જ્યારે મુઘલ બાદશાહ ઔરંગઝેબ એક ગાયિકાના પ્રેમમાં પડ્યા

ઔરંગઝેબ Image copyright OXFORD

મુઘલ બાદશાહોમાંથી એક માત્ર આલમગીર ઔરંબઝેબ એવા હતા જે લોકોના માનસમાં સ્થાન જમાવી શક્યા નથી.

જનતામાં ઔરંગઝેબની છાપ હિંદુઓ સામે નફરત ફેલાવનારા, ધાર્મિક ઝનૂનથી ભરેલા કટ્ટરવાદી બાદશાહની રહી છે.

પોતાના રાજકીય ઉદ્દેશ માટે પોતાના મોટાભાઈ દારા શિકોહની હત્યા કરનાર તરીકે તેમને યાદ કરાય છે.

એટલું જ નહીં, પોતાના વૃદ્ધ પિતાને પણ તેમનાં જીવનનાં છેલ્લાં સાત વર્ષો આગ્રાના કિલ્લામાં કેદ કરીને રાખ્યા હતા.

હાલમાં એક પાકિસ્તાની નાટ્યકાર શાહિદ નદીમે લખ્યું છે કે ભારતમાં વિભાજનના બીજ તે વખતે જ વાવી દેવાયાં હતાં, જ્યારે તેમણે પોતાના મોટાભાઈ દારાને હરાવી દીધા.

જવાહરલાલ નહેરુએ પણ 1946માં પ્રગટ થયેલા પોતાના પુસ્તક 'ડિસ્કવરી ઑફ ઇન્ડિયા'માં લખ્યું છે કે ઔરંગઝેબ ધર્માંધ અને રૂઢિચૂસ્ત વ્યક્તિ હતી.

કેટલાક મહિના પહેલાં એક અમેરિકન ઇતિહાસકાર ઑડરી ટ્રસ્ચકેનું પુસ્તક 'ઔરંગઝેબ - ધ મેન એન્ડ ધ મિથ' બહાર પડ્યું છે.

તેમાં પણ તેમણે લખ્યું છે કે ઔરંગઝેબ હિંદુઓને નફરત કરતા હતા એટલે મંદિરોને તોડ્યાં તેવી વાત ખોટી છે.

ટ્રસ્ચકે નેવાર્કની રૂટજર્સ વિશ્વવિદ્યાલયમાં દક્ષિણ એશિયાનો ઇતિહાસ ભણાવે છે.

તેઓ લખે છે કે ઔરંગઝેબની ઇમેજ બગાડવા પાછળ અંગ્રેજોના જમાનાના ઇતિહાસકાર જવાબદાર છે.

તેઓ હિંદુ અને મુસ્લિમ વચ્ચે વેર ઊભું કરીને ભાગલા કરો અને રાજ કરોની નીતિ અપનાવતા હતા.

આ પુસ્તકમાં એવું પણ લખાયું છે કે જો ઔરંગઝેબનું શાસન 20 વર્ષ ઓછું ચાલ્યું હોત તો આધુનિક ઇતિહાસકારોએ અલગ રીતે તેમનું મૂલ્યાંકન કર્યું હોત.

તમે આ વાંચ્યું કે નહીં?

ભારત પર 49 વર્ષ રાજ

Image copyright TWITTER
ફોટો લાઈન 'ઔરંગઝેબ-ધ મેન એન્ડ ધ મિથ'નાં લેખિકા અમેરિકી ઇતિહાસકાર ઑડરી ટ્રસ્ચકે

ઔરંગઝેબે 15 કરોડ લોકો પર 49 વર્ષો સુધી રાજ કર્યું હતું. તેમના શાસન દરમિયાન મુઘલ સામ્રાજ્ય એટલું ફેલાયું હતું કે પ્રથમવાર લગભગ સમગ્ર ઉપખંડ તેના કબજામાં આવી ગયો હતો.

ટ્રસ્ચકે લખે છે કે ઔરંગઝેબને મહારાષ્ટ્રના ખુલદાબાદમાં એક સાદી કબરમાં દફનાવાયા હતા.

તેનાથી વિપરિત હૂમાયુંને દિલ્હીમાં લાલ પથ્થરથી બનેલા મકબરામાં દફનાવાયા હતા. શાહજહાંને આલિશાન તાજમહલમાં દફન કરાયા હતા.

તેમના જણાવ્યા અનુસાર 'એવી ખોટી માન્યતા છે કે ઔરંગઝેબે હજારો હિંદુ મંદિરોને તોડ્યાં હતાં.'

બહુ બહુ તો થોડાં ડઝન મંદિરો તેમના આદેશને કારણે તોડવામાં આવ્યાં હતાં.

તેમના શાસનમાં એવું કશું નહોતું થયું, જેને હિંદુઓની કત્લેઆમ કહી શકાય. હકીકતમાં ઔરંગઝેબે પોતાની સરકારમાં ઘણા અગત્યના હોદ્દા પર હિંદુઓને નિમ્યા હતા.


સાહિત્યમાં ઔરંગઝેબની રુચિ

Image copyright PENGUIN INDIA

ઔરંગઝેબનો જન્મ 3 નવેમ્બર 1618માં દાહોદમાં તેમના દાદા જહાંગીરના શાસન વખતે થયો હતો.

તેઓ શાહજહાંના ત્રીજા પુત્ર હતા. ઔરંગઝેબે ઇસ્લામિક ધાર્મિક સાહિત્ય ભણવા ઉપરાંત તુર્કી સાહિત્યનો પણ અભ્યાસ કર્યો હતો.

હસ્તલિપિ ઉકેલવાની આવડત તેમણે કેળવી હતી. ઔરંગઝેબ અને મુઘલ બાદશાહો નાનપણથી જ અસ્ખલિત હિંદી બોલતા હતા.

નાની ઉંમરથી જ શાહજહાંના ચારેય દીકરાઓમાં મુઘલ સિંહાસન પ્રાપ્ત કરવાની હોડ જામી હતી.

મુઘલોમાં મધ્ય એશિયાની રીત પ્રમાણે બધા ભાઈઓનો સત્તામાં સમાન વારસો ગણાતો હતો.

શાહજહાં પોતાના સૌથી મોટા પુત્ર દારા શિકોહને પોતાના વારસદાર બનાવવા માગતા હતા. પરંતુ ઔરંગઝેબ માનતા હતા કે પોતે જ મુઘલ સલ્તનતના સૌથી યોગ્ય વારસદાર છે.

ઑડરી ટ્રસ્ચકે એક ઘટનાનો ઉલ્લેખ કરે છે કે જ્યારે દારા શિકોહનાં લગ્ન થયાં ત્યારબાદ શાહજહાંએ સુધાકર અને સૂરત નામના બે હાથીઓ વચ્ચે લડાઈ કરાવી હતી.

મુઘલોના મનોરંજન માટેની આ મનપસંદ રીત હતી. સુધાકર હાથી અચાનક ઘોડેસવારી કરી રહેલા ઔરંગઝેબ તરફ ક્રોધથી ધસી ગયો હતો.

ઔરંગઝેબે સુધાકરના માથા પર જોરથી ભાલાનો ઘા કર્યો તેના કારણે હાથી વધારે કોપાયમાન થયો હતો.


દારા શિકોહ સાથે દુશ્મની

Image copyright PENGUIN INDIA

હાથીએ ઘોડાને એટલી જોરથી ટક્કર મારી કે ઔરંગઝેબ નીચે પડી ગયા.

તેમની સાથે તેમના ભાઈ શુઝા અને રાજા જયસિંહ પણ હતા. તેઓએ ઔરંગઝેબને બચાવવાની કોશિશ કરી હતી.

દરમિયાન બીજો હાથી શ્યામ સુંદર આડે આવ્યો અને તેણે સુધાકરનું ધ્યાન દોર્યું અને તેમની વચ્ચે લડાઈ જામી.

આ ઘટનાનો ઉલ્લેખ શાહજહાંના દરબારના કવિ અબૂ તાલિબ ખાંએ પણ પોતાની કવિતાઓમાં કર્યો છે.

અન્ય એક ઇતિહાસકાર અકિલ ખાં રજીએ પોતાના પુસ્તક વકીયલ-એ-આલમગીરીમાં લખ્યું છે કે હાથીઓનો મુકાબલો થયો તે દરમિયાન દારા શિકોહ પાછળ ઊભો રહ્યો હતો અને તેણે ઔરંગઝેબને બચાવવાની કોશિશ કરી નહોતી.

Image copyright GUILLAUME THOMAS RAYNAL
ફોટો લાઈન ઔરંગઝેબનો દરબાર

શાહજહાંના દરબારી ઇતિહાસકારોએ પણ આ ઘટના નોંધી છે અને તેની સરખામણી 1610માં થયેલી ઘટના સાથે કરી હતી.

તે વખતે શાહજહાંએ પિતા જહાંગીર સામે એક ખૂનખાર વાઘને કાબૂમાં કર્યો હતો.

અન્ય એક ઇતિહાસકાર કેથરીન બ્રાઉને પોતાના એક લેખ 'ડીડી ઔરંગઝેબ બેન મ્યુઝિક'માં જણાવ્યું હતું કે ઔરંગઝેબ તેમની માસીને મળવા માટે બુરહાનપુર ગયા ત્યારે ત્યાં હીરાબાઈ જૈનાબાદીને જોઈને તેમના પર લટ્ટુ થઈ ગયા હતા. હીરાબાઈ એક ગાયિકા અને નર્તકી હતાં.

Image copyright Getty Images
ફોટો લાઈન દિલ્લી સ્થિત મુઘલ મકબરો

ઔરંગઝેબે તેને આંબા પરથી કેરી તોડતાં જોઈ હતાં. તે જોઈને તેમની પાછળ પાગલ થઈ ગયા હતા.

તેમના પર પ્રેમનું ભૂત એટલું સવાર થઈ ગયું હતું કે ક્યારેય શરાબ નહીં પીવાની પોતાની પ્રતિજ્ઞા તોડવા માટે તૈયાર થઈ ગયા હતા.

જોકે, ઔરંગઝેબે શરાબની ઘૂંટ લેવાની તૈયારી કરી ત્યારે હીરાબાઈએ તેમને અટકાવી દીધા.

જોકે, એક વર્ષ પછી જ હીરાબાઈનું મોત થયું અને તે સાથે જ આ પ્રેમકહાનીનો અંત આવી ગયો. હીરાબાઈને ઔરંગાબાદમાં દફનાવાઈ હતી.


જો દારા શિકોહ સમ્રાટ બન્યા હોત

Image copyright Getty Images

ભારતીય ઇતિહાસમાં એક સૌથી મોટો જો અને તો એ છે કે કટ્ટરવાદી ઔરંગઝેબની જગ્યાએ ઉદારવાદી દારા શિકોહ છઠ્ઠા મુઘલ સમ્રાટ બન્યા હોત તો શું થાત?

ઑડરી ટ્રસ્ચકે તેનો જવાબ આપતા લખે છે, "વાસ્તવિકતા એ છે કે દારા શિકોહમાં મુઘલ સામ્રાજ્ય ચલાવવાની કે જીતવાની ક્ષમતા નહોતી.''

''ભારતના તાજ માટે ચારેય ભાઈઓ વચ્ચે સંઘર્ષ વખતે બીમાર સમ્રાટનું સમર્થન મળ્યું હતું, તે છતાંય દારા ઔરંગઝેબની રાજકીય સમજ અને હોંશિયારીનો મુકાબલો કરી શક્યા નહોતા."

1658માં ઔરંગઝેબ અને સૌથી નાના ભાઈ મુરાદે આગ્રા કિલ્લાને ઘેરી લીધો હતો. તે વખતે તેમના પિતા કિલ્લાની અંદર જ હતા.

તેમણે કિલ્લામાં જતો પાણીનો પ્રવાહ રોકી દીધો હતો. થોડા જ દિવસોમાં શાહજહાંએ કિલ્લાના દરવાજા ખોલી નાખ્યા અને પોતાના ખજાના અને હથિયારો સાથે પોતાને બંને પુત્રોના હવાલે કરી દીધાં.

તેમણે પોતાની પુત્રીને મધ્યસ્થી બનાવી અને પોતાના સામ્રાજ્યને પાંચ ભાગોમાં વહેંચી દેવા માટેની દરખાસ્ત કરી.

ચાર ભાઈઓ તથા ઔરંગઝેબના સૌથી મોટા પુત્ર મોહમ્મદ સુલતાન પાંચેય વચ્ચે સમાન રીતે સામ્રાજ્યની વહેંચણી કરવાની હતી. જોકે ઔરંગઝેબે તેનો સ્વીકાર કર્યો નહોતો.

1659માં દારા શિકોહના સૌથી વધુ વિશ્વાસુ સાથી મલિક જીવને દગો કરીને તેમને પકડાવી દીધા. તેમણે દારાને પકડીને દિલ્હી મોકલી આપ્યા.

દારા અને તેમના 14 વર્ષના દીકરા સિફિર શિકોહને ભારે ગરમી અને બાફમાં ચીંથરેહાલ કપડાં પહેરાવીને જેને ખંજવાળ થઈ હોય તેવા હાથી પર બેસાડીને દિલ્હીમાં ફેરવ્યા હતા.

Image copyright Getty Images
ફોટો લાઈન દિલ્લી સ્થિત હુમાયુ મકબરો

તેમની પાછળ ખુલ્લી તલવારે એક સિપાહી પણ ચાલી રહ્યો હતો. તેઓ જો ભાગવાની કોશિશ કરે તો તેમના માથા ઘડથી અલગ કરી દેવાનો હુકમ હતો.

તે વખતે ભારતના પ્રવાસે આવેલા ઇટાલિયન ઇતિહાસકાર નિકોલાઇ માનુચીએ પોતાના પુસ્તક 'સ્ટોરિયા દો મોગોર'માં લખ્યું છે, "દારાનું મોત થયું તે દિવસે ઔરંગઝેબે દારાને પૂછ્યું હતું કે તું મારી જગ્યાએ હોત શું કર્યું હોત?''

''દારાએ જવાબ આપ્યો હતો કે પોતે ઔરંગઝેબના શરીરના ચાર ટુકડા કરીને દિલ્હીના ચારેય દરવાજે લટકાવી દેત."

ઔરંગઝેબે પોતાના ભાઈના શબને હૂમાયુંના મકબરાની બાજુમાં દફનાવ્યું હતું.

Image copyright Getty Images

જોકે, બાદમાં ઔરંગઝેબે પોતાની દીકરી જબ્દાતુન્નિસાની શાદી દારા શિકોહના પુત્ર સિફિર શિકોહ સાથે કરાવી હતી.

ઔરંગઝેબે પોતાના પિતા શાહજહાંને તેમના જીવનનાં છેલ્લાં સાડા સાત વર્ષ આગ્રાના કિલ્લામાં કેદ રાખ્યા હતા. કિલ્લામાં તેમની સાથે તેમની પુત્રી જહાંનારા રહેતી હતી.

તેના કારણે ઔરંગઝેબેને સૌથી મોટું નુકસાન એ થયું કે મક્કાના શરીફે ઔરંગઝેબને ભારતના સત્તાવાર શાસક માનવાનો ઇનકાર કર્યો.

ઔરંગઝેબે મોકલેલી ભેટસોગાદો પણ તેઓ સ્વીકારતા નહોતા.


બાબાજી ધુન ધુન

Image copyright FINE ART IMAGES/HERITAGE IMAGES/GETTY IMAGES

ઔરંગઝેબ 1679માં દિલ્હી છોડીને દક્ષિણ ભારત જવા નીકળ્યા હતા. ત્યાંથી તેઓ કદી ઉત્તર ભારત પરત ફરી શક્યા નહીં.

તેમની સાથે હજારો લોકોનો કાફલો દક્ષિણમાં ગયો હતો. પોતાના શાહજાદા સિવાય બધા જ પુત્રો અને આખું હરમખાનું તેમની સાથે જ હતું.

તેમની ગેરહાજરીને કારણે દિલ્હી શહેર ભૂતિયું ભાસવા લાગ્યું હતું. લાલ કિલ્લાના ઓરડો સફાઈ વિના એટલા ધૂળિયા થઈ ગયા હતા કે વિદેશી મહેમાનોને તે દેખાડાતા નહોતા.

ઔરંગઝેબે 'રુકાત-એ-આલમગીરી' નામે પુસ્તક લખ્યું હતું. તેનો અનુવાદ જમશેદ બિલિમોરિયાએ કર્યો હતો.

આ પુસ્તકમાં તેમણે લખ્યું હતું કે દક્ષિણમાં કેરી નથી મળતી તેની સૌથી ખોટ સાલે છે. બાબરથી શરૂ કરીને બધા મુઘલ બાદશાહને કેરી બહુ ભાવતી હતી.

ટ્રસ્ચકે લખે છે કે ઔરંગઝેબે પોતાના દરબારીઓને અનેકવાર વિનંતી કરી હતી કે તેને ઉત્તર ભારતમાંથી કેરીઓ મોકલવામાં આવે.

કેટલીક કેરીઓને તેમણે સુધારસ અને રસનાબિલાસ એવા હિંદી નામ પણ આપ્યાં હતાં.

સન 1700માં તેમણે પોતાના શહેજાદા આજમને પત્ર લખ્યો હતો અને તેમાં બચપણની એક વાત યાદ કરાવી હતી.

નાનપણમાં નગારા વગાડવાની નકલ કરીને તેણે ઔરંગઝેબ માટે એક સંબોધન કર્યું હતું 'બાબાજી ધુન ધુન.'

પોતાના છેલ્લા દિવસોમાં ઔરંગઝેબ તેમના સૌથી નાના પુત્ર કામબખ્શની માતા ઉદયપુરીની સાથે હતા.

પોતાની મૃત્યુશૈયા પરથી કામબખ્શને લખેલા પત્રમાં ઔરંગઝેબે લખ્યું હતું કે બીમારી વખતે ઉદયપુરી પોતાની સાથે જ છે અને તેનું મોત પણ પોતાની સાથે જ થશે.

ઔરંગઝેબના મોત પછી થોડા મહિના બાદ 1797ના ઉનાળામાં ઉદયપુરીનું પણ મોત થયું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો