એ ગુજરાતી લેખક જેમણે આત્મકથા લખીને જાતે ફાડી નાખી હતી

Image copyright facebook/Shakeel Kadari
ફોટો લાઈન 1949ની આ તસવીરમાં ડાબેથી પાંચમાં ક્રમે રાવજી પટેલ ગઝલકાર અઝીઝ કાદરી અને મહેબૂબ સાલેરી સાથે બેઠા છે.

'મારી આંખે કુંકુના સૂરજ આથમ્યા...

મારી વે'લ શંગારો વીરા, શગને સંકોરો'

એ દિવસે રાવજીએ થોડા દિવસો પહેલાં જ રચેલું આ ગીત ફરીથી યાદ કરીને પોતાના ભાઈ રમણને લખાવ્યું હતું.

રાવજી આછી હાંફ વચ્ચેય લગ્નગીતના લયમાં ગાવા મથતા હતા અને ભાઈ રમેશ આ ગીત લખી રહ્યા હતા.

ગુજરાતી ભાષાના કવિ રાવજી પટેલ જે ગીતને લગ્નગીતમાં ગાવા માટે મથતા હતા એ 'મૃત્યુ ગીત' હતું.

કોઈ વળી મૃત્યુ ગીતને લગ્ન ગીતના ઢાળમાં લખે અને એ પણ એ વખતે જ્યારે તેમને ખબર હોય કે તેઓ હવે લાંબું જીવી શકવાના નથી.

એવું તો રાવજીના જીવનમાં શું હતું કે તેના મૃત્યુથી 'મોત પોતે અનાથ થયું' હતું? કોણ હતા એ રાવજી જે મૃત્યુ ગીતને લગ્ન ગીતના ઢાળમાં ગાવાનું ખમીર રાખતા હતા.


પીડાને પ્રેમ તરીકે સ્વીકારનાર રાવજી

Image copyright Mahesh Sparsh
ફોટો લાઈન રાવજી પટેલની ડાકોર સ્થિત પ્રતિમા

રાવજી ગુજરાતી ભાષાના કવિ ઉપરાંત વાર્તાકાર અને નવલકથાકાર પણ હતા.

તેમનું વતન વલ્લવપુરા ડાકોર પાસે આવેલું છે. 1939માં 15 નવેમ્બરે જન્મ થયો અને 10 ઑગસ્ટ 1968માં તેમનું અવસાન થયું હતું.

રાવજી માત્ર અઠ્ઠાવીસ વર્ષ જેટલું જીવ્યા અને એ દરમિયાન તેમણે નવલકથા, ટૂંકી વાર્તા અને કવિતા જેવા વિવિધ રૂપે સાહિત્યનું સર્જન કર્યું.

રાવજીનો એકમાત્ર કાવ્ય સંગ્રહ 'અંગત' અને અધૂરી નવલકથા 'વૃત્તિ'(થોડીક વાર્તાઓ સાથે) તેમના મૃત્યુ બાદ પ્રકાશિત થયાં હતાં.

તમે આ વાંચ્યું કે નહીં?

રાવજીનાં કાવ્યોમાં તેની પીડા પ્રગટ થાય છે પણ મણિલાલ હ. પટેલ કહે છે એમ 'તેમણે દુઃખ કે અભાવો માટે ક્યારેય આહ નથી કાઢી.'

રાવજીએ પીડાને પ્રેમ અને વેદનાને વ્હાલ તરીકે સ્વીકારી છે.

રાવજી પોતાની કવિતામાં જાણે કે મૃત્યુનો સ્વીકાર કરતો હોય એવું લાગે છે.


જયારે ડૉક્ટરે કહ્યું કે છ મહિના જ જીવશો

Image copyright Facebook/Rajesh Vankar
ફોટો લાઈન રાવજીએ પિતાને લખેલા પત્રની નકલ

"પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા;

ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ"

આ પંક્તિઓમાં જાણે રાવજી પોતાની વાત કરતા હોય એમ લાગે છે.

રાવજીની જિંદગી તો હજું માંડ શરૂ થઈ હતી, ત્યાં ખબર ખબર પડી કે તેને ક્ષયની બીમારી છે.

'રાવજી પટેલનાં કાવ્યો' પુસ્તકમાં રઘુવીર ચૌધરી લખે છે કે ડૉક્ટરે તપાસ કરીને કહી દીધું - 'છ માસ જીવશો.' રાવજીથી એ માની શકાય એમ ન હતું.

તેઓ આગળ લખે છે, "...પુત્રીનો જન્મ થયો હતો. હજી બી.એ. થવું હતું અને કૉલેજમાં પ્રોફેસર થવું હતું."

"રમણ અને બીજા ભાઈઓને ભણાવવાના હતા. વીસ વીઘામાંથી ગીરો મુકાઈ ગયેલી દસ વીઘા જમીન છોડાવવાની હતી."

"ખેતી કરતા પિતાજીનો ભાર ઓછો કરવો હતો. રાવજીએ એ ડૉક્ટરની વાત છેક સુધી સાચી ન જ માની અને એ પછી તો ચાર વર્ષ જીવ્યા."


હૉસ્પિટલો જ યુનિવર્સિટી બની

Image copyright Mahesh Sparsh
ફોટો લાઈન ડાકોર સ્થિત રાવજીનું સ્મારક

રાવજીને ક્ષય થયો ત્યારબાદ તેમણે વધારે બુલંદ અવાજે લખવાનું શરૂ કર્યું.

હૉસ્પિટલોમાં અનેક પ્રકારના અનુભવો થયા અને અનુભવોએ રાવજીને ઘડવાનું કામ કર્યું. જે તેમની કૃતિઓમાં દેખાઈ આવે છે.

રાવજી પટેલના મૃત્યુ બાદ તેમની અપ્રકાશિત સાહિત્ય સામગ્રીને પ્રકાશિત કરનાર રઘુવીર ચૌધરી રાવજીના મિત્ર પણ હતા.

તેમણે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું, "રાવજી નાની વયથી લખતા હતા પણ બીમારી વહેલી શરૂ થયેલી અને તબિયત સારી નહોતી એ વખતે પણ રાવજી લખવા પ્રત્યે સભાન હતા."

'મોલ ભરેલું ખેતર' નામથી મણિલાલ હ. પટેલે રાવજીનું જીવનચરિત્ર લખ્યું છે.

પુસ્તકમાં મણિલાલ લખે છે, "રાવજીના જીવનમાં જે વેદનારૂપ હતું તે સર્જનમાં વરદાન રૂપે કામ લાગે છે."

"જીવનની પાઠશાળામાં અને ગ્રામપ્રકૃતિના પ્રાંગણમાં એ જે શીખ્યા તે બીજે કશેથી મળવાનું નહોતું."

તેઓ આગળ ઉમેરે છે કે સંબંધ પીડાઓ સાથે એણે રુગ્ણાલયોમાં જે વેઠ્યું એ જ એની મૂડી બની રહે છે.


ક્ષયની સારવાર વખતે પહેલી નવલકથા લખી

Image copyright facebook/ગુજરાતી સાહિત્યકારો
ફોટો લાઈન રાવજીની નવલકથા 'અશ્રુઘર'

રાવજીની ક્ષયની સારવાર શરૂ થાય છે, ત્યારબાદ તેઓ પહેલી નવલકથા 'અશ્રુઘર' લખે છે. જે 1966માં પ્રકાશિત થાય છે.

રાવજીએ 'અશ્રુઘર' સારવાર દરમિયાન લખી હોવાનો એક સંદર્ભ એવો પણ છે કે 'અશ્રુઘર'ના નાયક સત્યને ટીબી પેશન્ટ તરીકે આલેખ્યો છે અને સત્ય કવિ પણ છે.

'અશ્રુઘર'માં ઉલ્લેખ છે કે, સત્ય આણંદના સેનટોરિયમમા સારવાર લે છે.

આ એ જ જગ્યા છે જ્યાં રાવજી ક્ષયના ઇલાજ માટે દાખલ થયા હતા.

એટલે અહીં જ સારવાર દરમિયાન રાવજીએ આ નવલકથા લખી હોવાની શક્યતા વધારે છે.

મણિલાલ હ. પટેલ લખે છે, "પોતાના આ દર્દીના વર્તમાન જીવનને રાવજીએ અહીં બેસીને 'અશ્રુઘર' નામની લઘુનવલમાં આલેખ્યું છે."

"અશ્રુઘરનો સત્ય - આપણે જો રાવજીનું જીવન જાણતા હોઈએ તો રાવજી જ લાગે."

મણિલાલ 'અશ્રુઘર'ને 'આત્મકથનાત્મકતાની નજીક સરી જતી કૃતિ' ગણાવે છે.


પીડા વચ્ચે પણ નવલકથા માટે મથતા રહેતા

Image copyright Mahesh Sparsh
ફોટો લાઈન રાવજીના સ્મારકની તસવીર

રાવજીને સારવાર માટે મુંબઈ લઈ ગયા એ દરમિયાન તેઓ 'ઝંઝા' લખતા હતા.

રાવજી પીડા વચ્ચે પણ લખવાનું કામ ચાલુ જ રાખતા હતા. પીડાને ભૂલવા માટે તેઓ લખતા હતા કે પછી પીડાને પોતાના સર્જનમાં ઠાલવતા હતા એ ખબર નથી.

પણ રાવજી પોતાની ક્ષયની પીડા વચ્ચે પણ પોતાની કૃતિ માટે કેટલા ચેતન હતા એનો ખ્યાલ 'મોલ ભરેલું ખેતર'માં ટાંકેલા આ પ્રસંગથી આવે છે.

'ઝંઝા' લખાઈ ત્યારે રાતે ચિનુ મોદીના ઘરે જઈને કહે છે, "નવલકથા પૂરી થઈ ગઈ છે તે લઈ આવ્યો છું...!"

ચિનુ મોદી કહે છે, "મૂકીને જા કાલે વાંચી લઈશ."

રાવજી કહે છે, "નહીં અત્યારે જ વાંચવી છે...! ને સવાર સુધી આખી નવલકથા ઝંઝા વાંચી સંભળાવે છે."

રાવજીના આવા અનેક પ્રસંગો ટાંક્યા છે.


રાવજીની અધૂરી નવલકથા

Image copyright Provided by Bhikhesh Bhatt
ફોટો લાઈન રાવજી પટેલની કવિતા તેમના જ હસ્તાક્ષરમાં

રાવજીએ તેમની આ ત્રીજી નવલકથાનું નામ પાડી રાખ્યું હતું. એનાં આઠેક પ્રકરણ તેઓ લખી શક્યા પણ નવલકથા રાવજીના મૃત્યુ સાથે અધૂરી રહી ગઈ હતી.

રાવજીની અધૂરી નવલકથા રાવજીના મૃત્યુના દસ વર્ષ બાદ 'વૃત્તિ' રાવજીની અગિયાર ટૂંકી વાર્તાઓ સાથે પ્રકાશિત થઈ હતી.

'રાવજી એટલે રાવજી'માં રઘુવીર ચૌધરી લખે છે, "વૃત્તિનાં થોડાં પાનાં લખ્યાં હશે ત્યાં એક સાંજે વળી ગળફામાં લોહી દેખાયું. ડાયરી-આત્મકથાનાં પાનાં તેમણે જાતે જ ફાડી નાંખ્યા હતાં"

સારવાર માટે રાવજીના મિત્રો તેમને અમરગઢ-ઝીંથરીના ક્ષયનિવારણ કેન્દ્રમાં દાખલ કરે છે.

આ દરમિયાન તેઓ ભાઈ રમણને 2-11-1967એ લખેલા પત્રમાં તેઓ 'કાપુરુષ' નવલકથા પૂરી થઈ ગઈ હોવાનો ઉલ્લેખ કરે છે પણ આ નવલકથા કે તેની હસ્તપ્રત મળતી નથી.

આણંદ સેનેટોરિયમમાં રાવજીએ પોતાની ડાયરી-આત્મકથા પણ લખી હતી. જેના વિશેનો ઉલ્લેખ મણિલાલ હ. પટેલે પણ કર્યો છે.

તેઓ લખે છે, "'અશ્રુઘર' પછી તેમણે 141 પાનાંની ડાયરી-આત્મકથા લખીને ફાડી નાખેલી અને એનો વસવસો કરે છે ને મળવા આવેલા ગુલાબદાસ બ્રોકરને કહે છે, "બ્રોકરસાહેબ મારે જીવવું છે-ટચલી આંગળીના નખ સુધી!"


આખી રાત જાગીને મૃત્યુ વિશે લખ્યા કર્યું

Image copyright facebook/Yogesh Nimbark

રાવજી પોતાના અંતિમ વખતમાં જ્યારે અમદાવાદની વી. એસ. હૉસ્પિટલમાં સારવાર લેતા હતા. ત્યારે તેમની માનસિક સ્થિતિ અસ્થિર થઈ ગઈ હતી.

તેઓ વોર્ડમાં નિર્વસ્ત્ર થઈને દોડવા લાગતા એવો ઉલ્લેખ તો ઘણાં પુસ્તકોમાં કરાયો છે.

રઘુવીર ચૌધરી લખે છે, "છેલ્લીવારના ગાંડપણનું દેખીતું કારણ કદાચ એણે આખી રાત જાગીને મૃત્યુ વિશે લખ્યા કર્યું એ હોય."

"એના અક્ષર દાણા જેવા હોય પણ તે રાતે લખ્યું છે એમાં અક્ષર ડહોળાઈ ગયા છે."

એ રાતે રાવજી લખે છે કે મને એમ થયું કે હું મરી ગયો છું અને મને બાળી નાખે છે, બળી ગયા પછી તો જગત સાથેના બધા જ કૉન્ટેક્ટ્સ કપાઈ જાય છે. હું, હું નથી રહેતો, તમે, તમે નથી રહેતા. તમે મને ગાંડો કહેશો, હું તમને ડાહ્યા સમજીશ.

જેના મૃત્યુથી 'મોત પોતે અનાથ થયું'!

"દેહમાં પુરાયલું અસ્તિત્વ આ

ગમતું નથી.

મને કોઈ રાવજીથી ઓળખે

એય હવે ગમતું નથી."

આ રાવજીની જ પંક્તિઓ છે. જે તેમણે તા. 15-11-1963 શીર્ષક હેઠળ લખી હતી.

રાવજીની કવિતામાં પીડા છલકાય છે પણ એ મૃત્યુથી ડરતો નથી, રાવજીને જિજીવિષા પણ છે.

સુરેશ જોષીએ પણ રાવજીને અંજલી આપી છે.

તેઓ લખે છે, "રાવજી જીવિત હતો ત્યારે મૃત્યુ સાથે પ્રેમીને જેમ ઝઘડતો હતો... જ્યારે રાવજીનું મૃત્યુ થયું ત્યારે મોત પોતે અનાથ થયું હતું"

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ