મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ હારતા કેમ નથી

શિવરાજ કેમ નથી હારતા? Image copyright AFP

71 વર્ષના સરતાજસિંહ વાજપેયી સરકારમાં મંત્રી હતાં. હોશંગાબાદથી ચાર વાર લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા અને અહીંથી જ વર્ષ 1998ની લોકસભાની ચૂંટણીમાં અર્જુનસિંહને પણ હરાવ્યા હતા.

સરતાજસિંહ છેલ્લા 10 વર્ષથી સિવની માલવાથી વિધાયક હતા અને શિવરાજ સિંહ ચૌહાણની કેબિનેટમાં મંત્રી પણ બન્યા.

બીજેપીએ આ વખતે તેમને ટિકિટ ના આપી તો કૉંગ્રેસની ટિકિટ પર હોશંગાબાદથી ચૂંટણી મેદાનમાં ઊતર્યા છે.

Image copyright Alamy

તમે આ વાંચ્યું કે નહીં?

Image copyright Alamy

સરતાજસિંહને પૂછ્યું કે તેમની ટિકિટ કોણે કાપી નાખી તો તેઓ ભાવુક થઈ ગયા.

તેમણે કહ્યું કે જે બીજેપીમાં આખું જીવન રેડી દીધું અને પાર્ટીને આ વિસ્તારમાં ઊભી કરી, તેનો આ બદલો મળ્યો છે.

આટલું બધું થઈ ગયું છતાં, સરતાજસિંહ પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના વખાણ કરે છે. તેઓ કહે છે, "શિવરાજ ખૂબ જ મહેનતુ માણસ છે. તેઓ ક્યારેય કોઈની સાથે ગુસ્સામાં વાત કરતા નથી."

પોતાના વિરોધીઓની તુલનામાં શિવરાજસિંહ આ જ કિસ્સામાં મજબૂત સાબિત થાય છે.

ઘણા રાજકીય વિશ્લેષકો એ વાત માને છે કે શિવરાજસિંહની નમ્ર છબી તેમની રાજકીય મૂડી છે.


જ્યારે શિવરાજે નર્મદામાં છલાંગ મારી

Image copyright FB/SHIVRAJ

ભોપાલમાં 'ધ વીક'ના પત્રકાર દીપક તિવારીએ પોતાના પુસ્તકમાં એક પ્રસંગનો ઉલ્લેખ કર્યો છે.

તેમણે લખ્યું, "જાન્યુઆરી 2012માં તત્કાલીન કેન્દ્રીય નાણાં મંત્રી પ્રણવ મુખર્જી દેવાસમાં બૅન્કની નોટ છાપવાના નવા એકમનું ઉદ્ઘાટન કરવા ભોપાલ ઍરપૉર્ટ પર પહોંચ્યા ત્યારે તેમના સ્વાગત માટે શિવરાજસિંહ ચૌહાણ ઊભા હતા."

"પ્રણવ મુખર્જીને મળતા જ ચૌહાણે તેમના ચરણ-સ્પર્શ કરીને પ્રણામ કર્યા."

"ત્યાં સુરેશ પચૌરી અને કાંતિલાલ ભૂરિયા જેવા કોંગ્રેસી નેતાઓ પણ ઊભા હતા, પરંતુ પ્રણવ મુખર્જીએ તેમની તરફ સરખી રીતે જોયુંય નહીં."

"પ્રણવ મુખર્જી સાથે શિવરાજસિંહ ચૌહાણના સંબંધો ખુબ સારા રહ્યા છે."

રાજકીય વિરોધી અને રાજકીય વિશ્લેષકો પણ સ્વીકારે છે કે ચૌહાણ બદલાની ભાવના રાખતા નથી.

જોકે, એ જ લોકો અધિકારીઓ પણ નિયંત્રણ ના હોવાની તેમની 'નબળાઈ' પણ નોંધે છે.

સરતાજસિંહ પણ કહે છે, "મેં શિવરાજ સાથે કામ કર્યું છે અને આ દરમિયાન આ વાત અનુભવી છે કે તેઓ અધિકારીઓને નિયંત્રણમાં રાખી શકતા નથી."

શિવરાજસિંહ ચૌહાણનું ગામ જૈત નર્મદા નદીના કિનારે આવેલું છે.

ગામના લોકો જણાવે છે કે ચૌહાણ આવે ત્યારે કપડાં ઊતારીને નર્મદામાં છલાંગ મારી દે છે અને તરીને નદીના બીજા છેડે પહોંચી જાય છે.


શિવરાજના રાજકીય જીવનની શરૂઆત

Image copyright FB/SHIVRAJ

શિવરાજના રાજકીય જીવનની શરૂઆત 'અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ'થી થઈ હતી.

1988માં તેઓ 'ભારતીય જનતા ચુવા મોરચા'ના અધ્યક્ષ બન્યા.

1990માં પહેલીવાર બીજેપીએ ચૌહાણને બુધનીથી વિધાનસભા ચૂંટણી લડવા ઊભા રાખ્યા.

ચૌહાણે આખાય વિસ્તારની પદયાત્રા કરી અને પહેલી જ ચૂંટણી જીતવામાં સફળ થયા. ત્યારે ચૌહાણની ઉંમર ફક્ત 31 વર્ષની હતી.

વર્ષ 1991માં 10મી લોકસભા માટે સામાન્ય ચૂંટણી થઈ. અટલ બિહારી વાજપેયી આ ચૂંટણીમાં બે જગ્યાએથી ઊભા હતા.

એક ઉત્તર પ્રદેશના લખનૌ અને બીજા મધ્ય પ્રદેશના વિદિશાથી.

વાજપેયી બંને જગ્યાએથી જીત્યા.

તેમણે સાંસદ પદ માટે લખનૌની પસંદગી કરી અને વિદિશાને છોડી દીધું.

સુંદરલાલ પટવાએ વિદિશાની પેટા-ચૂંટણીમાં શિવરાજસિંહ ચૌહાણને પાર્ટીના ઉમેદવાર બનાવ્યા અને પ્રથમ વારમાં જ તેઓ ચૂંટણી જીતીને લોકસભા પહોંચી ગયા.


શિવરાજસિંહની એ એકમાત્ર હાર

Image copyright FB/SHIVRAJ

ત્યારબાદ અહીંથી ચૌહાણ વર્ષ 1996, 1998, 1999 અને 2004ની ચૂંટણીઓ પણ જીત્યા.

ચૌહાણને અત્યારસુધીના રાજકીય જીવનમાં ફક્ત એક વાર હારનો સામનો કરવો પડ્યો છે.

વર્ષ 2003ની મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં બીજેપીએ ચૌહાણને એ વખતના મુખ્યમંત્રી દિગ્વિજયસિંહ વિરુદ્ધ રાધોગઢથી ઊભા રાખ્યા હતા.

Image copyright Alamy
Image copyright Alamy

ત્યારે બીજેપીએ ઉમા ભારતીને મુખ્ય મંત્રી પદના ઉમેદવાર જાહેર કર્યાં હતાં.

આ ચૂંટણીમાં શિવરાજસિંહ ચૌહાણને હારનો સામનો કરવો પડ્યો હતો.

ચૌહાણને પણ ખબર હતી કે રાધોગઢથી દિગ્વિજયસિંહને હરાવવા અસંભવ છે, પરંતુ તેમણે પાર્ટીની વાત માની હતી.

ઉમા ભારતી કુલ આઠ મહિના અને બાબુલાલ ગૌર 15 મહિના મુખ્યમંત્રી રહ્યાં બાદ શિવરાજસિંહ ચૌહાણે 29 નવેમ્બર, 2005ના રોજ મધ્યપ્રદેશના 25મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.

શિવરાજસિંહ ચૌહાણે ઉમા ભારતી અને બાબુલાલ ગૌર બાદ પ્રદેશના ત્રીજા ઓબીસી મુખ્યમંત્રી બન્યા.

આ પહેલા રાજ્યના તમામ મુખ્યમંત્રીઓ સવર્ણો હતાં.

ઉમા ભારતીના ટૂંકા કાર્યકાળમાં તેમના વ્યક્તિત્વને કારણે પાર્ટીને ઘણી વાર શરમમાં મૂકાવું પડ્યું હતું.

ઉમા ભારતીના રાજીનામાને તરફ બીજેપીએ ભારે રાહતની નજરે જોયું હતું.

ત્રિરંગા પ્રકરણમાં ઉમાને રાજીનામું આપવું પડ્યું હતું ત્યારે સુષમા સ્વરાજનું એક પ્રખ્યાત નિવેદન સામે આવ્યું હતું, "ઈટ વૉઝ અ ગુડ રીડેન્સ." એટલે કે આ બહાને પાર્ટીને ઉમા ભારતીથી મુક્તિ મળી.


'અડવાણીનો એક ચાલાક નિર્ણય'

Image copyright AFP/GETTY IMAGES
ફોટો લાઈન વર્ષ 2005માં દિલ્હીમાં મળેલી બેઠકમાં મોદી, અડવાણી, વસુંધરા, શિવરાજ અને જસવંત સિંહ ઉપસ્થિત હતાં

ભોપાલના વરિષ્ઠ પત્રકાર લજ્જા શંકર હરદેનિયા કહે છે કે શિવરાજસિંહ ચૌહાણની પસંદગી અડવાણીનો ચાલાક નિર્ણય હતો.

હરદેનિયા કહે છે, "ઉમા ભારતી વિવાદ વધુ ઉભા કરતાં હતાં અને કામ ઓછું કરતં હતાં."

"આ કેવળ જનહિતના કામો પુરતું નહોતું બલકે તેઓ સંઘના ઍજન્ડાને પણ સરખી રીતે આગળ વધારી શકતાં નહોતાં."

"શિવરાજસિંહ ચૌહાણનું વ્યક્તિત્વ એવું છે કે કોઈ પણ વિવાદ ઉભો કર્યા વગર, પોતાની છબીને કટ્ટર બનાવ્યા વગર તેઓ એ બધું જ કરી લે છે, જે આરએસએસ ઈચ્છે છે. શિવરાજે આ સાબિત પણ કર્યું છે."

હરદેનિયા માને છે કે શિવરાજસિંહ ચૌહાણે પોતાના 13 વર્ષના કાર્યકાળમાં મધ્ય પ્રદેશનું બહુ જ શાંતિપૂર્વક રીતે હિંદુકરણ કર્યું છે.

તેઓ કહે છે, "આરએસએસ માટે જે કામ ઉમા ભારતી અને બાબુલાલ ગૌરે પણ નથી કર્યું તે શિવરાજસિંહ ચૌહાણે થોડા જ મહિનાઓમાં કરી દીધું હતું."

"ગાંધીજીની હત્યા પછી સરકારી કર્મચારીઓને આરએસએસ શાખાઓમાં જવા ઉપર પ્રતિબંધ હતો, જેને શિવરાજસિંહ ચૌહાણે નાબૂદ કર્યો હતો."

"તેઓ વયસ્કોને મફત તીર્થયાત્રાઓ કરાવે છે. લગ્નો કરાવે છે, જોકે, ભેદભાવના આરોપ લાગ્યા તો નિકાહ કરાવવાના પણ શરૂ કર્યા."

"ધર્મ પરિવર્તન વિરુદ્ધ કાયદો બનાવ્યો. ઉજ્જૈનમાં કુંભમેળો થયો ત્યારે હજારો-કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા."


શિવરાજ પહેલાં કેટલું 'ગજબ' હતું એમપી?

Image copyright AFP/GETTY IMAGES

મધ્યપ્રદેશમાં આ વાત દરેક વ્યક્તિ માને છે કે દિગ્વિજયસિંહના 10 વર્ષના શાસનકાળમાં રસ્તાઓ અને વીજળીના મુદ્દે હાલત ઘણી ખરાબ હતી.

હરદેનિયા પણ કહે છે કે એ વખતે ભોપાલથી સાગર જવામાં તેઓને છથી સાત કલાક જેટલો સમય લાગતો હતો, પરંતુ હવે સારા રસ્તાઓ બન્યા બાદ ત્રણથી ચાર કલાક જેટલો જ સમય લાગે છે.

શશાંક (નામ બદલ્યું છે) ભોપાલની આરટીઓ કચેરીમાં અધિકારી છે.

શશાંક કહે છે કે દિગ્વિજયસિંહના શાસનકાળમાં રસ્તા અને વીજળીની હાલત સારી નહોતી.

પરંતુ શશાંક એવું નથી માનતા કે બીજેપીની સરકાર આવતાં જ બધું ઠીક થઈ ગયું હતું.

તેઓ કહે છે, "હું ગુનાનો રહેવાસી છું. બીજેપી તો 2003માં જ સત્તામાં આવી ગઈ હતી, પરંતુ વીજળી અને રસ્તાની હાલત શિવરાજસિંહ ચૌહાણના આખરી પાંચ વર્ષો એટલે કે 2013થી 18 દરમિયાન ઠીક થઈ."


જયારે શત્રુધ્ન સિંહા બોલ્યા - એ ખાડાઓના રાજા

Image copyright Getty Images

બીજેપી નેતા અને 80ના દાયકાના અભિનેતા શત્રુધ્ન સિંહા 2003ની ચૂંટણીમાં ભોપાલ આવ્યા હતા ત્યારે તેઓએ દિગ્વિજય સિંહ ઉપર વ્યંગ્ય કરતા કર્હ્યું હતું,

"એ ગડ્ઢોં કે રાજા, ઉજાલે કે દુશ્મન, તેરા મુસ્કુરાના ગઝબ ઢા ગયા"

‏શત્રુધ્ન સિંહાના આ ટોણા વર્ષ 2003માં ઘણાં લોકપ્રિય થયા હતા અને બીજેપી નેતા ઘણીવાર એનો ઉપયોગ કરતા હતા.

જોકે, આજની તારીખમાં બીજેપીમાં શત્રુધ્ન સિંહા સાવ અળગા પડી ગયા છે.

મધ્યપ્રદેશની અર્થવ્યવસ્થા કૃષિ ઉપર આધારિત છે.

છેલ્લી વસતિ ગણતરી મુજબ, રાજ્યમાં કુલ શ્રમિકોનો 70 ટકા ભાગ ખેતીમાં લાગેલો છે.

Image copyright Alamy
Image copyright Alamy

'સેન્ટર ફૉર મૉનિટરિંગ ઇન્ડિયન ઈકૉનૉમી' અનુસાર, વર્ષ 2003માં મધ્યપ્રદેશનું દેશના કૃષિ ઉત્પાદનમાં પાંચ ટકા યોગદાન હતું જે વર્ષ 2014માં આઠ ટકા થઈ ગયું.

કૃષિ ઉત્પાદનમાં વધારા માટે ઘણાં કારણો જવાબદાર છે, પરંતુ મૂળ તો ઘઉંના ઉત્પાદનમાં વધારો સૌથી અગત્યનો છે.

મધ્યપ્રદેશ હંમેશા દેશભરમાં સૌથી વધુ દાળની ખેતી માટે જાણીતો વિસ્તાર રહ્યો છે પણ હવે અહીં ઘઉંનું ઉત્પાદન થઈ રહ્યું છે.

વર્ષ 2002થી 2007 દરમિયાન ભારતના કુલ ઘઉંના ઉત્પાદનમાં મધ્ય પ્રદેશનું યોગદાન નવ ટકા હતું.

એક દશકા બાદ આ આંકડો બેવડાયો છે અને હવે ભારતના કુલ ઘઉંના ઉત્પાદનમાં મધ્ય પ્રદેશના હિસ્સો 17 ટકા છે.

આર્થિક વિશ્લેષકોનું કહેવું છે કે આધારભૂત માળખામાં રોકાણો કરાયું જેમાં સિંચાઈ સૌથી અગત્યની છે અને આ સાથે જ સારી નીતિઓ પણ બની.

શિવરાજસિંહ ચૌહાણે પોતાના કાર્યાકાળમાં ઘઉંનાં એમએસપી ઉપર 100 રૂપિયાનું બોનસ આપવાનું શરૂ કર્યું હતું.

વરિષ્ઠ પત્રકાર વિજયદત્ત શ્રીધર કહે છે કે ચૌહાણે પહેલાં જ કાર્યકાળમાં પોતાને ખેડૂત નેતાના રૂપમાં ઓળખ મેળવવામાં સફળતા હાંસલ કરી લીધી હતી.

આ સાથે જ માર્કેટમાં પણ સુધારો કરવામાં આવ્યો.


એમપીના આંકડા શું કહે છે?

Image copyright FB/SHIVRAJ

આઈજીઆઈડીઆર (ઇન્કમ જનરેશન ઍન્ડ ઇનઇક્વાલિટી ઈન ઇન્ડિયાઝ ઍગ્રિકલ્ચર સૅક્ટર)ના 2016 ના રિસર્ચ પેપર અનુસાર વર્ષ 2003થી 2013 દરમિયાન ખેડૂતોની આવકમાં 75 ટકાનો વધારો થયો.

મધ્યપ્રદેશના ખેડૂતોના પરિવારોની પ્રતિ વ્યક્તિ આવક વર્ષ 2013માં 1,321 રૂપિયા થઈ ગઈ, પરંતુ તેમ છતાં આ ભારતીયોની સરેરાશ આવક કરતાં સાત ટકા ઓછી છે.

આનું સૌથી મોટું કારણ ગ્રામીણ આવક ઓછી હોવાનું છે.

આ એટલા માટે અગત્યનું છે કારણકે મધ્યપ્રદેશના 76 ટકા ખેડૂતો પાસે બહુ ઓછી જમીન છે અને તેઓ ગ્રામીણ મજૂરી ઉપર આધારિત છે.

જોકે, આ વર્ષોમાં મધ્યપ્રદેશ ઔદ્યોગિક સૅક્ટરમાં ખાસ કંઈ કરીના શક્યું.

વર્ષ 2003માં ભારતના ઔદ્યોગિક ઉત્પાદનમાં મધ્યપ્રદેશનું યોગદાન 3.6 ટકા હતું જે 2014માં 3.2 ટકા થઈ ગયું.

માનવ વિકાસ સૂચકાંકની બાબતે પણ રાજ્યની સ્થિતિ સારી નથી.

રાજ્યમાં શિશુ મૃત્યુદર 1000માં 47 છે પરંતુ રાષ્ટ્રીય સ્તરથી (34) વધુ જ છે.

શિક્ષણની બાબતે પણ મધ્યપ્રદેશની હાલત સારી નથી.

એએસઆઈઆરના સરવે અનુસાર રાજ્યના ગ્રામિણ વિસ્તારોની સરકારી શાળાઓમાં 17 ટકા બાળકો મૂળભૂત અક્ષરોને પણ ઓળખી શકતા નથી જયારે 14 ટકા બાળકોને પાયાના અંકગણિતનું પણ જ્ઞાન નથી.

આ તસવીર રાષ્ટ્રીય સ્તરે વધુ ચિંતાજનક છે કારણકે રાષ્ટ્રીય સ્તરે આ આંકડો 15 ટકા અને 12 ટકા છે.

મધ્યપ્રદેશમાં બેરોજગારીની સમસ્યા પણ વિકરાળ છે.

આ વર્ષના આર્થિક સરવે મુજબ, વર્ષ 2016ના અંત સુધીમાં પ્રદેશમાં 10.12 લાખ શિક્ષિત બેરોજગાર નોંધાયા હતા અને આમાંથી 422 જણાને જ વર્ષ 2017માં રોજગારી મળી શકી.


જાતિ અને ધર્મની ભૂમિકા

Image copyright FB/SHIVRAJ

ભારતમાં ચૂંટણી ફક્ત વિકાસના મુદ્દાઓ ઉપર નથી લડાતી.

જાતિ અને ધર્મની ચૂંટણીઓમાં બહુ અગત્યની ભૂમિકા હોય છે અને આ ચૂંટણી પણ કોઈ અલગ ચૂંટણી નથી.

બીજેપીને જીત અપાવવામાં આદિવાસી અને પછાત જાતિના મતોએ અગત્યની ભૂમિકા ભજવી છે.

શિવરાજસિંહ ચૌહાણ ખુદી કિરાર જાતિના છે જે મધ્ય પ્રદેશમાં ઓબીસી શ્રેણીમાં આવે છે.

બીજેપીએ પહેલીવાર કોઈ પછાત જાતિના વ્યક્તિને પ્રદેશના મુખ્યમંત્રી બનાવ્યા.

આઠ ડીસેમ્બર, 2003 પહેલાં બીજેપીના તમામ મુખ્ય મંત્રી સવર્ણો હતાં.

સ્વાભાવિક છે કે બીજેપીને એનો લાભ પણ થયો.

વર્ષ 2008માં રાજકીય વૈજ્ઞાનિક તારીક થાચિલ અને રૉનલ્ડ હૅરિંગનું એક રીસર્ચ પેપર આવ્યું હતું.

આ પેપરમાં તેઓએ મધ્યપ્રદેશના આદિવાસી વિસ્તારોમાં આરએસએસની ભૂમિકાને અગત્યની ગણાવી હતી.

આમાં કહેવાયું કે આદિવાસી વિસ્તારોમાં જમીની સ્તરે આરએસએસએ પોતાના પગ જમાવ્યા છે.

સંશોધન અહેવાલ અનુસાર, આનાથી આરએસએસની લોકપ્રિયતા વધવા ઉપરાંત હિંદુ ઓળખને પણ પ્રોત્સાહન મળ્યું છે.

છેલ્લી ત્રણ ચૂંટણીઓથી બીજેપી આદિવાસી વિસ્તારોમાં મોટી જીત હાંસલ કરતી આવી છે.

શિવરાજસિંહ ચૌહાણની સરકાર ઘણી લોકપ્રિય યોજનાઓ માટે પણ જાણીતી છે.

આ સરકાર છોકરીઓના જન્મ સમયે એક લાખ રૂપિયાનો ચેક આપે છે જેનાથી 18 વર્ષની ઉંમરે પૈસા મળે છે.

ગરીબોના ઘરોમાં કોઈના મૃત્યુ સમય પાંચ હજાર અંતિમવિધિ માટે આપવામાં આવે છે.

સરકાર સમૂહ લગ્નો કરાવે છે અને ખર્ચો પણ પોતે ઉઠાવે છે.

આદિવાસી અને દલિતોમાં સરકારની આ યોજના ઘણી લોકપ્રિય થઈ છે.


કૉંગ્રેસીઓ સાથે થયેલા મતભેદથી લાભ થયો?

Image copyright AFP

આ સાથે જ કૉંગ્રેસ પાર્ટીમાં અલગ-અલગ જૂથ વચ્ચે અને પરસ્પર મતભેદને કારણે પણ શિવરાજસિંહ ચૌહાણ માટે ચૂંટણી જીતવી સહેલી બની હતી.

મધ્યપ્રદેશમાં કૉંગ્રેસના ઘણા મોટા નેતા છે- દિગ્વિજય સિંહ, કમલનાથ, જ્યોતિરાદિત્ય સિંધિયા, સુરેશ પચૌરી, અજય સિંહ, અરુણ યાદવ અને કાંતિલાલ ભૂરિયા.

કહેવાય છે કે કૉંગ્રેસના મધ્ય પ્રદેશ નેતૃત્વમાં ઝાઝા રસોયા રસોઈ બગાડે વાળી હાલત છે. આવું થવાનું કારણ, સહુના પોત-પોતાનાં જૂથ છે.

Image copyright Alamy

'વ્યાપમ કૌભાંડ'ના ગંભીર આરોપ પણ શિવરાજ સિંહ ચૌહાણની સરકાર પર મુકાયા. ભાજપના કેટલાક નેતાઓ જેલમાં પણ ગયા પરંતુ કૉંગ્રેસ કોઈ મોટું આંદોલન ઊભું કરવામાં નિષ્ફળ સાબિત થઈ.

આ વખતની રાજ્યની ચૂંટણી વિશે કહેવાય છે કે કૉંગ્રેસ છેલ્લી ત્રણ ચૂંટણીઓની તુલનામાં એકજૂથ છે અને સારી સ્થિતિમાં છે.

બીજેપીના 15 વર્ષના શાસનકાળની વિરદ્ધ સત્તા વિરોધી લહેરની વાત પણ કહેવામાં આવી રહી છે.

આમ છતાં જો શિવરાજ સિંહ ચૌહાણ ચૂંટણી જીતવામાં સફળ રહે તો બીજેપી જ નહીં બલકે દેશના સૌથી મોટા નેતાઓની હરોળમાં તેઓ સ્થાન જમાવી લેશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ