ઝકિયા જાફરી : નરેન્દ્ર મોદી કે બીજા કોઈને માફ કરી દેવાનો સવાલ જ નથી

અહેસાન જાફરી ગુલબર્ગ Image copyright Tanvir Jafri
ફોટો લાઈન ઝકિયા જાફરી અને અહેસાન જાફરી

સુપ્રીમ કોર્ટમાં ઝકિયા જાફરી દ્વારા ફાઇલ કરવામાં આવેલી પિટિશન ઉપર સોમવારે સુનાવણી થઈ. જેની વધુ સુનાવણી જુલાઈ મહિનામાં મોકૂફ રાખવામાં આવી છે.

કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરીનાં વિધવા ઝકિયાએ 2002ના ગોધરા રમખાણોના કેસમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ક્લિનચીટ આપવાના મામલે ગત વર્ષે ઑક્ટોબર મહિનામાં અરજી કરી હતી

80 વર્ષનાં ઝકિયા જાફરીની અરજી ઉપર જસ્ટિસ એ. એમ. ખાનવિલકરની અધ્યક્ષતાવાળી બેન્ચે સુનાવણી હાથ ધરી હતી.

સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે (એસઆઈટી) ફાઇલ કરેલા ક્લૉઝર રિપોર્ટમાં જણાવ્યું હતું કે તત્કાલિન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી, અન્ય રાજકારણીઓ અને અધિકારીઓ સામે કેસ ચલાવવા મામલે પૂરતા પુરાવા નથી.

5 ઑક્ટોબર 2017ના રોજ ગુજરાત હાઈકોર્ટે તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી, અન્ય રાજકારણીઓ અને અધિકારીઓને એસઆઈટીના ક્લૉઝર રિપોર્ટના આધારે ક્લિનચીટ આપી હતી.

ઝકિયાએ ગુજરાત હાઈકોર્ટના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારતી અરજી દાખલ કરી છે.

ગુજરાત હાઈકોર્ટે 2017માં મેટ્રોપોલિટન કોર્ટના ચુકાદાને ગ્રાહ્યા રાખતા ઝકિયા જાફરીના આરોપોને નકારી દીધા હતા.

ઝકીયાનો આરોપ હતો કે નરોડા પાટિયા, નરોડા ગામ અને ગુલબર્ગ સોસાયટી જેવા કેસ 'એક મોટા કાવતરાનો ભાગ' હતા.

રમખાણોનાં પાંચ વર્ષ બાદ ઝકીયાએ આ મામલે મોદી અને કેટલાક અધિકારીઓ સામે આરોપો કર્યા હતા.

2012માં મેટ્રોપોલિટન કોર્ટે ગોધરાકાંડ બાદ થયેલાં રમખાણોમાં 58 આરોપીઓને મુક્ત કરી દીધા હતા. જેમાં 69 લોકો માર્યા ગયા હતા.

Image copyright Alamy

તમે આ વાંચ્યું કે નહીં?

Image copyright Alamy

શા માટે મહત્ત્વપૂર્ણ કેસ?

Image copyright Getty Images
ફોટો લાઈન 2013માં મેટ્રોપોલિટીન કોર્ટે વડા પ્રધાન મોદીને ક્લિનચીટ આપી

2002માં થયેલા ગુલબર્ગ હત્યાકાંડમાં બાબતે નરેન્દ્ર મોદી સહિત રાજકારણીઓ અને ઉચ્ચ અધિકારીઓએ ભજવેલી ભૂમિકા મુદ્દે એસઆઈટી દ્વારા આપવામાં આવેલી ક્લિનચીટને પડકારવામાં આવી છે.

તિસ્તા સેતલવાડ કહે છે, "એમની (ઝકિયા) આ ન્યાયની લડાઈ એમનાં પોતાનાં માટે અને ગુજરાતમાં (હુલ્લડોનો) ભોગ બનેલા લોકો માટે ખૂબ મહત્ત્વની છે."

ગુજરાતથી ઍક્ટિવિસ્ટ ઍડ્વોકેટ શમસાદ પઠાણ કહે છે, "આ કેસ ફકત કોઈ વ્યકિત પૂરતો મર્યાદિત નથી પણ કઈ રીતે મુખ્ય મંત્રીથી લઈને ચૂંટાયેલા પ્રતિનિધીઓએ, અધિકારીઓએ કથિત રીતે પોતાની બંધારણીય ફરજ ન બજાવી તે અંગેનો આ કેસ છે."

"આ એક ઐતિહાસિક કેસ છે કેમ કે એમાં 2002ના ઘટનાક્રમમાં રાજયની સામેલગીરીને બહાર લાવવાની કોશિશ થઈ રહી છે."

"આ ફકત ઝકિયાબેનના ન્યાયનો સવાલ નથી પણ સમગ્ર ગુજરાતમાં જે કોઈ લોકો ભોગ બન્યા એમનો સવાલ છે."

શમસાદ ઉમેરે છે કે, નરેન્દ્ર મોદીને સજા થશે કે નહીં એનાં કરતાં પણ એમની સામે અને સામેલ અન્ય રાજકારણીઓ-અધિકારીઓની સામે યોગ્ય તપાસ થશે કે નહીં એ પ્રાથમિક સવાલ છે, જે આ કેસ થકી નક્કી થશે.


'હું મોદીને માફ નહીં કરું'

Image copyright Getty Images

બીબીસી સાથે વાત કરતાં ઝકિયા જાફરી કહ્યું હતું, "નરેન્દ્ર મોદી કે આવા જઘન્ય અપરાધમાં સામેલ કોઈપણ માફીને લાયક નથી."

"હું કેવી રીતે કોઈને માફ કરું? આટલો લાંબો સમય થઈ ગયો છે અને હવે હું કેવી રીતે માફી આપું કે માફ કરું?"

"મારા દિવસો જે વીતી ગયા છે એ પાછા આવી જશે? જવાબદાર લોકોને સજા મળવી જ જોઈએ અને એમ થશે તો જ ભવિષ્યમાં આવું બનતા અટકશે."

Image copyright Alamy
Image copyright Alamy

ન્યાય માટેની આશા

Image copyright Tanvir Jafri
ફોટો લાઈન પરિવાર સાથે અહેસાન જાફરી

ઝકિયા જાફરી કહે છે, "મારા પતિ પોતે વકીલ હતા. હું મરીશ ત્યાં સુધી ન્યાય માટે લડતી રહીશ."

ઝકિયા જાફરીના પુત્ર તનવીર ઉમેરે છે, "પિતાની ઑફિસ ઘરમાં જ હતી. અમ્મીએ શરૂઆતથી એમની વકીલ તરીકેની કામગીરી જોઈ છે."

"એમનાં માટે ફકત આ લાગણીનો મુદ્દો નથી કેમ કે એ પોતે કાયદા-કાનૂન સમજે છે."

ઝકિયા જાફરી ગુજરાતી અને હિંદી સરસ રીતે વાંચી, લખી અને બોલી શકતાં હતાં પણ આ કેસના લીધે અંગ્રેજી પણ સમજતા થયાં છે.

તનવીર જાફરી કહે છે, "2010 સુધી તો કેસનાં તમામ કાગળો અમ્મી વાંચતાં હતાં, હવે એમની ઉંમર થઈ છે અને તેની સાથે શારીરિક તકલીફો પણ વધી છે, એટલે જે પણ અપડેટ હોય એ અમે વાંચી સંભળાવીએ છીએ."


વ્યવસ્થામાં સુધારો લાવવાની લડાઈ

Image copyright Tanvir Jafri
ફોટો લાઈન પૌત્ર વસીમ સાથે અહેસાન જાફરી

તિસ્તા સેતલવાડ કહે છે, "આ કોઈ વ્યકિતની વાત નથી પણ જો આવી રીતે તપાસ થાય તો વ્યવસ્થાની પારદર્શિતા શું?"

"આપ જુઓ કે 27 ફેબ્રુઆરી પહેલાં ભયાનક તૈયારીઓના અહેવાલ અંગે ગૃહવિભાગ સાવ ચૂપ હતું."

"27 ફેબ્રુઆરી 2002ની મિટિંગ સિવાય પણ અનેક પુરાવા છે."

"આ ન્યાય માટે પહેલી કે છેલ્લી લડાઈ નહીં હોય પણ વ્યવસ્થામાં એ સુધારો કરવો પડશે કે કેસની તપાસ કેવી રીતે કરવી, પુરાવા કેવી રીતે સાચવવા."

"જો આપણે ભવિષ્યમાં આવું ટાળવા માગતા હોઈએ તો સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજર વિકસાવવી પડે, જેથી ભોગ બનનારને ઝડપથી ન્યાય મળી શકે."

ઝકિયા જાફરી અને તનવીર પણ આ વાત પર સહમત થાય છે.

તનવીર કહે છે, "અમારી અને અમારા જેવા અનેક પરિવારો સાથે જે બન્યું છે એ ફરી કોઈ સાથે ન બને એ માત્ર ન્યાય દ્વારા જ શકય બની શકે."


કેસ એ જ જીવન બની ગયું

Image copyright Getty Images
ફોટો લાઈન 2002થી ગુલબર્ગ સોસાયટી વેરાન થઈ ગઈ છે

પુત્ર સાથે સુરતમાં રહેતાં ઝકિયા જાફરી કહે છે, "2002થી કેસ એ જ જીવન બની ગયું છે."

"મેં જે મારી નજરે જોયું છે, એની પીડાને વિસરી જવી મુશ્કેલ છે. મને કેવી રીતે ન્યાય મળે એ સિવાય કોઈ વિચાર નથી આવતો."

"આટલાં વર્ષોમાં પરિવારને મળવા અમેરિકા પ્રવાસ કર્યો અને હજ કરી એ સિવાય કંઈ નથી કરી શકી."

"મારો પરિવાર અને તિસ્તા અને અનેક નામી-અનામી લોકોને લીધે હજી મારી હિંમત ટકી રહી છે."

ઝકિયાના પુત્ર તનવીર કહે છે, "2002માં બાળકો નાનાં હતાં. એમનાં ઘડતર ઉપર પણ આ કેસની ઘણી અસર રહી."

"આ કેસને લીધે બાળકોને સમય આપવામાં ઘણી મુશ્કેલી પડી."

"2013 સુધી તો લગભગ દરેક રવિવાર પણ કોઈને કોઈ કામમાં જ નીકળી જતો હતો અને પરિવારને સમય નહોતો આપી શકાતો."

"મારાં બાળકો શરૂઆતથી ઘટનાથી પરિચિત છે, છતાં જગત પ્રત્યે કડવાશ રાખ્યા વિના મોટાં થઈ શકયાં એ મારા માટે ખૂબ મોટી વાત છે."

Image copyright Alamy
Image copyright Alamy

ખર્ચાળ ન્યાય

Image copyright Tanvir Jafri
ફોટો લાઈન જાહેર કાર્યક્રમમાં અહેસાન જાફરી

કેસ અને ખર્ચની વાત કરતા તનવીર કહે છે, "જયારે આ ઘટના બની ત્યારે ઘણી સંસ્થા અને લોકોનો સહયોગ મળ્યો એટલે આટલી લાંબી લડત શકય બની."

આ અંગે કર્મશીલ તિસ્તા સેતલવાડ કહે છે, "આ લડાઈ ખૂબ જ મુશ્કેલ છે."

"અત્યાર સુધી અમારી સામે 15 કેસ થયા છે, જેમાંથી ફકત એક કેસને બાદ કરતાં તમામ કેસ ઝકિયા જાફરીનો કેસ સુપ્રીમ કોર્ટમાં આવ્યા બાદ 2010 પછી જ દાખલ થયા છે."

"આ બધું છતાં મને લાગે છે આર્થિક કરતાં પણ માનસિક-સામાજિક ભાર ઘણો મોટો છે. "


શું થયું હતું એ દિવસે?

Image copyright Getty Images
ફોટો લાઈન ગુલબર્ગ સોસાયટી

ગોધરાકાંડના બીજા દિવસે અમદાવાદમાં મુસ્લિમ રહિશોની બહુમતી ધરાવતી ગુલબર્ગ સોસાયટી પર 28 ફેબ્રુઆરી, 2002ના રોજ ટોળાએ હુમલો કર્યો હતો.

તેમાં કોંગ્રેસના ભૂતપૂર્વ સંસદ સભ્ય અહેસાન જાફરી સહિત 69 વ્યક્તિ મૃત્યુ પામી હતી.

સંખ્યાબંધ મુસ્લિમોએ ટોળાના હુમલાથી બચવા માટે અહેસાન જાફરીના ઘરમાં આશ્રય લીધો હતો.

હિંસક ટોળાએ આખી સોસાયટીને ચારેય બાજુથી ઘેરી લીધી હતી અને ઘણા લોકોને જીવતા સળગાવી દેવાયા હતા.

અહેસાન જાફરીનાં પત્ની ઝકિયા જાફરીએ એવો આરોપ લગાવ્યો હતો કે તેમના પતિએ પોલીસ અને તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક લોકપ્રતિનિધિઓ તથા વરિષ્ઠ અધિકારીઓનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી, પરંતુ કોઈએ તેમની મદદ નથી કરી.

ઝકિયા જાફરીએ જૂન 2006માં ગુજરાત પોલીસના ડિરેક્ટર જનરલ ઑફ પોલીસને અપીલ કરી હતી કે, નરેન્દ્ર મોદી સહિત કુલ 63 લોકો સામે એફઆઈઆર (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) નોંધવી જોઈએ.

ઝકિયા જાફરીનો આરોપ હતો કે મોદી સહિત તમામ લોકોએ તોફાનો દરમિયાન જાણીજોઈને પીડિતોને બચાવવાની કોશિશ કરી ન હતી.

ડીજીપીએ તેમની અપીલ રદ કરી, ત્યારે ઝકિયા જાફરીએ ગુજરાત હાઈકોર્ટમાં પણ અરજી કરી હતી, વર્ષ 2007માં હાઈકોર્ટે તેમની અરજીને નામંજૂર કરી હતી.


કોણ છે ઝકિયા જાફરી

Image copyright Getty Images

ઝકિયા જાફરી ગુલબર્ગ સોસાયટીમાં માર્યા ગયેલા અહેસાન જાફરીનાં વિધવા છે.

અહેસાન જાફરી 2002માં ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડ બન્યો તે વખતે કોંગ્રેસના પૂર્વ સંસદસભ્ય હતા.

ગુલબર્ગ સોસાયટીમાં અહેસાન જાફરી સહિત 69 લોકો સાથે માર્યા ગયા હતા.

ઝકિયા જાફરીને બિમારીને લીધે અહેસાન જાફરીએ ઉપર મોકલી દેતા તેઓ બચી ગયાં હતાં. એ રીતે તે ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડમાં બચી ગયેલા પૈકી એક છે.

મધ્ય પ્રદેશના ખંડવામાં જમીનદાર પરિવારમાં જન્મેલાં ઝકિયાનાં લગ્ન મૂળ બુરહાનપુરના વકીલ અહેસાન જાફરી સાથે થયાં હતાં.

ગુજરાતમાં આવ્યા બાદ તેઓ લાંબો સમય ચમનપુરાની ચાલીમાં રહ્યાં હતાં.

એમનું એ ઘર 1969નાં રમખાણમાં નાશ પામ્યુ હતું. એ વખતે ગુલબર્ગ સોસાયટી બનતી હતી અને એ રીતે પરિવાર ત્યાં રહેવા ગયો હતો.

મેટ્રીક સુધી ભણેલાં ઝકિયાની ઉંમર હાલ 80 વર્ષ છે અને 2002થી તેઓ ગુલબર્ગ કેસમાં લડી રહ્યાં છે.

હાલ તેઓ એમના દીકરા તનવીર સાથે સુરતમાં રહે છે.

Image copyright Alamy
Image copyright Alamy

ગુલબર્ગ સોસાયટી કેસનો ઘટનાક્રમ

Image copyright Getty Images

માર્ચ 2008માં જાકિયા જાફરી અને બિન-સરકારી સંગઠન 'સિટિઝન્સ ફૉર જસ્ટિસ ઍન્ડ પીસ' દ્વારા સંયુક્ત રીતે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી.

સુપ્રીમ કોર્ટે આ કેસમાં પ્રશાંત ભૂષણની અદાલત મિત્ર (એમાઇકસ ક્યૂરી) તરીકે નિયુક્તિ કરી હતી.

એપ્રિલ 2009માં સુપ્રીમ કોર્ટે ગુજરાતના રમખાણોની તપાસ માટે પહેલેથી જ નિમાયેલી એસઆઈટીને આ ઘટનાની તપાસના આદેશ આપ્યા.

એસઆઈટીએ વર્ષ 2010ની શરૂઆતમાં નરેન્દ્ર મોદીને પૂછપરછ માટે બોલાવ્યા અને મે 2010માં સુપ્રીમ કોર્ટમાં પોતાનો રિપોર્ટ રજૂ કર્યો.

ઑક્ટોબર 2010માં પ્રશાંત ભૂષણ આ કેસથી છૂટા પડ્યા અને સુપ્રીમ કોર્ટે રાજૂ રામચંદ્રનને અદાલત મિત્ર નિયુક્ત કર્યા. રાજૂ રામચંદ્રને જાન્યુઆરી 2011 માં સુપ્રીમ કોર્ટને પોતાનો રિપોર્ટ સોંપ્યો.

માર્ચ 2011માં સુપ્રીમ કોર્ટે તપાસ દળને વધુ તપાસ કરવાના આદેશ આપ્યા કારણ કે એસઆઈટીએ આપેલા પુરાવા અને તેના નિષ્કર્ષ વચ્ચે કોઈ તાલમેલ નહોતો.

મે 2011માં સુપ્રીમ કોર્ટે અદાલત મિત્રને સાક્ષીઓ અને એસઆઈટીના અધિકારીઓને મળવાનો આદેશ કર્યો.

સપ્ટેમ્બર 2011માં સુપ્રીમ કોર્ટે મોદીની સામે એફઆઈઆર કરવાનો આદેશ તો ન આપ્યો અને એસઆઈટીને નીચલી કોર્ટમાં પોતાનો રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો.

આ બાબતને મોદી અને ઝકિયા જાફરી બન્નેએ પોતાની જીત તરીકે દર્શાવી.

આઠમી ફેબ્રુઆરી 2012ના રોજ એસઆઈટીએ આ મામલો બંધ કરવાનો રિપોર્ટ સોંપ્યો.

જેની સામે જાકિયા જાફરીએ 15 એપ્રિલ 2013માં અરજી દાખલ કરી હતી. જાકિયા જાફરીની અરજી પર તેમના અને એસઆઈટીના વકીલો વચ્ચે પાંચ મહિના સુધી દલીલો ચાલી.

ડિસેમ્બર 2013માં મેટ્રોપોલિટીન કોર્ટે ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી તથા અન્ય અધિકારીઓને ક્લિનચીટ આપી.

Image copyright Alamy
Image copyright Alamy

'મોતનો ડર નથી'

Image copyright Tanvir Jafri

2002થી ન્યાય માટે લડી રહેલાં ઝકિયા જાફરીની ઉંમર 80 વર્ષ થઈ ગઈ છે, ડાયાબિટીસ અને બ્લડપ્રેશરની બીમારી છે, છતાં હજીયે ન્યાય માટેની એમની આશા જરીકે ઘટી નથી.

ઝકિયા જાફરી કહે છે, "કોઈ વિશેષ લોકો મળવા નથી આવતાં કે કોઈ ધમકી પણ નથી આપી રહ્યું, પણ દેશમાં માહોલ એ ભય પમાડનારો તો છે જ, પણ મને બીક નથી."

"એ વખતે મારી નાંખવાના હતા તો હવે મારી નાંખશે, ભયને લીધે ન્યાયના રસ્તાથી પાછી નહીં વળું."

ઝકિયા જાફરી અનાયાસે ફરી અહેસાન જાફરીનો શેર યાદ કરાવે છે.

'મૌત ભી હૈ જિંદગી ઔર મૌત સે ડરના ફિઝુલ,

મૌત સે આંખે મિલાકર મુસ્કુરાના ચાહિએ.'

Image copyright Alamy
Image copyright Alamy

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ