ફાયર સેફ્ટી મામલે શાળાઓ આટલી ઉદાસીન કેમ?

આગ Image copyright Getty Images

સુરતમાં એક બિલ્ડિંગમાં લાગેલી આગમાં 22 બાળકોનાં મોત થયાં છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રવિવારે ગુજરાતની મુલાકાત સમયે એક સભામાં તેમના ભાષણની શરૂઆત આ ઘટનાનો ઉલ્લેખ કરતાં કરી હતી. તેમણે મૃત બાળકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

સુરતની આ આગે હાલ શૈક્ષણિક સંસ્થાનો અને અન્ય સંસ્થાનો કે બિલ્ડિંગોમાં ફાયર સેફટી મામલે ગુજરાતને સફાળું જાગતું કર્યું છે.

બાળકોનાં મોત બાદ રાજ્ય સરકાર સક્રિય થઈ અને રાજ્યના ટ્યુશન ક્લાસોમાં ફાયર સેફ્ટીની સુવિધા છે કે નહીં તે ચકાસવાના આદેશ આપ્યા. કેટલાક સમય સુધી ટ્યુશન ક્લાસોને બંધ કરવાના આદેશ પણ આપવામાં આવ્યા હતા.

ફાયર સેફ્ટી વિના ચાલતા આવા ક્લાસ અને શાળાઓને તુરંત સર્ટિફિકેટલ લઈ લેવાના આદેશ પણ અપાયા હતા.

આગનો રિપોર્ટ સરકારને સોંપાયા બાદ સરકારે કેટલાક નિયમોમાં ફેરફાર કરવાની પણ વાત કરી છે.

આ બધાની વચ્ચે અમદાવાદમાં આ પહેલાં થયેલી આરટીઆઈમાં સામે આવ્યું હતું કે અનેક શાળાઓ ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે અને કેટલીક ફાયર સેફ્ટીના સર્ટિફિકેટ વિના જ ચાલી રહી છે.


અમદાવાદમાં શું છે સ્થિતિ?

Image copyright Getty Images

અમદાવાદ જિલ્લામાં શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં 2,000થી પણ વધારે શાળાઓ આવેલી છે. જેમાં હજારો બાળકો અભ્યાસ કરી રહ્યાં છે.

આરટીઆઈ કાર્યકર્તા પંકજ ભટ્ટે કરેલી એક અરજીમાં સામે આવ્યું છે કે આટલી શાળાઓ પાસે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ન હતું.

પંકજ ભટ્ટે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું, "શાળાએ દર વર્ષે ફાયર વિભાગ પાસેથી એનઓસી(નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ.) લેવાનું રહે છે."

"ફાયર વિભાગ પાસેથી આ પ્રમાણપત્ર લીધા બાદ તેને ડીઈઓ(ડિસ્ટ્રીક્ટ ઍજ્યુકેશન ઑફિસર) પાસે તેની ચકાસણી કરાવવાની હોય છે. જે બાદ તેમના દ્વારા પ્રમાણિત કરવામાં આવે છે."

પંકજ ભટ્ટ કહે છે કે અમદાવાદની કેટલીક શાળાઓમાં આ પ્રક્રિયાનું પાલન થઈ રહ્યું નથી.

તેઓ કહે છે, "મેં જ્યારે વિગતો માગી ત્યારે જાણ થઈ કે જે સર્ટિફિકેટ દર વર્ષે રિન્યૂ કરાવવાનું હોય છે પરંતુ એકવાર ઇસ્યુ થયા બાદ ઘણી શાળાઓએ ફરીથી તેને ઇસ્યુ કરાવવાની દરકાર કરી નથી."

ભટ્ટે જણાવ્યું, "2017માં 414 શાળાઓએ એનઓસી લીધાં હતાં. 2018માં તેની સંખ્યા ઘટીને 186 થઈ ગઈ. એટલે કે બાકીની શાળાઓએ આ પ્રમાણપત્ર લેવાની કે તેને ફરીથી ઇસ્યુ કરાવવાની દરકાર કરી નથી.

ભટ્ટ કહે છે, "જો કોઈ શાળા એવું લખીને બાંહેધરી આપે કે અમે પ્રમાણપત્ર લઈ લઈશું તો તે બાંહેધરીના આધારે જ શિક્ષણ વિભાગ પરવાનગી આપી દે છે. જોકે, પાછળથી તેની ખરાઈ કરાતી હોય તેવું લાગતું નથી."


તંત્ર શું કહે છે?

અમદાવાદ શહેરના ચીફ ફાયર ઑફિસર એમ. એફ. દસ્તુરે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે અમે જે એનઓસી ઇસ્યુ કરીએ છીએ તેને દર વર્ષે રિન્યૂ કરાવવું જરૂરી છે.

તેમણે કહ્યું કે ઇસ્યુ થયેલા પ્રમાણપત્રમાંથી કેટલા લોકોએ તે ફરીથી રિન્યુ કરાવ્યું છે કે નહીં તેના મૉનિટરીંગની કોઈ વ્યવસ્થા નથી.

ડીઈઓએ આ મામલે કહ્યું કે તમામ શાળાઓમાં ઇન્સ્પેક્શન થાય ત્યારે ફાયરની બાબત પણ ધ્યાનમાં લેવામાં આવે છે. હાલ તેમના ધ્યાનમાં આવી કોઈ બાબત નથી પરંતુ આવી કોઈ બાબત ધ્યાનમાં તો ચોક્કસ પગલાં લેવામાં આવશે.

રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે સુરતની ઘટના ગંભીર છે અને તેની ઉપર પગલાં લેવામાં આવ્યા છે.

તેમણે કહ્યું, "આ ઘટના પછી અમારા ધ્યાન પર ઘણું બધું આવ્યું છે અને તેના પર હવે પગલાં લેવામાં આવશે. જેમાં શિક્ષણ વિભાગ દ્વારા લેવાનાં થતાં પગલાનો પણ સમાવેશ થાય છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા