અને હવે તેલંગણાના અદિલાબાદ તાલુકાની સીમા હેઠળ આવે છે.

ત્યારબાદ મહારાષ્ટ્રના રાજુરા મતક્ષેત્રના સભ્ય વામનરાવ ચાતપે મુદ્દે ઉઠાવ્યો કે આ ગામોને આંધ્ર પ્રદેશને ખોટી રીતે આપવામાં આવ્યા છે.

વામન રાવ કહે છે, "મેં સંસદમાં આ મુદ્દો ઉઠાવ્યો કે રાજ્ય સરકાર પાસે આ ગામો અનુસંધાને નિર્ણય લેવાનો અધિકાર નથી. આ વિવાદિત ગામના લોકો મરાઠી ભાષા બોલે છે."

જોકે, આંધ્ર પ્રદેશમાં ભેળવવાના મુદ્દાને લઈને આ ગામોના લોકોએ 1991ની ચૂંટણીનો પણ બહિષ્કાર કર્યો હતો.

પ્રમદોલી ગામના લક્ષ્મણ કામ્બલે કહે છે, "અમે બધા મરાઠી ભાષા બોલીએ છીએ અને સરાકરે અમને આંધ્ર પ્રદેશમાં ભેળવાનો નિર્ણય લીધો. એટલા માટે અમે 1991માં ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. પરંતુ ,ત્યારથી અમે બન્ને રાજ્ય માટે મત આપી રહ્યા છીએ."

વામનરાવ ચાતપ કહે છે, "વર્ષ 1996માં મહારાષ્ટ્ર સરકારે 13 ગામોને આંધ્ર પ્રદેશમાં ભેળવી દેવાનો આદેશ આપતો પત્ર જાહેર કર્યો હતો."

જોકે, 1996માં ભાજપ-શિવસેના સરકારે આ આદેશને રદ કરી નાખ્યો હતો. એ જ વર્ષે આંધ્ર પ્રદેશ સરકાર આ મુદ્દે કોર્ટમાં પહોંચી હતી.

કોર્ટે આંધ્ર પ્રદેશના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો. ત્યારબાદ મહારાષ્ટ્ર સરકારે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો.

સુપ્રીમ કોર્ટે આંધ્ર પ્રદેશ સરકારને તેમની અરજી પરત લેવાનો આદેશ કર્યો હતો. ત્યારબાદ આંધ્ર પ્રદેશ હાઈ કોર્ટે તેના આદેશ કહ્યું હતું કે બંધારણના અનુચ્છેદ 131 અંતર્ગત લોકો સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે અરજી કરી શકે છે.

ઉચ્ચ અદાલતે એવું પણ જણાવ્યું હતું કે જ્યાં સુધી આ મુદ્દે કોઈ નિર્ણય ના આવે ત્યાં સુધી આ ગામલોકોની કાળજી લેવાનું કામ બન્ને રાજ્યની સરકારો કરશે.


ગામલોકો શું ઇચ્છે છે?

ગામલોકો ગમે તેવી રીતે આ મુશ્કેલીમાંથી નીકળવા માગે છે.

મુકાદમગુડા ગામના રહેવાસી ગણેશ રાઠોડ કહે છે, "અમારામાંથી અમુકને બન્ને રાજ્ય તરફથી કૃષિ લૉન મળી છે. અમુકને તો તેલંગણા સરકાર તરફથી 'રાયથુ બંધુ' અંતર્ગત ચેક પણ મળ્યા છે."

"તેલંગણા સરકાર ખેડૂતોને વર્ષમાં બે પાક લેવા માટે કૃષિ લૉન આપે છે."

ખેડૂતોની આ જમીન વન વિભાગના તાબા હેઠળ આવે છે એટલા માટે અહીંના ખેડૂતોનો તેમની પર માલિકીનો હક નથી.

કેરામેરી પંચાયતના સચિવ રમેશ કહે છે, "આદિવાસીઓને છોડતા અન્ય લોકોને આ જગ્યાની માલિકી નથી સોંપવામાં આવી."

"પ્રમદોલીના 121 અને અંતાપુરના 150 ખેડૂતોને 'રાયથુ બંધુ' યોજના હેઠળ ખરીફ પાક માટે ચેકનું વિતરણ કરવામાં આવ્યું છે."

પહેલાં તેલંગણા રાજ્ય અને હવે આંધ્ર પ્રદેશ રાજ્યથી સરપંચ પદે રહેનારા લક્ષ્મણ કામ્બલે કહે છે, "અમારી પરિસ્થિતિમાં કોઈ ફેરફાર નથી આવ્યો. જે રાજ્ય અમને જમીન આપશે અમે તેમની સાથે જઈશું, પરંતુ ત્યાં સુધી અમારે આ પરિસ્થિતિને સમય પર છોડી દેવી પડશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ