ગાંધીજીને શાંતિ માટેનો નોબલ પુરસ્કાર કેમ ન મળ્યો?

ગાંધીજી Image copyright Getty Images

નોબલ સમિતિના લોકોનો રંગદ્વેષ એના માટે જવાબદાર હતો? ગાંધીજીના વર્ણવ્યવસ્થા વિશેના વિચારોને કારણે તેમને એ સન્માન ન મળ્યું?

નોબલ પ્રાઇઝ આપનાર દેશ નોર્વેએ બ્રિટન સાથેના સંબંધ ન બગડે એ માટે ગાંધીજીને એ સન્માન ન આપ્યું?

ગાંધીજીએ પોતાને નોબલ પ્રાઇઝ મળવા-ન મળવા અંગે કંઈ કહ્યું હતું?

આવા કેટલાક ચર્ચાસ્પદ સવાલોના આધારભૂત જવાબ.


શાંતિ માટેનું નોબલ પ્રાઇઝ

વિસ્ફોટક ડાયનેમાઇટના શોધક અને જીવનના પૂર્વાર્ધમાં ક્યારેક 'ધ મર્ચન્ટ ઑફ ડેથ' (મોતના સોદાગર) તરીકે ઓળખાયેલા આલ્ફ્રેડ નોબલે તેમની સ્મૃતિમાં પારિતોષિક આપવાનું વસિયતમાં લખ્યું હતું.

ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, તબીબીવિજ્ઞાન, સાહિત્ય અને શાંતિ. આ પાંચ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદાન કરનારને દર વર્ષે સન્માન આપવાનું હતું.

તેમાં શાંતિ માટેના પારિતોષિકની શરૂઆત 1901થી થઈ. 1915માં ગાંધીજી ભારત આવ્યા ત્યારે પહેલું વિશ્વયુદ્ધ ચાલતું હતું.

એટલે 1914થી 1916 સુધી, અને બીજા વિશ્વયુદ્ધ વખતે 1939થી 1943 સુધી, કોઈને શાંતિ માટેનું નોબલ પ્રાઇઝ અપાયું નહીં.

એ સિવાય ગાંધીજીના જીવનકાળ દરમિયાન 1923, 1924, 1928, અને 1932માં પણ નોબલ પીસ પ્રાઇઝ જાહેર ન થયું.

તમે આ વાંચ્યું કે નહીં?

નોબલ પ્રાઇઝ માટેની અટકળો અને ટિપ્પણીઓ

Image copyright Getty Images

સપ્ટેમ્બર 1923માં 'વોઇસ ઑફ ઇન્ડિયા' નામના સામયિકે લખ્યું કે ગાંધીજીને શાંતિ માટેનું નોબલ પ્રાઇઝ મળશે એવી હવા છે. ત્યારે ગાંધીજી રાજદ્રોહના આરોપ બદલ જેલમાં હતા.

'વોઇસ ઑફ ઇન્ડિયા'એ ટિપ્પણી કરી કે શું બ્રિટિશ સત્તાધીશો ગાંધીજીને આ પારિતોષિક રૂબરૂ સ્વીકારી શકાય એ માટે છોડશે?

પરંતુ એ વાત અફવા જ હતી. થોડી હિલચાલ છતાં એ વર્ષે ગાંધીજીનું નામ સૂચવાયું જ ન હતું. (ગાંધી-ધ યર્સ ધેટ ચૅન્જ્ડ ધ વર્લ્ડ, રામચંદ્ર ગુહા, પૃ.204-5)

આ અફવાના સંદર્ભે સી. રાજગોપાલાચારીએ 'યંગ ઇન્ડિયા' (20 સપ્ટેમ્બર, 1923)માં એક નોંધ લખી, જેનો અનુવાદ 'નોબલ પ્રાઇઝ' એવા મથાળા સાથે 'નવજીવન' માં પ્રગટ થયો.

Image copyright Getty Images

રાજાજીએ લખ્યું હતું, 'આ વરસે શાંતિ રાખવા માટે નોબલ પ્રાઇઝ મહાત્માજીને આપવામાં આવ્યું છે એ અફવા સાચી છે કે નહીં તે હું નથી કહી શકતો, પણ એટલું તો ખરું છે કે ખ્રિસ્તી સંવત શરૂ થયા પછી દુનિયામાં શાંતિ જાળવવાની બાબતમાં જો કોઈએ ભારેમાં ભારે સેવા કરી હોય તો તે મહાત્મા ગાંધીએ કરી છે'

'જો નોબલ પ્રાઇઝ જે માણસે નિર્દોષ પ્રજાને કેળવી, તેની શક્તિનું માપ કાઢી, અન્યાયની સામે લોહીનું ટીપું પાડ્યા વિના પોતાના હકોનું સંરક્ષણ કરવા માટે તેને રામબાણ શસ્ત્ર આપ્યું છે અને તેમ કરીને જેણે દુનિયાની શાંતિમાં પાકો અને કાયમનો ઉમેરો કર્યો છે એવા માણસને આપવાનું હોય તો તો આખી દુનિયામાં એકલા ગાંધી જ એ ઇનામને લાયક છે.'

રાજગોપાલાચારીએ તો એટલી હદે લખ્યું, 'જો એ ઇનામ સામાન્ય રીતે ધર્મનો ઉત્કર્ષ સાધવા માટે અને ખાસ કરીને ખ્રિસ્તી ધર્મની મોટામાં મોટી સેવા કરનારને આપવાનું હોય તો તે ખ્રિસ્તી ધર્મનાં સૂત્રોને આચારમાં ઉતારી તે વડે વ્યક્તિ અથવા રાષ્ટ્રો પર થતા અન્યાયનું ઓસડ શોધી કાઢનાર ગાંધીને જ એ ઇનામ આપવું ઘટે."

છેલ્લે તેમણે એવી ટકોર પણ કરી કે 'બ્રિટન જેવી મહાન સત્તા પોતાનો મોટામાં મોટો શત્રુ માની કેદમાં રાખે છે' એવા ગાંધીજીની સેવા જાણીને નોબલ પ્રાઇઝની કમિટી તેમને પસંદ કરે તો એ (ગાંધીજી માટે નહીં, પણ કમિટી માટે) માનની બાબત છે અને કમિટી એવું કરે તો 'તેમની અલૌકિક ન્યાયબુદ્ધિ ઇતિહાસને પાને અચળ રહી જાય.' ('નવજીવન', 23 સપ્ટેમ્બર, 1923. પૃ.27)

રોમાં રોલાંની લાગણી

1923 માટે ગાંધીજીનું નામ ક્યાંયથી સૂચવાયું ન હતું. પરંતુ પહેલા વિશ્વયુદ્ધની તારાજી પછીના સત્યાગ્રહ અને અહિંસાનો ગાંધીજીનો રસ્તો પશ્ચિમી દેશોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

1915માં સાહિત્ય માટે નોબલ પ્રાઇઝ મેળવી ચૂકેલા ફ્રૅન્ચ લેખક રોમાં રોલાં ગાંધીજીથી પ્રભાવિત હતા. તેમણે લખેલો અને મહાદેવ દેસાઈએ ટાંકેલો એક પત્ર આ સંદર્ભમાં નોંધપાત્ર છે.

રોમાં રોલાંએ લખ્યું હતું, "જો ગાંધીને નોબલ પ્રાઇઝ મળે તો સૌ રાજી થાય એમાં શંકા નથી, પણ હું ઇચ્છતો નથી કે એ ઇનામ તેમને મળે. કારણ શાંતિ માટેનાં કે સાહિત્ય માટેનાં ગમે તે નોબલ પ્રાઇઝનાથી મહાત્મા ગાંધી ક્યાંયે પર છે."

"ઈસુ ખ્રિસ્તને શાંતિવાદી પાર્લામેંટના સભ્યો ઇનામ આપે એવી કલ્પના કરો તો! એ કલ્પના જ કેવી બેહૂદી છે!...' (નવજીવન, 16 ડિસેમ્બર, 1923, પૃ.૧૨૨) રોલાંએ પત્રમાં એવી આશંકા પણ વ્યક્ત કરી હતી કે ગાંધીજીને સન્માન આપવાથી અંગ્રેજો નારાજ થાય એવી બીક પણ નોબલ કમિટીના સભ્યોને હોઈ શકે.

ગાંધીજીનો પ્રતિભાવ

Image copyright Getty Images

દિલ્હીની કેન્દ્રીય ધારાસભા (સેન્ટ્રલ લેજિસ્લેટિવ ઍસેમ્બલી)ના સભ્ય મહંમદ યાકુબે ગાંધીજીને નોબલ પ્રાઇઝ મળવું જોઈએ, એ મતલબનો ઠરાવ ધારાસભામાં રજૂ કરવાનું જણાવ્યું હશે.

તેના જવાબમાં ગાંધીજીએ તેમને ઠરાવ રજૂ ન કરવા જણાવીને લખ્યું હતું કે વિશ્વશાંતિ માટેના તેમના પ્રયત્નો પોતે જ પુરસ્કાર છે.

('ધ હિંદુ'માં પ્રગટ થયેલા અહેવાલના શબ્દોમાં, his efforts in the case of world peace being their own prize) અહેવાલમાં જણાવ્યા પ્રમાણે, ગાંધીજીએ મહંમદ યાકુબને લખ્યું હતું કે યુરોપ અહિંસાના સિદ્ધાંતનો થોડો પણ સ્વીકાર કરે તેને હું આવકારીશ. પરંતુ જો આ પારિતોષિક મને આપોઆપ ન અપાતું હોય પણ બહારની કોઈ ભલામણથી આપવામાં આવતું હોય, તો આવી કદરનું મહત્ત્વ માર્યું જશે. (ફેબ્રુઆરી 12, 1924, ગાંધીજીનો અક્ષરદેહ-23, પૃ.198)

Image copyright Getty Images

ઉલ્લેખનીય છે કે એ વર્ષે ખોજા સમુદાયના ધર્મગુરુ આગાખાનનું શાંતિના નોબલ પ્રાઇઝ માટે નામ પહોંચ્યું હતું.

એ સંદર્ભમાં ગાંધીજીએ મહંમદ યાકુબને એમ પણ લખ્યું કે તેમનું નામ તેમના જ એક દેશબંધુના નામની હરીફાઈમાં રજૂ કરવામાં આવે એ વિચાર તેમને બિલકુલ પસંદ નથી.


ગાંધીજીનું નામાંકન

પહેલી વાર 1937માં તેમનું નામ સત્તાવાર રીતે નોબલ પ્રાઇઝ માટે સૂચવાયું. 1938માં અને 1939માં તેનું પુનરાવર્તન થયું. એ ત્રણે વર્ષે ગાંધીજીનું નામ સૂચવનાર હતા નૉર્વેના પત્રકાર અને મજૂર પક્ષના નેતા ઓલી કોલ્બજિર્નસન (Ole Colbjørnsen).

પરંતુ પસંદગી સમિતિના સલાહકાર પ્રો. જેકબને ગાંધીજીની રાજકીય કામગીરી ગળે ઉતરતી ન હતી. તેમણે અહેવાલમાં લખ્યા પ્રમાણે, 'ઘણી વાર એ (ઇસુ) ખ્રિસ્ત બની જાય છે ને પછી અચાનક સાધારણ રાજકારણી.'

ગાંધીજીની અહિંસક ચળવળોમાં ટોળાં દ્વારા થયેલી હિંસાની ટીકા પણ કેટલાક લોકોમાં થતી હતી.

દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીએ ફક્ત ભારતીયો માટે જ કામ કર્યું અને તેમનાથી ખરાબ સ્થિતિમાં રહેલા કાળા લોકોની અવગણના કરી, એવી ટીપ્પણી પણ પ્રો. જેકબે તેમના અહેવાલમાં લખી હતી.

આ સિવાય બ્રિટન-નોર્વેના ગાઢ સંબંધો પણ ગાંધીજીને નોબલ પ્રાઇઝથી દૂર રાખવામાં જવાબદાર ગણાતા રહ્યા છે.

લાગલગાટ ત્રણ વર્ષના નામાંકન પછી, છેક 1947માં ત્રણ ભારતીય નેતાઓ ગણેશ વાસુદેવ માવળંકર, બાળાસાહેબ ખેર અને ગોવિંદ વલ્લભ પંતે અલગ અલગ રીતે ગાંધીજીનું નામ મોકલ્યું.

એ વખતે નોબલ સમિતિના સલાહકાર અને ગાંધીજી વિશેની નોંધ લખનાર જેન્સ સીપે (Jens Seip) 1947ની ઘટનાઓને ગાંધીજી અને તેમની ચળવળની 'સૌથી મહાન જીત અને સૌથી મહાન હાર' ગણાવ્યાં.

તેમનો સંદર્ભ અનુક્રમે ભારતની આઝાદી અને ભારતના ભાગલા વિશે હતો.

ગાંધીજીના પ્રાર્થનાસભાના એક પ્રવચનનું એવું અર્થઘટન કરાયું હતું કે તેમણે પાકિસ્તાન સાથે યુદ્ધની હિમાયત કરી છે.

અર્થઘટન વિશે જાણ થયા પછી ગાંધીજીએ એ વિશે સ્પષ્ટતા કરી હતી. છતાં, નોબલ પ્રાઇઝ કમિટીમાં એ પણ એક મુદ્દો રહ્યો.

છેલ્લે 1948માં નોબલ પ્રાઇઝ માટેનાં નામ મોકલવાની છેલ્લી તારીખના બે દિવસ પહેલાં ગાંધીજીની હત્યા થઈ. એ વખતે જુદાં જુદાં છ ઠેકાણેથી ગાંધીજીનું નામ આવ્યું હતું.

તેમાંથી એક નામાંકન અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીના ફિલસૂફી વિભાગના પાંચ અધ્યાપકોએ, તો બીજું નામાંકન ફ્રાન્સની બોર્દુ યુનિવર્સિટીના કાયદા વિભાગના છ અધ્યાપકોએ મોકલ્યું હતું.

એ વખતે જેન્સ સીપે ગાંધીજીના જીવનના છેલ્લા પાંચ મહિનાની કામગીરી વિશે અને તેમણે પાડેલા રાજકીય-નૈતિક પ્રભાવ વિશે લખ્યું હતું, 'આ બાબતમાં ગાંધીજીની સરખામણી ધર્મના સંસ્થાપકો સાથે જ કરી શકાય.'

એ વર્ષે શાંતિના નોબલ પ્રાઇઝ માટે ગાંધીજી સહિત ત્રણ નામ હતાં. અગાઉ આ પારિતોષિક કદી મરણોત્તર અપાયું ન હતું, પણ ચોક્કસ સંજોગોમાં તે મરણોત્તર આપવાની જોગવાઈ હતી.

નોબલ સમિતિના સત્તાવાર અહેવાલ પ્રમાણે, મૂંઝવણ એ ઊભી થઈ કે પારિતોષિક પેટે મળતી રોકડ રકમ કોને આપવી?

ગાંધીજીના વારસદાર તરીકે કોઈ એક વ્યક્તિ કે સંસ્થા ન હતી કે જેને આ રકમ આપી શકાય.

ઘણી વિચારણા પછી એવો નિર્ણય લેવામાં આવ્યો કે એ વર્ષે ગાંધીજીના સન્માનમાં કોઈને પારિતોષિક ન આપવું.

18 નવેમ્બર, 1948ના રોજ નોબલ સમિતિએ જાહેર કર્યું કે 'કોઈ લાયક જીવંત ઉમેદવાર ન હોવાથી' એ વર્ષનું શાંતિ માટેનું નોબલ પ્રાઇઝ એનાયત નહીં થાય.


વિશ્લેષણ

Image copyright Getty Images

ગાંધીજીને નોબલ પારિતોષિક આપવાથી સમિતિનું માન વધશે, એ મતબલની રાજગોપાલાચારીએ 1923માં કરેલી ટિપ્પણી સાચી પડી.

ગાંધીજીને નોબલ પ્રાઇઝ ન આપવા બદલ નોબલ સમિતિએ ખુલાસા કરવા પડ્યા છે અને સમિતિના સભ્યોએ દિલગીરી પણ વ્યક્ત કરી છે.

1989માં દલાઈ લામાને આ પારિતોષિક અપાયું, ત્યારે સમિતિના અધ્યક્ષે કહ્યું હતું કે 'એક રીતે એ મહાત્મા ગાંધીની સ્મૃતિને અંજલિ છે.'

નોબલ પ્રાઇઝની સત્તાવાર વેબસાઇટ પર આ અંગે આખો એક લેખ મૂકવામાં આવ્યો છે. તેનું પહેલું જ વાક્ય છેઃ મહાત્મા ગાંધી વીસમી સદીમાં અહિંસાના સૌથી મજબૂત પ્રતીક સમા છે.

એ લેખનું મથાળું બહુ સૂચક છેઃMahatma Gandhi, the missing laureate. મતલબ, ગાંધીજી માટે નોબલ પ્રાઇઝની ખોટ નથી લાગતી, નોબલ પ્રાઇઝને ગાંધીજીની ખોટ સાલે છે.

(ઉર્વીશ કોઠારી ગુજરાતના જાણીતા પત્રકાર અને લેખક છે. બીબીસી ગુજરાતી સેવા પર બીજી ઑક્ટોબરથી શરૂ થયેલી 'બાપુ, બોલે તો...' શૃંખલામાં હેઠળ પ્રકાશિત લેખ છે. આ શ્રેણીના અન્ય લેખો નીચે વાચી શકાશે.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ