ઝાંસીની રાણી અંગેની કવિતાની પંક્તિથી કેમ પરેશાન થાય છે સિંધિયા પરિવાર?

વસુંધરા રાજે, વિજ Image copyright GETTY/RAJETWITTER

હિંદીનાં જાણીતા કવયિત્રી સુભદ્રા કુમારી ચૌહાણની કવિતા 'ખૂબ લડી મર્દાની, વહ તો ઝાંસી વાલી રાની થી'ની એક પંક્તિ આજે પણ ગ્વાલિયરના સિંધિયા રાજવી પરિવારને તકલીફ આપે છે.

તે પંક્તિ છે: "અંગ્રેજો કે મિત્ર સિંધિયાને છોડી રાજધાની થી." મતલબ કે અંગ્રેજોના મિત્ર સિંધિયાએ પોતાની રાજધાની પણ છોડી દીધી હતી.

સુભદ્રા કુમારી ચૌહાણની આ પંક્તિનો હવાલો આપીને લોકો વારંવાર 1857ની લડાઈમાં સિંધિયા પરિવારે લક્ષ્મીબાઈનો સાથે નહોતો આપ્યો તેની વાત કરે છે.

વર્ષ 2010માં ગ્વાલિયરના ભાજપ શાસિત નગરનિગમની વેબસાઇટે સિંધિયા રાજવી પરિવાર પર આરોપ લગાવતા લખ્યું કે આ પરિવારે રાણી લક્ષ્મીબાઈને નબળો ઘોડો આપીને તેમની સાથે દગો કર્યો હતો.

તે સમયે જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થકોએ ભાજપનાં તત્કાલિન મેયર સમીક્ષા ગુપ્તાને વેબસાઇટ પરથી 'આપત્તિજનક' સામગ્રીને હટાવવાની માગ કરી હતી.

તે સમયે ગ્વાલિયરનાં ભાજપ સાંસદ યશોધરા સિંધિયા હતાં, જે સિંધિયા રાજવી પરિવારના જ છે.


લક્ષ્મીબાઈ પર શું બોલ્યાં હતાં વસુંધરા રાજે?

Image copyright AFP

ઑગસ્ટ 2006માં રાજસ્થાનનાં મુખ્ય મંત્રી વસુંધરા રાજે સિંધિયાને ઇન્દોર ખાતે રાણી લક્ષ્મીબાઈની પ્રતિમાના અનાવરણ માટે બોલાવવામાં આવ્યાં હતાં. ત્યારે તેમનો વિરોધ પણ થયો હતો.

વસુંધરાએ ત્યારે આ આરોપોનું ખંડન કર્યું હતું અને કહ્યું હતું કે એક મહિલા તરીકે તેમના મનમાં રાણી લક્ષ્મીબાઈ માટે ખૂબ જ સન્માન છે.

ચૂંટણી સમયે સિંધિયા પરિવાર પર આંગળી ચીંધવા માટે સમાયાંતરે ઇતિહાસને ખોદવામાં આવે છે.

મધ્ય પ્રદેશમાં ભાજપના વરિષ્ઠ નેતા કૈલાશ વિજયવર્ગીય પણ સિંધિયા પરિવાર પર આ પ્રકારના આરોપ લગાવી ચૂક્યા છે.

રાજસ્થાનના વર્તમાન મુખ્ય મંત્રી વસુંધરા રાજે સિંધિયા અને તેમનાં બહેન યશોધરા રાજે સિંધિયા ભાજપમાં છે, છતાં પણ ભાજપના નેતાઓ જ્યોતિરાદિત્ય સિંધિયાને નિશાન બનાવવા માટે રાણી લક્ષ્મીબાઈનો ઉલ્લેખ કરી હુમલો કરે છે.

વી. ડી. સાવરકરે પોતાના પુસ્તક 'ઇન્ડિયન વૉર ઑફ ઇન્ડિપેન્ડેન્સ 1857'માં આ પરિવારે અંગ્રેજોનો સાથે આપ્યો હોવાનો આરોપ લગાવ્યો છે.

તમે આ વાંચ્યું કે નહીં?

ગ્વાલિયર રાજવી પરિવારોના ઉપલબ્ધ દસ્તાવેજોનું અધ્યયન કરનારા આશિષ દ્વિવેદી કહે છે, "કવિતાને ઇતિહાસના ભાગરૂપે રજૂ ના કરી શકાય."

"સુભદ્રા કુમારી ચૌહાણે પોતાની કવિતામાં લખ્યું છે કે 'બુંદેલે હરબોલો (એક પ્રકારના કવિ) કે મુહ સે સુની કહાની થી' મતલબ કે આ સાંભળેલી વાત છે."

"તેમણે દસ્તાવેજોના અધ્યયન બાદ આ કવિતા નહોતી લખી. વી. ડી. સાવરકર પણ કોઈ ઇતિહાસકાર નહોતા."

ગ્વાલિયરના વણવંચાયેલા દસ્તાવેજ અંગે ભારતીય ઇતિહાસકારોએ જે પણ લખ્યું છે તે અંગ્રેજોના લખાણનો માત્ર અનુવાદ છે.

કોઈએ પણ ગ્વાલિયરના મૂળ દસ્તાવેજો વાંચવાની તસ્દી લીધી નથી.

તેઓ કહે છે, "ગ્વાલિયરના મૂળ દસ્તાવેજ ફારસી અને મરાઠીમાં છે. ત્યારે મરાઠી મોડી લિપિમાં લખાતી હતી અને મરાઠી દેવનાગરીમાં લખાતી હતી."

Image copyright TWITTER/VASUNDHARARAJE
ફોટો લાઈન રાજમાતા વિજયા રાજે સિંધિયા

ગ્વાલિયરમાં મોડી લિપિ વાંચનારાઓની સંખ્યા ઓછી છે. આ લોકો વિવાદના ડરથી બોલતા નથી.

આ લિપિને વાંચી શકતા એક વિદ્વાને બીબીસીને નામ ન છાપવાની શરત પર કહ્યું, "જો તમે આ દસ્તાવેજોનું અધ્યયન કરશો તો સ્પષ્ટ રીતે માલૂમ પડશે કે 1 જૂન 1858ના રોજ જવાજીરાવ ગ્વાલિયર છોડીને આગરા જતા રહ્યા હતા અને લક્ષ્મીબાઈ 3 જૂનના રોજ ગ્વાલિયર પહોંચ્યા હતા."

"સ્પષ્ટ છે કે જયાજીરાવ અંગ્રેજો સાથે લડવા નહોતા માગતા. 1857ની લડાઈમાં 90 ટકા રાજાઓ અંગ્રેજો વિરુદ્ધ નહોતા લડી રહ્યા અને તેમાં જવાજીરાવ સિંધિયા પણ સામેલ હતા."

"રાણી લક્ષ્મીબાઈને આ પરિવારે દગો આપ્યો હતો એ વાત સાચી નથી."

તેઓ ઉમેરે છે, "જવાજીરાવ સિંધિયા એ યુદ્ધમાં અંગ્રેજો વિરુદ્ધ શા માટે આવે જેમાં પહેલેથી જ ભારત હારી ચૂક્યું હતું."


સિંધિયા પરિવાર અને રાજનીતિ

ફોટો લાઈન ગ્વાલિયર કિલ્લો

આઝાદ ભારતમાં સિંધિયા પરિવારનો રાજનૈતિક સંબંધ કોંગ્રેસ અને ભાજપ બન્ને સાથે રહ્યો છે.

રાજમાતા વિજયા રાજે સિંધિયા જનસંઘની ચૂંટણી લડ્યાં હતાં. 1950ના દાયકામાં ગ્વાલિયરમાં હિંદુ મહાસભાની પકડ હતી.

મહારાજા જીવાજીરાવ સિંધિયાએ પણ હિંદુ મહાસભાને સરંક્ષણ આપ્યું હતુ.

આ કારણે અહીં કૉંગ્રેસ નબળી હતી. એ સમયે એવું કહેવાતું કે કૉંગ્રેસ ગ્વાલિયર રાજપરિવાર વિરુદ્ધ સખત પગલાં લઈ શકે છે.

દરમિયાન રાજમાતા સિંધિયાની મુલાકાત વડા પ્રધાન જવાહરલાલ નહેરુ સાથે થઈ.

આ મુલાકાત બાદ વિજયા રાજે સિંધિયા કૉંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડવા તૈયાર થયા.

વિજયા રાજે સિંધિયા 1957માં ગુના લોકસભા બેઠકથી ચૂંટણી લડ્યાં અને હિંદુ મહાસભાના ઉમેદવારને હરાવ્યા. જોકે, કૉંગ્રેસ સાથે વિજયા રાજેના સંબંધ સારા ન રહ્યા.

1967માં મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલાં પંચમઢી ખાતે યુવક કૉંગ્રેસનું રાષ્ટ્રિય સંમેલન યોજાયું હતુ.

આ સંમેલનનું ઉદ્ઘાટન ઇંદિરા ગાંધીએ કર્યું હતું. રાજમાતા વિજયા રાજે સિંધિયા આ સંમેલનમાં મુખ્ય મંત્રી દ્વારકા પ્રસાદ મિશ્રાને મળવા પહોંચ્યા હતાં.


જ્યારે રાજમાતાને રાહ જોવી પડી

Image copyright Getty Images
ફોટો લાઈન વિજયા રાજે સિંધિયા, અટલ બિહાર વાજપેયી, અડવાણી

મધ્ય પ્રદેશના વરિષ્ઠ પત્રકાર વિજયધર શ્રીદત્ત કહે છે, "રાજમાતા આ મુલાકાતમાં ચૂંટણી અને ટિકિટ વહેંચણીને લઈને વાત કરવા આવ્યાં હતાં."

"ડી. પી. મિશ્રાએ વિજયા રાજેને 10-15 મિનિટ રાહ જોવડાવી જે તેમની પર ભારે પડ્યું."

"રાજમાતાએ આ વાતનો એવો અર્થ કાઢ્યો કે મિશ્રાએ મહારાણીને તેમની ઓકાતનો અનુભવ કરાવ્યો છે."

"આ મુલાકાતમાં વિજયા રાજે સિંધિયાએ ગ્વાલિયરમાં વિદ્યાર્થી આંદોલનકારીઓ પર પોલીસના ગોળીબારનો મુદ્દો ઉઠાવ્યો."

"ત્યારબાદ સિંધિયાએ ગ્વાલિયરના એસપીને હટાવવા ડી. પી. મિશ્રાને પત્ર લખ્યો પરંતુ તેમણે સિંધિયાની વાત માની નહીં."

આ સંઘર્ષને કારણે સિંધિયાએ કોંગ્રેસને અલવિદા કહ્યું અને જનસંઘની ટિકિટ પર વિધાનસભાની ચૂંટણી લડ્યાં.

આ સાથે જ અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભા ચૂંટણી પણ લડ્યાં અને જીત્યાં પણ ખરાં. 1967 સુધી વિધાનસભા અને લોકસભાની ચૂંટણી એક સાથે જ થતી હતી.

મધ્ય પ્રદેશ વિધાનસભામાં વિજયા રાજે સિંધિયાના જવાથી કૉંગ્રેસ માટે મુશ્કેલીઓ ઊભી થઈ હતી.

કૉંગ્રેસ પક્ષના 36 ધારાસભ્યો વિપક્ષમાં આવી ગયા અને મિશ્રાએ રાજીનામું આપવું પડ્યું.

પ્રથમ વખત મધ્ય પ્રદેશમાં બિન-કૉંગ્રેસ સરકાર બની અને તેનો સમગ્ર શ્રેય રાજમાતા વિજયા રાજે સિંધિયાને ગયો.

આ સરકારનું નામ રખાયું સંયુક્ત વિધાયક દળ. આ ગઠબંધનનાં નેતા પોતે વિજયા રાજે સિંધિયા બન્યાં અને મિશ્રાના સહયોગી ગોવિંદ નારાયણ સિંહ મુખ્ય મંત્રી બન્યા.

આ ગઠબંધન પ્રતિશોધના આધાર પર સામે આવ્યું હતુ જે 20 મહિના સુધી ચાલ્યું.

ત્યારબાદ ગોવિંદ નારાયણ સિંહ ફરીથી કૉંગ્રેસમાં જતા રહ્યા. જોકે, આ રાજનૈતિક અસ્થિરતામાં જનસંઘ એક મજબૂત પક્ષ બનીને ઊભો થયો અને વિજયા રાજે સિંધિયાની છબી જનસંઘનાં મજબૂત નેતા તરીકે સામે આવી.


ઇંદિરા ગાંધી અને સિંધિયા પરિવાર

Image copyright Getty Images

વિજયા રાજે સિંધિયા 1971માં ઇંદિરા ગાંધીનો પ્રભાવ હોવા છતાં ત્રણ લોકસભા બેઠક જીતવામાં સફળ રહ્યાં.

ભિંડથી તેઓ પોતે જીત્યાં, ગુનાથી માધવરાવ સિંધિયા અને ગ્વાલિયરથી અટલ બિહાર વાજપેયી. જોકે, માધવરાવ સિંધિયા પછીથી જનસંઘથી અલગ થઈ ગયા.

કહેવાય છે કે જે રીતે વિજયા રાજે સિંધિયાને નહેરુ સમજાવવામાં સફળ રહ્યા અને રાજમાતા કૉંગ્રેસમાં સામેલ થયાં, તેવી જ રીતે ઇંદિરા ગાંધી માધવરાવ સિંધિયાને સમજાવવામાં સફળ રહ્યાં અને તેઓ કૉંગ્રેસમાં સામેલ થયા.

કટોકટી દરમિયાન રાજમાતા સિંધિયા પણ જેલમાં ગયાં હતાં અને ઇંદિરા ગાંધી પ્રત્યે તેમનો ગુસ્સો ક્યારેય ઓછો થયો નહીં.

આ જ કારણે તેમણે ઇંદિરા ગાંધી વિરુદ્ધ રાયબરેલીથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું.

વિજયધર શ્રીદત્તે પોતાના પુસ્તક 'શહ ઔર માત'માં લખ્યું છે કે એક વખત વિજયા રાજે સિંધિયાએ આક્રોશમાં આવીને દેવી અહિલ્યાનું ઉદાહરણ આપને કહ્યું હતું કે તેમણે પોતાના કુપુક્ષને હાથીના પગ નીચે કચડાવી દીધા હતા.

આ નિવેદન પર માધવરાવ સિંધિયાએ પ્રતિક્રિયા માગી તો તેમણે કહ્યું કે તેઓ એક મા છે અને તેમને આવું કહેવાનો અધિકાર છે.

આ પરિવાર માટે સૌથી દુખની ઘટના માધવરાવ સિંધિયાનું ઉત્તર પ્રદેશના મૈનપુર જિલ્લામાં વિમાન દુર્ઘટનામાં નિધન થવું હતી.

માધવરાવ સિંધિયા રાજીવ ગાંધીના નજીક ગણાતા હતા. હાલમાં રાજીવ ગાંધીના પુત્ર રાહુલ ગાંધી અને માધવરાવ સિંધિયાના પુત્ર જ્યોતિરાદિત્ય સિંધિયા નજીક છે.


રાજમાતા સિંધિયાનું એ ધર્મસંકટ

પોતાનાં માતાની જેમ માધવરાવ સિંધિયા પણ ગુના લોકસભાથી 1977માં કૉંગ્રેસના સમર્થનથી અપક્ષ ચૂંટણી લડ્યા અને જીત્યા પણ.

એ સમયે રાજમાતા માટે ધર્મસંકટની સ્થિતિ પેદા થઈ જ્યારે 1984માં સામાન્ય ચૂંટણીમાં માધવરાવ સિંધિયાએ અટલ બિહારી વાજપેયી વિરુદ્ધ ગ્વાલિયર લોકસભા ક્ષેત્રથી ઉમેદવારી નોંધાવી.

ગ્વાલિયરમાં જવાજીરાવ યુનિવર્સિટીના રાજનીતિ વિજ્ઞાનના પ્રોફેસર એપીએસ ચૌહાણ કહે છે કે રાજમાતા નહોતા ઇચ્છતા કે માધવરાવ સિંધિયા વાજપેયી વિરુદ્ધ ચૂંટણી લડે.

ચૌહાણ કહે છે, "રાજમાતાએ મન મારીને વાજપેયીનું કૅમ્પેન કર્યું પરંતુ દિલથી કોઈની પણ સાથે ના થઈ શક્યા. આ ચૂંટણીમાં માધવરાવ સિંધિયા જીત્યા હતા."


'કારસેવકોનું સ્વાગત કરનારાં રાજમાતા'

Image copyright TWITTER/JM_SCINDIA
ફોટો લાઈન સિંધિયા પરિવાર સાથે ઇંદિરા ગાંધી

વિજયા રાજે સિંધિયા ભાજપમાં પણ રહ્યાં અને 1989માં ગુના બેઠકથી જીત્યાં.

ત્યારબાદ 1991, 1996 અને 1998માં અહીંથી ચૂંટણી જીતતા રહ્યાં. રામજન્મભૂમિ આંદોલનમાં પણ વિજયા રાજેની ભૂમિકા રહી છે.

વિજયધર શ્રીદત્ત કહે છે કે રાજમાતાની ભૂમિકા ઉમા ભારતી અને અડવાણી જેવી નહોતી, પરંતુ તેઓ કારસેવકોનું સ્વાગત કરતાં હતાં.

1999માં તેઓ સક્રિય રાજનીતિથી હટી ગયાં અને 2001માં તેમનું નિધન થયું.

કહેવાય છે કે સિંધિયા પરિવાર ક્યારેય ચૂંટણી નથી હારતો પરંતુ વિજયા રાજે સિંધિયા 1980માં ઇંદિરા ગાંધી વિરુદ્ધ ચૂંટણી હાર્યાં હતાં અને વસુંધરા રાજે સિંધિયા પણ ભિંડથી 1984માં ચૂંટણી હાર્યાં છે.

મધ્ય પ્રદેશમાં ભાજપ અને સંઘના મૂળ જમાવવામાં આ પરિવારનો મહત્ત્વનો ફાળો છે.

કદાચ આ હવાલો આપીને જ ગત અઠવાડિયે એક ચૂંટણી રેલીમાં જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે ભાજપ તેમનાં દાદી (વિજયા રાજે સિંધિયા) પાછળ ચાલતો હતો.

જીવાજીરાવનો હિંદુ મહાસભા સાથેનો સંબંધ પણ આ પરિવારને અસહજ કરે છે કારણ કે ગાંધીની હત્યાનો આરોપ હિંદુ મહાસભા પર જ લાગ્યો હતો.

ભાજપ અને સંઘના આ પરિવાર સાથે આટલા ગાઢ સંબધ હોવા છતાં ભાજપના નેતા આ પરિવાર પર હુમલો કરવાની કોઈ તક નથી છોડતા.

એક સમય હતો જ્યારે આ પરિવાર ગ્વાલિયર વિસ્તારની ઓછામાં ઓછી 50 વિધાનસભા બેઠકો પર હાર-જીત નક્કી કરતો હતો, પરંતુ હાલમાં જ્યોતિરાદિત્ય સિંધિયા પોતાના લોકસભા ક્ષેત્ર ગુનામાં વિધાનસભાની ચાર બેઠકો પણ નથી જીતાડી શકતા.

ગ્વાલિયરમાં આ પરિવારની ટીકા કોઈ નથી કરતું પરંતુ ગ્વાલિયર શહેર બહાર આ બાબતને રેખાંકિત કરે છે કે જ્યોતિરાદિત્ય સિંધિયામાં પિતા માધવરાવ સિંધિયા જેવી વિનમ્રતા નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ