પંજાબમાં નિરંકારી ભવન પરના હુમલાનું કાવતરું પાકિસ્તાનમાં ઘડાયું હતું : અમરિંદર સિંઘ

કૅપ્ટન અમરિંદર સિંહ Image copyright AFP

પંજાબના મુખ્ય મંત્રી કૅપ્ટન અમરિંદર સિંઘે કહ્યું છે કે અમૃતસર પાસે નિરંકારી ભવન પર હુમલાનું કાવતરું પાકિસ્તાનમાં ઘડવામાં આવ્યું હતું.

ચંદીગઢમાં પત્રકારોને સંબોધિત કરતી વખતે અમરિંદર સિંઘે કહ્યું કે પંજાબ પોલીસે હુમલામાં સામેલ વિક્રમજીત સિંહ નામના શખ્સની ધરપકડ કરી છે.

જ્યારે ગ્રૅનેડ ફેંકનાર અવતાર સિંઘ નામનો બીજો શખ્સ હાલ ફરાર છે.

રવિવારે 18 સપ્ટેમ્બરે અમૃતસર પાસે આવેલા એક નિરંકારી ભવન પર ગ્રૅનેડ હુમલો કરવામાં આવ્યો હતો.

આ હુમલામાં ત્રણ લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 19 લોકો ઘાયલ થયાં હતાં.

Image copyright RAVINDER SINGH ROBIN/BBC

18 નવેમ્બરે મોટરસાઇકલ પર સવાર બે હુમલાખોરો નિરંકારી ભવન પહોંચ્યા હતા.

તેમાંથી એકે બહાર ઊભેલા લોકોને બંદૂક બતાવીને સવાલો કર્યા અને બીજાએ અંદર જઈને ગ્રૅનેડ વડે હુમલો કર્યો હતો.

આ મામલે વાત કરતા કૅપ્ટન અમરિંદર સિંહે કહ્યું, "આ હુમલાના મુખ્ય કાવતરાંખોર પાકિસ્તાન છે."

Image copyright Alamy
Image copyright Alamy

"આ બે યુવકોએ તો માત્ર હુમલાને અંજામ આપ્યો હતો. પોલીસે ખૂબ જ સારું કામ કર્યું છે."

"પોલીસે માત્ર 72 કલાકની અંદર એક આરોપીની ધરપકડ કરી લીધી છે."

"ધરપકડ કરાયેલા શખ્સની પૂછપરછ ચાલી રહી છે. ટૂંક સમયમાં ગ્રૅનેડ ફેંકનારા શખ્સની પણ ધરપકડ કરી લેવામાં આવશે."

તેમણે કહ્યું કે બ્લાસ્ટમાં ઉપયોગ કરવામાં આવેલી મોટરસાઇકલ પણ પોલીસે કબજે કરી લીધી છે.

કૅપ્ટન અમરિંદર સિંઘે કહ્યું કે આ આતંકવાદનો મામલો છે.


શું છે નિરંકારી સંપ્રદાય?

Image copyright RAVINDER SINGH ROBIN/BBC
ફોટો લાઈન નિરંકારી આશ્રમમાં દર રવિવારે સત્સંગ યોજાય છે, જેમાં વિસ્ફોટ થયો હતો

સંત નિરંકારી મિશન એક આધ્યાત્મિક સંસ્થા છે, જેનું મુખ્યાલય દિલ્હીમાં છે.

સંત નિરંકારી ખુદને કોઈ નવો ધર્મ માનતા ન હતા તથા વર્તમાન કોઈ ધર્મના ભાગરૂપ પણ માનતા ન હતા, તેઓ ખુદને માનવ કલ્યાણ માટે સમર્પિત આધ્યાત્મિક આંદોલનના ભાગરૂપ માનતા હતા.

આ મિશનના પાયામાં બાબા નિરંકારી આંદોલન હતું, જેની શરૂઆત બાબા દયાળ સિંઘે કરી હતી, પરંતુ તેઓ લાંબા સમય સુધી તેની સાથે જોડાયેલા ન હતા.

1929માં બાબા દયાળ સિંઘે તેની સ્થાપના કરી ત્યારે શીખ સમુદાયોએ તેનો ભારે વિરોધ કર્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા