ભીમા-કોરેગાંવ મામલો : પુણે પોલીસે વરવરા રાવની ધરપકડ કરી

વરવરા રાવ Image copyright AFP/GETTY IMAGES

સામાજિક કાર્યકર વરવરા રાવની પુણે પોલીસે ધરપકડ કરી છે. હૈદરાબાદમાં તેમના ઘરેથી તેમની ધરપકડ કરાઈ હોવાની પુષ્ટિ તેમના પરિવારે કરી છે.

રાવના કુટુંબીજને બીબીસી સંવાદદાતા દીપ્તિ બત્તિનીને જણાવ્યું કે પોલીસે તેમને કહ્યું કે રાવને રાત 11 : 00 વાગ્યાની ફ્લાઇટથી પુણે લઈ જવાશે અને મૅજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરાશે.

મહત્ત્વપૂર્ણ છે કે 29 ઑગષ્ટથી જ રાવ અને તેમનો પરિવાર ઘરમાં નજરકેદ હતો.

રાવના વકીલે હૈદરાબાદ હાઈકોર્ટમાં પુણે પોલીસ દ્વારા રજૂ કરાયેલા ટ્રાન્ઝિટ વૉરન્ટને પડકાર્યો છે.

વકીલનું કહેવું છે કે વૉરન્ટ મરાઠીમાં હતો અને એટલે તેને રદ કરી દેવો જોઈએ.

જોકે, કોર્ટે રાવના વકીલના તર્કોને સાંભળવાનો ઇન્કાર કરી દીધો હતો. જે બાદ શનિવાર સાંજે રાવની ધરપકડ કરવામાં આવી હતી.

રાવના ભત્રીજા વેણુગોપાલનું કહેવું છે, ''આ ગેરકાયદે પગલું છે. શુક્રવારે કોર્ટે આ ટ્રાન્ઝીટ વૉરંટ પર ધ્યાન નહોતું આપ્યું કારણ કે તેની મુદ્દત પૂરી થઈ ગઈ હતી. જ્યારે મુદ્દત જ પૂરી થઈ ગઈ હોય તો તેના આધારે કોઈની ધરપકડ કઈ રીતે કરી શકાય?''

''શનિવાર સાંજે પુણે પોલીસ આવી હતી. ના તો તેમની પાસે કોઈ નવું વૉરન્ટ હતું કે ના હાઈકોર્ટનો કોઈ આદેશ. પોલીસનું કહેવું હતું કે આ માટે કોઈ દસ્તાવેજની જરૂર નથી. આ ગેરકાયદે કામ છે, જે પોલીસે કર્યું છે.''


ભીમા-કોરેગાંવ હિંસા સંબંધિત મામલો

મહારાષ્ટ્રના ભીમા કોરેગાંવ ખાતે ગત વર્ષે ડિસેમ્બર મહિનામા હિંસા ફાટી નીકળી હતી.

જે સંદર્ભે પાંચ સામાજિક કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી એક રાવ પણ હતા.

જ્યારે અન્ય કાર્યકરોમાં સુધા ભારદ્વાજ, ગૌતમ નવલખા, વરનૉન ગૉન્ઝાલ્વિઝ અને અરુણ ફરેરાની દેશના અલગઅલગ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

તેમની ધરપકડને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. જે બાદ કોર્ટે તેમને નજરકેદ રાખવાનો આદેશ આપ્યો હતો.

એલગાર પરિષદમાં ઉશ્કેરણી જનક ભાષણ આપીને દલિત બૌદ્ધિકો અને ડાબેરી કાર્યકરોએ આ હિંસા ભડકાવી હોવાનો પોલીસ આરોપ લગાવ્યો હતો.

આ વિશે વધુ વાંચો

જેને પગલે જૂન માસમાં રોના વિલ્સન, સુધીર ધાવલે, સુધિન્દ્ર ગડલિંગ, પ્રો. સોમાસેન, મહેશ રાઉત જેવા સામાજિક કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી.

એ ધરપકડ દરમિયાન રોના વિલ્સનના ઘરે મોદીની હત્યા કરવાના કથિત ષડ્યંત્રનો ઉલ્લેખ કરતો પત્ર મળ્યો હોવાનો પોલીસે દાવો કર્યો હતો.

પોલીસના દાવા અનુસાર એ પત્ર માઓવાદીઓએ લખ્યો હતો અને રાવને એ ષડયંત્રના કથિત સુત્રધાર હતા. જોકે, રાવે એ પત્રને બનાવટી ગણાવ્યો હતો.

પત્રને બનાવટી ગણાવનારા માત્ર રાવ જ નહોતા. કોંગ્રેસના નેતા સંજય નિરુપમ સહિત કેટલાય માનવાધિકાર સંગઠનો અને સામજિક કાર્યકરોએ પણ પત્ર પર સવાલ ઊભા કર્યા હતા.

તેમના મતે ઘટી રહેલી લોકપ્રિયતા વધારવા અને સહાનુભૂતિ મેળવવા મોદી સરકારે એ તરકટ રચ્યું હતું.


લેખક, કવિ અને સંગઠનના સ્થાપક વરવરા રાવ

Image copyright Sukhcharan Preet

તેલંગણાસ્થિત પેંડ્યાલા વરવરા રાવ ડાબેરીઓ પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે.

તેઓ લેખક, કવિ અને વિરાસમ તરીકે પણ ઓળખાતા વિપ્લવ રચયતાલા સંઘમ(ક્રાંતિકારી લેખક સંગઠન)ના સ્થાપક પણ છે.

તેઓ વારંગલ જિલ્લાના ચીના પેન્ડ્યાલા ગામના વતની છે.

કટોકટી વખતે ષડયંત્રના અનેક આરોપસર તેમની ધરપકડ કરવામાં આવી હતી પણ બાદમાં તેમને મુક્ત કરવામાં આવ્યા હતા.

રામનગર ષડયંત્ર કેસ અને સિકંદરાબાદ ષડયંત્ર કેસ સહિતના 20થી વધુ કેસમાં તેમની તપાસ કરવામાં આવી હતી.

રાજ્યમાં માઓવાદી હિંસા પર પૂર્ણવિરામ મૂકવા માટે ચંદ્રાબાબુ નાયડુ સરકારે માઓવાદીઓ સાથે 2002માં મંત્રણા કરી ત્યારે તેમણે લોકકવિ ગદરની સાથે મધ્યસ્થીની ભૂમિકા ભજવી હતી.

વાય. એસ. રાજશેખર રેડ્ડીએ માઓવાદીઓ સાથે મંત્રણા કરી ત્યારે પણ તેમણે મધ્યસ્થી તરીકે કામ કર્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ