મોદીને કૃષ્ણ અને વિષ્ણુનો અવતાર માનનારા 'વિવાદાસ્પદ' જ્ઞાન દેવ આહૂજાની વ્યથા

જ્ઞાન દેવ આહૂજા Image copyright BBC/NARAYAN BARETH
ફોટો લાઈન જ્ઞાન દેવ આહૂજા

એક મુદત સુધી તેઓ એક ખાસ હિંદુત્વનો ચહેરો બની રહ્યા. પોતાનાં નિવેદનોથી સમાચારોમાં પણ ચમક્યા પરંતુ જ્યારે રાજસ્થાનમાં સત્તારૂઢ ભાજપ ચૂંટણી મેદાનમાં ઊતર્યો ત્યારે ધારાસભ્ય જ્ઞાન દેવ આહૂજાને પક્ષેએ ઉમેદવાર બનાવવાનો નનૈયો ભણી દીધો.

જ્ઞાન દેવ આહૂજા એ વખતે પણ વિવાદોમાં હતા જ્યારે તેમણે કહ્યું હતું કે જેએનયુ પરિસરમાંથી રોજ બે હજાર બૉટલ અને ત્રણ હજાર કૉન્ડોમ મળે છે.

હવે આહૂજા જયપુરમાં સાંગાનેરમાં બેઠક ઉપર અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. આહૂજા કહે છે, "મને આ બાબતે દુ:ખ નથી થયું પરંતુ હું પાર્ટીના આ નિર્ણયથી આશ્ચર્યમાં ચોક્કસ છું."

તણાયેલી ભ્રમરો, કાળી જાડી લાંબી મૂછો અને ગળામાં કેસરી દુપટ્ટો નાખીને રહેતા આહૂજા અલવર જિલ્લામાં રામગઢથી ત્રણ વાર ધારાસભ્ય ચૂંટાઈ ચૂક્યા છે. પરંતુ ચોથી વાર તેમને તક આપવા માટે ભાજપ તૈયાર ન થઈ.

આહૂજાની નજરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી કૃષ્ણ સ્વરૂપ અને વિષ્ણુના અવતાર છે. તેમના આ આરાધ્ય પોતાના શ્રદ્ધાળુને પક્ષની ટિકિટ અપાવી શક્યા નહીં.

આહૂજા કહે છે, "શક્ય છે કે મોદી અને અમિત શાહને આની જાણકારી ન હોય."


'હું ગૌરક્ષા માટે હિમાલયની દીવાલ જેમ હતો'

હમણા આહૂજા થોડી સાવચેતીથી બોલે છે. તેઓ કહે છે, "તેમની અલવરમાં અનુપસ્થિતિથી ગૌ રક્ષાના ઉદ્દેશને નુકસાન થશે."

"ગૌ હત્યા, ગેરકાયદે ખનન અને સિન્થેટિક દૂધ બનાવનારાઓ વિરુદ્ધ હું આખાય મેવાતમાં હિમાલયની દીવાલની જેમ અડીખમ ઊભો હતો. હવે કોણ જાણે શું થશે?"

તમે આ વાંચ્યું કે નહીં?

આહૂજાના ટીકાકારો કહે છે કે તેઓ ધ્રુવીકરણ કરીને ચૂંટણી જીતતા રહ્યા છે.

આહૂજા કહે છે, "હું અપરાધીઓ માટે કાળ છું. અપરાધી કોઈ પણ ધર્મના હોઈ શકે છે."

"મારા વિસ્તારમાં રસ્તા, સ્વાસ્થ્ય સેવાઓ અને વિકાસના મુદ્દા ઉપર કૉંગ્રેસ પણ ક્યારેય મને ઘેરી નથી શકી."

"હું સિંધી સમુદાયમાંથી આવું છું. મારા સમુદાયનું એકપણ ઘર એ વિસ્તારમાં નથી. તો પણ ત્રણ વાર ચૂંટણી જીત્યો છું."

"એ બીજા લોકો છે જે ચૂંટણીમાં એચ/એમ (હિંદુ/મુસ્લિમ) બનાવે છે."


અન્યાય બાબતે આશ્ચર્ય છે'

Image copyright MANSI THAPALIYAL

ભારતીય મજૂર સંઘના રસ્તે ભાજપની રાજનીતિમાં આવેલા આહૂજાએ પાર્ટીના વલણને તાનાશાહી અને પક્ષપાતપૂર્ણ વર્તન કહીને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.

આહૂજાએ કહ્યું, "હું આક્રમક અને સાહસી સ્વભાવનો નેતા છું, બહુ જ ગુસ્સાવાળો અને હાર્ડકોર હિંદુ નેતા છું પરંતુ વિશ્વાસ પણ ઝડપથી મૂકી દઉં છુ."

"પાર્ટીએ મને મારી ટિકિટ કાપવાનું કારણ પણ નથી આપ્યું અને મને વિશ્વાસમાં પણ નથી લીધો. આ બાબતે દુ:ખ નથી પરંતુ આ અન્યાયની બાબતે આશ્ચર્ય ચોક્કસ થયું છે."

આહૂજા કહે છે કે બંને મુખ્ય પક્ષોએ ટિકિટોને મુદ્દે પારદર્શકતા, સર્વે અને અભિપ્રાય મતનું નાટક કર્યું છે.

તેઓ ઉમેરે છે, "કાલે કોઈ નેતા પક્ષમાં સામેલ થયો અને તેને ઉમેદવાર બનાવી દેવામાં આવ્યો."

"આ સિદ્ધાંત વિહીનતા છે. આવા ગુલાંટ મારનારા નેતાઓને તો શરમ જેવું કંઈ નથી પરંતુ આ બંને પક્ષોને પણ શરમ ના આવી."

આહૂજા હજુ પણ ભાજપ તરફ વફાદારી પ્રદર્શિત કરે છે પરંતુ તેમની નજરમાં કૉંગ્રેસ એક ખરાબ પાર્ટી છે.

સાંગાનેર હાથથી બનેલા કાગળ અને વસ્ત્ર ઉદ્યોગને લીધે જાણીતું છે. અહીંયા ભાજપ અને કૉંગ્રેસના ઉમેદવાર પહેલેથી જ મેદાનમાં છે.

વર્તમાન ધારાસભ્ય અને ભૂતપૂર્વ મંત્રી ઘનશ્યામ તિવારી હવે ભાજપ સામે વિદ્રોહ કરીને ચૂંટણી લડી રહ્યા છે.

તિવારીને ભાજપના મુખ્ય નેતાઓમાં ગણવામાં આવતા હતા. હવે આ ચૂંટણી જંગમાં આહૂજા પણ સામેલ થઈ ગયા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો